શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની પર્વોત્સવ ઉજવણી

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ સ્પર્ધા

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ઘોરણ ૧ થી ૧૨ સુધીનાં વિદ્યાર્થી ભાઈબહેનો માટે હિન્દી, ગુજરાતી, સંસ્કૃત અને અંંગ્રજી મુખપાઠ સ્પર્ધામાં કુલ ૫૩૭૯; ધોરણ ૫ થી ૧૨ અને પી.ટી.સી. તેમજ સ્નાતક કક્ષાનાં વિદ્યાર્થી ભાઈબહેનો માટે ગુજરાતી, અંગ્રેજી વક્તૃત્વ સ્પર્ધામાં કુલ ૮૫૪, શિઘ્ર ચિત્ર સ્પર્ધામાં કુલ ૧૧૯૧, ઘોરણ ૯ થી ૧૨ માટે ક્વીઝમાં ૫૬, ધોરણ ૧ થી ૮ સુધીનાં વિદ્યાર્થી ભાઈબહેનો માટે વિશ્વના સંતો, પયગંબરો અને દેવદેવીઓની વેશભૂષા સ્પર્ધામાં ૭૯૪ તેમજ ધોરણ ૫ થી ૮ અને ૯ થી ૧૨ સુધીનાં વિદ્યાર્થી ભાઈબહેનો માટે સમૂહગાન સ્પર્ધામાં ૪૫૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધાનું આયોજન તા. ૯મી ડિસેમ્બર થી ૨૩મી ડિસેમ્બર સુધી થયું હતું. આ સ્પર્ધાઓમાં ૧૭૨ શાળા-કોલેજોના ૮૬૭૦ વિદ્યાર્થી ભાઈબહેનો સાથે ભાગ લીધો હતો.

બધી સ્પર્ધાઓમાંથી કુલ ૮૩૦ વિદ્યાર્થીઓને પારિતોષિકો મળ્યાં છે. એમાંથી પ્રથમ ક્રમાંક મેળવેલ પ્રત્યેક ખંડના વિદ્યાર્થીઓને ૧૩મી જાન્યુઆરી, ૨૦૧૯ રવિવારના રોજ, ૪ :૦૦ વાગ્યે વિવેકહોલના મંચ પર શ્રીરામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓ આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે શિલ્ડ, પ્રમાણપત્ર અને ક્રેડીટનોટ આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર પ્રત્યેક વિદ્યાર્થીને આશ્રમ તરફથી એક પુસ્તક પ્રસાદીરૂપે આપવામાં આવ્યું હતું.

વેશભૂષામાં ભાગ લેનાર ૭૨૩ વિદ્યાર્થીઓને ભાગ લેવા માટેનું પ્રમાણપત્ર વર્ગખંડમાં નિર્ણાયકોને હસ્તે આપવામાં આવ્યું હતું. સમૂહગાનની ત્રણ દિવસની સ્પર્ધામાં ૯ વિજેતા શાળાઓને તથા ક્વીઝ સ્પર્ધાઓની ૫ શાળાઓને ૧૩મી જાન્યુઆરીના રોજ શિલ્ડ આપવામાં આવશે. ૨ થી ૬ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા ક્રેડીટનોટ ૨ થી ૯ જાન્યુઆરી દરમિયાન આપવામાં આવ્યાં હતાં. ક્રેડીટનોટમાં દર્શાવેલ પારિતોષિકની રકમનાં પુસ્તકો જે તે વિજેતા વિદ્યાર્થીએ ‘વિવેકાનંદ બૂકવર્લ્ડ’માંથી મેળવી લીધાં હતાં.

૧૪ દિવસ સુધી ચાલેલી આ ર્સ્પધામાં આશ્રમના સંન્યાસીઓના માર્ગદર્શન હેઠળ ૧૩૨ સ્વયંસેવકો તથા ૧૩૮ નિર્ણાયક ભાઈબહેનોએ પોતાની નિ :સ્વાર્થ સેવા આપી હતી. બધી સ્પર્ધાઓ માટે કુલ ૧૨૬ વર્ગખંડોનો ઉપયોગ થયો હતો.

ક્રિસમસ ઈવ

૨૪ ડિસેમ્બર, ૨૦૧૮, સોમવારે સાંજે ૭-૧૫ કલાકે શ્રીમંદિરમાં ક્રિસમસ ઈવના ઉપલક્ષ્યમાં વિશેષ પૂજા, ક્રિસમસ કેરોલ્સગાન, બાઇબલ પાઠ અને ત્યાર બાદ ‘ઈશુ ખ્રિસ્તના જીવન અને સંદેશ’ વિશે પ્રવચન કાર્યક્રમ યોજાયો હતો.

જપયજ્ઞ

૨૭ ડિસેમ્બર, ગુરુવારે સવારે પ :૦૦ વાગ્યાથી માંડીને ૨૮ ડિસેમ્બર, શુક્રવારે સવારે ૭ :૦૦ વાગ્યા સુધી શ્રીમંદિરમાં જપયજ્ઞનું આયોજન થયું હતું.

શ્રીમા શારદાદેવીની ૧૬૬મી પાવનકારી તિથિપૂજાનો મહોત્સવ

૨૮ ડિસેમ્બર, શુક્રવાર ૨૦૧૮ના સવારે ૫ :૦૦ વાગ્યાથી બપોરના ૧૨ :૩૦ સુધી શ્રીમા શારદાદેવીની ૧૬૬મી પાવનકારી તિથિપૂજાનો મહોત્સવ યોજાયો હતો.

સવારે ૫ :૦૦ વાગ્યે મંગળ આરતી, સ્તોત્ર પાઠ, ધ્યાન, વેદપાઠ; ૮ :૦૦ વાગ્યે વિશેષ પૂજા અને સપ્તશતીપાઠ; ૯ :૦૦ વાગ્યે શ્રીમા શારદાદેવીના જીવનચરિત્રમાંથી વાચન; ૯ :૩૦ વાગ્યે અંધમહિલા વિકાસગૃહ, રાજકોટનાં અંતેવાસી બહેનો દ્વારા ભજન; ૧૦ :૩૦ વાગ્યે હવન; ૧૧ :૧૫ કલાકે ભજન અને કીર્તન; ૧૨ :૦૦ ભોગ આરતી અને ૧૨ :૩૦ વાગ્યે પ્રસાદ વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા હતા. ૨૦૦૦થી વધુ ભાવિકજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. સાંજે ૫ :૩૦ કલાકે શ્રીમંદિરમાં શ્રીમા નામ સંકીર્તનનું આયોજન થયું હતું.

નારાયણસેવા : ૩૦ ડિસેમ્બર, રવિવારે સવારે ૯ થી ૧૧ કલાક સુધી નારાયણસેવાનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધોની નારાયણસેવા કરવામાં આવી હતી.

કલ્પતરુદિન

કાશીપુર ઉદ્યાનગૃહમાં શ્રીરામકૃષ્ણદેવ પોતાની જીવનલીલાના અંતિમ ચરણમાં હતા તે સમયે ૧,જાન્યુઆરી, ૧૮૮૬ના રોજ ‘કલ્પતરુ’ બન્યા હતા અને ‘ચૈતન્ય થાઓ’ એમ કહીને પોતાના ભક્તોને આશિષ આપ્યા હતા. આ પ્રસંગની સ્મૃતિ રૂપે ૧લી જાન્યુઆરી, ૨૦૧૯ મંગળવારે બપોરે ૨ :૩૦ કલાકે દર વર્ષની જેમ શ્રીમંદિરમાં જપ-ધ્યાન તથા વિશેષ પ્રવચનનું આયોજન થયું હતું.

શ્રીમાશારદા સેરેબ્રલપાલ્સી રિહેબિલિટેશન સેન્ટર દ્વારા ‘વાર્ષિકદિન’ની ઉજવણી

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘શ્રીમાશારદા સેરેબ્રલપાલ્સી રિહેબિલિટેશન સેન્ટર’ દ્વારા દર વર્ષની જેમ આ કેન્દ્રમાં આવતાં દિવ્યાંગ બાળકો તેમજ નવશક્તિ સનસાઈન, પ્રેરણા, જિનિયસ, સ્નેહ નિર્જર, પ્રયાસ જેવી સમગ્ર શહેરની સંસ્થાઓના ૩૮૫ દિવ્યાંગ બાળકો માટે વાર્ષિકદિનની ભવ્ય ઉજવણી આશ્રમના પટાંગણમાં ૬ઠ્ઠી જાન્યુઆરી, રવિવાર-૨૦૧૯ના રોજ યોજાઈ હતી. તેમા યોજાએલી ફેન્સી ડ્રેસ, ટેલેન્ટ શો, ૧૦૦મી. દોડ, ૧૦૦મી. વોક અને કલરીંગ જેવી વિવિધ સ્પર્ધાઓમાં આ દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકને ઇનામ આપવામાં આવ્યું હતું. આ દિવ્યાંગ મહોત્સવમાં ડૉ. ભાવનાબેન જોષીપુરા અને ડૉ. મહેશભાઈ રાઠોડ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા. સ્વામી નિખિલેશ્વરાનંદજી અને આશ્રમના અન્ય સંતો પણ દિવ્યાંગ બાળકોની ખીલતી પ્રતિભા નિહાળીને મંત્રમુગ્ધ બની ગયા હતા.

સ્વામી વિવેકાનંદની ૧૫૭મી તિથિપૂજાનો મહોત્સવ

સ્વામી વિવેકાનંદની ૧૫૭મી જન્મજયંતીના મહોત્સવના ઉપલક્ષ્યમાં ૨૭મી જાન્યુઆરી, ૨૦૧૯ રવિવારે શ્રીમંદિરમાં સવારના પ :૦૦ વાગ્યે મંગલ આરતી, વેદપાઠ, ભજન અને ધ્યાન; ૬ :૧૫ કલાકે વિશેષ નૈવેદ્યાર્પણ; ૮ :૦૦ વાગ્યે વિશેષ પૂજા; ૯ :૩૦ કલાકે ‘કઠોપનિષદ’માંથી વાચન; ૧૦ :૩૦ કલાકે હવન; ૧૧ :૧૫ કલાકે ભજન; ભોગ આરતી પછી ૧૨ :૧૫ કલાકે પ્રસાદ વિતરણ; સાંજે ૫ :૩૦ કલાકે શ્રીશિવનામ સંકીર્તન; ૬ :૪૫ કલાકે સંધ્યા આરતી અને ૭ :૧૫ કલાકે સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશ પર સંઘના સંન્યાસીઓનાં પ્રવચન જેવા કાર્યક્રમોનું આયોજન થયું હતું.

રાષ્ટ્રીય યુવા દિનના ઉપલક્ષ્યમાં યુવસંમેલન

૧૨ જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદના જન્મદિનને સમગ્ર રાષ્ટ્ર ‘રાષ્ટ્રીય યુવા દિન’ રૂપે ઉજવે છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હોલમાં સવારના ૮ :૩૦ થી ૧૨ :૩૦ સુધી યુવસંમેલનનું આયોજન થયું હતું. કાર્યક્રમનો પ્રારંભ રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. ત્યાર પછી મુખ્ય મહેમાનો અને અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ દીપ પ્રાકટ્ય કર્યો હતો. મહેમાનોનું અભિવાદન કરતાં પહેલાં સ્વામી વેદનિષ્ઠાનંદે સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ત્યાર પછી સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વામીજીનાં પ્રેરક વચનો અને ઉદ્બોધક પ્રસંગો દ્વારા સ્વામીજીને યુવાનો પર કેવી દૃઢ શ્રદ્ધા હતી તેની વાત કરી હતી. તેમણે આજના યુવાનોએ પોતાના વ્યક્તિત્વ ઘડતર દ્વારા રાષ્ટ્ર ઘડતરના કામે લાગી જવા હાકલ કરી હતી.

રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર શ્રી બી. એન. પાનીએ આજના યુવાનોએ સ્વામીજીના આદર્શ અને જીવનસંદેશને પોતાનાં જીવનમાં ઝીલવાનું અને જીવવાનું આહ્‌વાન કર્યું હતું. તેમણે જીવનમાં સ્વયંભૂ અનુશાસન, સ્વચ્છતા, સખત પરિશ્રમ અને શિસ્તનું પાલન કરીને પોતાના જીવનને અને દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું ભગીરથ કાર્ય કરવાનું છે. તેમણે જીવનમાં પ્રતિભા અને કાર્યકુશળતા આવશ્યક છે. ડિગ્રી મહત્ત્વની નથી. ભાવાત્મક વલણ, કાર્યકૌશલ્ય અને કોઠાસૂઝ કેળવીને જીવનમાં સાચી સફળતા મેળવવાની છે.

ત્યાર પછી બીજા સેશનનો પ્રારંભ બ્રહ્મચારી મૈનાકના ભજનથી થયો હતો. શ્રી ઉત્તમ મારુ અને દેવર્ષ ત્રિવેદીએ પોતાના કાર્યક્રમથી યુવાનોને મુગ્ધ કરી દીધા હતા. અરુણિમા સિન્હાની જેમ પોતાનો એક પગ ગુમાવી દેનાર સમગ્ર વિશ્વ માટે એક આદર્શ યુવનારી રૂપે નામના મેળવનાર અને એશિયન તેમજ વિશ્વની પેરા બેડમિન્ટન સ્પર્ધામાં ૩ સુવર્ણ, ૬ રજત અને ૮ કાંસ્યચંદ્રક મેળવનાર આ માનસી જોષી આજના યુવાનો માટે અનુકરણીય ઉદાહરણ અને આદર્શ બની ગયાં છે.

તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે પોતાનો એક પગ ગુમાવીને આ દિવ્યાંગ અવસ્થાને સહજ સ્વીકારી અને અજબના પુરુષાર્થ તેમજ પરાક્રમશીલતા સાથે જીવનમાં કંઈક કરી છૂટવાની મહત્ત્વકાંક્ષા અને તમન્ના સાથે જીવનમાં સતત ઝૂઝતાં રહ્યાં. મુશ્કેલીઓના પહાડોને પાર કરીને તેમણે પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપ્યું. પોતાની મેળે ચાલવાની, દોડવાની, સ્વાશ્રયી બનવાની ઉત્કટ ઇચ્છા સાથે તેમણે પેરા બેડમિન્ટનમાં પોતાનું નામ હંમેશાંને માટે અંકિત કરી દીધું. તેમની ઇચ્છા પેરા બેડમિન્ટન એથ્લેટની ૨૦૨૦માં ટોકીયોમાં યોજાનારી પેરા ઓલંપિકમાં સુવર્ણચંદ્રક મેળવવાની છે.

પેરા એથ્લેટ માનસી આજે સોફ્ટવેર પ્રોફેશ્નલ અને ચેંજ મેકરના વ્યવસાયમાં કાર્યરત છે. તેમણે ‘એટમિક એનર્જી સેન્ટ્રલ સ્કૂલ’માં શાળાનું શિક્ષણ મેળવ્યું અને પછી કે. જે. સોમૈયા ઈજનેરી કોલેજ મુંબઈમાં બેચલર ઓફ એન્જિનીયરીંગમાં મેજોર ઇલેક્ટ્રોનિક્સની ડિગ્રી મેળવી છે. તેમનો જન્મ ૧૧મી જૂન, ૧૯૮૯માં થયો હતો. આજના યુવાનો માટે તે એક પ્રેરણામૂર્તિ સમા છે. તેમણે યુવાનોને આહ્‌વાન આપતાં કહ્યું હતું કે તમે જીવનમાં સ્વામી વિવેકાનંદે ચિંધેલા માર્ગે ચાલીને ઉત્તમ સફળતા મેળવો અને વિદેશમાં ગમે ત્યાં જાઓ પણ આપણા મહાન ભારતદેશને અને ભારતના લોકોને ક્યારેય ન ભૂલતા.

સંમેલનના સમાપન પ્રસંગે સ્વામી પ્રભુસેવાનંદજીએ ઉપસ્થિત મહાનુભાવોનો આભારવિધિ કર્યો હતો. અંતે સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે ઉપસ્થિત ભાઈ-બહેનોને સ્વામીજીના સ્વદેશ મંત્રનું ગાન કરાવ્યું હતું.

 

Total Views: 206
By Published On: February 2, 2019Categories: Samachar Darshan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram