‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન છે એની મને હવે ખાતરી થઈ છે. ભારતવાસીઓ માટે, ખાસ કરીને ભારતની સ્ત્રીઓ માટે, કાર્ય કરવા સારુ જે જરૂર હતી તે પુરુષની નહીં પણ સ્ત્રીની; સાચી સિંહણની.’ આમ, સ્વામી વિવેકાનંદે ભગિની નિવેદિતાને પત્રમાં લખ્યું હતું.

130 વર્ષ પહેલાંનું ભારત. સ્વામીજીએ પરિવ્રાજકરૂપે મોટાભાગે સંપૂર્ણ દેશનું ભ્રમણ કર્યું. સ્વામીજી કહે છે કે ભારતમાં બે વાતો બહુ નિંદનીય છે, એક છે સ્ત્રીઓનો તિરસ્કાર અને બીજી છે જાતિભેદ. એના કારણે ગરીબો પર અત્યાચાર. ભારતમાં આપણે સ્ત્રીજાતિને શક્તિ-સ્વરૂપા કહીએ છીએ. ઈશ્વરના માતૃત્વભાવની ભારતમાં મુખ્યરૂપે પૂજા થાય છે અને સન્માન થાય છે. મનુ ભગવાને પણ કહ્યું છે, ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા.’

આ શક્તિની અવમાનના ભારતના પતનનું એક મોટું કારણ હતું. સ્વામીજી જ્યારે અમેરિકા ગયા ત્યારે ત્યાંની સ્ત્રીઓની કેળવણી, એમની સ્વતંત્રતા અને સમાજમાં એમને મળતું સમ્માન જોઈને બહુ પ્રભાવિત થઈ ગયા. સ્વામીજી પત્રમાં લખે છે કે શક્તિ વગર જગતનો ઉદ્ધાર નથી. તો શા માટે વિશ્વના બીજા દેશોમાં આપણો દેશ અધમ, શક્તિહીન અને પછાત છે? એનું કારણ આ જ છે કે અહીં શક્તિનો અનાદર થાય છે…  અહીંના (અમેરિકા) ના પુરુષ પોતાની સ્ત્રીઓ સાથે બહુ સારું વર્તન દાખવે છે, એટલા માટે આ લોકો સુખી, વિદ્વાન, સ્વતંત્ર અને ઉદ્યમી છે. એની સરખામણીમાં આપણે ભારતના લોકો સ્ત્રી-જાતિને નીચ, અધમ, પરમ ઉપેક્ષિત અને અપવિત્ર ગણીએ છીએ. એટલા માટે આપણે લોકો પશુ, દાસ, ઉદ્યમહીન અને દરિદ્ર બની ગયા છીએ.

પણ એ સમયે સ્ત્રીઓ માટે શિક્ષણના ક્ષેત્રમાં કશુંય કરવું એ દોહ્યલું હતું. સ્વામીજી આ વાત બહુ સારી રીતે જાણતા હતા. મોટા ભાગે સ્ત્રીઓએ લાજપ્રથા પાળીને જીવનનિર્વાહ કરવો પડતો. જો આ પ્રથાને નારીઓ ન માને તો એને સમાજથી બહિષ્કૃત જીવન જીવવું પડતું. બીજી વાત 8-10 વર્ષની ઉંમરમાં જ છોકરીઓનાં લગ્ન કરી દેવામાં આવતાં હતાં. ભારતમાંથી અમુક સ્ત્રીઓ નારી-શિક્ષણના કાર્યમાં આગળ આવે એટલા માટે સ્વામીજીએ ઘણા પ્રયત્નો કર્યા પણ શરૂઆતમાં આ કાર્યની એમની આશાઓ થોડા અંશે પણ પૂર્ણ ન થઈ.

એટલે સ્વામીજીએ સ્ત્રીઓની કેળવણી માટે નિવેદિતાને આહ્‌વાન કર્યું કે ‘ભારત હજુ મહાન સ્ત્રીઓને પેદા કરી નહીં શકે; તેણે બીજી પ્રજાઓમાંથી સ્ત્રી કાર્યકરોને ઉછીની લેવી પડશે. તમારી કેળવણી, અંતરની સચ્ચાઈ, પવિત્રતા, અથાગ પ્રેમ, નિશ્ર્ચય અને સૌથી વિશેષ તો તમારું સેલ્ટ જાતિનું ખમીર, જે જાતની સ્ત્રી-કાર્યકર્તાની જરૂર છે તેવાં જ તમને બનાવે છે.’

સ્વામીજીનું આહ્‌વાન સાંભળી નિવેદિતા પોતાનો દેશ ઇંગ્લેન્ડ, સ્વજન, બધું છોડીને ભારતની સેવા માટે 28 જાન્યુઆરી, 1898ના રોજ ભારત આવી પહોંચ્યાં.

અજાણ્યો દેશ, અજાણી ભાષા અને એવા જ રૂઢિચુસ્ત લોકો કે જે મ્લેચ્છ (યવન) લોકોથી નફરત કરે, એમની વચ્ચે અને એમના કલ્યાણ માટે જ નિવેદિતા અહીં આવી પહોંચ્યાં. એમના ગુરુ સ્વામી વિવેકાનંદ અને શ્રીમા શારદાદેવીના આશીર્વાદથી નિવેદિતાએ કાલીપૂજાના શુભ દિવસે, 1898ના નવેમ્બરની 13મી તારીખે કોલકાતાના 16 બોસપાડા લેનમાં શાળાનો પ્રારંભ કર્યો. શ્રીમાએ આશીર્વાદ આપ્યા, ‘આ શાળા પર શ્રીજગદંબાની શુભાશિષ સદૈવ વરસો અને ત્યાં તાલીમ પામેલી બધી બાળાઓ આદર્શ ક્ધયા બનો.’ શ્રીમા તો સંઘ-જનની હતાં. એમના આશીર્વાદથી નિવેદિતા એટલાં ખુશ થઈ ગયાં કે એમણે લખ્યું, ‘ભવિષ્યના સુશિક્ષિત હિન્દુ નારીત્વને માટે શ્રીમાનાં આ આશીર્વચનો કરતાં વધારે સારા શુભમંગલની હું કલ્પના નથી કરી શક્તી.’

નિવેદિતાએ આ શાળા પ્રાયોગિક ધોરણે શરૂ કરી હતી, એટલે વધુ નિયમ બનાવવાની જરૂર ન હતી. નિવેદિતા થોડું બંગાળી શીખી ગયાં હતાં. નાની-નાની બાલિકાઓને એ વાંચતાં-લખતાં શીખવતાં અને માટીકામ અને સિલાઈકામ પણ શરૂ કર્યાં. ક્ધયાઓ પણ એમને દીદી કહેતી અને ખૂબ ચાહતી. આ વિશે નિવેદિતાએ શ્રીમતી બુલને એક પત્રમાં લખ્યું, ‘અત્યાર સુધી મેં જેટલી કલાત્મકતા બાળકોમાં જોઈ છે, અહીંનાં બાળકોની કલાત્મક દૃષ્ટિ અને સમજશક્તિ એનાથી જરાય ઓછી નથી. ચિત્રકલા, રંગોની સમજ અને રંગસંયોજનમાં અહીંની ક્ધયાઓનું કૌશલ અદ્‌ભુત છે. સીવણ, ભરતગૂંથણ અને હસ્તકલાને અહીંની ક્ધયાઓ આપણે કલ્પના ન કરી શકીએ તેટલા પ્રમાણમાં પસંદ કરે છે.’

સાત મહિના નિવેદિતાની શાળા સારી રીતે ચાલી. શાળા ચલાવવામાં સૌથી મોટી સમસ્યા હતી આર્થિક કટોકટીની.  સ્વામીજી ત્યારે બીજી વાર અમેરિકા જવાનો વિચાર કરી રહ્યા હતા. એમણે નિવેદિતાને એમની સાથે અમેરિકા આવવાનું નિમંત્રણ આપ્યું અને સલાહ આપી કે ભાષણ વગેરેના માધ્યમથી બાલિકાઓની શાળા માટે આર્થિક સહાયતા ત્યાં મેળવી શકાશે. નિવેદિતાને શાળા બંધ કરવાની જરાય પણ ઇચ્છા નહોતી, પણ ખરેખર નિવેદિતા પાસે પૈસા નહોતા, એટલે એમને સ્વામીજીની વાત માનવી પડી. શાળાની બાલિકાઓને જ્યારે ખબર પડી કે એમના પ્રિય દીદી પાછાં જવાનાં છે, ત્યારે એ ખૂબ દુ:ખી થઈ. બંને વચ્ચે એટલો પ્રેમાળ સંબંધ સ્થાપિત થઈ ગયો હતો કે વિદાયના સમયે બંને દુ:ખી હતાં. પણ નિવેદિતાએ એમને કહ્યું કે તેઓ પાછાં આવશે અને ફરીથી નિશાળ શરૂ થશે. 20 જૂન, 1899ના રોજ નિવેદિતા સ્વામીજીની સાથે અમેરિકા જવા માટે નીકળ્યાં.

ફેબ્રુઆરી, 1902માં નિવેદિતા ભારત પાછાં ફર્યાં. નિવેદિતાએ સ્વામીજીને પત્રમાં લખ્યું કે તેઓ ફરીથી શાળા શરૂ કરવા ઇચ્છે છે. સ્વામીજીએ 12 ફેબ્રુઆરીના રોજ પત્રનો જવાબ મોકલ્યો. સ્વામીજીની નિવેદિતા અને બાલિકાઓની શાળા વિશે કેવી ઉચ્ચતમ અને ઉદાત્ત ભાવના હતી એ આ પત્રમાં જોવા મળે છે. સ્વામીજી લખે છે, ‘મારા આશીર્વાદ છે કે સર્વ શક્તિઓ તમારા (ભગિની નિવેદિતા) માં આવો ! ખુદ જગદંબા પોતે જ તમારા હાથ અને મન બની રહો ! તમારા માટે હું જેની પ્રાર્થના કરી રહ્યો છું તે અમોઘ, અપ્રતિહત શક્તિ છે અને જો શક્ય હોય તો તેની સાથે ચિર શાંતિ …..

જો શ્રીરામકૃષ્ણમાં કાંઈ પણ સત્ય હોય, તો તે જેવી રીતે તેમણે મને લીધો છે તેવી રીતે, ના, તેનાથી હજારગણી વધુ રીતે, તમને પોતાના આશ્રયમાં લે !’

સરસ્વતીપૂજાના દિવસે નિવેદિતાએ શાળાનો પુન: શુભારંભ કર્યો. સ્વામીજી ભારતીય ક્ધયાઓને જેવું શિક્ષણ આપવા ચાહતા હતા, એ જ આધારભૂમિકા પર નિવેદિતાએ ભણાવવાનું શરૂ કર્યું. સૌથી મોટી વાત એ છે કે નિવેદિતાને આ સેવાકાર્યમાં સહાયકરૂપે ભગિની ક્રિસ્ટીન મળ્યાં. નિવેદિતાની ગેરહાજરીમાં ક્રિસ્ટીન જ શાળાની દેખભાળ રાખતાં.

શરૂઆતમાં લોકો પોતાની દીકરીઓને મોકલવા રાજી ન હતા. અનેક વાર નિવેદિતા છોકરીઓના ઘરે જઈને, વાલીઓને સમજાવતાં અને શાળામાં મોકલવા માટે વિનંતી કરતાં. આવા અનેક પ્રસંગોમાં નિવેદિતાને અપમાન પણ સહન કરવું પડતું. કોઈ પણ પ્રકારની નારાજગી વિના નિવેદિતા એ બધું સહન કરી લેતાં. ધીરે-ધીરે માબાપને નિવેદિતાનાં ભલમનસાઈ અને સચ્ચાઈ પર વિશ્વાસ બેસવા માંડ્યો અને પોતાની દીકરીઓને  એની શાળામાં અભ્યાસાર્થે મોકલવા માંડ્યાં. છોકરીઓ પણ નિવેદિતાને ખૂબ ચાહવા લાગી.

નિવેદિતા બાલિકાઓને ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતના શ્ર્લોકો, ચિત્રકલા, માટીકામ જેવા ઘણા વિષયો શીખવતાં. છોકરીઓ દ્વારા બનાવેલાં ચિત્રો, રમકડાંને એમણે પોતાના ઓરડામાં સજાવીને રાખ્યાં હતાં. કોઈ મહેમાન આવે ત્યારે એ બધું ગર્વથી એમને બતાવતાં. ક્યારેક ક્યારેક એ છોકરીઓને પિકનિક માટે દક્ષિણેશ્ર્વર, પ્રાણી-સંગ્રહાલયમાં લઈ જતાં અને રમત-ગમત દ્વારા એમનું જ્ઞાન-વર્ધન કરતાં. નિવેદિતા ઇતિહાસ તન્મયતાથી ભણાવતાં.

એમને બાલિકાઓને ભારતનાં પારંપરિક અને ઐતિહાસિક તીર્થસ્થાન જેવાં કે પુરી, ભુવનેશ્ર્વર, ચિત્તોડ, ઉજ્જૈન લઈ જવાની ખૂબ ઇચ્છા થઈ. નિવેદિતાએ પોતે પણ ભારતના ઇતિહાસનું સારી રીતે અધ્યયન કર્યું હતું. એક વાર નિવેદિતાએ બાલિકાઓને રાજપૂત સ્ત્રીઓની વાર્તા સંભળાવી અને કહ્યું, ‘તમારે બધાએ રાજપૂત નારીઓની જેમ વીરાંગના અને સાહસિક બનવું જોઈએે. અહા, ભારતની ક્ધયાઓ કેટલી મહાન છે! તમારે પણ એ ક્ષત્રિય નારીઓની જેમ મહાન બનવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ.’

એક વાર નિવેદિતા બાલિકાઓ સાથે નૌકામાં જઈ રહ્યાં હતાં ત્યારે મોજાંને લીધે નૌકા ડોલવા લાગી. છોકરીઓ ભયભીત થઈ ગઈ. એ જોઈને નિવેદિતાએ કહ્યું, ‘તમે બધાં શું કામ બી ગયાં? ઊંચી લહેરોથી ડરો નહિ. કુશળ નાવિક પોતાના સુકાન પર મજબૂત પકડ રાખે અને નૌકાને સુરક્ષિતરૂપે કિનારા ઉપર લઈ જાય, તેમ જો આપણે પોતાના જીવનમાં સ્થિર-અડગ રહીએ તો જીવનમાં કોઈ પણ મુશ્કેલી આપણને ભયભીત નથી કરી શક્તી.’

નિવેદિતાને બાલિકાઓ એટલી બધી ચાહતી કે ક્યારે સવાર થાય અને ક્યારે નિશાળમાં જઈએ, એની આતુરતાથી રાહ જોતી રહેતી. નિવેદિતા પણ શાળાના દરવાજા પર ઊભાં રહીને છોકરીઓની વાટ જોતાં અને એમને જોઈને સ્નેહપૂર્વક કહેતાં, ‘આવી ગઈ! મારી વહાલી દીકરીઓ આવી ગઈ!’ કદાચ એ વખતે એ બાલિકાઓને એ જાણ નહીં હોય કે નિવેદિતા અમારા લોકો માટે કેટલો ત્યાગ કરી રહ્યાં હતાં! ઘણી વાર તો નિવેદિતા પોતે પેટ ભરીને ખાઈ શકે એટલા પૈસા ન રહેતા, છતાંય કોઈ છોકરી જો બીમાર થઈ જાય તો એમને આર્થિક સહાયતા પણ કરતાં. નિશાળ ચલાવવા  માટે એમણે પોતાના ખર્ચા બહુ ઓછા કરી દીધા હતા. તેઓ એક તપસ્વિની-સાધ્વીની જેમ રહેતાં.

નિવેદિતાના અવસાન પછી શ્રીમા શારદાદેવી સ્ત્રી-ભક્તોને કહેતાં, ‘નિવેદિતાને જ જુઓ, એક પાશ્ર્ચાત્ય છોકરીએ આપણા દેશમાં આવીને કેટકેટલાં અપમાન અને કષ્ટ સહીને કામ કર્યાં! કેટકેટલી મુશ્કેલીઓ સહીને એમણે આપણી છોકરીઓને ભણાવી! જ્યારે નિવેદિતા છોકરીઓને શાળામાં લઈ જવા માટે એમના ઘરે જતાં  ત્યારે એમનું અપમાન કરવામાં આવતું. અમુક લોકો એને ઘરમાં પ્રવેશવા પણ ન દેતા, અને પ્રવેશવા દે તો તેમના ગયા પછી ઘરમાં ગંગાજળ છાંટતા. તેઓ આ બધું જોતાં પણ મનમાં કાંઈ માઠું ન લગાડતાં પરંતુ પ્રસન્ન મુખે ત્યાંથી ચાલ્યાં જતાં. એમના ઉપર કોઈ બંધન લદાયું ન હતું છતાં પણ આટલાં અપમાન અને ખરાબ વર્તન સહન કર્યાં. ક્રમે-ક્રમે તેઓ પોતાનું અંગત જીવન વિસારે પાડીને આપણી છોકરીઓને ભણાવે છે. જુઓ, મારી દીકરી નિવેદિતાનું કેટલું સારું મન કે એમણે આ બધી જવાબદારીઓ પોતાના ખભે ઉપાડી લીધી અને એમના ગુરુ નરેને (સ્વામી વિવેકાનંદ) એમ જ કરવાનું કહ્યું હતું. શારીરિક કષ્ટો, મુશ્કેલીઓ, અપમાન અને અવિવેકી વર્તનની એમણે ક્યારેય પરવા ન કરી. જે લોકો માટે એમણે પોતાનું જીવન સમર્પિત કર્યું, એ લોકોએ જ એમનો તિરસ્કાર કર્યો. શું આપણા દેશની નારીઓએ આવા વિષમ સંજોગોમાં પોતાના ગુરુના આહ્‌વાનને સાંભળીને આટલો મોટો મહાન પરિત્યાગ કર્યો હોત?’

નિવેદિતાનો જન્મ ભલે ભારતમાં ન થયો હોય પણ તેઓ આપણા સૌ ભારતીયોથી પણ અનેકગણાં વધારે સારાં ભારતીય હતાં, આપણા હિન્દુ કરતાં પણ તેઓ અનેકગણાં વધારે હિન્દુ હતાં. ભારતીયો માટે એમણે પોતાનાં સુખ, વૈભવ અને સંપૂર્ણ જીવનને સમર્પિત કરી દીધાં હતાં. આવાં લોકમાતા નિવેદિતાનાં ચરણે

કોટી-કોટી પ્રણામ!

Total Views: 291

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.