આપણે દૈનંદિન જીવનમાં બહુવિધ પડકારોનો સામનો કરવો પડે છે અને આપણી માનસિક પરિસ્થિતિ અનુસાર તેની વિવિધ પ્રકારે પ્રતિક્રિયા કરીએ છીએ. સ્વામી વિવેકાનંદ આપણને પ્રત્યેક પરિસ્થિતિમાં નિર્ભય બનવાનંુ આહ્‌વાન કરે છે. જ્યારે વાસ્તવમાં સમસ્યા આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે ત્યારે પોતાના બચાવ માટે આપણે મિથ્યાચારનો આશ્રય લઈએ છીએ. પરંતુ અસત્ય આચરણ એ રોગ છે, મનની વિકૃતિ છે, દુર્બળતા છે અને આપણે આ બધું જાણીએ છીએ. પોતાની જાતને શુદ્ધ ને પવિત્ર બનાવવા માટે સારી ટેવો પાડવી જ જોઈએ, નૈતિક બનવું જ જોઈએ.

જીવનમાં મુશ્કેલીઓ જેટલી વધારે તેટલું વધુ સારું. કેમ કે આ મુશ્કેલીઓ આપણી અંદર રહેલી શક્તિઓને જાગ્રત કરવા માટે મજબૂર કરે છે. પ્રવાહમાં જો કોઈપણ અવરોધ ન હોય તો તેનો વેગ વધે ખરો કે? કોઈપણ વસ્તુથી ડરો નહીં, તમે અદ્‌ભુત કાર્ય કરી શકશો. જે ઘડીએ તમે ડર્યા તે ઘડીએ તમે કંઈ જ નથી. કમજોર માણસને કોઈ પસંદ ન કરે, કોઈ વિશ્વાસ ન કરે. એક બળવાન વ્યક્તિ જ મહાન કાર્ય કરી શકે. આંતરિક શક્તિ જ માણસને જોખમભરી પરિસ્થિતિમાંથી બહાર લાવી શકશે. સ્વામીજીના આ પ્રેરણાદાયી વિચારો એક વાર્તાના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ.

એક ખેડૂત હતો. તેનો એક બળદ એકવાર કૂવામાં પડી ગયો. બળદ ખૂબ જોરથી બરાડવા લાગ્યો, ચીસો પાડવા લાગ્યો. ખેડૂતને ખબર પડી ત્યારે તે વિચારવા લાગ્યો કે હવે શું કરું? બહુ વિચાર્યા પછી તેને એક વાત મનમાં આવી કે આ બળદ તો ખૂબ ઘરડો થઈ ગયો છે, તે કંઈ હવે કામ તો કરી શકવાનો નથી તો હવે એને કૂવાની અંદર જ દાટી દેવામાં આવે તો? કારણ કે આ બળદથી હવે કાંઈ લાભ થવાનો તો છે નહીં. તે ખેડૂતે આજુબાજુમાંથી બધા પાડોશીઓને બોલાવી આ વિચાર જણાવ્યો. એકઠા થયેલા બધા લોકો ખેડૂતના આ વિચાર સાથે સંમત થયા અને બધા ભેગા થઈ માટી, કાંકરા અને પથરા લઈને કૂવામાં નાખવા માડ્યા. બળદ સમજી ગયો કે આ શું થઈ રહ્યું છે. ચીસો પાડી પાડીને તે બિચારો ખૂબ દુ :ખ સાથે રડવા લાગ્યો. અચાનક તે શાંત થઈ ગયો. જ્યારે બધા લોકો માટી, પથ્થર નાખતા જતા હતા ત્યારે ખેડૂતે કૂવામાં નજર નાખી તો એક તેને આશ્ચર્યજનક ઘટના જોવા મળી. બળદ તેમની પીઠ પર પડતાં માટી, પથ્થરને ખંખેરીને, કૂદકા મારીને નીચે નાખતો જતો હતો અને પછી તેના પર ચડતો જતો અને આમ કરતાં કરતાં માટી-પથ્થરના ઢગલા દ્વારા તે ઊંચો આવતો જતો હતો. અને થોડી વારમાં જ તે બળદ કિનારા પર પહોંચી કૂદકો મારી દોડીને જતો રહ્યો. બધા આશ્ચર્યચકિત થઈ આ ઘટના જોવા લાગ્યા.

આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે જીવનમાં ઘણી બધી વાર આપણા નજીકના લોકો માટી પથ્થર રૂપી વિઘ્નો અને અડચણો આપણા માર્ગમાં ઊભાં કરશે પણ મક્કમ થઈને પેલા બળદની જેમ એ મુશ્કેલીરૂપી માટી-પથ્થરને ખંખેરીને આપણે ડર્યા વિના હિંમતથી બહાર આવવાનું છે. એવાં હિંમતભર્યાં કાર્યો આપણને વિશેષ બળવાન બનવા માટે પ્રોત્સાહિત કરે છે. જ્યારે આપણે આવું કરી શકીશું ત્યારે દુનિયાની કોઈ તાકાત આપણને ડરાવી શકશે નહિ, નિષ્ફળ બનાવી શકશે નહિ. માટે મુશ્કેલીઓથી ડરો નહિ. એના પર વિજય પ્રાપ્ત કરવા માટેનાં બળ-બુદ્ધિનું નવસર્જન કરો. તેને તક સમજી આગળ વધો.

Total Views: 326

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.