સ્વામી વિવેકાનંદ કહે છે કે તમે સર્વ શક્તિમાન છો, બધી જ શક્તિ તમારી અંદર રહેલી છે. તમે પોતાની શક્તિને અભિવ્યક્ત ન કરી શકો, ત્યારે નિષ્ફળ થાઓ છો. જ્યારે કોઈ વ્યક્તિ કે પ્રજા પોતાની આત્મશક્તિ ખોઈ બેસે ત્યારેેે તેનો અંત નજીક આવી જાય છે. સ્વામીજી કહે છે કે હું મારાં દિવ્ય ચક્ષુઓથી સ્પષ્ટ જોઈ રહ્યો છું કે તમારી અંદર અનંત શક્તિ છે. બસ તેને જગાવી દો. ઊઠો, કમર કસો.

એક ગામમાં એક ધનવાન શેઠ હતા. પોતાનું કામ કરાવવા મજૂરની જરૂર હતી. મજૂરની શોધ માટે ગામમાં જાહેરાત કરી. થોડીવાર બાદ એક મજૂર ત્યાં આવ્યો અને ૧૦૦/- રૂપિયામાં કામ કરવા તૈયાર થયો. શેઠે તેને ઈંટોના ભઠ્ઠામાંથી માટી ખોદવાનું કામ સોંપ્યું. પછી બીજો એક મજૂર આવ્યો, તેણે ૨૦૦/-રૂપિયા મજૂરી માગી. શેઠે તેને કોલસાની ખાણમાં કામ કરવા માટે મોકલી આપ્યો. પછી ત્રીજા મજૂરે ૫૦૦/-રૂપિયા મજૂરીની માગણી કરી એટલે શેઠે તેને હિરાની ખાણમાં કામ કરવા માટે મોકલી આપ્યો.

સાંજે આ ત્રણેય મજૂરો આવતાં શેઠે ત્રણેયના હાથમાં નક્કી કરેલી મજૂરી આપી. મજૂરોને મજૂરીદરની ખબર પડતાં તેમણે ગુસ્સે થઈને શેઠને કહ્યું, ‘તમે કેમ અન્યાય કર્યો?’ શેઠે કહ્યું, ‘તમારી મજૂરી તમે જ નક્કી કરી છે, મેં તો નક્કી નથી કરી. તમારી ઇચ્છા અને શક્તિ પ્રમાણે મેં મજૂરી આપી છે અને મજૂરીને અનુરૂપ મેં તમને કામ સોંપ્યું છે.’ આ સાંભળીને મજૂર ચૂપ થઈ ગયા. આપણે પોતાની શક્તિને પોતાની મેળે આંકવી જોઈએ અને એ ત્યારે જ બને કે જ્યારે આપણે આપણી શક્તિને ઓળખતા હોઈએ.

સ્વામી વિવેકાનંદ કહે છે જે પોતાને હંમેશાં નિર્બળ માને છે તે કદી બળવાન થઈ શકે નહિ. આપણે પોતાના નિષેધાત્મક અને પોતાની લઘુતાગ્રંથિને લીધે માનસિક તાકાત ગુમાવી બેઠા છીએ. આ નબળાઈઓને હાંકી કાઢવાથી લક્ષ્યપ્રાપ્તિ થશે. આ સત્યને સમજવા એક ઉદાહરણ જોઈએ.

ગુલાબના એક બગીચામાં સુંદર ફૂલો ખીલતાં હતાં. ઘણા લોકો આ બગીચામાં આવતા અને ફૂલોનાં અત્યંત વખાણ કરતા. તેઓ ફૂલોને સૂંઘતા, તોડતા અને પ્રસન્ન થઈને ભગવાનને ચડાવવા રોજ લઈ જતા. આ બધું જોઈને પાંદડાં નિરાશ થઈ ભગવાનને પ્રાર્થના કરતાં, ‘હે પ્રભુ! અમારો શું વાંક છે કે લોકો અમારી સામે જોતા પણ નથી, અમને પસંદ પણ નથી કરતા. ઊલટાનું ભૂલથી તોડાઈ જાય તો અમને જમીન પર ફેંકી દે છે.’ પાંદડાં આવો અફસોસ વ્યક્ત કરે છે.

અચાનક એક દિવસ ખૂબ મોટું તોફાન આવ્યું. પરિણામે બગીચાનાં બધાં ફૂલો ખરી પડ્યાં, પાંદડાં પણ ઊડીને બાજુના તળાવમાં પડ્યાં. એ તળાવમાં કેટલાંક કીડી, મંકોડા અને નાનાં જંતુઓ પણ તળાવમાં ડૂબી રહ્યાં હતાં એ જોઈને પાંદડાંએ તેમને કહ્યું, ‘તમે ગભરાશો નહીં, તમે મારા પર બેસી જાઓ. હું તમનેે કિનારા પર છોડી દઈશ.’ પછી કીડી અને અન્ય જંતુઓ પાંદડાં પર બેસીને કિનારા પર પહોંચી ગયાં અને બચી ગયાં. ખૂબ ખુશ થઈને આનંદ અને ઉત્સાહથી કીડી વગેરેએ પાંદડાંનાં ખૂબ વખાણ કર્યાં, ‘વાહ પાંદડાંભાઈ, તમે અમારો જીવ બચાવ્યો. તમારો ખૂબ ખૂબ આભાર.’ ત્યારે પાંદડાં અત્યંત ગદ્ગદ થઈ બોલી ઊઠ્યાં, ‘જીવનમાં તમે પહેલાં છો કે અમારાં વખાણ કર્યાં, નહીંતર અમારો તો કોઈ ભાવ પણ નથી પૂછતું, અમને કોઈ પસંદ પણ નથી કરતું. અમોને અમારું જીવન નકામું છે એવું લાગતું હતું, પણ હવે અમને એ સમજાયું કે ભગવાને દરેકની અંદર કંઈક ને કંઈક વિશેષતા મૂકેલી જ હોય છે. પણ આપણે તેને ઓળખી શકતા નથી, આપણામાં રહેલી દિવ્યશક્તિને પિછાણીને બહાર લાવી શકતા નથી.

Total Views: 444

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.