આજે જ્યારે આપણે મોડર્ન સ્ત્રી એમ કહીએ છીએ ત્યારે એમાં એક પ્રકારની દુર્ગંધ આવે છે. અને એ દુર્ગંધ છે નારીવાદની. જો આપણે સમગ્ર ભારતમાં જોઈએ તો આપણું ભારત ખરેખર વિવિધતાવાળું છે. એમાં ગ્રામીણ મહિલાઓ છે, વનવાસી મહિલાઓ પણ છે; એટલે એક સૂત્ર બધી નારીઓને લગાડી ન શકાય. હરેક નારીજગતનો સંદર્ભ ભિન્ન છે, એનું કેન્દ્રબિંદુ અલગ છે અને સમસ્યા પણ જુદી જ છે. પરંતુ સર્વસાધારણ રીતે આપણે જે અહીં બેઠાં છીએ તે સભામાં સુશિક્ષિત નારી કે જે જીવનમાં કંઈક કરવા ચાહે છે, જે નાગરી-નગરવાસી છે. આવી આધુનિક મહિલાઓને આ વિષયમાં વણી લઈને આપણે જોઈશું.

સામાન્ય રીતે આ નાગરી નારી એવી છે કે જેણે બાળપણથી જ પોતાનાં સ્વપ્ન સેવ્યાં છે – જોયાં છે. હું આઈ.એ.એસ. ઓફિસર બનીશ, ડોક્ટર બનીશ, વગેરે. આ નારીઓ શિક્ષિત હોય છે. લગ્ન પછી એ નારીને બે મોરચા સંભાળવા પડે છે. જેમ કે ઘર અને નોકરી કે વ્યવસાય. આ બંને મોરચાને સંભાળતી વખતે એની સામે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. શું હું મારા ઘરને એના નસીબ ઉપર છોડી દઉં? કે હું મારી કારકિર્દી પાછળ ભાગું? જો હું મારી કારકિર્દી પાછળ ન લાગું તો હું આટલું બધું ભણી છું, એને એમ ને એમ વ્યર્થ જવા દઉં? ઘરે આવ્યા પછી જ્યારે એનો પતિ કહે, ‘અરે આજે તો હું થાકી ગયો છું.’ તો તે તરત ચા બનાવવા જાય છે.

પછી છોકરાં આવે છે, એમને માટે જમવાનું બનાવે છે અને એવું લાગે છે કે આવી નારીએ તો બંને બાજુએથી પિલાવાનું છે. સ્ત્રીઓ માટે ‘કોણ વધારે તાણભરી સ્થિતિમાં જીવે છે’ એવું એક સર્વેક્ષણ થયું હતું. એનું તારણ એવું આવ્યું કે ભારતની શહેરમાં રહેતી મહિલાઓ વધારે માનસિક તણાવ અનુભવે છે. આ એક ચિત્ર છે. બીજું ચિત્ર એવું છે કે એક નારી સુશિક્ષિત છે અને તે માને છે કે મારે મારા પરિવારની દેખભાળ રાખવી છે. પણ આવું કહીને તે નોકરી કે વ્યવસાય કરતી નથી. આને લીધે તેને ક્યારેક લાગે છે કે હું તો ગૌણ ગણાઉં છું. હું માત્ર એક ગૃહનારી છું. ત્રીજું ચિત્ર એવું છે કે નારી સુશિક્ષિત છે, નોકરી કરે છે અને ઘરમાં બધું કરે છે ખરી, પણ એને એવું લાગે છે કે હું મારાં બાળકોને પૂરતો સમય ફાળવી શકતી નથી. આ નારી એક અપરાધીની ભાવના અનુભવે છે.

આ ત્રણેય ચિત્રોમાંથી જે કોઈ પણ કાર્ય કરતી મહિલા પોતાનામાં જે જીવનશક્તિ છે, જેનાથી રાષ્ટ્રનું તે પુનરુત્થાન કરી શકે છે, તેનું બરાબર સમાયોજન કરી શકતી નથી. એટલે આ સમસ્યાઓનો ભારતીય સંસ્કૃતિમાંથી જો આપણે ઉપાય શોધીએ તો એને માટે પોતાની સંસ્કૃતિને જ પહેલાં આપણે જોઈશું. આજે ભારતીય નારીની સ્થિતિ છે, એ જ સ્થિતિ 1930-40ના સમયમાં અમેરિકન નારીઓની હતી. એ સમયે બેટ્ટી ફ્રેડાએ પોતાનું એક પુસ્તક લખ્યું, ‘ફેમિનાઈન મિસ્ટીક’. તેમાં તેઓ લખે છે, ‘તમારે હંમેશાં બળવો કરવો જોઈએ અને કહેવું જોઈએ કે તમે તમારો બોજો પોતે ઉપાડૉ.’ આવી રીતે તેઓ પોતાના પુસ્તકની શરૂઆત કરે છે. ‘કેટલીય નારીવાદી મહિલાઓ આગળ આવી. તેઓ કહેવા લાગી, ‘નારી તો કુટુંબ, ધર્મ અને સંસ્કૃતિનાં બંધનમાં બંધાયેલી છે. જો તે મુક્ત થવા ઇચ્છે તો તે નારીએ બધાં બંધનો તોડીને બહાર આવવું જોઈએ.’ પછી શું બને છે? નારીઓએ તો બધાં બંધનો તોડ્યાં. પણ આ બધાંથી શું થયું. પરિવારો તૂટવા લાગ્યા અને સ્ત્રીઓ એકલી થઈ ગઈ. મા તો પોતાનાં બાળકોને છોડી ન શકે એટલે એના પર તેની પૂરી જવાબદારી આવી ગઈ. તે અસલામત થઈ ગઈ. અને આ રીતે પરિવાર તૂટ્યા. વ્યક્તિ અને સમાજનું પણ જાણે વિઘટન થવા લાગ્યું. પરિણામ એ આવ્યું કે ‘સિંગલ પેરેન્ટ ચિલ્ડ્રન’ એક માતા કે પિતા સાથે રહેતાં બાળકોની સંખ્યા વધવા લાગી. પછી બેટ્ટી ફ્રિડાને લાગ્યું કે કદાચ આમાં મારાથી કોઈ ભૂલ થઈ ગઈ લાગે છે. ત્યાર પછી એમણે ‘ધ સેક્ધડ સ્ટેજ’ એ નામે બીજું પુસ્તક લખ્યું અને એમાં તેઓ કહે છે, ‘આપણા નારીમુક્તિ આંદોલનની દિશા કદાચ ખોટી થઈ ગઈ છે. આપણે તો એક બીજા સામે પ્રતિસ્પર્ધામાં આવી ગયાં. આ એવું નથી, આ તો એક પૂરક ભાગ છે. દરેકે દરેક પુરુષ કે સ્ત્રીએ પોતપોતાની રીતે સમાજને, કુટુંબને પ્રદાન કરવાનું છે. તે પણ પ્રેમ અને સમર્પણથી; તો જ આપણે જીતી શકીશું. ક્યાંક આપણે ખોટે માર્ગે ચડી ગયાં હતાં. આપણે નારીમુક્તિનું વિચાર્યું. પરંતુ આપણું લક્ષ્ય તો માનવ સ્વતંત્રતા પર હોવું જોઈતું હતું. આ આપણી ભૂલ થઈ ગઈ છે અને હવે આપણે એને સુધારવી પડશે. પરંતુ જે તોડીફોડી નાખ્યું હોય એને ફરીથી સુવ્યવસ્થિત કરવું કે સાંધવું મુશ્કેલ હોય છે. એકવાર પોતાની વાસનાના રાક્ષસને જગાડી દીધો હોય તો પછી એ સ્ત્રીને પોતાનાં બાળકો કે બાળકીઓને સાચા સંસ્કાર દેતી એક યોગ્ય મહિલા બનવું અસંભવ છે. આ જ પરિસ્થિતિ આજે થઈ ગઈ છે. આ એક ચિત્ર છે.

નારીમુક્તિનું બીજું ચિત્ર આપણને મધ્યપૂર્વના દેશોમાં જોવા મળે છે. ત્યાં નારીઓ ભણતી અને ઘણું સારું કાર્ય કરતી. આપ સૌ જાણતા હશો કે ઈરાનમાં 1960થી 70ના દાયકામાં એક આવું સુભગ ચિત્ર હતું. પરંતુ ત્યાંના લોકો સતર્ક થઈ ગયા કે ન કરે નારાયણ અને અમેરિકા જેવું આપણા દેશમાં થઈ જાય તો કરીશું શું ? એમણે નારીઓને બૂરખાથી પૂરેપૂરી ઢાંકી દીધી. એ ક્યાંય જઈ શકતી ન હતી. તે ચહેરો પણ દેખાડી ન શકતી. આજે પણ ઈરાનમાં એને માટે આંદોલનો ચાલી રહ્યાં છે. આ ચિત્ર હતું અને એનો અંતિમવાદ હતો તાલીબાનમાં. એમાં તો સ્ત્રી નોકરી પણ ન કરી શકે અને બુરખામાંથી એમની આંખોય ન દેખાવી જોઈએ.

અને ભારતીય નારી પણ એ તરફ જઈ રહી છે, પરંતુ સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિને કારણે નારીમાં જે એક અભિજાત આધ્યાત્મિકતા છે, એને કારણે અમેરિકાની જેમ નારીનું ઉન્મૂલન નથી થયું અને આ સંસ્કૃતિ અને સમાજે તેને મધ્યપૂર્વના દેશોની જેમ બદ્ધ પણ નથી કરી દીધી. પરંતુ આ બધું હોવા છતાંય સમસ્યા તો છે જ. અને એ સમસ્યાનો હલ આપણી પોતાની પ્રાચીન સંસ્કૃતિમાં છે.               (ક્રમશ:)

Total Views: 434

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.