સ્થળ : બેલુર મઠની ભાડાની જગ્યા, ફેબ્રુઆરી ૧૮૯૮

સ્વામીજીએ આલમબજારથી નીલાંબરબાબુના બાગમાં મઠની જગ્યા ફેરવી છે. આ નવા સ્થળમાં આવવાથી તેમને ઘણો આનંદ થયો. શિષ્ય જ્યારે આવ્યો ત્યારે તેમણે તેને કહ્યું : ‘જો, ગંગા કેવી વહી રહી છે અને મકાન કેવું સુંદર છે ! મને આ સ્થળ ગમે છે. મઠ માટે આ આદર્શ સ્થળ છે.’ તે વખતે બપોર વીતી ગયો હતો.

સાંજે ઉપરની મેડીએ શિષ્યે સ્વામીજીને એકલા જોયા અને વિવિધ વિષયો ઉપર વાત ચાલી. આ વાતચીત દરમ્યાન સ્વામીજીની બાલ્યાવસ્થા વિશે તેને જાણવાની ઇચ્છા થઈ. સ્વામીજી કહેવા લાગ્યા : ‘મારા બચપણથી જ હું સાહસિક છોકરો હતો. એ વિના, તું એમ માની શકે ખરો કે ખીસામાં પૂરા ચાર પૈસા સિવાય દુનિયા આખીની મુસાફરી હું કરી શકું ?’

નાનપણમાં સ્વામીજીને કીર્તનકારો પાસેથી રામાયણની કથા સાંભળવાનો ઘણો શોખ હતો. જ્યારે જ્યારે પાડોશમાં આવું કીર્તન થતું ત્યારે રમત છોડી તેઓ ત્યાં હાજર થતા. સ્વામીજી કહેતા કે કોઈ કોઈ દિવસે તો પોતે રામાયણ સાંભળવામાં એટલા બધા મગ્ન બની જતા કે ઘર વગેરે બધું ભૂલી જતા અને રાતે ઘણું મોડું થયું છે માટે ઘેર જવું જોઈએ, એવો ખ્યાલ પણ રહેતો નહિ. કીર્તન દરમિયાન એક દિવસ તેમણે સાંભળ્યું કે કેળના વનમાં હનુમાનજી રહે છે. તરત તેમને એ બાબતમાં એવી ખાતરી થઈ ગઈ અને રાતે પોતે સીધા ઘેર ન ગયા પણ પોતાના ઘરની નજીક કેળના વનમાં મોડી રાત સુધી ફરવા લાગ્યા, એવી આશાથી કે હનુમાનજીનાં દર્શન થશે.

વિદ્યાર્થી અવસ્થામાં આખો દિવસ તેઓ મિત્રો સાથે રમતગમતમાં ગાળતા અને રાતે બારણાં બંધ કરીને અભ્યાસ કરતા. તે પોતાના પાઠો ક્યારે તૈયાર કરતા તેની કોઈને ખબર પડતી નહિ.

શિષ્યે પૂછ્યું : સ્વામીજી ! આપના શાળાના દિવસો દરમિયાન આપને કંઈ દર્શન થયેલાં ખરાં ?

સ્વામીજી : જ્યારે ભણતો ત્યારે એક દિવસ હું બંધબારણે ધ્યાન કરતો હતો ત્યારે મન ખૂબ એકાગ્ર થઈ ગયેલું. આ પ્રમાણે કેટલો વખત મેં ધ્યાન ધર્યું તે હું કહી શકતો નથી. ધ્યાન પૂરું થયું છતાં હું શાંત બેસી રહ્યો હતો. તેટલામાં ઓરડાની દક્ષિણ દિશાની દીવાલમાંથી એક જ્યોતિર્મય આકૃતિ બહાર આવી મારી સામે ઊભી રહી. તેના મોં ઉપર અદ્‌ભુત તેજ હતું છતાં તે ઉપર કોઈ ઊર્મિલતા દેખાતી ન હતી. એક સંપૂર્ણ શાંત, મુંડિતમસ્તક, દંડકમંડળધારી સંન્યાસીની તે મૂર્તિ હતી. થોડા વખત સુધી તેણે મારી સામે જોયા કર્યું; મને તે કંઈ કહેશે તેમ લાગ્યું. મેં પણ આશ્ચર્યચક્તિ બની મૂંગાં મૂંગાં તેની સામે જોયા કર્યું. પછી મનમાં એક પ્રકારનો ભય પેદા થયો; હું બારણું ઉઘાડીને ઓરડાની બહાર નીકળી ગયો. પછી એમ થયું કે આ પ્રમાણે ભાગી જવું તે મૂર્ખાઈભરેલું હતું; કદાચ તે મને કંઈક કહેત. પણ પછી તે આકૃતિ મેં ફરી કદી જોઈ નથી. મને વારંવાર એવો વિચાર આવે છે કે જો હું તેને ફરીથી જોઉં તો ડર્યા વિના તેની સાથે વાત કરું. પણ પછી મને તે દેખાયા જ નહીં.

શિષ્ય : પાછળથી તમે આ બાબત અંગે વિચાર કરેલો ખરો ?

સ્વામીજી : હા, પણ તેના ઉકેલનો મને કોઈ રસ્તો જડ્યો નહિ. હવે મને લાગે છે કે મેં જેનાં દર્શન કર્યાં તે ભગવાન બુદ્ધ હતા.

થોડી વાર શાંત રહ્યા પછી સ્વામીજીએ કહ્યું : ‘જ્યારે મન પવિત્ર બને છે, ત્યારે માણસ કામ અને કાંચનની આસક્તિથી મુક્ત થાય છે; આવાં ઘણાં વિચિત્ર દર્શનો ત્યારે તેને થાય છે ! પણ માણસે તે તરફ લક્ષ આપવું જોઈએ નહિ. જો સાધક મનને સતત તેના તરફ જવા દે તો તે આગળ વધી શકે નહિ. શું તેં સાંભળ્યું નથી કે શ્રીરામકૃષ્ણ કહેતા કે, ‘કેટલાંય રત્નો મારા પ્રભુના પવિત્ર મંદિરના ચોગાનમાં પડ્યાં છે !’ આપણે તો આત્માનો સાક્ષાત્કાર કરવો જોઈએ; આવી વાહિયાત બાબતો ઉપર મન લગાડવાથી શું વળે ?

આમ કહી સ્વામીજી થોડો વખત કોઈ વાત ઉપર વિચારમગ્ન બનીને શાંત બેસી રહ્યા. પછી તેમણે કહ્યું :

‘વારુ. જ્યારે હું અમેરિકામાં હતો, ત્યારે મારામાં એક પ્રકારની અદ્‌ભુત શક્તિઓનો વિકાસ થયો હતો. લોકોની આંખો જોતાં જ એક પળમાં હું તેમના મનની વાત જાણી શકતો. બધાના મનના વિચારો મને હસ્તામલકવત્ સ્પષ્ટ દેખાતા. કેટલાકને હું આ હકીકત કહી દેતો અને જેમને તે કહેતો તેમાંના ઘણા મારા શિષ્યો બની જતા. જ્યારે જે લોકો કોઈક હેતુસર મારી પાસે આવતા, તેઓ મારી આ શક્તિ જોયા પછી ફરી મારી હાજરીમાં આવવાની હિંમત પણ કરતા નહિ.

‘જ્યારે શિકાગો કે બીજાં શહેરોમાં ભાષણ કરવાની મેં શરૂઆત કરી, ત્યારે દર અઠવાડિયે મારે લગભગ બાર કે પંદર કે કોઈ વાર તેથીય વધારે ભાષણો આપવાં પડતાં. શરીર અને મનનો આ અતિશય પરિશ્રમ કોઈક વાર મને થકવી નાખતો; વ્યાખ્યાનના વિષયો પણ ખૂટી પડ્યા હોય એમ લાગતું અને બીજા દિવસના વ્યાખ્યાન માટે શો વિષય લેવો તેની ચિંતા રહેતી. નવા વિચારો સદંતર ઓછા થઈ ગયા હોય એમ લાગતું. એક દિવસ ભાષણ કર્યા બાદ હવે પછી બીજું શું કરવું તેનો પડ્યા પડ્યા વિચાર કરતો હતો. વિચારમાં ને વિચારમાં ઝોકું આવી ગયું. તે સ્થિતિમાં જાણે કોઈ મારી પાસે ઊભાં ઊભાં ભાષણ કરે છે એવું મેં સાંભળ્યું. ઘણા નવા વિચારો અને વિચારસરણી જે મેં મારી જિંદગીમાં કદીય સાંભળી કે વિચારી ન હતી, તે સાંભળી. જાગ્યા પછી જોયું તો મને તે યાદ હતું અને મારા ભાષણમાં મેં બધું કહી સંભળાવ્યું. આવી ઘટના કેટલી વાર બની હશે તે હું કહી શકું તેમ નથી. પણ પથારીમાં પડ્યાં પડ્યાં આવાં ભાષણો સાંભળવાનું ઘણી વાર બન્યું છે. કોઈક વાર તો તે ભાષણો એવા ઉચ્ચ અવાજે ચાલતાં કે બાજુના ખંડના લોકો તે સાંભળતાં અને વળતે દહાડે પૂછતાં : ‘સ્વામીજી! તમે ગઈ કાલે રાત્રે કોની સાથે ઊંચે સાદે વાત કરતા હતા ?’ ગમે તેમ કરીને હું તે પ્રશ્ન ઉડાવી દેતો. ઘટના ખરેખર અદ્‌ભુત હતી.’

સ્વામીજીના શબ્દો સાંભળી શિષ્ય આશ્ચર્યચક્તિ બન્યો અને તે વાત ઉપર ઊંડો વિચાર કર્યા પછી કહ્યું : ‘સ્વામીજી ! તમારા સૂક્ષ્મ શરીરથી તમે જ તે વ્યાખ્યાન કર્યું હશે અને તમારા સ્થૂળ શરીરે કોઈ વાર તેનો પડઘો પણ પાડ્યો હશે.’

સ્વામીજીએ તે સાંભળ્યું અને કહ્યું : ‘બની શકે.’

વળી તેમના અમેરિકાના અનુભવોનો વિષય નીકળ્યો…

શિષ્ય : ધર્માંધ ખ્રિસ્તીઓએ આપનો વિરોધ ન કર્યો ?

સ્વામીજી : જરૂર, તેમણે વિરોધ કર્યો જ હતો. લોકો મને માન આપવા લાગ્યા એટલે પાદરીઓ મારી પાછળ પડ્યા; વર્તમાનપત્રોમાં લેખો લખીને તેમણે મારી ખૂબ નિંદા કરી. ઘણાએ મને આ ટીકાઓનો વિરોધ કરવા જણાવેલું, પણ મેં તે તરફ જરાય ધ્યાન આપ્યું નહીં. હલકી જાતની ખટપટથી આ જગતમાં કોઈ મહાન કાર્ય સિદ્ધ નથી થતું, એવી મારી ખાતરી છે; તેથી આ અધમ નિંદાઓની ઉપેક્ષા કરી, હું તો મારું કાર્ય દૃઢતાથી કર્યા કરતો. આનું પરિણામ ઘણી વાર મને એવું દેખાયું છે કે નિંદકો પાછળથી પશ્ચાત્તાપ કરતા, મારે શરણે આવતા અને પોતે જાતે જ છાપામાં તેનો રદિયો આપી માફી માગતા. કેટલીક વાર એવું બનતું કે મને કોઈકે પોતાને ઘેર આવવા નિમંત્રણ આપ્યાના ખબર મળતા એટલે તેઓ મારા યજમાનની પાસે જઈને મારી નિંદા કરતા અને તે સાંભળીને માલિક ઘરને તાળું મારી બહાર ઊપડી જતો. આમંત્રણ મુજબ હું ત્યાં જઈને જોતો તો ઘેર કોઈ હોય નહિ, વળી પાછું થોડા દિવસ પછી, સત્ય જાણ્યા પછી તેઓ પોતે પાછલા વર્તન માટે દિલગીર થતા અને પોતાને શિષ્ય બનાવવા વિનંતી કરતા. ખરી હકીકત એવી છે, ભાઈ ! કે આ સમગ્ર દુનિયા અધમ દુનિયાદારીથી ભરેલી છે; પણ સાચી નૈતિક હિંમત અને વિવેકબુદ્ધિવાળા મનુષ્યો આથી છેતરાતા નથી. ‘દુનિયાને જે કહેવું હોય તે છો કહે, હું તો ધર્મને માર્ગે ચાલીશ.’ વીરપુરુષોનો સાચો રસ્તો આવો છે, એમ સમજજો. નહિતર માણસને જો આ માણસ શું કહે છે અને પેલો માણસ શું લખે છે તે જ રાતદિવસ ધ્યાનમાં લેવાનું હોય, તો આ દુનિયામાં કોઈ મહાન સિદ્ધ થતું નથી.

Total Views: 342

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.