ઈશુના જન્મ પહેલાંના ૩૯૯મા વર્ષની મે અથવા જૂન મહિનાની સાંજ હતી. એથેન્સનાં સાદાં ઘરો અને શાનદાર દેવભવનો પર આથમતો સૂર્ય પોતાના રંગો ઢોળતો હતો. એ વખતે એથેન્સના કારાગૃહની એક ઓરડીમાં એક વૃદ્ધ ચિંતકની આજુબાજુ નાનકડું મંડળ એકઠું મળ્યું હતું. વૃદ્ધ સિવાયના સૌનાં મોં પર શોકનું વાદળ ઘેરાયું હતું. જાણે એમનું જીવન ખાલી થઈ જવાની અણી પર હોય તેવા વ્યાકુળભાવે બધા તે વૃદ્ધના ખરબચડા અને બેડોળ છતાં પ્રસન્નતા અને વહાલપ, ગૌરવ અને કારુણ્યથી નીતરતા ચહેરા તરફ સૌ જોઈ રહ્યા હતા. એમાંનો એક એને વિનવતો હતો : ‘સોક્રેટિસ, અમે બધું ગોઠવી રાખ્યું છે. વહાણ તૈયાર છે. અધિકારીઓ પણ આંખમીંચામણાં કરશે.’
વૃદ્ધને ડોકું ધુણાવતો જોઈને કહે, ‘તમારાં બાળકો અને સ્ત્રી પ્રત્યેની ફરજ પણ તમને છટકી જવાનું કહે છે. તમે બિનગુનેગાર છો ત્યારે લોકો એને જરાય અયોગ્ય નહીં લેખે.’
‘લોકો શું કહેશે એની મેં કયે દિવસે દરકાર કરી છે ? સત્શીલ પુરુષો મારા આ કૃત્યને કેમ મૂલવશે તે જ મારું તો માપ છે. આ સાચું છે કે ખોટું તે જ સવાલ પુછાવો જોઈએ. પરિણામે ખુદ મૃત્યુ હોય તોપણ લેખામાં ન લેવાય. અદાલતે ભલે મને અન્યાય કર્યો હોય, પણ મારા કાનમાં તો વાંસળીના સૂરની જેમ સંભળાય છે કે અન્યાયનો સામનો અન્યાયથી ન કરતો. બીજું કશું મને સંભળાતું નથી. અંતર્યામી મને દોરે છે ત્યાં જ મને જવા દો.’ બધાનાં મોં પરથી આશાનું છેલ્લું કિરણ ઓલવાઈ જાય છે. સોક્રેટિસ, જેણે લોકોના શ્રેય માટે જીવન ગાળ્યું છે તેને લોકોના હાથે જ મરવાનું નિર્ધાર્યું છે.
માનવજાતિને એના કપરા પથમાં ભાતભાતના લોકોનો સંગાથ થાય છે. મોટા ભાગના લોકો તો જીવતા હોય ત્યારે જ બોજારૂપ થઈ પડે છે. એ જે દે છે તેના કરતાં કેટલાય ગણું લે છે અને છેવટે ચપટી રાખનું ખાતર જમા પાસામાં મૂકીને ચાલ્યા જાય છે. બીજા કેટલાક દશકા કે સૈકા સુધી આ મહાયાત્રામાં અશરીરી રૂપે સાથે ચાલીને ઉત્સાહ આપે છે. પણ એક જગ્યા એવી આવે છે જ્યાંથી એ આગળ ચાલી શકતા નથી ને કેટલીક વાર તો અન્યને પણ આગળ ચાલવા દેતા નથી. એવા તો ગણ્યાગાંઠ્યા જ મળ્યા છે કે જે વણથાક્યે પાછળ રહી જનારા તરફ કરુણ દૃષ્ટિ ફેંકી આ મહાનયાત્રામાં ચાલ્યા કરે છે. સ્થળ કે કાળ એકેય એમને નકામા બનાવી શકતાં નથી. શુદ્ધ કાંચનની જેમ ઘસાઈ ઘસાઈને એ અધિક ઊજળા બને છે. સોક્રેટિસ આવા અજરઅમર ભોમિયામાંનો એક છે. કાળની દીવાલોમાં એણે પોતાના જીવનનું જે ચિત્ર દોર્યું છે એને હવા, પાણી કે ટાઢતડકો ઝાંખું કરી શકે તેમ નથી. જ્યારે જુઓ ત્યારે એ વિનોદી તત્ત્વજ્ઞ તમને પ્રેરણા આપવા ઊભો જ છે. એને ખસેડનાર કોઈ જન્મ્યો નથી. જો કે એણે કોઈ વાદ, કોઈ પંથ કે કોઈ ધર્મની સ્થાપના કરી નથી કે મહાન યુદ્ધ જીત્યું નથી; અરે, ગ્રંથ પણ લખ્યો નથી ! પૂરા અર્થમાં એણે વિના હથિયારે જગદ્માન્યનું સ્થાન જીત્યું છે.
દુનિયામાં બે પ્રકારના મહાપુરુષો થયા છે. એક છે આ જગત વિશે ‘કઈ રીતે’ આ બધું બન્યું ને બને છે, એ શોધવા ને સિદ્ધ કરવા મથનારા; ને બીજા ‘શા માટે, શા હેતુથી, કયાં મૂલ્યોને લક્ષમાં રાખીને’ આ બધું ચાલે છે કે ચાલવું જોઈએ તે ખોજનારા અને કહેનારા. પહેલા પ્રકારના લોકો વૈજ્ઞાનિક છે અને બીજા પ્રકારના દાર્શનિકો અથવા તત્ત્વજ્ઞો છે. પહેલા પ્રકારના લોકો કંઈક કરવાના શોખીન હોય છે ને બીજા પ્રકારના કંઈક થવાના. તેઓ બાહ્ય ફેરફારમાં રાચતા નથી. અંતર્ગત વિકાસની સાથે જેટલો બાહ્ય ફેરફાર થાય તે તેમને તત્ત્વદૃષ્ટિએ શુદ્ધ અને શુભ લાગે છે. જગતમાં બન્નેની જરૂર છે. આત્માને જેમ દેહની જરૂર છે તેમ જ તત્ત્વજ્ઞાનને અથવા જ્ઞાનને વિજ્ઞાનની જરૂર છે. હકીકતો પછવાડેનાં હેતુ કે મૂલ્યો નક્કી કરતાં પહેલાં ખુદ એ હકીકતને જાણવી એ આવશ્યક છે. પણ હકીકતોને વિગતથી, ઝીણવટથી જાણવા માટે ઘણી વાર બાહ્ય સાધનોની જરૂરિયાત છે, જે બધાને બધે વખતે સુલભ હોતાં નથી.
ગેલિલીયોએ દૂરબીન શોધ્યું તે પહેલાં આકાશી તારાઓ વિશે ઝીણવટથી શોધ કરવાનું શક્ય ન હતું. તેવું જ સૂક્ષ્મદર્શક યંત્ર શોધાયા પહેલાં શરીરશાસ્ત્ર કે અન્ય શાસ્ત્રોના સંશોધન વિશે કહી શકાય. પણ માણસ પોતાને ઓળખે તેમાં બહુ ઝાઝાં બાહ્ય સાધનોની જરૂર પડતી નથી; માત્ર થોડા સત્સંગ અને તીવ્ર જિજ્ઞાસાની જ જરૂર છે. ઉપરાંત આ જ્ઞાન સિવાયનું વિજ્ઞાન તે ભયંકર સાધનો શોધીને માનવજાતને મોતની ખાઈ ભણી ધકેલી રહ્યું છે તે આવા તત્ત્વજ્ઞાનના સારથિપણાના અભાવે.
સોક્રેટિસ દાર્શનિક હતો. સત્શીલ એ સુખનું મૂળ છે એમ એ કહતો ને જ્ઞાન એ સત્શીલ છે એમ એ માનતો. જે પરિસ્થિતિમાંથી આ સૂત્ર તેને મળ્યું તે પરિસ્થિતિ હજુયે, કદાચ વધારે તંગ સ્વરૂપે, આપણી સામે ડોળા ફાડીને ઊભી છે; ને તેથી એ સૂત્ર આજે પણ એટલું જ ઉપયોગી છે. માત્ર એને જીવી બતાવનાર સોક્રેટિસ આજે જોઈએ તેટલા નથી.
દરેક મહાપુરુષ એના જમાનાનો શ્રેષ્ઠપુરુષ હોવા છતાં એ જમાનાની જ પેદાશ હોય છે. એની વિશિષ્ટતા અને ખામી બન્ને પર એ જમાનાની ઘેરી છાયા હોય છે. હાથલા થોર કે ખજૂરીને સમજવાં હોય તો એની આજુબાજુના વેરાન પ્રદેશને તપાસવો એ જરૂરી છે, એવું જ મહાપુરુષોની મહત્તાને સમજવા માટે એ કાળના સમાજને તપાસી લેવો જરૂરી છે. ઘણા માને છે તેમ એથી એમની મહત્તા ઘટતી નથી; ઊલટું, એમની લાક્ષણિકતા સમજવામાં મદદ થાય છે.
ગ્રીસે સોક્રેટિસ પહેલાં અને સોક્રેટિસ પછી પણ મહાન કવિઓ, નાટ્યકારો, શિલ્પીઓ, ઇતિહાસકારો આપ્યા છે. બાકીના યુરોપે પણ ગ્રીસના એ સપૂતોની બરોબરી કરે તેવા શેક્સપિયર, ન્યૂટન, ગ્વેટે અને સ્પિનોઝા જેવા પ્રતિભા સંપન્ન પુરુષો નિપજાવ્યા છે. પણ ગ્રીસે કે યુરોપે સોક્રેટિસની કક્ષાનો પુરુષ બીજો આપ્યો નથી. ગ્રોટે કહ્યું છે તેમ ‘એનું ધનુષ્ય વાપરનાર તો ઠીક પણ એને વાળનાર પણ બીજો નથી જન્મ્યો.’

Total Views: 394

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.