મહાત્મા ગાંધી દીક્ષિત નઈ તાલીમની પ્રાસંગિકતા કોઈ પણ શંકા કે સંશયથી પર છે. વાસ્તવમાં તે એક એવું કેળવણી તત્ત્વજ્ઞાન છે જે અમર્ત્ય છે. ખરેખર તો તે સ્થળ અને કાળથી પર એવું એક જીવનદર્શન છે.

નઈ તાલીમના કેળવણી-તત્ત્વજ્ઞાનની પ્રાસંગિકતા કે પ્રસ્તુતતા સમજવા-તપાસવા પૂર્વે તેના ઇતિહાસમાં તેમજ તેના સિદ્ધાંતોમાં નજર નાખવી જોઈએ.

નઈ તાલીમનો આવિષ્કાર

ગાંધીજીના આ કેળવણીચિંતનનો આવિષ્કાર ૧૯૩૭માં હરિપુરા (ગુજરાત) ખાતે ભરાયેલા અખિલ ભારતીય કોંગ્રેસ અધિવેશન દરમિયાન થયો. ત્યારે પ્રથમવાર બાપુએ સ્પષ્ટ સ્વરૂપમાં પોતાના કેળવણી વિષયક વિચારોની આછી ઝલક આપી. ગાંધીજીના અનેક અભિનવ વિચારો તથા તેને અનુરૂપ પગલાં દ્વારા ભારત આઝાદીની નજીક જઈ રહ્યું હતું. બહુ ઉચિત રીતે ગાંધીજી અને તેમના મુખ્ય સાથીઓ એ સમયે આઝાદી પછીના ભારત અંગે ચિંતન કરવા લાગ્યા હતા. આ અનુસંધાનમાં જ રાષ્ટ્રપિતાએ ૧૮ રચનાત્મક કાર્યક્રમો ભારતને આપ્યા. તેમાંનો એક કાર્યક્રમ તે નઈ તાલીમના સિદ્ધાંતો મુજબનું કેળવણીનું માળખું. બાપુ આર્ષદ્રષ્ટા હતા. તેઓ જોઈ શકયા હતા કે આઝાદી પછી ભારતે ટકવા-વિકસવા માટે સજ્જ થવું હશે તો તે અંગેનું પ્રધાનક્ષેત્ર કેળવણી જ છે. કેળવણી એક એવું માધ્યમ છે જે દ્વારા પ્રજા, સમાજ કે રાષ્ટ્ર પોતે પ્રાપ્ત કરેલી કોઈ પણ સિદ્ધિને જાળવી અને પોષી શકશે. આનું કારણ એ છે કે જે પ્રાપ્ત થયું છે તેને ઊગતી પેઢીમાં રોપવાનું પવિત્રકાર્ય કેળવણી કરે છે. આ દ્વારા મૂલ્યવાન સિદ્ધિને પેઢી દર પેઢી સાચવવા માટે તથા તેને નવા સંજોગોમાં ગોઠવવા માટે ઊગતી પેઢીને ઘડવાની હોય છે. આઝાદી તો ખરી જ, પરંતુ તેના કરતાં ઘણી મૂલ્યવાન અને સૂક્ષ્મ ભેટો મહાત્માજીએ ભારતમાતાને ચરણે ધરી છે. તેમ છતાં ગાંધીજીએ પોતે પણ ‘નઈ તાલીમને ભારતને આપેલી પોતાની છેલ્લી અને શ્રેષ્ઠ ભેટ’ ગણાવી છે. તેમને ખાતરી હતી કે નૈતિક આઝાદી પછી સાંસ્કૃતિક આઝાદી સુધી પહોંચવા માટે પ્રજાને કેળવ્યા સિવાય અન્ય માર્ગ નથી.

વર્ધા યોજના

હરિપુરા ખાતે ગાંધીજીએ પ્રગટ કરેલા પોતાના કેળવણી-તત્ત્વજ્ઞાનને ઉચિત અને સ્પષ્ટ આકાર આપવા માટે ડૉ. ઝાકિર હુસૈનની અધ્યક્ષતામાં સાત સભ્યોની એક સમિતિ રચવામાં આવી. તેના અન્ય છ સભ્યો હતા. ૧. આર્યનાયકમજી ૨. ખ્વાજા ગુલામ સૈૈયુદીન ૩. વિનોબા ભાવે ૪. કાકા કાલેલકર ૫. જે.સી.કુમારપ્પા અને ૬. કિશોરલાલ મશરૂવાળા. સમિતિના આ સાત સભ્યો એટલે આધુનિક સપ્તર્ષિ ! તેઓએ નઈ તાલીમને જે ઉચિત આકાર આપ્યો હોય તેમાં વિદ્યાદેવીએ તો માત્ર તથાસ્તુ કહેવાનું જ રહે.

આ સમિતિએ મહારાષ્ટ્રમાં આવેલ સેવાગ્રામ-વર્ધા ખાતે આ અંગે બેઠકો યોજી નઈ તાલીમના મુદ્દાઓ પર વિચારણા કરી. બાપુના ટૂંકા પરંતુ પાયાના મુદ્દાઓ પર ચિંતન-વિચારવિનિમય કરી નઈ તાલીમને સ્પષ્ટ આકાર આપ્યો અને તેને ‘વર્ધાયોજના’ એવું નામ આપ્યું. હકીકતમાં નઈ તાલીમ એ આ કેળવણીદર્શનનું પ્રચલિત નામ છે, જ્યારે વર્ધાયોજના એ મૂળ ઓળખ છે. આ બે ઉપરાંત સર્વસ્વીકૃત એવાં બીજાં બે નામોે પણ નઈ તાલીમને અપાયાં છે – ૧. પાયાની કેળવણી અને ૨. બુનિયાદી તાલીમ.

૧૮૩૫માં મેકોલે દ્વારા આરંભાયેલી ભારતીય શિક્ષણનીતિએ ભારતીય શિક્ષણના હાલ-હવાલ કરી નાખેલા. તેમાંથી ભારતને બહાર લાવવાનો બહુ સુરેખ નકશો એટલે ગાંધીજીની નઈ તાલીમ. પરંતુુ નઈ તાલીમને કેવળ મેકોલેની નીતિના પ્રત્યાઘાતરૂપે જોવાની ભૂલ હરગીજ ન કરાય. સત્ય એ છે કે પ્રાચીન ભારતમાં ઋષિમુનિઓએ આશ્રમો સ્થાપીને જે શિક્ષણ-કેળવણીની ઉત્કૃષ્ટ પરંપરા સ્થાપેલી તેનું આ અભિનવ રૂપ હતું. સુષુપ્ત ભારતને પ્રબુદ્ધ કરવા ગાંધીજીએ જે સાંસ્કૃતિક ક્રાંતિ આરંભેલી તેનું આ પ્રધાન પાસું હતું.

શિક્ષણ અને કેળવણી

નઈ તાલીમ એ મૂળભૂત રીતે એક કેળવણીનું તત્ત્વજ્ઞાન છે એટલે તેને સમજ્વા શિક્ષણ અને કેળવણી બંને શબ્દોને સમજવા પડે. બંને વચ્ચેનાં તફાવત-સામ્ય પર નજર નાખીએ.

૧. શિક્ષણ એટલે વિષયશિક્ષણ, તે શાળામાં શીખવવામાં આવે. દા.ત. ગણિત, ઇતિહાસ, વિજ્ઞાન વ.

૧. કેળવણી એટલે જીવનવિદ્યા, માનવતાથી કેમ જીવાય તેની કળા શીખવે તે કેળવણી. તે ૨૪ કલાકના સહનિવાસ દ્વારા આશ્રમ કે સંસ્થામાં આપી શકાય.

૨. ઈશોપનિષદ્ની ભાષામાં કહીએ તો શિક્ષણ એટલે અવિદ્યા (ભૌતિક વિદ્યા) શીખવી.

૨. ઈશોપનિષદ્ની ભાષામાં કેળવણી એટલે જીવનવિદ્યાથી આરંભી અધ્યાત્મવિદ્યા સુધીની જ્ઞાનપ્રાપ્તિ.

૩. શિક્ષણ એક ઉંમરે પૂરું થાય અને માણસ તેનો ઉપયોગ ધંધામાં કે નોકરીમાં કરે.

૩. કેળવણી આજન્મ ચાલે, તે માનવીને ભૌતિક નહીં, આંતરિક સમૃદ્ધિ બક્ષે.

૪. માણસ અશિક્ષિત હોય તો ચાલે.

૪. દરેક માણસે કેળવાવું તો પડે જ.

વાસ્તવમાં શિક્ષણ એ કેળવણીનો એક ભાગ છે. નઈ તાલીમના સિદ્ધાંતો એ કેળવણીના સિદ્ધાંતો છે, જેમાં શિક્ષણ આવી જાય છે. હવે એક દૃષ્ટાંત દ્વારા આ બંને શબ્દો સમજીએ. ઈ.સ.ની બીજી-ત્રીજી સદીમાં બૌદ્ધ મહાયાનપંથી આચાર્ય નાગાર્જુન થઈ ગયા. તેઓ મહાદાર્શનિક, સારા રસાયણશાસ્ત્રી અને જાણીતા આયુર્વેદાચાર્ય હતા. તેમની પાસે આયુર્વેદનું ભણી રહેલા બે શિષ્યોની તેમણે આખરી પરીક્ષા લેવાની હતી. પરીક્ષાનો દિવસ નક્કી કરી તેમણે એક શિષ્યને જ્વર (તાવ)ની અને બીજાને વ્રણ (ઘા)ની દવા તૈયાર કરી લાવવા કહ્યું. પરીક્ષાના દિવસે બન્યું એવું કે તાવની દવાવાળા શિષ્યને રસ્તામાં તાવથી પીડાતો માણસ મળ્યો, એટલે તેણે તાવની દવા તેને આપી અને પોતે દવા વગર પરીક્ષા માટે હાજર થયો; ઘા રુઝવવાની દવા લાવનારને રસ્તામાં, ઘાથી પીડાતો છોકરો મળ્યો, પરંતુ આ શિષ્યે ઘાની દવા તેને ન આપી અને દવા સાથે હાજર થયો. આ બંને સંયોગો આચાર્યશ્રીએ જ ઊભા કરેલા. તેમણે પ્રથમ શિષ્યને દીક્ષા આપી અને દ્વિતીયને નાપાસ કર્યો. શા માટે? કારણ કે વિદ્યા તો બંનેને અડી હતી પરંતુ તે વિદ્યા સાથે જોડાયેલું ધર્મજ્ઞાન પ્રથમને હતું પરંતુ બીજાને નહોતું. પ્રથમ શિષ્ય શિક્ષણ અને કેળવણી બંને પામ્યો હતો, બીજો કેવળ શિક્ષિત હતો. કેળવણી એટલે જ્ઞાન સાથે ચારિત્ર્યનો સમન્વય.

નઈ તાલીમના સિદ્ધાંતો

નઈ તાલીમના મૂળભૂત સિદ્ધાંતોને તપાસીશું એટલે ખ્યાલ આવશે કે તેમાં વિદ્યા અને ઘડતર બંનેનો સુભગ સમન્વય છે. તેમાં છાત્રાલયને મુખ્ય અને વિદ્યાલયને તેના સહાયક તરીકે સ્થાન છે. નઈ તાલીમના મૂળભૂત સિદ્ધાંતો નીચે પ્રમાણે છે :

૧. નઈ તાલીમમાં શિક્ષણનું માધ્યમ જન્મની ભાષા અર્થાત્ માતૃભાષા રહેશે.

૨. નઈ તાલીમનું શિક્ષણ કોઈ ઉત્પાદક શ્રમ- ઉદ્યોગ સાથે જોડાયેલું હશે.

૩. નઈ તાલીમનાં શિક્ષણ અને ઉદ્યોગશ્રમનો માનવજીવન સાથે અનુબંધ હશે.

૪. હકારાત્મક નાગરિકત્વ અને અહિંસક સમાજરચના એ નઈ તાલીમનું લક્ષ રહેશે

આ સિદ્ધાંતોને જરા વિસ્તારથી સમજીએ.

૧. ગાંધીબાપુએ બહુ ચતુરાઈપૂર્વક તારવી લીધું કે ભારતીય શિક્ષણ ખરાબે ચડ્યું છે, તેનું મૂળ કારણ અંગ્રેજોની સત્તાનું, તેમની સંસ્કૃતિનું અને તેમનાં ભાષા-સાહિત્યનું આક્રમણ છે. આને ખાળવાનું પ્રથમ પગલું છે શિક્ષણનું માધ્યમ માતૃભાષા. જગત આખામાં કોઈ કાળે અને ક્યાંય શિક્ષણનું માધ્યમ માતૃભાષા ન હોય એવું બન્યું નથી, કારણ કે માતૃભાષા માધ્યમ ન હોય તે સંપૂર્ણ અતાર્કિક અને અકુદરતી છે. ગાંધીજીએ તેને માટે ‘જન્મભાષા’ એવો શબ્દ વાપરીને માતૃભાષાની વ્યાખ્યા વધુ સચોટ કરી.

૨. અંગ્રેજી શાસનના આ ગાળામાં બીજી મોટી કરુણતા એ હતી કે શિક્ષણમાં મહેનત, કૌશલ અને કોઈ હાથવગા હુન્નરને સ્થાન જ નહોતું. આની બે ખતરનાક અસરોથી ભારતીય સમાજ ગુંગળાતો હતો. ૧. બુદ્ધિજીવી અને શ્રમજીવી એવા બે વિઘાતક વર્ગાે પડી ગયા હતા. ૨. શિક્ષિત યુવાન નોકરી ન મળે તો પાંગળો અને નિ :સહાય થઈ બેસી રહેતો હતો. શરીરશ્રમનું આવું અવમૂલ્યન અને તેની આટલી અવગણના આપણા સ્વાસ્થ્ય અને સર્વાંગી વિકાસ માટે કેટલી નકારાત્મક હતી, તે સમજાય તેવું છે. આવા સમયે માનવજીવનમાં પરિશ્રમની અનિવાર્યતા પુન :સ્થાપિત કરવાની જરૂર હતી. અને નવી પેઢીએ કોઈ હુન્નરમાં કૌશલ કેળવવાનું હતું. નઈ તાલીમે ભણતર સાથે ઉદ્યોગને જોડીને એક પગલે અનેક દૂષણો હણવાનો પુરુષાર્થ કર્યો.

આ ઉદ્યોગ-શ્રમ એટલે કેવળ શારીરિક મહેનત નહીં ! નઈ તાલીમે કેળવણી સાથે ઉદ્યોગ અને શ્રમને બહુ ઊંચી દૃષ્ટિથી જોડી તેનું સ્વરૂપ સ્પષ્ટ દોરેલું. જેમ કે ૧. આવો કોઈ પણ ઉદ્યોગ ઉત્પાદક હોવો જોઈએ. ૨. તે ઉદ્યોગ સ્થાનિક સમાજમાં સહજ, સાર્વત્રિક અને ઉપયોગી હોવો જોઈએ. ૩. વિદ્યાર્થી ઉદ્યોગ-શ્રમ એની રીતે કરે કે જેથી તે અંગેનાં તેનાં સમજદારી અને કૌશલ વિકસતાં જાય અને શરીરશ્રમ તેના જીવનનું અંગ બની જાય. ૪. આ ઉત્પાદન સરકારે યા કોઈ બીજી એજન્સીએ સારું વળતર આપી ખરીદી લેવું જોઈએ અને તેની આવક શાળા-વિદ્યાર્થીઓ માટે વાપરવી જોઈએ.

૩. કેળવણી એટલે અનુકૂલન અને અનુબંધ સિદ્ધ કરવાની તાલીમ. નઈ તાલીમ એવો માનવી ઘડવા માગે છે જે આસપાસના, નજીકના, દૂરના એવા સર્વ સમાજ સાથે, કુદરતનાં સર્વ પરિબળો સાથે સુમેળ સાધે. અનુબંધ એટલે વિધેયક સંબંધો. નઈ તાલીમનો સિદ્ધાંત છે કે વિદ્યાર્થી વિદ્યા (ભણવાના વિષયો), ઉદ્યોગ, સમૂહજીવન, સમાજજીવન, નિસર્ગ, સ્વજીવન વગેરે વચ્ચે પરસ્પરાવલંબી સંબંધ સ્થાપી સ્વનું અને સર્વનું કલ્યાણ કરવામાં પ્રદાન આપે. જેમ આપણા શરીરનાં નાનાં-મોટાં અંગો પોતાની કાર્યક્ષમતા અને તંદુરસ્તી સાચવીને તે દ્વારા પૂર્ણ શરીરની સ્વાસ્થ્ય જાળવણીમાં યોગદાન આપે છે, તેમ પ્રત્યેક વ્યક્તિ સમાજનું એવું અંગ બને જે દ્વારા સ્વનું, સર્વનું અને સમાજનું સ્વાસ્થ્ય જળવાય અને સંવર્ધિત થાય. નઈ તાલીમનું લક્ષ છે સંવાદી નવી પેઢીનું નિર્માણ.

૪. જેવી રીતે આપણાં શાસ્ત્રોએ ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થાેને મોક્ષ પુરુષાર્થનાં સોપાન ગણ્યાં છે, તેવી રીતે બાપુની નઈ તાલીમ પણ ઉપરના ત્રણ સિદ્ધાંતો દ્વારા શીલસંપન્ન માનવીનું નિર્માણ ઇચ્છે છે. આવો શીલવાન માનવ એટલે સત્યનો જે ઉપાસક છે, અહિંસા જેની અનુભૂતિ છે, અને જે સમાજના પ્રત્યેક એકમમાં સમાનતા, સ્વાતંત્ર્ય અને બંધુતા સ્થાપવા અને સ્થિર કરવા ઉત્સુક અને સક્રિય છે. કવિ નરસિંહ મહેતાના શબ્દોમાં કહીએ તો ‘વૈષ્ણવજન’ અને પ્રાચીન ગ્રીસના મહાદાર્શનિક સોક્રેટિસના શબ્દોમાં કહીએ તો ‘ડાહ્યો માણસ’ એટલે શીલસંપન્ન માણસ. જેમ મજબૂત ઈંટોે વડે મજબૂત ઇમારત બંધાય છે, તેમ ચારિત્ર્યવાન માણસો થકી ચારિત્ર્યશીલ સમાજનું નિર્માણ એ નઈ તાલીમનું સ્વપ્ન છે. નઈ તાલીમના સિદ્ધાંતોનો મુદ્દો અહીં પૂરો કરતાં પૂર્વે એક બાબત નોંધી લઈએ :

નઈ તાલીમને સર્વ સ્તરે સફળતાથી મૂર્તિમંત કરનાર કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે એક દૃષ્ટાંત દ્વારા નઈ તાલીમનું પ્રયોજન અને તેની શૈલી સમજાવ્યાં છે. તેઓએ કહ્યું છે, ‘જેમ આપણને એક મણનું ઘઉંનું બાચકું ભારે લાગે છે, પરંતુ સાડા ત્રણ મણનું આપણુંું શરીર ભારે નથી લાગતું; કારણ કે એ વજન આપણા કોશે કોશે વણાઈ ગયું હોય છે. નઈ તાલીમ એવી રીતે જ્ઞાન આપે છે જે વિદ્યાર્થીના કોશે કોશે વણાઈ જાય. આથી તેને તેનો બોજો ન લાગે, ઊલટો તે જ્ઞાન થકી સમૃદ્ધ અને પ્રસન્ન થાય.’

નઈ તાલીમના આધારસ્તંભો

નઈ તાલીમના પાયાના તત્ત્વજ્ઞાનને સર્વ બાજુથી જોતાં પ્રતીત થાય છે કે માનવજીવનને સ્પર્શતાં ઠીક ઠીક વિષયો-ક્ષેત્રોનાં મૂળતત્ત્વો નઈ તાલીમના આધારસ્તંભો છે. આપણે ટૂંકમાં તેની નોંધ લઈએ.

૧. તાત્ત્વિક આધારસ્તંભ : કેળવણીનું મૂળભૂત તત્ત્વજ્ઞાન કહે છે કે માનવી એક માત્ર એવું પ્રાણી છે જેને કેળવણીની આવશ્યકતા છે. પ્રથમ નજરે માનવીની આ મર્યાદા વસ્તુત : વિલક્ષણતા છે. કેળવણીના અભાવે અન્ય પ્રાણીઓનું જીવન પ્રકૃતિપરાયણ જીવન રહે છે. માનવી કેળવણી દ્વારા સત્યનાં અને સંસ્કૃતિનાં શિખરો સર કરે છે. કેળવણી દ્વારા તે માણસાઈ સિદ્ધ કરે છે અને વિચારશક્તિ દ્વારા ધર્મ અને અધ્યાત્મ સુધી પહોંચે છે. નઈ તાલીમ હાડ-ચામના માણસને મહામાનવ કે વિશ્વમાનવ બનાવવા મથે છે.

૨. સામાજિક આધારસ્તંભ : માનવ અને સમાજ એક સિક્કાની બે બાજુ જેવા છે. માનવ વગરનો સમાજ અને સમાજ વિહીન માનવ સંભવિત નથી. ઉપરાંત માનવીનું સત્ચરિત્ર કે બદચરિત્ર તેના સામાજિક જીવન પર નિર્ભર છે. દૂરના ટાપુ પર એકલો રહેતો માણસ ચારિત્ર્યવાન છે કે ચારિત્ર્યહીન એવો પ્રશ્ર સંપૂર્ણ અપ્રસ્તુત છે. હકીકતમાં માનવની કેળવણી એટલે વ્યક્તિ અને સમષ્ટિ બંનેની કેળવણી. આ કારણે જ નઈ તાલીમે સમાજ સાથેનાં અનુકૂલન અને અનુબંધ પર ભાર મૂક્યો છે. ભાષા સમાજને ઘડનારું અને અખંડ રાખનારું પરિબળ છે.

કોઈ પાશ્ચાત્ય ચિંતકે સાચું કહ્યું છે, ‘તમે ભાષાનું આયોજન કરો એટલે તમે સમાજનું આયોજન કરો છો.’
માતૃભાષાના આગ્રહ પાછળની આ પણ દૃષ્ટિ હતી, જેનું નઈ તાલીમમાં ઉચિત સ્થાન છે તે ગાંધીજીનાં ૧૧ વ્રતોનો મર્મ એ છે કે તેમાં વ્યક્તિનું ચારિત્ર્ય ઘડતર એ આરંભ છે અને સમાજની ચારિત્ર્યબદ્ધતા એ પૂર્ણાહુતિ છે.

૩. આર્થિક આધારસ્તંભ : કાર્લ માર્ક્સે કહેલું કે જગતની સર્વ સમસ્યાઓના પાયામાં અર્થ (પૈસો) છે. વાસ્તવમાં સંપત્તિની અસમાન અને અન્યાયી વહેંચણી એ મૂળ પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એ છે કે મહેનતુ ગરીબ રહે છે અને બેઠાડુ માણસ ખાય છે. નઈ તાલીમે ઉત્પાદક ઉદ્યોગ-શ્રમને સ્થાન આપીને પરિશ્રમ અને સ્વાવલંબન દ્વારા આ સમસ્યાઓનો હલ આપ્યો છે.

બાપુએ નઈ તાલીમના વ્યવહારમાં વણી લીધેલાં સાદગી અને કરકસર કોઈ પણ કાળે કે કોઈ પણ દેશના અર્થતંત્રની સફળતા અને તંદુરસ્તીનો પાયો છે. નઈ તાલીમ નવી પેઢીને સમજાવે છે કે થોડા માણસો ખૂબ સમૃદ્ધ થાય તે નહીં, બધા માણસો થોડા સમૃદ્ધ થાય તે સાચું અર્થશાસ્ત્ર છે. ગાંધીજીએ કહેલું, ‘અહિંસાના વ્યવહારુ ફળરૂપે બે ચીજો મેં દેશને આપી છે – એક ખાદી અને બીજી નઈ તાલીમ.’ કેવળ નઈ તાલીમમાં જ નહીં, સમગ્ર ભારતીય જીવનમાં ખાદી અને સ્વદેશીને સ્થાન આપીને ગાંધી બાપુએ વિદ્યાર્થીને સામાજિક ઉત્તરદાયિત્વ અને આર્થિક ન્યાયની ગુરુચાવી આપી છે.

૪. મનોવૈજ્ઞાનિક આધારસ્તંભ : નઈ તાલીમના સિદ્ધાંતો શૈક્ષણિક મનોવિજ્ઞાનના સિદ્ધાંતો પર ઊભા છે. વિદ્યાર્થી પુસ્તક કે બૌદ્ધિક વર્ગાેના માધ્યમથી એટલું ગ્રહણ નથી કરી શકતો, જેટલું પ્રવૃત્તિ કે ક્રિયા દ્વારા ગ્રહણ કરે છે. આ જ કારણ છે કે નઈ તાલીમની સંસ્થાઓમાં ઇતિહાસ, ભૂગોળ, ખેતી, બાગાયત,

ગો-પાલન, વિજ્ઞાન, ભાષા, ગણિત વગેરે વિષયો શ્રમ, પ્રવાસ, નાટક, વાર્તાકથન, ઇતર પ્રવૃત્તિઓ, પ્રાયોગિક કાર્યો જેવાં માધ્યમોથી ભણાવાય છે. પરિણામે વિદ્યા બોજો ન બનતાં આનંદનું માધ્યમ બને છે.

નઈ તાલીમની સંસ્થાની દિનચર્યા અને વર્ષચર્યા પ્રવૃત્તિઓથી ધમધમે છે. તે દ્વારા વિદ્યાર્થીના હાથ કેળવાય છે. તેને સર્જનનો આનંદ મળે છે અને મન-શરીરની સંયુક્ત સક્રિયતા વ્યક્તિત્વને ઘડે છે. સફાઈ કરતાં કરતાં, રસોઈમાં મદદ કરતાં કરતાં કે બીમારની સારવાર કરતાં કરતાં વિદ્યાર્થી સ્વચ્છતાના, રસોઈકળાના અને આરોગ્યના પાઠ નિરાયાસ મેળવે છે. આપણે સ્વીકારવું પડે કે કામચોરી, પ્રવૃત્તિપલાયનવૃત્તિ જેવી માનસિકતા મોટાઓમાં હોય છે. વિદ્યાર્થી તો ખૂબ ચંચળ હોય છે. તેને પરિશ્રમ કરતો કે દોડાદોડી કરતો અટકાવવો પડે છે. તેનાં મન-શરીરના આ ચાંચલ્યને ઘડતરનું સોપાન બનાવવામાં નઈ તાલીમની દૃષ્ટિ અનેે પદ્ધતિ અનુકરણીય છે.

૫. સ્વાસ્થ્યમૂલક આધારસ્તંભ : નઈ તાલીમે માનવીના એકંદર સ્વાસ્થ્ય અંગે પણ ચિંતા-ચિંતન કર્યું છે. ઉદ્યોગ તેમજ અનેક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીને પૂરતોે શરીરશ્રમ મળે છે. પરિણામે પોષણ મેળવવાનું અને શરીરની ઊર્જા વાપરવાનું ચક્ર ગતિશીલ રહે છે. આથી આપોઆપ જ રોગ થવાનાં કારણો ઘટી જાય છે. પ્રવૃત્તિશીલતા વિદ્યાર્થીનાં અંગોને અને મનને કસાયેલાં અને કાર્યક્ષમ બનાવે છે. પ્રવૃત્તિ દ્વારા મળતા આનંદ-સંતોષથી મન સ્વસ્થ રહે છે અને શરીર-મનનાં આરોગ્યમાં સંવાદિતા સર્જાતાં વ્યક્તિત્વવિકાસનાં દ્વારો ખૂલે છે. સાદગી, કરકસર, મહેનત, સ્વાવલંબન, ખાદીપરિધાન વગેરે દ્વારા કુદરત સાથેનો યોગ સધાય છે જે મન-શરીરની તંદુરસ્તી માટે દ્યોતક અને પોષક છે.

૬. પ્રાકૃતિક આધારસ્તંભ : નઈ તાલીમ નિસર્ગની એટલે કે પર્યાવરણની સખી (ઈકો ફ્રેન્ડલી) છે. તેના સિદ્ધાંતોને કોઈ પણ દૃષ્ટિકોણથી જોતાં પ્રતીત થાય છે કે મશીનના આ જમાનામાં પણ તેનો મંત્ર છે – ‘ચાલો કુદરતને ખોળે.’ વેદ-ઉપનિષદના રચયિતાઓ, ભારતીય સંસ્કૃતિના સર્જકો અને વાહકો એવા ઋષિમુનિઓ પ્રકૃતિના ચાહક હતા અને કુદરતી જીવન જીવતા હતા. આપણી સંસ્કૃતિએ સૂર્ય, અગ્નિ, વાયુ, વરુણ વગેરે કુદરતી તત્ત્વોની પૂજા આપણને વારસામાં આપી છે. નિસર્ગને આપણે ઈશ્વરરૂપે કે તેની લીલારૂપે ઉપાસતા આવ્યા છીએ. નઈ તાલીમ એ આવી ભારતીય પરંપરાનું ફરજંદ છે. તેના સર્વ સિદ્ધાંતો કુદરત સાથે વણાયેલા છે. આ રીતે નઈ તાલીમનું કેળવણીદર્શન, તેના સિદ્ધાંતો બહુ સમર્થ આધારસ્થંભો પર ઊભાં છે. અંતમાં નઈ તાલીમની પ્રાસંગિકતાને પુન : યાદ કરી તેને ભાવ અને સમજદારીથી આવકારીએ.

૧. નઈ તાલીમના પાયામાં ભારતીય સંસ્કૃતિનાં ઉચ્ચ મૂલ્યો, વિધેયક જીવનદર્શન અને ઊંડું તત્ત્વજ્ઞાન નિહિત છે. આપણી સંસ્કૃતિનાં આ ઉત્તુંગ શિખરો ગાંધીજી વગેરે ૨૦મી સદીના મહાપુરુષોનાં તત્ત્વજ્ઞાન સ્વરૂપે પુનર્જન્મ પામ્યાં છે અને નઈ તાલીમ તેનો અંશ છે, જેવી રીતે યુરોપમાં પ્રાચીન ગ્રીક સાહિત્યે અજવાળંુ પાથર્યું, તેવું કાર્ય ભારતમાં ગાંધીજી વગેરેએ કર્યું. આ બધું સર્વ કાળે અને સર્વ સ્થળે આંશિક સ્થિતિસ્થાપકતા સાથે પ્રસ્તુત છે અને રહેશે.

૨. વર્તમાન જગત સમસ્યાઓથી ઘેરાયેલું છે જેના ઉકેલો આ સર્વ તત્ત્વો પાસે છે. તેમાં નઈ તાલીમ પણ સમર્થ છે. ભલે આજે વ્યવહારમાં બહુ ઓછું સ્થાન છે. એવી તો ઘણી બાબતો છે જે માનવજીવનમાં પ્રધાનતા ધરાવે છે, પરંતુ તે માનવ માટે કલ્યાણકારી નથી. છતાં વ્યવહારમાં નગણ્ય લાગતી નઈ તાલીમ માનવકલ્યાણ બાબતે સદા પ્રાસંગિક છે.

Total Views: 642

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.