સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા વગેરે દેશોમાં ભારત અને હિંદુ ધર્મની ધજા ફરકાવીને ચાર વર્ષ પછી સ્વદેશ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને કોઈકે પૂછ્યું કે હવે તમને ભારતવર્ષ કેવું લાગશે? સ્વામીજીએ અત્યંત ભાવુકતાથી જવાબ આપ્યો, ‘પશ્ચિમમાં આવ્યા પહેલાં પણ હું ભારતને ચાહતો હતો, અને હવે તો ભારતની રજ પણ મારે મન પવિત્ર બની ગઈ છે; એની હવા સુઘ્ધાં પાવનકારી થઇ ગઈ છે. હવે તો એ પુણ્યભૂમિ- યાત્રાધામ- તીર્થધામ થઈ પડી છે!’

જેઓએ ભારત તેમજ બીજા દેશોના પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસનું સુપેરે અધ્યયન કર્યું છે, તેઓ નિઃસંદેહ સ્વામીજીની ઉપરોક્ત ભાવનાઓ સાથે સંમત થશે. આ જ તે દેશ છે, જ્યાં માનવીય વ્યક્તિત્વની પ્રત્યેક સંભાવનાનો ચરમ ઉત્કર્ષ થયો છે. પ્રેમ, સહિષ્ણુતા, ત્યાગ, સાહસ વગેરે દૈવી ગુણોની પરાકાષ્ઠા જેટલી આ માતૃભૂમિમાં વિકસિત થઈ છે, તેટલી અન્ય કોઈ પણ દેશમાં થઈ નથી.

પ્રત્યેક રાષ્ટ્રમાં વિભિન્ન સમયે ઉત્થાન-પતનનું ચક્ર ચાલે છે. રાષ્ટ્રિય જીવનના માળખામાં કોઈ ને કોઈ ગુણ-દોષ અવશ્ય હોય છે, પરંતુ તેનો અર્થ એ નહીં કે આપણે દેશ અને દેશવાસીઓના કેટલાક દોષો જોઈને તેમને ભાંડવાનું શરૂ કરી દઈએ.

સ્વામી વિવેકાનંદ કહે છે, ‘ આપણી રાષ્ટ્રીય નાવમાં, આપણા સમાજમાં, જો કાણાં પડ્યાં હોય તોય આપણે તો એમાં જ બેઠા છીએ; આપણે ઊભા થઈને એ કાણાં પૂરી દઈએ. આપણે સ્વેચ્છાપૂર્વક આપણા હૃદયનાં રક્ત રેડીને એ કામ કરીએ અને છતાં એ પાર ન પડે તો મરી ફીટીએ.’ ભારતીય જીવનની આધારશિલા ધર્મ અને અધ્યાત્મ પર ટકેલી છે. આ આધારશિલા પર ઊભા રહીને ભૂતકાળમાં ભારત સમગ્ર વિશ્વમાં અગ્રગણ્ય હતું અને ભવિષ્યમાં પણ વિશ્વમાં મોખરાના સ્થાને રહેશે. કેળવણી, કળા, પ્રૌદ્યોગિકી વગેરે જે કોઈ ક્ષેત્રોમાં ભારત વિકાસ કરી રહ્યું છે, તેના મૂળમાં આ જ આધ્યાત્મિકતા છે, ભલે આપણે તે જાણતા હોઈએ કે નહીં. આનું કારણ એ છે કે આપણી સંસ્કૃતિ ભોગપરાયણ નથી. તેનો આદર્શ કાયમ ત્યાગ-સેવાનો રહ્યો છે. હા, કાળના પ્રવાહથી કદાચ આપણે તેને ભૂલી ગયા હોઈએ અથવા તો તેના ઉપર સ્વાર્થપરાયણતાનું આચ્છાદન થઈ ગયું હોય, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી, કારણ કે આપણાં મૂળ મજબૂત છે.

વર્તમાન સમયમાં ગરીબી, દૂરનાં અંતરિયાળ ક્ષેત્રોમાં બુનિયાદી કેળવણીનો અભાવ, સ્ત્રી-શોષણ, ભ્રષ્ટાચાર, બેકારી વગેરે આવી ઘણીય ભીષણ સમસ્યાઓ છે, જેની સામે ભારત સંઘર્ષ કરી રહ્યું છે. આજકાલના કહેવાતા શાંતિપ્રિય લોકો કહે છે કે તેઓએ સમાચારપત્રો વાંચવાનું અને દેશ-વિદેશના સમાચારો સાંભળવાનું છોડી દીધું છેે, કેમ કે તેમાંના મોટા ભાગના સમાચાર ખરાબ જ હોય છે. પરંતુ આમ મોં ફેરવી લેવાથી કામ ચાલશે નહીં, સમાજની પ્રત્યેક વ્યક્તિએ આ સામાજિક દૂષણોના નિરાકારણ માટે આગળ આવવું પડશે.

કેળવણી, વાણિજ્ય, વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી, જે કોઈ પણ ક્ષેત્રમાં આપણે કાર્ય કરી રહ્યા છીએ, તેમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાથી દેશ પણ એટલી જ ઉત્કૃષ્ટતા મેળવશે. જો આ કાર્ય નિઃસ્વાર્થપણે અને ત્યાગની ભાવનાથી કરવામાં આવે તો પોતાની સાથે ને સાથે દેશનું પણ કલ્યાણ થશે. ‘મિસાઇલ મેન’ના નામથી રાષ્ટ્ર-વિખ્યાત, આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ ડો. એ.પી.જે. અબ્દુલ કલામનું જીવન ત્યાગ અને સેવાનું જ્વલંત ઉદાહરણ હતું. ડો. કલામ ભારતવર્ષને કેળવણી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રે સ્વાવલંબી જોવા માગતા હતા અને તેઓએ પોતાનું જીવન એ માટે સમર્પિત કરી દીધું. સેતુ-નિર્માણ માટે જો કોઈ શ્રીરામના વીર વાનરોની જેમ ભારે પથ્થરો ઉઠાવી ન શકે, પરંતુ ખિસકોલીના જેવો પરિશ્રમ અવશ્ય કરી શકે તેમ છે, જેને પોતાની સીમિત ક્ષમતાનું જ્ઞાન તો ચોક્કસ હતું, પરંતુ ઉત્સાહની ખોટ ન હતી.

સ્વામી વિવેકાનંદે ભારતવાસીઓને આહ્‌વાન કરીને કહ્યું હતું, ‘ તું ભૂલતો નહીં કે ભારતનો હલકો વર્ગ, અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, અભણ ભારતવાસી, ભારતનો ચમાર, ભારતનો ઝાડુ મારનારો ભંગી સુદ્ધાં તારા રક્તમાંસનાં સગાંઓ છે, તારા ભાઈઓ છે. હે વીર ! તું બહાદુર બન, હિંમતવાન થા અને અભિમાન લે કે તું ભારતવાસી છે અને ગર્વપૂર્વક ગર્જના કર કે હું ભારતવાસી છું, પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે.’ તું પોકારી ઊઠ કે ‘અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, કંગાલ ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી, અત્યંજ ભારતવાસી, દરેક ભારતવાસી મારો ભાઈ છે!’ તારી કમર પર પહેરવા ભલે માત્ર એક લંગોટી જ રહી હોય, તો પણ ગર્વપૂર્વક ઉચ્ચ સ્વરે તું ઘોષણા કર કે ‘ભારતવાસી મારો ભાઈ છે, ભારતવાસી મારું જીવન છે, ભારતનાં દેવદેવીઓ મારો ઈશ્વર છે; ભારતનો સમાજ મારી બાલ્યાવસ્થાનું પારણું છે, મારા યૌવનનું આનંદવન છે, મારી વૃદ્ધાવસ્થાની મુક્તિદાયિની વારાણસી છે.’ ભાઈ! પોકારી ઊઠ કે ‘ભારતની ધરતી એ મારું સર્વાેચ્ચ સ્વર્ગ છે. ભારતનું કલ્યાણ એ મારું કલ્યાણ છે. અને અહોરાત્ર પ્રાર્થના કર કે હે ‘ગૌરીપતે, હે જગજજનનિ અંબે ! તું મને મનુષ્યત્વ આપ ! હે સામર્થ્યદાયિની માતા! મારી નિર્બળતાનો નાશ કર, મારી કાયરતાને દૂર હઠાવ ! મને મર્દ બનાવ !’’

Total Views: 307

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.