જાણીતા કવિ અને ઇતિહાસવિદ્ સ્વ. રામધારીસિંહજી ‘દિનકર’ એ પોતાના પુસ્તક ‘संस्कृति के चार अध्याय’માં લખ્યું છે કે, ‘રામકૃષ્ણ પરમહંસ અનુભૂતિ હતા અને સ્વામી વિવેકાનંદ તેની અભિવ્યક્તિ બન્યા.’ વાસ્તવમાં રામકૃષ્ણદેવની જેટલી નિર્મળ અને આત્મજન્ય અનુભૂતિ, તેટલી જ વિવેકાનંદની નિ :શેષ અભિવ્યક્તિ – No more, no less.

સ્વામી વિવેકાનંદ આધુનિક જગતના પ્રથમ હરોળના વક્તા હતા. તેમનું ધર્મચિંતન અને ધર્મદર્શન જેટલું વ્યાપક અને તલસ્પર્શી હતું તેટલી જ તેમની અભિવ્યક્તિ વિષયનિષ્ઠ, અસરકર્તા અને નિરાયાસ હતી.

શિકાગો ખાતેની વિશ્વ ધર્મપરિષદમાં તેમણે ‘Sisters and Brothers of America’ એ શબ્દો દ્વારા પોતાના વ્યાખ્યાનનો જે જાદુઈ આરંભ કરેલો તે થકી આ ‘વિશ્વબંધુ’ ત્યાં બહુ પ્રસિદ્ધ થયેલા. એ પછીનાં સ્વામીજીનાં વાણી-વક્તવ્યોની આભા થકી અમેરિકા અંજાઈ ગયેલું. એ તેમનાં વ્યાખ્યાનો પછી ત્યાં તેમનાં સ્મરણોનો મુકુર બની ગયેલાં. તેમની બોલવાની છટા સંમોહક હતી, પરંતુ સૌમ્ય અને સાત્ત્વિક હતી. તેમની વાણીમાં આવેશમુક્ત અને અહિંસક ઊર્જા હતી. વિશાળ શ્રોતાવર્ગ તેમના અસ્ખલિત વાણીપ્રવાહમાં વહેવા લાગતો. સ્વામીજી જે કહેતા તે તેમની તીવ્ર અનુભૂતિનો અંશ બનીને આવતું. પરિણામે શ્રોતાઓ સાથે તેમના નિષ્કામ પ્રેમનો તંતુ જોડાઈ જતો. ફળસ્વરૂપ શ્રોતાવર્ગ જાણે વાણીરૂપી અપૂર્વ ચાંદનીના શીતલ તેજમાં અવગાહન કરવા લાગતો.

સ્વામીજીનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું – ઊંચી, સુદૃઢ દેહયષ્ટિ, ગૌરવર્ણ, નિર્મળ અને તેજસ્વી આંખો, હાથ-અંગોનું ભાવસહાયક સંચાલન, દૃઢ, શાલિન અને ભાવવાહી ચહેરો તથા બુલંદ, આરોહ-અવરોહયુક્ત હૃદયસ્પર્શી અવાજ. તેમનું વ્યક્તિત્વ તેજસ્વિતા અને મૃદુતાનો વિરલ સમન્વય હતું. આ સર્વ પાસાં તેમના વક્તવ્યને વધુ પ્રભાવક બનાવતાં. પ્રગટ પ્રભાવકતા, અંતરની બાલસુલભ સરળતા તથા પારદર્શિતા વગેરેનો સુભગ સમન્વય તેમના વ્યક્તિત્વમાં થયો હતો.

તેઓ કદી નોંધનો આધાર લઈને બોલતા નહીં. આમ છતાં માગણી થકી એક જ વિષય પર અનેકવાર સંઘેડાઉતાર વ્યાખ્યાન આપી શકતા, જેમાં પુનરાવર્તન ભાગ્યે જ જોવા મળતું.

દરેક વક્તવ્ય પછી તેઓ અચૂકપણે પ્રશ્નો પૂછવાનું કહેતા. શ્રોતાઓના પ્રશ્નોના જવાબો આપવામાં તેઓ ખીલી ઊઠતા. એકવાર એક ભક્ત-શ્રદ્ધાળુ શ્રોતાને લાગ્યું કે કેટલાક શ્રોતાઓ બિનજરૂરી પ્રશ્નો પૂછી વાતાવરણમાં વિઘ્ન નાખે છે. તેમણે પોતાનો આ ભાવ પ્રગટ પણ કર્યો. તેમને સાંભળ્યા પછી વિવેકાનંદજીએ સત્વરે કહ્યું કે, ‘પ્રશ્નો જેટલા અને જેવા પૂછવા હોય તેટલા અને તેવા પૂછો. જેટલા વધુ પ્રશ્નો તેટલું વધુ સારું. તમારાં પ્રશ્નો અને શંકાઓને નિ :સંશય કરવા જ હું અહીં ઊભો છું. તમને સમજાશે નહીં ત્યાં સુધી હું અટકવાનો નથી.’ તેમના આ અભિગમ પર એટલી તાળીઓ પડી કે સ્વામીજીએ સસ્મિત વિરામ લેવો પડ્યો.

તેમના જવાબો સ્પષ્ટ અને નિ :સંદેહ રહેતા. સ્વામીજીએ એક વખત ‘પુનર્જન્મવાદ’ પર પ્રવચન આપ્યું. આ અનુસંધાને પ્રશ્ન પુછાયો, ‘સ્વામીજી, શું તમને તમારા પૂર્વજન્મનું સ્મરણ છે ?’ જરાપણ વિલંબ વગર તેમણે સ્પષ્ટ કહેલું, ‘સ્પષ્ટરૂપે મને મારા ગત જન્મનું સ્મરણ છે. મને તે જન્મનું મારા બચપણથી જ સ્મરણ છે.’

સ્વામી વિવેકાનંદ ગૂઢ, ગંભીર, રહસ્યમય અને કઠિન વિષયોને સમજાવવામાં પણ મહાપ્રવીણ હતા. આવા વિષયોને પણ તેઓ પ્રાસાદિક તથા લોકભોગ્ય ભાષામાં ઢાળી શકતા. તેમનાં સર્વસંબોધનો, પ્રવચનો કાયમ સર્વજન માટે જ રહેતાં. એકવાર કહે, ‘ભારતના લોકો મને કહે છે કે મારે સામાન્ય વ્યક્તિઓ સમક્ષ વેદાંત વગેરેની વાતો નહીં કરવી જોઈએ. પરંતુ મારું કહેવાનું એ છે કે હું એક બાળકને પણ આવા વિષયો સમજાવી શકું છું.’

એક દિવસ વ્યાખ્યાનને અંતે કહ્યું, ‘હું હવે પછી તમને ‘મન, તેની શક્તિઓ તથા સંભાવનાઓ’ વિશે વાત કરીશ.’ પહેલેથી જાણ હોવાને કારણે અગણિત લોકો આ વિષય-વ્યાખ્યાન સાંભળવા આવેલાં. આ પ્રવચન અંતર્ગત સ્વામીજીએ બ્રહ્મચર્ય દ્વારા કેવી રીતે મનની શક્તિમાં વૃદ્ધિ થાય છેે તે અંગે વિશદ્ રજૂઆત કરી. મનને નિર્મળ બનાવવા માટે સમગ્ર નારીવર્ગ પ્રત્યે માતૃભાવ રાખવા પર તેમણે ભાર મૂકયો. તેમણે આ વિષયના અનુસંધાને એક મહત્ત્વની સ્પષ્ટતા પણ કરી. તેઓએ કહ્યું, ‘જ્યારે હું મારી માતાનો વિચાર કરું છું ત્યારે જાણે એવું અનુભવું છું કે તે અન્ય સર્વ સ્ત્રીઓ કરતાં ભિન્ન છે. આ ભિન્નતાને આપણે સ્વીકારવી જોઈએ.’ પછી થોડો વિરામ લઈ આગળ કહે, ‘આ ભિન્નતા આપણને દેખાય છે કારણ કે આપણે આપણા વ્યક્તિત્વને શરીરરૂપે જ બાંધી લઈએ છીએ. આ સમજવા માટે, આ સંજોગો પામવા માટે ‘ધ્યાન’ પર ભાર મૂકવો જોઈએ. તેમ કરવાથી આ વાત આપણને સમજાશે.’

સ્વામીજીની આ વાત વિશેષ ધ્યાન આપીને સમજવા જેવી છે. અન્ય સ્ત્રીઓ કરતાં આપણી જનેતા આપણને અલગ લાગે તે સહજ છે, પરંતુ જે ક્ષણે આપણે આપણું દેહભાન છોડી દઈશું તે ક્ષણે આપણી માતા અને જગદમ્બા એકરૂપ બની જશે, બની જવાં જોઈએ. ધ્યાન એટલે સ્વસ્થ થવું – પોતામાં સ્થિર થવું. આ સ્થિતિ સર્જાતાં શરીરભાન ગૌણ બનશે, છીછરી અનુભૂતિઓના સર્વ વાડા તૂટી જશે અને સકલજગત પરમાત્માના અંશરૂપ પ્રતીત થશે. આ અવસ્થા એટલે મનની પરિશુદ્ધ અવસ્થા.

વિવેકાનંદ નિર્ભિક હતા. ધાર્મિક જડતા, રૂઢિબદ્ધતા, અંધશ્રદ્ધા વગેરેને સમાજમાંથી હટાવવા તેઓ સ્પષ્ટ તથા આક્રમક રજૂઆત કરતા. આ પ્રવૃત્તિને તેઓ વૈચારિક બોમ્બ-પ્રહાર કહેતા. સમાજમાં કેટલાંક દૂષણો એવાં હોય છે જેની સામે આવી આક્રમકતા અનિવાર્ય બની જાય છે. કવિ સુંદરમ્ રચિત કાવ્ય ‘ઘણ ઉઠાવ’ની પંક્તિઓ અહીં યાદ આવે છે :

ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા;

ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા ઓ ભુજા!

સ્વામીજી પારખી ગયા હતા કે ધાર્મિક અને સામાજિક બદીઓનાં મજબૂત મૂળિયાંનો નાશ કરવા આવા હિંસક પ્રહારની જરૂર છે. આથી જ તેમની નિર્ભયતા અને આક્રમકતા સમાજના નવસર્જનનો પાયો નાખનારી બની.

આ જ નિર્ભિક્તા અને મક્કમતા થકી તેઓ વેદાંતના એ દર્શનને પ્રગટ કરતા જે ખ્રિસ્તી ધર્મની માન્યતાઓથી વિરુદ્ધ હતું. ‘પાપી હોવું, પશ્ચાત્તાપ કરવો’ વગેરે બાબતોનો તો તેઓ પાયામાંથી જ છેદ ઉડાડી દેતા. તેઓ કહેતા – ‘આ સંસાર એક અંધવિશ્વાસ છે. આપણે સૌ સંમોહિત થઈ તેને વાસ્તવિક માનીએ છીએ. આ સંમોહનને દૂર કરવાની પ્રક્રિયા જ મુક્તિની પ્રક્રિયા છે. આ બ્રહ્માંડ પ્રભુની લીલામાત્ર છે.’

આપણને યાદ હોવું જોઈએ કે સ્વામીજીએ અમેરિકામાં, મુખ્યત્વે ખ્રિસ્તીધર્મીઓ સમક્ષ આ બધું કહેલું. ‘ઈશ્વર સાથે એકત્વ સાધે ત્યાર પછી તેની વ્યક્તિગત સત્તાનું શું થાય ?’ એના જવાબમાં તેઓ કહેતા, ‘તમે આ દેશના (અમેરિકાના) લોકો તમારી વ્યક્તિગત સત્તા ગુમાવવાથી આટલા બધા ડરો છો શા માટે ? અરે! અત્યારે તો તમારી પોતાની વ્યક્તિગત (કે અંગત) સત્તા છે જ નહીં! જ્યારે તમે તમને પોતાને પૂરા જાણશો પછી જ તમે ઈશ્વરને જાણી શકશો અને તે પછી જ તમારી વ્યક્તિગત સત્તા આપોઆપ પ્રગટશે.’

એક સમયના ‘યુનો’ના મહામંત્રી અને ૧૯૬૧નું શાંતિનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર દાગ હેમરશિલ્ડે કહેલું – “The longest journey is the journey within’ સ્વામીજીનું ઉપરનું વિધાન પણ આ જ વાત કહે છે ને!

અહીં રામકૃષ્ણદેવ અને વિવેકાનંદ વચ્ચેનો એક સંવાદ નોંધવા જેવો છે. શિષ્ય (વિવેકાનંદ) ગુરુ (રામકૃષ્ણદેવ)ને પૂછે છે, ‘ઈશ્વર તો મન-બુદ્ધિની પહોંચની બહાર છે ને ?’ ગુરુ જવાબ આપે છે, ‘નહીં રે નરેન, સાદાં મન-બુદ્ધિની વાત છોડ!’ ૫રંતુ નિર્મળ મન-બુદ્ધિ હોય તો તેમાં ચૈતન્ય-તત્ત્વનું સ્પષ્ટ દર્શન થાય છે.’ ગુરુનું આ દર્શન શિષ્યની ઉપર્યુક્ત વાણીમાં પ્રતિબિંબિત થાય છે જેથી લેખના આરંભે નોંધેલું રામધારીસિંહજીનું વિધાન સાર્થક અને સિદ્ધ થાય છે.

વિવેકાનંદજીનાં વક્તવ્યો, તેમના ઉત્તરો વગેરે સર્વ રજૂઆતો હળવાશભરી અને રમૂજી હતી. વાસ્તવમાં સાચી-શુદ્ધ આધ્યાત્મિકતા સંપૂર્ણપણે નિર્બાેજ, હળવી, રમૂજી અને પ્રસન્નકર હોય છે. સાચો આધ્યાત્મિક પુરુષ નખશિખ નિર્બાેજ અને રમૂજી હોય છે. સ્વામી વિવેકાનંદ આનું જ્વલંત ઉદાહરણ હતા.

સ્વામીજી હળવા હતા, હસાવતાં હસાવતાં વાત કરતા. આ કારણે શ્રોતાઓ માટે તેમનાં પ્રવચનો ભાર વગરનાં, આનંદદાયી અને સુપાચ્ય બનતાં. એક વખતે તેમણે ઈશ્વરીય ચેતનાની વાત કરી. આ અનુસંધાને પ્રશ્ન આવ્યો, ‘સ્વામીજી, શું આપે ઈશ્વરને જોયા છે ?’ પલભરમાં ઉત્તર આપતાં તેમણે કહ્યું, ‘મારા જેવા મોટા માણસને જોઈને શું તમને એવું લાગે છે ?’ તેમની ટકોર એવી હતી કે આપણે જેમ પરસ્પરને જોઈ શકીએ છીએ અને મોટા કદનાને તરત ઓળખી લઈએ છીએ, તેવી રીતે ઈશ્વરને ન જોવાનો હોય! તેને જોનારાં ચક્ષુ સાવ નીરાલાં હોય છે.

એકવાર એવો પ્રશ્ન આવ્યો, ‘સ્વામીજી, શું આપે ક્યારેય સૂક્ષ્મ જીવને જોયો છે ?’ સત્વરે તેમણે ઉત્તર આપેલો, ‘હા, હા, કેમ નહીં, ભારતમાં અમે તેનો જ નાસ્તો કરીએ છીએ.’ અહીં આ રીતે આવા પ્રશ્નોમાં રહેલી નિરર્થકતાને અને ક્ષુદ્રતાને તેમણે હળવા વ્યંગમાં ઓગાળી નાખી છે.

વિવેકાનંદ નમ્ર હતા, સરળ-પારદર્શક હતા પરંતુ તેઓ પોતાને સંપૂર્ણ પહેચાનતા હતા, સ્વપ્રતિભાથી તેઓ સંપૂર્ણપણે અવગત હતા. તેમના હળવા જવાબોની પાછળ ક્યારેક તેમનું આ સ્વઆકલન તેમની આ સ્વઓળખ પ્રગટ થતી. થોડાં ઉદાહરણો જોઈએ.

એક વખત તેઓ કેટલાંક ચિત્રો નીરખી રહ્યા હતા. ચિત્રો જોતાં જોતાં જ્યારે તેઓ સ્થૂળ શરીરધારી સંન્યાસીઓનાં ચિત્રો પાસે પહોંચ્યા ત્યારે બોલ્યા, ‘આધ્યાત્મિક માણસો સ્થૂળકાય બની જાય છે. જુઓને હું કેવો સ્થૂળકાય છું!’

સાધુઓની ભવિષ્ય પારખવાની શક્તિ વિશે વાત કરતાં તેમણે કહેલું, ‘હું નાનો હતો ત્યારે એકવાર હું રમતો હતો તે સમયે ત્યાંથી પસાર થતા એક મહાત્માએ મારા માથા પર હાથ મૂકીને કહેલું, ‘બેટા, કોઈક દિવસ તું એક મહાન વ્યક્તિ બનીશ.’ પછી જરા અટકીને ગમ્મતના ભાવમાં કહે, ‘અને જુઓ, આજે મારી શી ભૂમિકા છે!’

ક્યારેક તેઓ વાત કરતાં કરતાં ‘તાત્ત્વિક છગ્ગો’ લગાવી દેતા. એક વેળા ગૃહસ્થજીવન અને સંન્યાસજીવનની તુલના કરતાં તેમણે કહેલું; ‘કોઈએ મને પૂછયું કે ‘તમે લગ્ન કર્યાં છે કે નહીં ?’ અને શ્રોતાઓને ઉત્કંઠિત કરવા જરા થોભ્યા. પછી આગળ કહે, ‘હું કોઈપણ કિંમત પર લગ્ન કરવા રાજી નથી, તે તો શેતાનની ચાલ છે.’ તેમના આ વિધાનથી શરૂ થયેલી તાલીઓને રોકવા માગતા હોય તેમ, સોનેટ કાવ્યની માફક ભાવ પલટો લેતાં, કહે, ‘છતાં સંન્યાસીપ્રથા વિરુદ્ધ મને એક આપત્તિ છે અને તે એ કે તે સમાજને સર્વોત્તમ માણસોથી વંચિત રાખે છે.’ તેમનો કહેવાનો ભાવ એ હતો કે સાચો સંન્યાસભાવ હોવો કે જાગવો તે પ્રતિભાસંપન્નતા છે. અને એવા પ્રતિભાવાન માણસો સંસાર-સમાજ છોડી દે તેમાં સમાજને નુકસાન છે.

સાધુ-સંતો હંમેશાં પ્રેમાળ જ હોય, વિવેકાનંદ પણ એવા પ્રેમના મહાસાગર હતા. તેઓ કહેતા – ‘મારા માટે બધા ચહેરા પ્રેમ કરવા યોગ્ય છે. આપણે સૌની અંદર ઈશ્વરદર્શનનો પ્રયાસ કરવો જોઈએ. દુષ્ટમાં દુષ્ટ માણસ પણ વત્સલ માતાનું જ સંતાન હોય છે. સજ્જનતા અને દુષ્ટતાથી સંયોજિત એવું આ વિશ્વ ભગવાનની લીલા જ છે.’

પાપને, પાપીને, દુષ્ટતાને વગેરેને જોવાની કેવી અભિનવ અને વિધેયક દૃષ્ટિ તેમની પાસે હતી !

આધ્યાત્મિક પ્રશિક્ષણ વિશે પણ તેમનું મૌલિક ચિંતન હતું. એક અમેરિકન પ્રાશ્નિકના જવાબમાં તેમણે કહેલું ‘જેટલું ઓછું ભણો તેટલું સારું. પુસ્તકો એ બીજાના મગજના અપચા સિવાય બીજું કાંઈ નથી, જેનાથી છૂટવું જરૂરી છે. તેના ભારથી મનને ભરી દેવાથી શું લાભ? ‘ગીતા’ તથા વેદાંત વિશેનાં સારાં સારાં પુસ્તકો વાંચો તે પૂરતું છે.’ આમ, તેમનો મત હતો કે અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાન અંગેનાં મોટાભાગનાં પુસ્તકો સામાન્ય કોટિનાં હોય છે. સ્વામીજી પોતાના સમયની જગતની શિક્ષણપ્રણાલિ અંગે પણ નારાજ હતા. કહેતા, ‘આજની શિક્ષણપ્રણાલિ જ ભૂલભરેલી છે. મનની ચિંતનશક્તિને સક્રિય કરતાં પહેલાં જ તેને વિભિન્ન વિગતોથી ઠાંસીને ભરી દેવામાં આવે છે. સૌ પહેલાં તો મનને સંયમ શીખવવો જોઈએ.’

સ્વામીજીને એક વખત એવો પ્રશ્ન પુછાયો, ‘પરિવ્રાજક સંન્યાસીઓમાં પ્રચલિત એવી ભિક્ષા માગવાની ટેવ-પ્રથામાં ત્યાગભાવનો વિરોધ નથી?’ સ્વામીજીએ આ મુદૃાને સમજાવતાં ઉત્તરરૂપે કહ્યું, ‘મહત્ત્વની બાબત મનનો ભાવ છે. ભિક્ષા માગતી વેળા મન જો અપેક્ષા રાખે અને મળવા-ન મળવાથી જો તે રાજી કે દુ :ખી થાય તો ભિક્ષા માગવી અયોગ્ય કહેવાય. ભિક્ષા દેનાર અને લેનાર બંનેનું મન તે ક્રિયા સાથે નિષ્કામભાવે જોડાયેલું હોવું જરૂરી છે.’ પછી વાતને મૂળતત્ત્વ સુધી લઈ જતાં કહે – ‘આપણા સૌના ભરણપોષણની વ્યવસ્થા જન્મ લીધા પૂર્વે જ નક્કી થયેલી હોય છે. જે વસ્તુ જેની છે, તે તેને જ મળશે.’

વિવેકાનંદે અમેરિકાના લોકોને પતંજલિના રાજયોગ વિશે વિશદતાથી સમજાવ્યું તેમજ તેના વર્ગાેની નિષ્ફળતાનો ભય સતાવતો હોય તો કહેતા, ‘રાજયોગ માટે આટલી માથાફોડ કરવાની શું જરૂર છે ? બીજા પણ માર્ગાે તો છે જ.’

આવી પળોમાં તેઓ એમ પણ કહેતા, ‘હું તમારી સાથે છું. મારા પર થોડો વિશ્વાસ રાખવા પ્રયાસ કરો.’ ધ્યાન, પ્રાણાયામ વગેરેનાં વ્યવહારુ પાસાં વિશે ઝીણવટથી સમજાવ્યા પછી કહેતા, ‘ધ્યાન દ્વારા ઈશ્વરનું ચિંતન કરી શકાય છે. રાજયોગ તે માટેનું એક સાધન છે.’ પછી યુવાનોને ઉદૃેશીને કહેલું – ‘તમારા માટે આ જ યોગ્ય સમય છે. ઈશ્વર વિશે ચિંતન કરવા માટે વૃદ્ધાવસ્થાની રાહ ન જુઓ, કારણ કે ત્યારે તમે તેનું ચિંતન નહીં કરી શકો. યુવાવયે જ ઈશ્વર અંગેના ચિંતનની શક્તિ વિકસે છે.’

સ્વામીજીના આ વર્ગાેમાં ભાગ લેનારાંઓને અનુભવ થતો કે અહીં વર્ગમાં સ્વામીજી સાથે એક એવો આત્મીય સેતુ રચાઈ જતો જે તેમનાં પ્રવચનો દરમિયાન સંભવિત નહોતો. આવા માહોલમાં વિવેકાનંદની વક્તૃત્વશક્તિની માફક તેમની વત્સલતા પણ માણવા જેવી હતી.
રામકૃષ્ણદેવ અને વિવેકાનંદ કેવળ વિશ્વપ્રસિદ્ધ જ નહીં, વિશ્વવંદ્ય ગુરુ-શિષ્ય. તેઓ જેમ અનુક્રમે અનુભૂતિ અને અભિવ્યક્તિનો પર્યાય બન્યા તેમ, મારા મતે, તેઓ તે ક્રમમાં ભક્ત અને જ્ઞાનીનો પર્યાય પણ હતા. એ સાચું છે કે ભક્ત માટે તો અનુભૂતિ જ સાધ્ય! ભક્ત કદી ન થાય વ્યક્ત. ભક્તિ તો સત્યની માફક અવાક્ જ શોભે. બીજી બાજુ જ્ઞાની જો અભિવ્યક્ત ન થાય, સંસારના દિગ્દર્શક ન બને તો તે ધર્મચ્યૂત ઠરે. તેઓએ અનુભૂતિ અને અભિવ્યક્તિના પોતપોતાના સ્વધર્મને ચરમસીમાએ ચરિતાર્થ કર્યો.

વિશ્વે રામકૃષ્ણદેવમાં ભારતીય અધ્યાત્મ પરંપરાના શ્રેષ્ઠ ભક્ત જોયા અને વિવેકાનંદ રૂપે એ ભક્તિસત્ત્વને વિશ્વમંચે મૂકનાર જ્ઞાનીશ્રેષ્ઠ જોયા. શિષ્યે ગુરુની અનુભૂતિને આત્મસાત્ કરી અને વિશ્વકલ્યાણ કાજે તેને વાચા આપી. અમેરિકા જેવા બુદ્ધિજીવી અને ભૌતિકવાદી દેશમાં સ્વામીજીના પ્રેમ તથા ધર્મદર્શને હૃદય અને પ્રજ્ઞારૂપી બે અશ્વોવાળો અભિવ્યક્તિરૂપી જે રથ દોડાવ્યો છે તે અવિરામ દોડતો રહેશે. ભગીરથે જેમ ગંગાવતરણ કર્યું તેમ વિવેકાનંદે પૃથ્વી પર સૂક્ષ્મ, નિર્મળ અને જીવંત ધર્મનું અવતરણ કર્યું. એ પાવન ઘટનાને સવાસો વર્ષ થયાં તે નિમિત્તે સ્વામીજીની દિવ્ય પ્રતિભાને મારા સો સો પ્રણામ.

Total Views: 264

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.