સંસ્કૃતિનાં અંગ ક્યાં કયાં છે? સંસ્કૃતિનાં ત્રણ અંગ હોય છે. (1) એક છે જીવનદર્શન: આપણે આ સમગ્ર અસ્તિત્વને કેવી નજરે જોઈએ છીએ? આ અસ્તિત્વમાં હું, આ વિશ્વ છે અને ઈશ્વર કે જે દેખાતો નથી, એ પણ છે. (2) જીવનમૂલ્ય : આવાં જીવનદર્શનથી મૂલ્યો આવે છે. (3) જીવનવ્યવસ્થા : આ મૂલ્યો અને દર્શનોને આત્મસાત્ કરવા કોઈ ને કોઈ વ્યવસ્થાઓ કે પરંપરાઓ હોય છે.

આપણે ઈશ્વરને આ સૃષ્ટિથી ભિન્ન છે, એમ માનતા નથી. આપણે પણ આ સૃષ્ટિનું એક અંગ છીએ અને ઈશ્વર સર્વત્ર રહેલ છે એટલે કે આપણું જીવનદર્શન ‘એક આત્મ-જીવનદર્શન’ છે. સ્વામીજી આ શબ્દોનો વારંવાર ઉપયોગ કરે છે ‘ઐક્યની દૃષ્ટિ’. તો હું એટલે કોણ? હું એટલે માત્ર આ શરીર, મન, બુદ્ધિ એ જ નહીં. મારું પોતાનું જ વિસ્તૃત સ્વરૂપ મારો પરિવાર છે. મારું એ વિસ્તરિત સ્વરૂપ મારો સમાજ છે. અને એ જ વિસ્તરિત સ્વરૂપ આ રાષ્ટ્ર છે. સાથે ને સાથે એનું સમગ્ર વિસ્તરિત સ્વરૂપ આ વિશ્વ છે. એનાથી પર આ અવ્યક્ત પરબ્રહ્મ છે. એ પણ મારું જ સ્વરૂપ છે. આ છે આપણું જીવનદર્શન.

પછી આ જીવનદર્શનથી આવે છે મૂલ્ય. આપણે ત્યાં ત્યાગને ઘણો સહજ કહ્યો છે. નારી તરીકે હું પરિવાર માટે ત્યાગ કરું છું ત્યારે ખરેખર તો હું મારા માટે જ ત્યાગ કરું છું. હું મારું જ કલ્યાણ સાધી રહી છું, કારણ કે મારો પરિવાર મારું એક વિસ્તૃત સ્વરૂપ છે. ઉદાહરણ તરીકે જો આપણા હાથ શરીરને સાફ કરે છે ત્યારે હાથ એમ નથી કહી શકતા કે ‘અમે આવું કામ શા માટે કરીએ? અમે તો અમારી જાતને સ્વચ્છ રાખીશું. શરીર શરીરનું ધ્યાન રાખે.’ હું આ પરિવારનું એક અંગ છું, સમાજનું એક અંગ છું અને આ રાષ્ટ્રનું પણ એક અંગ છું. એટલે બધાં પ્રત્યે મારું એક કર્તવ્ય છે. મારા જીવનમાં મારાં દેહમન અને બુદ્ધિનો વિકાસ તો કરવાનો જ છે, પરંતુ મારું જીવન સર્વના કલ્યાણ માટે કંઈક યોગદાન આપનારું બનવું જોઈએ. એને લીધે મારા પરિવારને, મારા સમાજને અને રાષ્ટ્રને શું પ્રાપ્ત થયું, એવો ભાવ રાખવો જોઈએ. પરંતુ જે નારીસ્વાતંત્ર્યમાં કહેવાય છે એવું સ્વાતંત્ર્ય કે ‘હું મને ફાવે તે કરીશ’ એ વાત ખરેખર સ્વાતંત્ર્ય નથી. આવા લોકો ઇન્દ્રિયોના ગુલામ બની જાય છે. આપણે ગુલામ બનાવવાના નથી, પરંતુ દરેકે દરેકને સ્વતંત્ર બનાવવાના છે.

અત્યારે તો હું વિવેકાનંદ કેન્દ્રની આજીવન કાર્યકર્તા છું. મારો સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂરો થયા પછી હું કેન્દ્રમાં જોડાઈ. મારે દેશકલ્યાણ માટે કંઈક કરવું હતું. સમાજમાં એવું વાતાવરણ હોવું જોઈએ કે હું પણ એક સામાજિક જીવનનું કાર્ય કરી શકું, એવી સ્વતંત્રતા મને મળવી જોઈએ. મારા પિતાજીએ મારું નામ નિવેદિતા રાખ્યું છે, એટલે મેં વિવેકાનંદ કેન્દ્ર સાથે એક આત્મીયતા અનુભવી. આ કેન્દ્રનાં કાર્યો ભારતભરમાં ચાલી રહ્યાં છે. જેનું મને આકર્ષણ હતું એવા વનવાસી વિસ્તારોમાં પણ આ કાર્ય ચાલી રહ્યું છે. એટલે હું આજીવન કાર્યકર્તા બની. મને આવાં માતપિતા મળ્યાં અને એમના આશીર્વાદ પણ મળ્યા. પરંતુ સમાજમાં એવું વાતાવરણ ન હોય તો મારી લાઈફ વર્કર બનવાની ઇચ્છા હોવા છતાં મારો એક એવો સ્વભાવ છે કે એના પ્રમાણે હું કોઈ યોગદાન કરી ન શકત. કોઈકની પ્રકૃતિ એવી છે કે તેમને સંન્યાસી બનવાનું ગમે. સંન્યાસી બનવાનું સ્વાતંત્ર્ય જે તે સમાજમાં હોવું જોઈએ. કેટલાકને એવું લાગે કે હું મારા પરિવારને સારી રીતે સંભાળું છું, સારાં સંતાનો સમાજને અર્પણ કરું છું, એ પણ મોટું યોગદાન છે. આવું સ્વાતંત્ર્ય પણ એવા લોકોને મળવું જોઈએ. હું ચોવીસેય કલાક માતા છું, એવું ગર્વથી બોલવું જોઈએ. વળી કોઈને એવું લાગે કે મારે એક સારા વૈજ્ઞાનિક બનવું છે તો તેને સારા વૈજ્ઞાનિક બનવાનું સ્વાતંત્ર્ય પણ મળવું જોઈએ.

એક તો ‘ફ્રિડમ ટુ કોન્ટ્રીબ્યુટ’ એટલે કે દેશને કંઈક ને કંઈક પ્રદાન કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.

બીજું, પ્રશ્ન આવો આવે છે : કોઈ આધુનિક નારીને એવું લાગે કે હવે અમારે કોઈ કારકિર્દીમાં જોડાવું છે. તો શું એમણે ન જવું જોઈએ? જઈ તો જરૂર શકે, પણ તેમાં પોતાની સંસ્કૃતિની વાત યાદ આવે છે. તે એ છે કે આપણે બધાં ‘હું કોણ છું’ એ જાણવા માટે વારંવાર જન્મ લઈએ છીએ. જે પ્રકારનો મારો વિકાસ થશે તે પ્રમાણે મારા પછીના જન્મમાં ઉન્નતિ કરવાનું કાર્ય નિશ્ર્ચિત થાય છે. વળી એ જન્મમાં હું પુરુષદેહમાં જન્મ લઈશ કે નારીદેહમાં જન્મ લઈશ, એ પણ નિશ્ર્ચિત કરું છું. એનું કારણ એ છે કે સ્ત્રી અને પુરુષના પોતાના કેટલાક વિશેષ ગુણ છે. જો મેં સ્ત્રીના દેહે જન્મ લીધો હોય અને હું લગ્ન કરું તો મારું કોઈ વિશેષ કર્તવ્ય કે દાયિત્વ છે. હું જ મા બની શકું છું, મારા પતિ એ નથી બની શકતા. આ બધું આપણે સમજવાનું છે. એટલે હું મારા માતા તરીકેના કર્તવ્યને ભૂલી ન શકું.

ત્રીજું, નારીએ બે સ્થળે સંભાળવું પડે છે. એમાં હવે આપણે જીવન-વ્યવસ્થા તરફ આવીએ. એટલે કે જીવનદર્શન, એમાંથી આવેલાં મૂલ્યો અને એ મૂલ્યોએ બનાવેલી વ્યવસ્થા. આવી જીવનવ્યવસ્થા કે વ્યવસ્થાઓ કાળ પ્રમાણે ઊભી થાય છે. જેમ કે એક એવો સમય હતો કે જ્યારે આપણે આક્રમણકારો સામે લડવાનું હતું. આવા સમયે ઘરની પૂરેપૂરી જવાબદારીમાં પૂર્ણ વિભાજન થઈ ગયું. એટલે પુરુષ બહારનું કામ સંભાળશે અને નારી ઘરનું. એ સમયે આવી વ્યવસ્થા હતી. હવે અત્યારે સમય બદલી ગયો છે. એટલે સ્ત્રીઓએ ઘરની બહાર જવું ન જોઈએ એવી આપણી પરંપરા છે, એવું અત્યારે ન બોલી શકીએ. આપણી પરંપરા એવી છે કે નારી હંમેશાં પોતાની ભીતરનાં દિવ્યતા અને ઈશ્વરત્વને પોતે ગમે તે રીતે પ્રગટ કરી શકે, એવું સંપૂર્ણ સ્વાતંત્ર્ય આ રાષ્ટ્રે નારીઓને આપ્યું છે. એટલે જ ઉપનિષદ કાળમાં ગાર્ગી, મૈત્રેયી, સુલભા, વાણી, ઘોષા, અપાલા વગેરે જોવા મળે છે. દા.ત. મૈત્રેયી કે જે પતિની સાથે અધ્યાત્મની ચર્ચા કરે છે અને એ અધ્યાત્મ ચર્ચા ઉપનિષદ બની જાય છે. પત્ની હોય તો આવી હજો. મા પણ એવી હોવી જોઈએ કે (મદાલસા જેવી) જે ગીત ગાય છે અને પારણે ઝૂલતાં એમનાં બાળકો બ્રહ્મજ્ઞાની બની જાય છે.

સ્વામી વિવેકાનંદે ‘શ્રુતિ’ અને ‘સ્મૃતિ’ એ બે શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેઓ કહે છે કે ભારતીય સંસ્કૃતિ નિત્ય નૂતન અને ચિરપુરાતન રહી. એનું કારણ એ છે કે આપણને શ્રુતિ અને સ્મૃતિની ગતિશીલતા અને ક્રિયાશીલતાનો ખ્યાલ છે. શ્રુતિ એ છે કે જે ક્યારેય બદલાતી નથી. એટલે કે એ જીવનદર્શન છે. સ્મૃતિ એ જીવનવ્યવસ્થા છે, એ સમય પ્રમાણે બદલાતી રહે છે અને તે પણ શ્રુતિના પ્રકાશમાં. ભારતીય સંસ્કૃતિનું આવું લચીલાપણું રહ્યું છે. એટલે સમયની સાથે સાથે પોતાનાં મૂળિયાંમાં તે મજબૂત અને પાકી રહી છે, નિત્યનૂતન અને ચિરપુરાતન રહી છે. આપણે ઘરની વ્યવસ્થાઓને આવી રીતે જોવી પડે અને એ કાર્ય માત્ર સ્ત્રીનું જ નથી, પુરુષનું પણ છે, એટલે કે બંનેનું છે. બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય કહે છે, ‘પતિ અને પત્ની બીજનાં દ્વિદલ છે. એ મળીને જ એક બીજ કે કણ પૂર્ણ બને છે.’ એટલે કે જે વ્યવસ્થા બદલવાની છે, તેનો આધાર આત્મીયતા છે અને એકાત્મતા છે. ઉદાહરણ તરીકે જો મને એક ઘૂંટણમાં દર્દ થાય છે અને હું દાદરો ઊતરું છું, ત્યારે એક પગ સીધો રાખીશ અને બીજો પગ વારંવાર વાળતી જઈશ. બીજા પગમાં પણ પીડા થતી હોય તો બંને પગને સંભાળીને દાદરો ઊતરી જઈશ. એટલે કે મુખ્ય બાબતની સંભાળ રાખો, એને માટે લાગણી કેળવતાં શીખો અને એનું સંરક્ષણ કરો.

હું સમગ્ર ભારતમાં પ્રવાસ કરું છું અને સામાન્ય રીતે કોઈ ગૃહસ્થના ઘરે ઊતરું છું. મેં ઘણા પરિવારોમાં એવા પુરુષો પણ જોયા છે કે જે બાળકોને નવડાવે છે, એમને તૈયાર કરે છે અને જમાડે છે પણ ખરા. એ સાચા છે અને આત્મીય ભાવનાથી પરિવાર ચલાવે છે. એટલે જો સ્ત્રી નોકરી કરતી હોય તો પુરુષોએ ઘરનો ભાર પણ ઉપાડવો પડે. આ માટે હું એક કિસ્સો બતાવું છું. હું એક ગૃહસ્થના ઘરે રોકાણી અને એ ઘરની માતાએ મને કહ્યું કે મારી દીકરી આવી છે. તેનાં લગ્ન થઈ ગયાં હતાં અને સારી મોટી કંપનીમાં તે સી.ઈ.ઓ. હતી. હવે તમે એને સમજાવો, કારણ કે તે છૂટાછેડા લેવાની વાત પર આવી ગઈ છે. મેં એ દીકરીને પૂછ્યું તો તેણે કહ્યું, ‘હું બાળપણથી મોટી થઈ ત્યાં સુધી મને એવું બતાવવામાં આવ્યું કે પહેલો નંબર રાખવો અને સારી કંપનીમાં નોકરી મેળવવી. મેં એમ જ કર્યું. હવે મને બહાર જવા માટે સારો અવસર મળે છે. પણ મારા સાસરાવાળા એમ કરવાનો ઇન્કાર કરે છે. મારા પતિ કહે છે કે હવે આપણે બાળક તો જોઈએ ને! અને જો હું આવા કુટુંબજીવનમાં પડું તો પછી મારી કારકિર્દી જ ખતમ થઈ જશે. અહીં મારાં માતપિતા પણ કહે છે કે મારે હવે પરિવાર સંભાળવો જોઈએ. મેં હંમેશાં મારી પોતાની ઉન્નતિ માટે આવાં સ્વપ્ન સેવ્યાં છે.’ દીકરી સાચી હતી. આપે એમને શું શીખવ્યું? શું આપે એવું શીખવ્યું કે તું એક જગજ્જનની સ્વરૂપા છો, એટલે તારો જનનીનો રોલ ક્યારેય સમાપ્ત નહીં થાય? આ બધું આપણે પોતાની પુત્રીઓને બતાવ્યું નથી અને આજે આપણે રડી રહ્યા છીએ, તો એમાં ભૂલ કોની? ઘરમાં જ્યારે આપણે બાળકોને ઉછેરીએ છીએ ત્યારે શું આપણે એમને આ જીવનમૂલ્ય આપીએ છીએ ખરા? આપણા જીવનનો સાચો હેતુ છે, આત્મવિકાસ; નહીં કે કારકિર્દી.

બીજી વખત હું એક ધનવાન ગૃહસ્થના ઘરે ઊતરી. તેઓ મારા ઓળખીતા ન હતા, પરંતુ મારું વિમાનમાં જવાનું ઘણું વહેલું હતું એટલે કોઈએ એ ઘરમાં રહેવાની મારા માટે વ્યવસ્થા કરી આપી. સાસરા સામાજિક કાર્યકર હતા. એમણે પોતાની પુત્રવધૂને બોલાવી. પછી મને કહ્યું, ‘મારી પુત્રવધૂ એમ.બી.એ. ફર્સ્ટક્લાસ ફર્સ્ટ છે અને એના હાથે મેં કેન્દ્રને એક લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. હું માનું છું કે વધૂ લક્ષ્મી હોય છે. પરંતુ અત્યારે અમારા ઘરમાં એક ચર્ચા ચાલે છે. એને એમ લાગે છે કે મારા આ ભણતરનો શું ઉપયોગ? અમારા ઘરમાં વહુઓ નોકરી કરતી નથી.’ મેં કહ્યું કે આ તો પરિવારનો નિર્ણય છે એટલે હું કંઈ ન કહી શકું. પરંતુ થોડાં સૂચનો કરીશ. તમે તેના પર ચિંતન કરો. મેં વહુને કહ્યું, ‘તમે નોકરી કરવા ઇચ્છો છો, તેનું કારણ એ હોઈ શકે કે તમે તમારા જ્ઞાનનો સદુપયોગ કરો. એનું બીજું કારણ પણ હોઈ શકે કે સ્ત્રી અને એ પણ જ્યારે વધુ ભણી હોય તો એને થોડું ખુલ્લા વાતાવરણમાં જવાનું ગમે છે. ત્રીજું કારણ તમે પોતે કમાઈને આર્થિક રીતે સ્વતંત્રતા ઇચ્છો છો.’ પછી મેં એના સસરાને કહ્યું કે જો આ ત્રીજું કારણ હોય તો આપણે પોતાના ઘરની અર્થવ્યવસ્થામાં થોડું પરિવર્તન લાવવું પડે. મેં એમને કહ્યું કે મારા ઘરમાં મારી માતા ધો. 8 સુધી ભણી હતી. પિતાજી નોકરી કરતા હતા અને પગાર એ માને આપી દેતા. તો એમાં આપની પુત્રવધુને આર્થિક સલામતી મળી જાય છે. કારણ કે તે આપ સર્વેની જ સંભાળ રાખે છે. પછી મેં એમને કહ્યું કે જો આ જ કારણ હોય કે આપના પરિવારમાં સ્ત્રીએ કમાવું ન જોઈએ અને એના જ્ઞાનનો ઉપયોગ પણ કરવાનો છે તો આપની પુત્રવધૂ એવી ક્ધસલટન્સી – તજ્જ્ઞનું માર્ગદર્શનગૃહ ખોલી શકે છે. જે ગરીબોને એમ.બી.એ.માં પરીક્ષા આપવા માટે નિ:શુલ્ક ભણાવે. એને લીધે એના જ્ઞાનનો સદુપયોગ પણ થશે, સમાજનું ભલું પણ થશે અને આપના રીતરિવાજનું રક્ષણ પણ થઈ જશે. પછીથી એક વખત એમનો ફોન આવ્યો કે મારી પુત્રવધૂ એ કાર્ય કરવાની છે.

આપણે બધા નિર્ણયો શ્રુતિના પ્રકાશમાં જ લેવાના છે. એટલે કે જીવનદર્શન અને જીવનમૂલ્યોના પ્રકાશમાં જ આપણે એ બધી વ્યવસ્થાઓ બદલવાની છે. સ્ત્રીની સહભાગિતા સમાજધારણા, રાષ્ટ્રપુનરુત્થાન અને માનવવિકાસમાં જો વધારવાની હોય તો સ્ત્રીને સમાજમાં સંરક્ષણ મળવું જોઈએ. આ સંરક્ષણ માટે એક જ ઉપાય છે. સંરક્ષણ પોલીસમાં, કોર્ટમાં કે બૂરખામાં નથી હોતું. સંરક્ષણ તો પુરુષોના દૃષ્ટિકોણમાં હોય છે. આ દૃષ્ટિકોણને ઠીક કરવાનું કામ સંસ્કૃતિ અને સંસ્કારોનું છે. દા.ત. હું રાયપુર રામકૃષ્ણ મિશનમાં ગઈ હતી. ત્યાં સ્વામી સત્યરૂપાનંદજીએ મને એક ઉદાહરણ બતાવ્યું અને કદાચ એ એમની પોતાની જ વાત હોઈ શકે : એક નાનો છ વર્ષનો છોકરો આંગણે રમી રહ્યો છે. એ સમયે તેની મોટી બહેનની સખી આવી. તો એ બાળકે મોટેથી બરાડો પાડીને કહ્યું, ‘ગીતા દીદી, સરલા આવી છે.’ એ સાંભળીને એની માતાએ એ છોકરાને એક થપ્પડ ચોડી દીધી અને કહ્યું, ‘તું સરલા દીદી એમ નથી બોલી શકતો?’ એ વખતે સત્યરૂપાનંદજી મહારાજની આંખોમાં આંસુ આવી ગયાં અને એમણે કહ્યું કે તે દિવસથી એ બાળકનો દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો. આ સંસ્કાર છે. આપણી સંસ્કૃતિ એવી છે કે દરેક નારી જગતજ્જનની સ્વરૂપા છે.

સ્ત્રિયા: સમસ્તા: સકલા જગત્સુ ।

વિદ્યા સમસ્તાસ્તવ દેવિ ભેદા: ॥

બધી વિદ્યાઓ અને નારીઓ દેવીનાં રૂપ જ છે. આવા સંસ્કાર જો બાળપણથી જ બાળકોમાં રેડાય તો દરેક સ્ત્રી સુરક્ષિત બને. એનું શ્રીરામકૃષ્ણના જીવનમાંથી એક ઉદાહરણ લઈને આપની સમક્ષ રજૂ કરું છું. શ્રીરામકૃષ્ણ પરમહંસ સાધનામાં પૂરેપૂરા જગદંબામય બની ગયા હતા. લોકોને લાગ્યું કે એ તો ગાંડા થઈ ગયા છે. અને જે લોકો ભાવાવસ્થાને સમજ્યા ન હતા તેમણે વિચાર્યું કે તેમનાં પત્ની તેમની પાસે નથી, એટલે એવા થઈ ગયા છે. મથુરબાબુએ વિચાર્યું કે એકવાર એમને વારાંગના પાસે લઈ જઉં તો કદાચ એમને સારું થઈ જશે. એક દિવસ તેઓ શ્રીઠાકુરને વારાંગનાના મહોલ્લામાં લઈ ગયા. મથુરબાબુએ વિચાર્યું હતું કે આ બધું જોઈને શ્રીઠાકુર ગુસ્સે થશે, પરંતુ એમને કંઈ ન થયું. શ્રીઠાકુર ત્યાં ગયા. એ વારાંગનાઓ ગીત વગેરે ગાવા લાગી અને હાવભાવ પણ કરવા લાગી. શ્રીઠાકુર આ બધું સ્વાભાવિક રીતે જોતા હતા. એટલે મથુરબાબુને લાગ્યું કે શ્રીઠાકુર સારાસાજા છે. આખું ગીત પૂરું થઈ ગયું એટલે શ્રીઠાકુરે કહ્યું કે હે મા! તું કયાં કયાં રૂપ ધારણ કરી શકે છે ! આ છે સુરક્ષાનો દૃષ્ટિકોણ. આપણે શ્રીરામકૃષ્ણની કક્ષાએ તો નથી, પરંતુ જો આપણને પણ એવા જ વિચાર આવી જાય તો આ સંસ્કારને લીધે એ કુકર્મમાં ક્યારેય પરિવર્તિત થાય નહીં.

શ્રીમા શારદાનું જીવન દરેક નારી માટે એક અનુસરણીય ઉદાહરણ છે. તેઓ સંઘજનની હતાં. તેઓ અભણ અને ગામડાનાં હતાં. પરંતુ એમનાં વ્યવહાર-વર્તન ભણેલગણેલ-અભણ, સંસ્કારી-અસંસ્કારી, પરના અને નીજના, સંન્યાસી અને ગૃહસ્થ બધાં પ્રત્યે સમભાવી રહેતાં. પણ આપણું પોતાનું વર્તન કે આપણો વ્યવહાર કેવો હોય છે ? શું આપણને એવો ખ્યાલ છે કે આપણે નારીઓ જગજ્જનની સ્વરૂપા છીએ? જ્યારે હું આવું કહું છું ત્યારે શું મારી ભીતર એ દિવ્યશક્તિ રહેલી છે, એનો અનુભવ થાય છે? જો આવું હોય તો આજની આધુનિક મહિલા પછી ભલે એ પશ્ચિમની હોય, મધ્યપૂર્વની હોય કે ભારતની; તે નારીઓ જીવનમાં કેવી રીતે સમતુલા જાળવવી જોઈએ એનો માર્ગ બતાવનારી, જીવન કેવું હોવું જોઈએ એનું ઉત્તમ ઉદાહરણ આપનારી સ્ત્રી હોઈ શકે છે.

Total Views: 302

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.