આપણે જીવનના કોઈપણ ક્ષેત્રમાં કેમ ન હોઈએ, લોક-વ્યવહાર માટે થોડો-ઘણો સમય આપવો પડે છે. લોક-વ્યવહારની અંતર્ગત આપણાં સગાં-સંબંધી, મિત્રવર્ગ, વેપારમાં કે કંપનીમાં કાર્ય કરનાર આપણા સહયોગી આવી જાય છે. જીવન-ઘડતર માટે પણ કુશળ લોક-વ્યવહાર અત્યંત આવશ્યક છે. ઘણી બધી બાબતો આપણે બીજાઓના સંપર્કમાં આવીને શીખીએ છીએ. પરંતુ નાની નાની વાતોને કારણે ક્યારેક ક્યારેક જીવન બોજારૂપ બની જાય છે. આ બધી બાબતો હોય છે તો ધડ-માથા વિનાની, પરંતુ મનમાં અનેક પ્રકારની ગૂંચવણો અને મૂંઝવણો પેદા કરી દે છે.

અહીં આપણે ચાર સરળ વાતોની ચર્ચા કરીશું, જેનો સંબંધ આપણા દૈનંદિન જીવન સાથે છે. આમાંની બે વાતોને આપણે ભૂલતા રહેવાનું છે અને બે વાતોનું સદૈવ સ્મરણ રાખવાનું છે.

સૌથી પહેલી વાત, આપણે બીજાઓ માટે જે પણ સારું કાર્ય કરીએ, તેને ભૂલી જઈએ. આપણું એ કર્તવ્ય છે કે આપણે સારું કાર્ય કરતા રહીએ, બીજાનું ભલું કરતા રહીએ, પરંતુ બીજાઓ પાસે તેવા વ્યવહારની અપેક્ષા કરીએ નહીં. ઉદાહરણ રૂપે, આપણે આપણા જન્મદિવસની પાર્ટીમાં મિત્રોને નિમંત્રણ આપ્યું. કેટલાક દિવસો પછી તેમાંના એક મિત્રનો જન્મદિવસ આવે છે અને તે પોતાની પાર્ટીમાં આપણને બોલાવતો નથી. બસ, અહીંથી જ અણબનાવ શરૂ થાય છે અને આપણી માનસિક ઊર્જાનો અપવ્યય થાય છે. आशा हि परमं दु:खं, ઘણી વખત આપણે બીજી વ્યક્તિ પાસે આશા રાખીએ છીએ અને જયારે તે આશા પૂર્ણ થાય છે ત્યારે તો બરાબર છે, પણ જયારે તે વ્યક્તિ આપણી આશાને અનુરૂપ પ્રતિભાવ ન આપે ત્યારે આપણને મનદુઃખ ઊપજે છે અને આપણામાં તે વ્યક્તિ માટે દુર્ભાવના ઊપજે છે. દૃષ્ટાંત તરીકે શાસ્ત્રમાં કહેવાયું છે કે તમે જમણા હાથે દાન આપો તેની ખબર ડાબા હાથને પણ ન પડવી જોઈએ. તેવી જ રીતે જો દાન ડાબા હાથે આપો તેની જમણા હાથને ખબર પડવી ન જોઈએ. જો આપણે આવી રીતે વર્તીશું તો આ નિષ્કામ કાર્યને પરિણામે કોઈ જ ચિંતા ઊપજશે નહીં તદુપરાંત આપણે બીજાઓ માટે જે ભલું કે સારું કાર્ય કર્યું છે, તે અંગે વિચાર કરતા રહેવાથી આપણો અહંકાર પણ વધી જાય છે. જયારે એ અહંકારને થોડી પણ ઠેસ પહોંચે છે ત્યારે આપણી શાંતિનો ભંગ થાય છે. અહંકાર જેટલો વધશે, મન તેટલું જ અશાંત થશે.

બીજી વાત એ કે બીજાઓએ આપણી સાથે જે અનુચિત વ્યવહાર કર્યો છે, તેને આપણે ભૂલી જઈએ. ઇતિહાસ તરફ દૃષ્ટિ નાખીએ તો આપણને ખ્યાલ આવશે કે અનેક લડાઈઓનું મૂળ કારણ પરંપરાગત ચાલી આવતી શત્રુતા હોય છે, જેને આપણે જીવનભર યાદ રાખીએ છીએ. એવી અનેક કડવી વાતોને હૃદયમાં સંગ્રહી રાખવાથી જીવન કુંઠિત થઈ જાય છે, જાણે કે જીવનપર્યંત કોઈ પોતાના મસ્તક પર વ્યર્થ વાતોનો બોજો લઈને ચાલી રહ્યો હોય. જે વાતો આપણા જીવન માટે ઉપયોગી નથી, તેની ઉપેક્ષા કરવી એ જ શ્રેયસ્કર છે. આ એક કળા છે- The art of ignoring, અર્થાત્ વ્યર્થ વાતોની ઉપેક્ષા કરતા રહેવાનું. આપણી નેવું ટકા ઊર્જા આમાં જ ખર્ચાઈ જાય છે. જો આપણે જીવનમાં સંરચનાત્મક કાર્ય કરવું હોય તો બીજાઓ દ્વારા કરાયેલા નાના-મોટા અનુચિત વ્યવહારને ભૂલી જવા જોઈએ. શ્રીમા શારદાદેવી કહે છે કે ‘શ, ષ, સ’ અર્થાત્ આપણે સહનશીલતા કેળવવી જોઈએ. બીજાએ કરેલ અનિચ્છનીય વર્તનને જો આપણે ભૂલી જઈશું તો કોઈ જ માનસિક સમસ્યા ઉદ્ભવશે નહીં, એથી ઊલટું તે વ્યક્તિએ આપણા માટે કરેલ ઉપકારનું જો સ્મરણ કરીશું તો આપણો આધ્યાત્મિક વિકાસ થશે.

ઉપરોક્ત બે વાતો કહેવામાં આવી, તેને આપણે ભૂલવાની છે. હવે જયારે આપણે તેને ભૂલી જ જવાની છે, ત્યારે તેનો અહીં ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો? એનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો કે આપણે તેને ભૂલી શકતા નથી અને આપણું વૈચારિક જગત તેને કારણે હંમેશાં દ્વન્દ્વમય રહે છે. બે બીજી બાબતો કે જેનું આપણે નિરંતર સ્મરણ રાખવું જોઈએ, હવે તેની ચર્ચા કરીશું

ત્રીજી વાત, આ સંસારમાં કંઈ જ સ્થાયીરૂપે રહેતું નથી. આ સંસાર પરિવર્તનશીલ છે. એક નવયુવક કે જેની સન્મુખ ઉદ્દામ યૌવન અને અનંત સંભાવનાઓ છે, તેના માટે સંસારની પરિવર્તનશીલતાને સમજવી અત્યંત દુષ્કર બાબત છે. પરંતુ આ એક એવો સિદ્ધાંત છે, કે જો તેની બરાબર ધારણા ન કરવામાં આવે તો આપણે વ્યર્થ વાતોને લઈને વધુ માથાકૂટમાં પડીશું નહીં. દૃષ્ટાંતરૂપે સમજીએ તો આપણે બજારમાંથી સુગંધિત ફૂલોની એક માળા ખરીદીએ છીએ. તે પુષ્પમાળાની સુગંધથી આપણો ઓરડો સુવાસિત થઈ ઊઠે છે. પરંતુ આ જ પુષ્પમાળા એક-બે દિવસમાં કરમાઈ જાય છે અને આપણે તેને ફેંકી દઈએ છીએ. પુષ્પમાળા ખરીદતી વખતે આપણને બરાબર ખબર હોય છે કે આ એક-બે દિવસ જ ટકશે. તેનો ઉપયોગ કર્યા બાદ તેને ફેંકી દેતાં આપણને કોઈ જ દુઃખ લાગતું નથી. બરાબર આવો જ દૃષ્ટિકોણ જીવન પ્રત્યે હોવો જોઈએ. સંસારની પરિવર્તનશીલતાનું જ્ઞાન જેટલું દૃઢ હશે, એટલો જ બીજાઓ સાથેનો આપણો વ્યવહાર મધુર હશે અને પરિણામરૂપે આપણે જીવનમાં ચિરશાંતિનો અનુભવ કરીશું.

ચોથી વાત, જેનું આપણે સ્મરણ કરવાનું છે તે એ છે કે આ પરિવર્તશીલ જગતમાં એક એવી વસ્તુ છે, એક એવી સત્તા છે જે હંમેશાં વિદ્યમાન રહે છે, જેનું ક્યારેય પરિવર્તન થતું નથી. તે સત્તાને આપણે ભગવાન, ઈશ્વર કે એવા કોઈ પણ નામથી પોકારી શકીએ છીએ. જે રીતે નાનાં બાળકો એક હાથે થાંભલો પકડીને અને બીજો હાથ ખુલ્લો રાખીને થાંભલાની ગોળ ગોળ ફરતાં રહે છે, બરાબર એવી જ રીતે આપણે પણ પોતાના જીવનમાં એક સર્વોચ્ચ ચિરસ્થાયી નૈતિક સિદ્ધાંત અથવા નિત્ય સત્તાને કેન્દ્રમાં રાખીને પોતાનું કાર્ય કરવું જોઈએ.

આ ચાર વાતો- બેને ભૂલવી અને બેનું સ્મરણ રાખવું, એને આપણે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. પોતાના દ્વારા કરાયેલ સારાં કાર્ય અને બીજાઓ દ્વારા આચરાયેલા અનિચ્છનીય વ્યવહારને ભૂલવાના છે. સાથે ને સાથે સંસારની પરિવર્તનશીલતા અને ચિરસ્થાયી સત્તા અર્થાત્ ભગવાનનું સ્મરણ રાખવાનું છે. એમ કહી શકાય કે અંતિમ ચોથી વાતના દૃઢીકરણ માટે જ ઉપરની ત્રણ વાતો છે. ચોથી વાત એટલે કે આપણા જીવનનો ઉદ્દેશ- આત્મસાક્ષાત્કાર કરવો. જો ઉપર્યુક્ત ત્રણ બાબતો જીવનના ઉદ્દેશની પરિપૂર્તિ માટે સાધનરૂપ છે તો અંતિમ અને ચોથી વાત સ્વયં સાધ્યરૂપ છે.

Total Views: 140
By Published On: October 20, 2021Categories: Medhajananda Swami0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram