પાઠક : શક્તિ સંચયની વાત મને સમજાઈ નહીં, એ જરા સ્પષ્ટતાથી સમજાવોને. જે માર્ગે જતાં મહાબળવાન બળહીન બની જાય છે, એમાં જવાથી જોર કે શક્તિ વધે કેવી રીતે?

ભક્ત : શું તમે કોઈને ય નાળું પાર કરતા જોયા છે? જો કોઈને કૂદીને નાળું પાર કરવું હોય તો શું તે દોડીને નાળું પાર કરશે? પહેલાં તો તે થોડા પાછળ જશે અને પછી ત્યાંથી દોડીને આવશે ને છલાંગ લગાવીને નાળું કૂદી જશે. અહીં જે રીતે તે પગમાં શક્તિ એકઠી કરવા પાછળ જાય છે, એવું જ અહીં પણ બને છે. તફાવત ફક્ત એટલો જ છે કે અહીં તે નાળું પાર કરવા સ્વેચ્છાએ પાછળ જાય છે અને ત્યાં તે ભ્રમને લઈને પાછળ જાય છે. કામ કરતાં કરતાં આ બધી વાતો એની મેળે જ સમજાવા લાગે છે. આ સ્થિતિમાંથી પસાર થયા વગર આ વાતો સમજાતી નથી. કર્મ કરવાં જરૂરી છે. કર્મને પરિણામે પ્રવૃત્તિમાં પડવું પડ્યું છે અને કર્મ દ્વારા જ નિવૃત્તિમાં પાછા ફરવું પડશે. પ્રવૃત્તિ જેવી રીતે પ્રવૃત્તિવાળાં કર્મોને પરિણામે સર્જાય છે તેવી રીતે નિવૃત્તિ નિવૃત્તિવાળાં કર્મોને પરિણામે સર્જાશે. પણ એક વાત સ્પષ્ટ છે કે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ તરફ જવાના પ્રયત્નમાં ઘણાં જ કષ્ટ અને પરિશ્રમ રહેલાં છે. તે કષ્ટ અને પરિશ્રમ કેવાં છે, તે તમે જાણો છો? ધારો કે હું કોલકાતામાં પાથુરિયાઘાટમાં રહું છું ત્યાંથી ત્રણ માઈલ દૂર ઉત્તર તરફ દક્ષિણેશ્વર છે. અને ત્રણ માઈલ દૂર દક્ષિણે મેટિયાબુર્જ છે. મેટિયાબુર્જનો રસ્તો એ પ્રવૃત્તિનો રસ્તો છે, જ્યારે દક્ષિણેશ્વરનો રસ્તો એ નિવૃત્તિનો રસ્તો છે. હું મેટિયાબુર્જના રસ્તે જાઉં છું ને ત્યાં પહોંચું છું અને ભોગોનો રસાસ્વાદ લઈને પછી અનુભવું છું કે એ તો ભારે અશાંતિનું સ્થળ છે. પછી શાંતિના સ્થળની શોધ કરું છું ત્યારે જણાય છે કે એ માટે દક્ષિણેશ્વર જવા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. હવે મારે શું કરવું જોઈએ? મેટિયાબુર્જથી પાછું પાથુરિયાઘાટ આવવું પડશે. પાછા ફરવામાં ભારે કષ્ટ પડશે કેમકે રસ્તો જરાય સારો નથી. મહામહેનતે પાછા ફરીને પછી જ્યારે હું પાથુરિયાઘાટથી ઉત્તર તરફ દક્ષિણેશ્વરના રસ્તે ચાલવાનું શરૂ કરું છું ત્યારે મને શાંતિનો અનુભવ થશે. રસ્તામાં જેમ જેમ આગળ ચાલીશ તેમ તેમ મારી શાંતિ વધતી જ જશે. આ માર્ગ પર પણ ચાલતાં ચાલતાં મન જૂના સંસ્કારોને લઈને વારંવાર મેટિયાબુર્જના તરંગોમાં ડૂબી જશે. પણ તેના તરફ ધ્યાન ન આપતાં તેનું મહત્ત્વ ઘટી જશે. જે અર્થ યાદ કર્યો છે, તેને ભૂલીને બીજો અર્થ યાદ કરવામાં જેટલી મહેનત પડે છે, ખાધેલાં ભોજનની ઊલટી કરીને જઠરને, બીજાં ભોજનને સ્વીકારી શકે તે માટે લાયક બનાવવામાં જેટલું કષ્ટ પડે છે, એવું જ કષ્ટ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિમાં જવા માટે પડે છે. હજુ એક વાત છે, નિવૃત્તિના માર્ગમાં આગળ થવા માટે ભલે કેટલુંય કષ્ટ કેમ ન પડે પણ તે કષ્ટ યાત્રિકને એ માર્ગે આગળ જ લઈ જાય છે. તે કષ્ટ, યાતના અને શ્રમ સાધના દરમિયાન આવતાં મહાકષ્ટ, મહાયાતના અને મહાશ્રમ માટેનાં રક્ષાકવચનું કામ કરે છે. યાત્રા કર્યા વગર જેમ પ્રવાસ અંગેનું સાચું જ્ઞાન મળતું નથી, એ રીતે કર્મના ક્ષેત્રમાં ગયા વગર આ બધા વિષયોનું જ્ઞાન થતું નથી. એટલા માટે ઠાકુર કહેતા હતા, – સાધનાના સાગરમાં ડૂબકી લગાવ્યા વગર રત્નો મળતાં નથી. કર્મ કરો, કર્મ જરૂરી છે. ભાંગ ભાંગ કહીને બરાડા પાડવાથી નશો ચડતો નથી. પહેલાં ભાંગ લાવો, પછી તેને વાટો અને પછી પીઓ, ત્યારે નશો ચડશે. કર્મ જ પ્રવૃત્તિ અને નિવૃત્તિનું મૂળ છે. પ્રવૃત્તિમાર્ગમાં જેમ પ્રવૃત્તિકર્મ દ્વારા પ્રવૃત્તિના રાજ્યમાં આવી પડ્યા છો એ જ રીતે નિવૃત્તિમાર્ગમાં નિવૃત્તિકર્મ દ્વારા નિવૃત્તિના રાજ્યમાં આવવું પડશે. બંને જગ્યાએ કર્મ તો તે એક જ છે. કર્મનું સામાન્ય નામ ભલે કર્મ હોય પણ કર્મ હોય છે જુદાં જુદાં પ્રકારનાં અને તેથી તેનાં ફળ પણ જુદાં જુદાં પ્રકારનાં જ હોય છે. કેરી, ફણસ, સીતાફળ, અનાનસ આ બધાં ફળો છે અને ઝેરકોચલું પણ ફળ જ છે. પરંતુ કેરી, સીતાફળ શરીરને પુષ્ટિ આપે છે, જ્યારે ઝેરકોચલું શરીરને મારી નાંખે છે. એ જ રીતે કર્મના પણ જુદા જુદા પ્રકારો છે. કોઈ કર્મ બચાવે છે, તો કોઈ કર્મ નાશ કરે છે. પ્રવૃત્તિમાર્ગનાં કર્મો પોતાના સ્વભાવ પ્રમાણે કર્મની વૃદ્ધિ કરતાં રહે છે, અને જીવને અતૂટ બંધનમાં બાંધી દે છે, પરંતુ નિવૃત્તિ માર્ગનાં કર્મમાં કર્મોનો લોપ થાય છે અને એ કર્મોનાં બંધનથી તો મુક્તિ મળે છે.

પાઠક : આપે જે જે કર્મોની સહાયથી નિવૃત્તિમાં જવાની વાત કરી તે ઘણી જ મુશ્કેલ છે. સંસારમાં ભોગવાસના પ્રત્યે વધારે આસક્તિ હોય છે. આ આસક્તિ કોઈપણ રીતે છૂટતી નથી તો તેમાંથી મુક્ત થવાનો શો ઉપાય?

ભક્ત : ફરી ફરીને પાછી એ જ વાત આવે છે. કર્મો એવાં કરો કે જેનાથી એને છોડી શકાય. ભલે તે એકદમ ન છૂટે પણ એવું નથી કે એ ધીરે ધીરે ન છૂટે. ગંભીર રોગ હોય તો જલ્દીથી સાજાં થવાતું નથી, પણ જો બરાબર સાચી દવા મળે તો ધીમે ધીમે રોગ દૂર થઈ જાય છે. રોગ તો થયો છે, આમલીના ઝાડની નીચે રહેવાથી અને આમલી ખાવાથી. એ રોગમાંથી મુક્ત થવા માટે તો લીમડાના ઝાડની નીચે જવું પડશે ને લીમડાનાં પાન ખાવાં પડશે. હજુ તો તમે આમલીના ઝાડ નીચે જ પડી રહ્યા છો અને ત્યાં રહીને માંદગી દૂર થતી નથી, એની બૂમો પાડી રહ્યા છો, એનાથી શું વળશે?

પાઠક : ભગવાન મેળવવાનો સરળ ઉપાય શું છે? એ જરા કહોને!

ભક્ત : આ વિષયમાં ભગવાન રામકૃષ્ણદેવ એક ગીત ગાતા તે સાંભળો.

હરિ સે લાગી રહો રે ભાઈ,
તેરી બનત બનત બની જાઈ.
રંકા તાર્યો, બંકા તાર્યો, તાર્યો સદન કસાઈ.
સુવા પઢાવત ગનિકા તારી, તારી મીરાંબાઈ.
ઐસી ભક્તિ કરો ઘટ ભીતર, છોડ કપટ ચતુરાઈ.
સેવા બંદગી ઔર અધીનતા, સહજ મિલૈ રઘુરાઈ.

વિષયોથી ભરેલી મલિન બુદ્ધિ, કપટતા અને ચતુરાઈ છોડીને ભગવાનમાં લાગ્યા રહો, એનાથી તમને ભગવાન મળી જશે.

પાઠક : એમને મેળવ્યા વગર કેવી રીતે એમનામાં લાગી રહેવાય? એ મને સમજાતું નથી, જરા સમજાવોને.

ભક્ત : હું આટલા દિવસોથી તમારી આગળ રામકૃષ્ણદેવના મહિમાના પ્રસંગો વર્ણવી રહ્યો છું. તમારી વાતો સાંભળીને હું સારી રીતે જાણી ગયો છું કે તમે સાકારવાદી છો અને તમે કૃષ્ણ-રૂપને માનો છો. તમારા ઘરમાં કૃષ્ણની મૂર્તિ છે. તેને ચંદન-પુષ્પોથી રોજ નવી નવી રીતે શણગારજો. તમે તો થિયેટરના માણસ છો. કેવી રીતે શણગારવું એ તમને સારી રીતે આવડે. થિયેટરમાં જ્યારે બિલ્વમંગલનું નાટક ભજવો છો, ત્યારે જે રીતે કૃષ્ણને તૈયાર કરો છો, બરાબર એ જ રીતે તેને સજાવો. ગરમીના દિવસોમાં તેને પંખાથી હવા નાંખવી. ઠંડીના દિવસોમાં તેને કપડાં પહેરાવવાં, એના માટે નરમ-સરસ પથારી કરવી. જ્યાં જે વસ્તુ સારી મળે તે કૃષ્ણ માટે લાવવી અને સહુથી મહત્ત્વની વાત – માખણ મિસરીનો ભોગ ધરવો. ભોગ ધરતી વખતે રડી રડીને તેને આજીજી કરવી કે ‘કૃષ્ણ આ તો તમારે ખાવું જ પડશે. ક્યારેક ક્યારેક કૃષ્ણલીલાનો પાઠ કરવો અને ક્યારેક જેમણે કૃષ્ણનાં દર્શન કર્યાં છે, અને જેઓ કૃષ્ણને પ્રેમ કરે છે, એવા લોકોનો સત્સંગ કરવો. આ બધાં કાર્યોમાં લાગી રહેવું એ જ કૃષ્ણની સાથે તમારું લાગી રહેવાનું થયું.

પાઠક : મહાશય, આપની આ વાત સાંભળીને મારું મન પ્રશ્ન કરી રહ્યું છે કે આપે ‘રડી રડીને કૃષ્ણને ભોગ સ્વીકારવાની વાત કહેવા અંગે જે કહ્યું, તો મને એમ થાય છે કે એમ કરવાથી શું કૃષ્ણ ખરેખર ખાશે ખરા?

ભક્ત : જરૂર ખાશે. આ બાબતમાં જરા પણ શંકા ન કરો. મેં ભગવાનને ખાતા જોયા છે.

પાઠક : આપ શું કહો છો? આપની વાત સાંભળીને મારું શરીર કંપી રહ્યું છે, મને ખૂબ રડવું આવે છે. હું ઘણો જ અધમ અને મલિન છું. બધાં પ્રકારનાં પાપ-કર્મોથી ઘેરાયેલો છું. મારી સ્પર્શ કરેલી વસ્તુ શું ભગવાન ખાશે?

ભક્ત : હું પણ પહેલાં એવું જ વિચારતો હતો. પરંતુ શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી મારી એ શંકા દૂર થઈ ગઈ છે. એટલા માટે કહું છું – સાંભળો – તમે જેમ તમારી અંદર મલિનતા અને પાપની કાલિમા જુઓ છો, એ જ રીતે જો તમે ભગવાનની કરુણાનો થોડોક પણ અંશ જોઈ શકો તો તેને જાણી શકો, તો પછી આ વાત તમારા મોઢામાં આવી શકે જ નહીં. ભગવાન કરુણાના સાગર છે, દયાનિધિ છે હું ભલે ગમે તેટલા પાપ કેમ ન કરું, એ દયાસાગર પાસે તો એ કંઈ જ નથી. તમે સરોવરના પાણીમાં એક ખડિયો શાહીનો ઢોળી દો તો શું એ શાહી પછી શાહી રહેશે ખરી? એ તો સરોવરના પાણીમાં ભળી ગઈ ને પાણી જ બની ગઈ. એક ઝાકળ બિંદુ શું સૂર્યની પાસે પહોંચી શકે ખરું? એ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં ક્યાંય ઊડી જાય છે. જે ભગવાન કારાગારમાં જન્મ્યા હતા, તે ભગવાન ભક્તને માટે પોતે જાતે બંધાયા હતા, જે ભગવાને ગોવાળિયાઓનું એંઠું ખાધું હતું, જે ભગવાને બ્રાહ્મણના પગની લાત પોતાની છાતી ઉપર ઝીલી હતી, જે ભગવાન પોતાનું લોહી રેડીને આ જીવ-જગતનું પાલન કરે છે, એ ભગવાન શું એવો હિસાબ રાખીને બેઠો રહેશે કે તમે ક્યાં શું કર્યું છે! અરે, અરે, દયાના સાગર ભગવાન ઉપર આવો આરોપ ન મૂકો!

એમની કરુણાનો માત્ર અંશ પણ જો લોકો મેળવી શકે તો પછી કોઈ તેમને એકવાર પ્રણામ પણ ન કરે અને કોઈ એમની સંભાળ પણ ન લે. એમની કૃપાનો કોઈ અંત નથી કે નથી એ કૃપાને કોઈ સીમાના વાડા. દીકરામાં ભલે ગમે તેટલા અવગુણ હોય પણ માબાપને એ દેખાતા નથી. અને સમગ્ર જગતનાં માતાપિતા છે ભગવાન, એમના લાડ-પ્રેમને લઈને જ આ જીવ-જગત બન્યું છે. આ સૃષ્ટિ પ્રત્યે તેમના વાત્સલ્યનાં મોજાં એટલા પ્રબળ છે ત્યાં કોટિ કોટિ અપરાધોનો સાગર ઠાલવી દેવામાં આવે તો પણ તે ક્યાં ચાલ્યો જાય છે, તેની ખબર પણ પડતી નથી.

દયામય રામકૃષ્ણદેવની અપાર કરુણાનો અનુભવ કરીને ગિરીશબાબુએ ઠાકુરનાં ચરણોને ઉદ્દેશીને કહ્યું હતું : ‘જો મને પહેલેથી જ ખબર હોત કે મારાં પાપોને ઉલેચવા માટે આવું પાત્ર મેળવીશ, તો મન મૂકીને પાપ કરી લેત. પણ હવે તો દર્શન કરી લીધાં છે, તેથી વધારે પાપ કરવાનો રસ્તો જ રહ્યો નથી.’

પાઠક : મહાશય! રામકૃષ્ણદેવનાં દર્શન કરવાથી શું વધારે પાપકર્મ કરી શકાતાં નથી?

ભક્ત : કોનામાં એવી શક્તિ છે કે પછી પાપ કરી શકે? ભગવદ્‌દર્શનનું ફળ અદ્‌ભુત છે. જે રીતે ભડ-ભડતી આગમાં સૂકાં પાંદડાંઓ બળીને ભસ્મ થઈ જાય છે, એ રીતે એમનાં દર્શન માત્રથી કરોડો જન્મોનાં પાપોનો પણ હંમેશને માટે નાશ થઈ જાય છે. પાપના નાશની સાથે બીજી એક વસ્તુનો પણ નાશ થાય છે, તે કઈ વસ્તુ છે, તેની તમને ખબર છે? એ છે પુનર્જન્મ, ભગવાનનાં દર્શન થવાથી પછી પાછું જન્મવું પડતું નથી. ગીતની એક પંક્તિ કહું છું, સાંભળો –

જય જગત જીવન જગબંધુ,
સુના પુરાણોકો કહતે,
હોતા નહીં પુનર્જન્મ
દેખ તવ મુખ ઇન્દુ.

પાપમાંથી મુક્ત થતાં હૃદય પવિત્ર બને છે. અને હૃદય પવિત્ર બનતાં પછી જીવ પાપ આચરી શકતો નથી.

(ક્રમશ:)

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.