શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિશેષ કાર્યક્રમો :
જેમ નવરાત્રી એ દુર્ગાપૂજાનો અવસર છે, દીપાવલી એ સંપત્તિ અને સમૃદ્ધિની દેવી માતા લક્ષ્મીની પૂજાનો દિવસ છે; તેવી જ રીતે ‘વસંત પંચમી’ એ દેવી સરસ્વતીનો જન્મદિવસ છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં દર વર્ષની જેમ વસંત પંચમીના દિવસે ૩૦મી જાન્યુઆરી,૨૦૨૦ના રોજ સવારથી બપોર સુધી સરસ્વતી પૂજાનું આયોજન થયું હતું. સવારે મંગળા આરતી પછી ધ્યાન, ભજન, વૈદિક મંત્રોચ્ચાર, દેવી સરસ્વતીની પ્રતિમાપૂજા, વિશેષ હવન અને પુષ્પાંજલીનો કાર્યક્રમ શ્રીમંદિરમાં યોજાયો હતો. આરતી પછી ભાવિકજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. પૂજાવિધિ નિહાળવા રાજકોટની કેટલીક શાળાનાં વિદ્યાર્થી ભાઈબહેનો શ્રીમંદિરમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
૨૬મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ રામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી બ્રહ્માનંદજી મહારાજનો તિથિપૂજા મહોત્સવ શ્રીમંદિરમાં ઉજવાયો હતો. સાંજે શ્રીમંદિરમાં શ્રીરામનામ સંકીર્તન યોજાયું હતું. સંધ્યા આરતી પછી સ્વામી બ્રહ્માનંદજી મહારાજના જીવન અને સંદેશ વિશે આશ્રમના સંન્યાસીનું પ્રવચન યોજાયું હતું.
૨૯મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય બ્રહ્મલીન સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજનો તિથિપૂજા મહોત્સવ શ્રીમંદિરમાં ઉજવાયો હતો. સંધ્યા આરતી પછી સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજના જીવન અને સંદેશ વિશે આશ્રમના સંન્યાસીનું પ્રવચન યોજાયું હતું.
૯મી ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય બ્રહ્મલીન સ્વામી અદ્ભુતાનંદજી મહારાજનો તિથિપૂજા મહોત્સવ શ્રીમંદિરમાં ઉજવાયો હતો. સંધ્યા આરતી પછી સ્વામી અદ્ભુતાનંદજી મહારાજના જીવન અને સંદેશ વિશે આશ્રમના સંન્યાસીનું પ્રવચન યોજાયું હતું.
મહાશિવરાત્રી મહોત્સવ
શ્રીરામકૃષ્ણ આશ્રમના શ્રીમંદિરમાં ૨૧, ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના પવિત્રપર્વ નિમિત્તે રાતના ૯ થી સવારના ૪ :૩૦ સુધી ષોડશોપચાર પૂજા, હવન, ભજન, વૈદિક મંત્રોચ્ચાર, શિવમહિમા ગાન વગેરેનું આયોજન થયું હતું. બહોળી સંખ્યામાં ભક્તોએ આ વિશેષ પૂજાનો લાભ લીધો હતો.
શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવ
૨૫મી ફેબ્રુઆરી, ૨૦૨૦ને મંગળવારના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે સવારે ૫.૦૦ વાગ્યે મંગલા આરતી બાદ વૈદિક મંત્રોચ્ચાર, સ્તોત્રપાઠ અને ભજનનો કાર્યક્રમ ભક્તજનોની સંનિધિમાં યોજાયો હતો. સવારે ૮.૦૦ વાગ્યે શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીની છબિને શણગારેલી પાલખીમાં રાખીને મંદિરના પરિક્રમાપથ પર યોજાયેલ શોભાયાત્રામાં ઘણી સંખ્યામાં ભાવિક ભાઈબહેનોએ ભાગ લીધો હતો.
આ શોભાયાત્રામાં રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ અને વિદ્યાર્થીગૃહના વિદ્યાર્થીઓ વગેરે જોડાયા હતા. આ શોભાયાત્રામાં થયેલ સમૂહકીર્તનગાન, નૃત્ય વગેરે બધા ભક્તોએ આનંદભેર માણ્યાં હતાં. શ્રીમંદિરમાં સવારના ૮.૦૦ વાગ્યાથી વિશેષપૂજા, ભજન, પુષ્પાંજલિ, હવન, કીર્તનભજન, પ્રવચન પછી ભોગ આરતી થઈ હતી. ત્યાર બાદ ૧૨.૩૦ વાગ્યે ૨૦૦૦થી વધુ ભકતજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. સાંજે ૫.૪૫ વાગ્યે શ્રીરામકૃષ્ણનામ સંકીર્તન અને સંધ્યા આરતી પછી રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓનાં આધ્યાત્મિક પ્રવચન અને ત્યાર બાદ ભક્તિગીતો યોજાયાં હતાં.
ધ્યાન શિબિર
૧૫મી માર્ચ, રવિવારે ધ્યાન શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં મનની એકાગ્રતા, ધ્યાન અને મનની સાચી શાંતિ પ્રાપ્ત કરવાના તેમજ આધ્યાત્મિક પથે પ્રગતિ સાધવાના ઉપાયો રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓએ સૂચવ્યા હતા. કોરોના વાઈરસથી ઉત્પન્ન સ્થિતિ વિશે અને તેનો સાધકો માટેના સંદેશ વિશે છણાવટ કરવામાં આવી હતી. ગુરુની આવશ્યકતા અને મંત્રદીક્ષાના મહત્ત્વ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રવચનો સિવાય પ્રશ્નોત્તરી, ભજનો વગેરે કાર્યક્રમોનો બહોળી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો.
શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદર
શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદર કેન્દ્ર દ્વારા પોરબંદરની જેલમાં ૧૦૦ કેદીઓ અને જેલના કર્મચારીઓ માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રાર્થના, ધ્યાન, ચર્ચા-પ્રશ્નોત્તરી અને જેલના પુસ્તકાલય માટે પુસ્તકો અપાયાં હતાં. આ પ્રસંગે જેલ સુપ્રિટેન્ડેન્ટ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતા.
રામકૃષ્ણ મઠ અને મિશનનાં કેન્દ્રો દ્વારા ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધીમાં થયેલ શિયાળુ-સેવાકાર્યો
*અગરતલા ૫૦૦ ધાબળા *આંટપુર ૧૦૪૦ ધાબળા *આસાનસોલ ૩૧૨ ધાબળા, ૪૫ જેકેટ અને ૨૫૫ સ્વેટર *બાગદા ૫૦૦ ધાબળા *વરાહનગર મઠ ૫૦૦ ધાબળા *બારાસાત ૬૩૯ ધાબળા *બારીશા ૫૦૦ ધાબળા *બેલાગાવી ૫૦૦ ધાબળા *બેલઘરીયા ૬૩૮ સ્વેટર *ભોપાલ ૫૦૦ ધાબળા *ચંદીગઢ ૨૮૦ ધાબળા *ચાંદીપુર ૧૬૫ ધાબળા *છપરા ૫૦૦ ધાબળા *કોન્ટાઈ ૫૦૦ ધાબળા *કટક ૨૨૫ ધાબળા *દેવઘર ૧૦૦ ધાબળા અને ૨૪૦૦ સ્વેટર *ગદાઘર આશ્રમ ૫૦ ધાબળા *ઘાટશિલા ૩૦૦ ધાબળા *ગુરાપ ૧૮૫ ધાબળા *હતમુનિગુડા ૧૦૬ સ્વેટર *ઈમ્ફાલ ૫૦૦ ધાબળા *ઈટાનગર ૩૦૦ ધાબળા *કૈલાશહર ૫૦૦ ધાબળા ૫૦૦ સ્વેટર *કામારપુકુર ૨૧૦૦ ધાબળા *કરીમગંજ ૧૦૦૦ ધાબળા, ૨૭૮ જેકેટ, ૬૭૮ સ્વેટર અને ૫૩૬ સ્વેટ શર્ટ *કાસુંદિયા (હાવરા) ૫૦૦ ધાબળા *ખેતડી ૧૯૬ ધાબળા, ૨૧૭૫ જેકેટ અને ૧૮૩૮ સ્વેટર *માનસા દ્વીપ ૬૫૦ ધાબળા *મેદિનીપુર ૧૦૦૦ ધાબળા, ૩૨ જેકેટ, ૯૨૮ સ્વેટર અને ૪૦ સ્વેટ શર્ટ *મુઝફરપુર ૨૭૪ ધાબળા *નરોત્તમનગર ૪૫૦ ધાબળા *પુરીમિશન ૪૨૫ ધાબળા અને ૩૬૦ સ્વેટર *રાંચીમોરાબાદી ૪૦૦ ધાબળા *હૃષીકેશ ૫૦૦ ધાબળા, ૫૦૦ સ્વેટ શર્ટ *આરકેએમવેરી (બેલુર) ૯૦૯ જેકેટ, ૧૧૧૭ સ્વેટર *સેવાપ્રતિષ્ઠાન ૧૮૦ ધાબળા *શિલોંગ ૫૦૦ ધાબળા *ટાકી ૫૩૦ ધાબળા, ૫૦૦ સ્વેટર *તીરુવલ્લ ૫૧ ધાબળા *વૃન્દાવન ૪૯૦ ધાબળા *બાંગલાદેશના બાહેરહાટ ૨૧૦ ધાબળા *જેસ્સોર ૧૧૨૦ ધાબળા.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એપ્રિલ માસના વિશેષ કાર્યક્રમો
૧૧ એપ્રિલથી ૨૧ એપ્રિલ સુધી આશ્રમના પટાંગણમાં આવેલા વિવેક હાૅલમાં વાર્ષિક મહોત્સવનું આયોજન થયું છે. આ મહોત્સવમાં સુખ્યાત ભજન ગાયક શ્રી હેમંતભાઈ ચૌહાણનું ભજન સંગીત; સંગીત સાથે સુદામા ચરિત્ર, ગણેશ લીલા, કૃષ્ણ લીલા અને હનુમાન ચાલીસા વિશે વડોદરાના સુખ્યાત માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાનાં આખ્યાનો; રામકૃષ્ણ મિશન, પટણાના સચિવ સ્વામી સુખાનંદજી મહારાજ શબરીની નવધા ભક્તિ વિશે સંગીતમય આખ્યાનો રજૂ કરશે. વાર્ષિક વ્યાખ્યાન-માળામાં રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ, વરિષ્ઠ સંન્યાસી સ્વામી આદિભવાનંદજી મહારાજ, રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદિપાનંદજી મહારાજ; રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી ગુણાશ્રયાનંદજી મહારાજ; રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી ઇષ્ટમયાનંદજી મહારાજ અને રામકૃષ્ણ મિશન, સેવાશ્રમ વારાણસીના સ્વામી કૃપાકરાનંદજી મહારાજના વ્યાખ્યાનો રહેશે. ૧૯મી એપ્રિલે સ્વામી કૃપાકરાનંદજી મહારાજનો સંગીત સંધ્યાનો કાર્યક્રમ પણ યોજાયો છે.
રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ આશ્રમના આંગણે
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ ૧૯ એપ્રિલ, રવિવારથી ૨૧ એપ્રિલ, મંગળવાર સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પધારી રહ્યા છે.
૨૦ એપ્રિલ, સોમવાર અને ૨૧ એપ્રિલ, મંગળવારના રોજ અગાઉથી નોંધાયેલા જિજ્ઞાસુ ભક્તજનોને તેઓશ્રી મંત્રદીક્ષા પ્રદાન કરશે. ૨૦મી એપ્રિલ સાંજે ૭-૪૫ કલાકે ભક્તજનોને આશીર્વચન આપશે. દરરોજ સાંજના ૭-૪૫ કલાકે સંધ્યા આરતી પછી ભક્તજનો તેઓશ્રીને પ્રણામ કરવાનો લાભ લઈ શકશે.
Your Content Goes Here