શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સમાચાર વિવિધા

મૂલ્યલક્ષી કેળવણી :

આજના યુગમાં સૌથી મોટી ઊણપ છે સંસ્કાર, મૂલ્યનિષ્ઠા, સંસ્કૃતિ અને આપણી પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિના અમર વારસાને જાણવાની ઉત્કટતાની. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ આૅફ વેલ્યુ એજ્યુકેશન એન્ડ કલ્ચર’ (વિવેક)માં વર્ષોથી આ ઊણપની પૂર્તિ કરવા વિવિધ પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે. જાન્યુઆરી, ૨૦૨૦માં નીચે પ્રમાણેની પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું.

* આશ્રમના બાળ પુસ્તકાલયમાં પ્રાથમિક શાળાનાં બાળકો માટે ૧૧ કાર્યક્રમોનું આયોજન થયું હતું અને તેમાં ૫૨૦ બાળકોએ ભાગ લીધો હતો.

* સંસ્થાના વિવેક હાૅલમાં કાૅલેજના વિદ્યાર્થીઓ માટે ‘વ્યક્તિત્વ વિકાસ’ના બે કાર્યક્રમો યોજાયા હતા. તેમાં ૯૦ વિદ્યાર્થીઓ અને ૫ શિક્ષકોએ ભાગ લીધો હતો.

* આશ્રમની બહાર મૂલ્યલક્ષી કેળવણીના કાર્યક્રમો – આ કાર્યક્રમ હેઠળ બહારની શાળાના વિદ્યાર્થીઓ માટે ૧૮ કાર્યક્રમોનું આયોજન થયું હતું. તેમાં ૫૩૪૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શિક્ષકો માટેના બે મૂલ્યલક્ષી કાર્યક્રમોમાં ૫૫ શિક્ષકોએ ભાગ લીધો હતો.

આ મહિનામાં કુલ ૩૫ કાર્યક્રમો હેઠળ ૬૦૪૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી આંતરશાલેય સ્પર્ધાઓ :

દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વામી વિવેકાનંદ જન્મજયંતીના ઉપક્રમે રાજકોટ શહેર અને નજીકના વિસ્તારની શાળાનાં ધોરણ ૧ થી ૧૨ સુધીનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે ચાર ભાષાની મુખપાઠ સ્પર્ધા; વક્તૃત્વ સ્પર્ધા, વેશભૂષા, ચિત્ર, સમૂહગાન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં ૧૮૪ શાળાનાં ૧૦,૦૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. વિજેતા ભાઈ-બહેનો માટે ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ સાંજે ૪ થી ૬ :૩૦ સુધી વિવેક હાૅલમાં પારિતોષિક વિતરણ સમારંભ યોજાયો હતો. રાજકોટના પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા શ્રી ભદ્રાયુ વછરાજાનીએ પ્રાસંગિક પ્રવચનો આપ્યાં હતાં અને વિજેતાઓને પારિતોષિકો એમના વરદ હસ્તે અપાયાં હતાં.

રાષ્ટ્રીય યુવા દિનના ઉપલક્ષ્યમાં યોજાયેલ ૧૦મી ક્વીઝ સ્પર્ધા પારિતોષિક વિતરણ સમારંભ

સ્વામી વિવેકાનંદની જન્મજયંતી અને રાષ્ટ્રીય યુવા દિનના ઉપલક્ષ્યમાં યોજાયેલ ૧૦મી ક્વીઝ સ્પર્ધાના જિલ્લા સ્તરીય અને રાજ્ય સ્તરીય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિજેતા વિદ્યાર્થીઓ માટે પારિતોષિક વિતરણ સમારંભ ૯મી ફેબ્રુઆરી, ૨૦૨૦ને રવિવારે ૧ થી ૪ :૩૦ સુધી આશ્રમના વિવેક હાૅલમાં યોજાયો હતો. આ સમગ્ર સ્પર્ધામાં ગુજરાતભરની ૯૮૬ શાળાઓનાં ૯ થી ૧૨ ધોરણનાં ૯૦,૦૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. તેમાંથી ૪૭,૦૦૦ વિદ્યાર્થીઓને ૫૦%થી વધારે ગુણાંક મળ્યા હતા. તેમાંથી ૧૦૫ વિજેતાઓ જાહેર થયા હતા. ૨૦૦થી વધારે

વિદ્યાર્થીઓએ જે શાળામાંથી ભાગ લીધો હતો તેવી ૧૨૦ શાળાના આચાર્યોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર અને ભજનથી થયો હતો. આ પ્રસંગે પોતાના સ્વાગત પ્રવચનમાં મહેમાનોનું સ્વાગત કર્યા પછી સ્વામી નિખિલેશ્વરાનંદે કહ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં જેમ મોબાઈલને રીચાર્જ કરવો જરૂરી છે તેમ સ્વામી વિવેકાનંદના પ્રેરક વિચારોને પણ વિદ્યાર્થી સમક્ષ રીચાર્જ રૂપે મૂકવા જોઈએ. મોબાઈલ રીચાર્જ કરવા જેટલો સમય જો વિદ્યાર્થીઓ સ્વામીજીની પ્રેરણવાણીનું પુસ્તક વાંચે તો તેમાંથી તેમને અલૌકિક ઊર્જા પ્રાપ્ત થશે અને એ ઊર્જા તેમને પોતાના લક્ષ્ય સુધી દોરી જશે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, ડૉ. રાધાકૃષ્ણન્, સુભાષચંદ્ર બોઝ, શ્રી અરવિંદ અને ટાગોર જેવા અનેક મહાપુરુષો સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત થયા હતા. નોબેલ વિજેતા ફ્રેન્ચ વિદ્વાન રોમાં રોલાંએ કહ્યું છે કે મને સ્વામીજીના વિચારો વિદ્યુત તરંગની જેમ ઝંકૃત કરી દે છે. આ પ્રસંગે અતિથિ વિશેષ, ગુજરાત માધ્યમિક શિક્ષણબોર્ડના અધ્યક્ષ શ્રી એ. જે. શાહે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદના વિચારો આજના યુગના મૂલ્યવર્ધિત શિક્ષણ માટે અત્યંત મહત્ત્વના છે. નચિકેતા જેવું દૃઢ મનોબળ અને અનાસક્તિ ભાવ હોય તો ધ્યેયને હાંસલ કરી શકાય છે. આ સ્પર્ધાને પ્રોત્સાહન આપવા જિલ્લા શિક્ષણાધિકારીઓ અને શાળાના આચાર્યો વધુને વધુ પ્રયાસ કરે તેવું માર્ગદર્શન અપાયું હતું. અતિથિ વિશેષ રૂપે પધારેલ જસદણનાં મહારાણી અલૌકિકા રાજેએ ક્હ્યું હતું કે તેઓ પોતે પણ સ્વામીજીનાં પુસ્તકો વાંચીને પ્રભાવિત થયાં હતાં. તેઓ એમનાં પુસ્તકો સાથે રાખે છે. વિદ્યાર્થીઓ પણ સ્વામીજીનાં પુસ્તકો વાંચતા થાય અને તેમાંથી પ્રેરણા મેળવીને પોતાના ધ્યેયમાં સફળ થાય તેવી આશા વ્યક્ત કરીએ છીએ. મુખ્ય મહેમાનો અને સંન્યાસીઓના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને પારિતોષિકો આપવામાં આવ્યાં હતાં. ૧૨૦ શાળાના આચાર્યોનું પણ મુખ્ય મહેમાનોના વરદ હસ્તે સન્માન થયું હતું. કાર્યક્રમમાં ૫૦૦થી વધુ ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ ઉપરાંત સ્વામીજીનાં પુસ્તકો ભેટ રૂપે અપાયાં હતાં. આભારદર્શન સ્વામી ધર્મપાલાનંદજીએ કર્યું હતું. રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

રામકૃષ્ણ મઠ, અમદાવાદની પ્રવૃત્તિઓ

રાષ્ટ્રીય યુવા દિન ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ વસ્ત્રાપુરના નરસિંહ મહેતા તળાવ પાસે સ્વામી વિવેકાનંદની છબીને પુષ્પહાર ચડાવીને સ્વદેશમંત્રના ઉચ્ચારણ સાથે સ્વામીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. મેમનગરમાં આશ્રમના સંન્યાસીઓ, ભક્તજનો અને ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમના સહસાથીઓએ સ્વામીજીની પ્રતિમાને હારતોરા પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, પછી સ્વદેશમંત્રનું ઉચ્ચારણ થયું હતું. એવી જ રીતે એલિસબ્રિજમાં આવેલ સ્વામીજીની પૂર્ણકદની કાંસ્ય પ્રતિમાને પુષ્પહાર ચડાવીને સ્વદેશમંત્રના ઉચ્ચારણ સાથે સ્વામીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. એ જ દિવસે અમદાવાદમાં જુદાં જુદાં ૧૨ સ્થળોએ વેચાણ ૫૦% વળતર સાથે રૂા. ૪૫,૦૦૦ની કિંમતનાં સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનું વેચાણ થયું હતું.

૧૭મી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદનો જન્મોત્સવ વૈદિક મંત્રોચ્ચાર, ભજન, કીર્તન અને છબીપૂજાથી થયો હતો. તેમાં ૫૦ જેટલા ભક્તોએ ફળપ્રસાદનો લાભ લીધો હતો. સ્વામી તિતિક્ષાનંદે કઠોપનિષદનો પાઠ કર્યો હતો. સાંજે શિવનામ સંકીર્તન અને પ્રવચન સ્વામી મંત્રેશાનંદ અને સ્વામી તિતિક્ષાનંદે કર્યાં હતાં. ૧૫૦ જેટલા ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.

૨જી ફેબ્રુઆરીએ સ્વામી વિવેકાનંદના જન્મોત્સવના ઉપક્રમે શ્રી પ્રવીણભાઈ ધારૈયાના નિવાસસ્થાને ભજન, કીર્તન સાથે ઉત્સવનું આયોજન થયું હતું, જેમાં રાજકોટના ઠાકરબંધુઓ ને અમદાવાદના શ્રી શુભ્ર રોયના સુમધુર કંઠે ભજનો રજૂ થયાં હતાં. અમદાવાદના સ્વામી તિતિક્ષાનંદજી અને મુંબઈના અરુણ મહારાજનાં પ્રવચનો થયાં હતાં. ૧૫૦ જેટલા ભક્તજનો ઉપસ્થિત હતા.

રામકૃષ્ણ મિશન, પોરબંદરની પ્રવૃત્તિ

રાષ્ટ્રીય યુવા દિન ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ આશ્રમના અંતેવાસીઓએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને હારતોરા કર્યા હતા. આ જ દિવસે સંસ્થામાં યોજાયેલ વકતૃત્વ, મુખપાઠ, નિબંધ અને વિચાર પ્રચાર પરીક્ષામાં વિજેતા થયેલાં ભાઈ-બહેનો માટે પારિતોષિક વિતરણ સમારંભ યોજાયો હતો. ૯૬૯ વિદ્યાર્થીઓની નામનોંધણી થઈ હતી તેમાંથી ૫૬૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ૮૪ વિજેતાઓને પારિતોષિક અપાયાં હતાં. આ કાર્યક્રમમાં પોરબંદરના ડી.વાય.એસ.પી. શ્રી ભરતભાઈ પટેલ મુખ્ય મહેમાન રૂપે ઉપસ્થિત હતા. જવાહર નવોદય વિદ્યાલય, પોરબંદરના આચાર્યશ્રી રામેશ્વરલાલ કુમાવત અતિથિવિશેષરૂપે ઉપસ્થિત હતા.

Total Views: 291

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.