સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘શ્રદ્ધા, શ્રદ્ધા, શ્રદ્ધા; પોતાનામાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા ! મહત્તાનું આ જ રહસ્ય છે. તમને તમારા પોતાનામાં શ્રદ્ધા નહીં હોય તો તમારે માટે મુક્તિની કોઈ આશા નથી. તમારા પોતામાં શ્રદ્ધા રાખો; એ શ્રદ્ધા પર મુસ્તાક રહો અને બળવાન બનો; આપણને અત્યારે એની જરૂર છે.’

સ્વામી વિવેકાનંદના આ મંત્રને સાકાર રૂપ આપવા રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા મૂલ્યલક્ષી શિક્ષણ-પ્રશિક્ષણના વર્ગાે નિયમિત રીતે ચાલે છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૧૮ થી ૨૨ વર્ષના વિદ્યાર્થીઓ માટે જુલાઈ-૨૦૧૪થી બે દિવસની ‘સર્વાંગી વ્યક્તિત્વ વિકાસની નિવાસી શિબિર’નું આયોજન આશ્રમના વિવેક હાૅલમાં અવારનવાર થતું રહ્યું છે.

અત્યાર સુધી આવી ૨૮ શિબિરોમાં સમગ્ર ગુજરાતની ભિન્નભિન્ન શૈક્ષણિક સંસ્થાઓના ૧૪૫૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. જે તે સપ્તાહના શુક્રવારની સાંજથી રવિવારની સાંજ સુધીના બે દિવસના ૫૦ થી ૫૫ કલાકનું શિબિરનું સમયપત્રક હોય છે.

અત્યારના સોશિયલ મિડિયા, ઇલેક્ટ્રોનિક્ મિડિયા અને મોબાઈલના જબરદસ્ત યુગપ્રભાવ વચ્ચે આજના વિદ્યાર્થીઓ આ રીતે એક આકર્ષણ પડતું મૂકીને ધૈર્ય, ઉત્સાહ અને આનંદથી આવી શિબિરોમાં હસતે મુખે સક્રિય ભાગ લે છે એ પણ એક ઘણી મોટી વાત કહેવાય. સમગ્ર શિબિરમાં ૫૦ થી ૫૫ કલાકનું સમયપત્રક હોય છે અને તેમાં પ્રત્યેક મિનિટના કાર્યક્રમનું આયોજન થાય છે. દરેક વિદ્યાર્થીએ સમયનું ચુસ્તપણે પાલન કરવાનું હોય છે. સવારના ૪ :૩૦ થી રાત્રીના ૧૦ :૦૦ વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે, જેમાં મંદિર દર્શન, મંગળા આરતી, સંધ્યા આરતીમાં પ્રત્યક્ષ હાજરી, આશ્રમદર્શન, ધ્યાન, પ્રાર્થના, વૈદિક મંત્રોચ્ચાર, સ્તોત્ર પાઠ, શાંતિપાઠ, ભજન, કીર્તન, હનુમાન ચાલીસાના પાઠ, યોગાસન, પ્રાણાયમ, વિવિધ અંગકસરતો, વિવિધ રમતો વગેરે. શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીનાં જીવનકવન અંગેનો ફિલ્મ શો બતાવવામાં આવે છે. વ્યક્તિત્વ વિકાસ, આત્મવિશ્વાસ, સ્વયંશિસ્ત, સામાજિક જાગૃતિ, એકાગ્રતા, સંગીત, પ્રશ્નોત્તરી, વિદ્યાર્થીઓના પ્રતિભાવ, આશ્રમના અંતરંગ સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ અને આવા કાર્યક્રમનું સુસંચાલન કરનાર સેવાભાવી સ્વયંસેવકો સાથે વિગતવાર વિચારવિમર્શ જેવી અનેક પ્રવૃત્તિઓનું આયોજન થાય છે.

આ બધી જ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ અરુચિ, ઉપેક્ષા રાખ્યા વિના હસતા મુખે સમર્૫િત થઈને ભાગ લે છે. બે દિવસની આ તાલીમથી વિદ્યાર્થીઓને પોતાના જીવનઘડતર અને ચારિત્ર્યઘડતર કરવામાં સહાય મળે છે. તેઓ શ્રીરામકૃષ્ણ-મંદિરના પવિત્ર, શાંત અને આધ્યાત્મિક તરંગો જગાડતા વાતાવરણનો પોતાના જીવનમાં અવિસ્મરણીય અનુભવ કરે છે. આશ્રમના સુંદર, શાંત, સ્વચ્છ, રમણીય અને પાવન પરિસરથી તેઓ ખૂબ આનંદ અને શાંતિ અનુભવે છે. તેઓ મનમાં ને મનમાં આવો વિચાર કરતા થાય છે કે આવો આનંદમય લહાવો પાછો ક્યારે મળશે ! મંદિરની પરમ શાંતિ અને ધ્યાનનો અનુભવ તેમજ સંધ્યા આરતી વખતે આરતીનાં મધુર ધ્વનિ અને સંગીત એમનાં મનહૃદયને સ્પર્શી જાય છે. એકાગ્રતા અને ધ્યાન દ્વારા તેમનામાં એક અનોખી આત્મશ્રદ્ધા પ્રગટે છે. આ આત્મશ્રદ્ધાનો દીપક એમનામાં ઉત્સાહ, ધૈર્ય, હિંમત, સાહસ, શિસ્ત, નિર્ભયતા અને સેવાપરાયણતાના ગુણો પ્રગટાવે છે.

શિબિરમાં રહેવા-જમવાની વ્યવસ્થા સંસ્થા તરફથી થાય છે. પ્રત્યેક વિદ્યાર્થી અને તેમની સાથે આવેલ શિક્ષક, આચાર્ય અને સંસ્થાને રામકૃષ્ણ વિવેકાનંદ સાહિત્યનાં પ્રેરણાદાયી પુસ્તકોનો સેટ, કેલેન્ડર, લેમીનેશનવાળી સ્વામીજીની તસ્વીર તથા સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.

 

Total Views: 248
By Published On: January 1, 2020Categories: Kaushikbhai Goswami, Sri0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram