શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્ય, સ્વામી બ્રહ્માનંદ, એક વાર દક્ષિણ ભારતના મદુરાઈ મંદિરમાં નટરાજ (નૃત્ય કરતા શિવ)ની મૂર્તિ જોતાંવેંત ભાવોન્માદમાં સરી પડ્યા. નટરાજનો અર્થ છે નૃત્યકારોના રાજા. એક પગ પર ઉત્તમ સંતુલન રાખી આશ્ચર્યચકિત કરી દેનાર એક ભવ્ય નર્તક રૂપે શિવને દર્શાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે ડાબા પગને હવામાં અદ્ધર રાખી, જમણા પગને ધરતી પર રાખી એક પગ પર તેમણે ગજબનું સંતુલન જાળવી રાખ્યું છે. તેવું જોવામાં આવ્યું છે. એવું વર્ણન છે કે, મદુરાઈ પર શાસન કરતા પાંડ્ય રાજા દૃઢતાપૂર્વક માનતા કે શિવને જમણા પગ(જે ધરતી પર રાખેલ છે)માં દુ:ખાવો થયો છે એટલે રાજાએ નટરાજને તેમની અંગસ્થિતિ બદલવા તીવ્ર આજીજી કરી કે તેઓ જમણો પગ હવામાં ઊંચો રાખી ડાબા પગને પૃથ્વી પર રાખી નૃત્ય કરે. દયાળુ ઈશ્વરે રાજા પર કૃપા કરી અને રાજાની વિનંતી મુજબ નૃત્ય કરવા લાગ્યા. આમ વિરુદ્ધ સ્થિતિમાં અનુપમ નૃત્ય કરતા શિવની મૂર્તિ માત્ર મદુરાઈમાં જોવા મળે છે. જ્યારે સ્વામી બ્રહ્માનંદે એ મૂર્તિનાં દર્શન કર્યાં કે તરત જ તેઓને ભાવસમાધિ થઈ આવી અને તેઓ બોલી ઊઠ્યા કે તેમણે શ્રીરામકૃષ્ણને બરાબર આ જ અંગસ્થિતિમાં નૃત્ય કરતા જોયા હતા.

બે દિવ્ય નૃત્ય

નટરાજ-નૃત્યના બે પ્રકાર છે : એક, ઉચ્ચતર કક્ષાએ તલ્લીન થઈ દિવ્યતાથી ઊભરાતા આનંદ સાથેનું નૃત્ય, અને બીજું, બધા જ જીવોને તેઓ જ્યાંથી ઉદ્ભવ્યા છે તેમાં વિલીન કરવા માટે દયા બતાવનારું નૃત્ય. શિવ એટલે કલ્યાણકારી(શ્રેયસ્કર), ધન્ય, શુભ. પરંતુ આ શ્રેયસ્કરતા, ધન્યતા અને શુભત્વ એ જ દિવ્યશક્તિમાંથી આવે છે જે એક ઝાટકે તમામ દુષ્ટતા, સ્વાર્થીપણું અને નિમ્નતાનો નાશ કરે છે, અને એટલે મૂર્તિકલા પણ એવું જ દર્શાવે છે. પહેલા પ્રકારનું નૃત્ય ખૂબ આનંદદાયક, વંદનીય અને સુખદાયક છે, જ્યારે બીજા પ્રકારનું નર્તન ભયજનક, અતિ બળવાન અને ધૈર્યપૂર્વક આરાધના કરી શકાય તેવું અને મોટા ભાગે વિનાશકારી અસરવાળું તેમજ પ્રશંસનીય છે. આમ છતાં નૃત્યના બન્ને પ્રકારો માનવજાતિના ઉદ્ધારક છે. એવું કહેવાય છે કે નટરાજ બન્ને પ્રકારનાં નૃત્ય ચિદંબર(ચિત્+અંબર)માં અર્થાત્ પરમ ચૈતન્યમાં કરે છે, કે જે દહરાકાશ, હૃદયગુહા એવા અન્ય નામે પણ ઓળખાય છે. આપણા જેવા મર્ત્ય મનુષ્ય કે જેમણે હજુ સુધી અસ્તિત્વની અંત:સ્થ વિશાળતાને જાણી નથી, સમજી નથી, તેમના માટે આ વિભાવના ઘણી ગહન છે, આપણે તો માત્ર આપણી અંદર રહેલા અને આપણી સાથે એકરૂપ એવા નટરાજ(શિવ)ના શ્રેષ્ઠત્વ અને શ્રેયસ્કરનું આદરપૂર્વક ધ્યાન કરી શકીએ અને આપણામાં રહેલી સ્વાર્થવૃત્તિ અને ‘હું’પણા ના નાશ માટેનો ભાવ આપણી હૃદયપૂર્વકની પ્રાર્થનામાં લાવી શકીએ.

અવતારોની વિનાશક શક્તિ

નટરાજના ભાવોન્માદવાળા દિવ્ય નર્તનમાં શિવ કેવા લાગતા હતા તે આપણે યથાર્થ રીતે નથી જાણતા. જે સંતો અને મહાત્માઓએ તેમના અસ્તિત્વના ઊંડાણમાં તેમનાં દર્શન કર્યાં છે તેઓએ કેટલાંક હસ્તાંકિત ચિત્રો બનાવ્યાં છે. પરંતુ શ્રીરામકૃષ્ણની બાબતમાં કેમેરા દ્વારા લેવાયેલ પ્રમાણભૂત તસ્વીરોના સ્વરૂપમાં આવા નૃત્યનું ચિત્ર આપણને ઉપલબ્ધ છે. જો શ્રીરામકૃષ્ણના જીવનકાળ દરમ્યાન ચલચિત્રો શક્ય હોત તો હર્ષાતિરેકમાં તેમણે કરેલ નૃત્યો અને ભક્તો સાથેના વાર્તાલાપોનાં ચલચિત્રો જોવાનો અનેરો લાભ આપણને મળત. આમ છતાં, મહેન્દ્રનાથ ગુપ્તે(જેઓ શ્રી‘મ.’ના નામે ઓળખાતા) કરેલા આબેહૂબ વર્ણનના પરિણામે શ્રીઠાકુરની જીવંત થઈ ઊઠેલ તસવીરો આપણાં સહેલાઈથી નાશ પામે તેવા આંતરિક માળખાંને ધ્વસ્ત કરી અમીટ છાપ છોડે છે. ખ્રિસ્તી ધર્મના સાધકો નમ્ર અને આજ્ઞાંકિત ઈસુ ખ્રિસ્તને ‘સ્વર્ગ તરફ આગળ વધવા પ્રેરણા આપનાર’ કહે છે. શ્રીરામકૃષ્ણના આધ્યાત્મિક શિષ્ય, સ્વામી વિજ્ઞાનાનંદ કે જેને શ્રીરામકૃષ્ણે સ્પર્શમાત્રથી આધ્યાત્મિક અનુભૂતિ કરાવી હતી, તેઓ શ્રીગુરુદેવને ‘કાંચા ખેકો દેવતા’ આત્માથી ભિન્ન એવા માનવદેહનો નાશ કરનાર દેવ-તરીકે ઓળખાવતા. બહારથી નમ્ર દેખાતા કાલીના ઉપાસક શ્રીરામકૃષ્ણ વ્યક્તિના દૈહિકભાવને ઓગાળી દેતા અને તેની શારીરિક મર્યાદાઓ, મન અને ઇંદ્રિયોને સનાતન દિવ્યતામાં પરિવર્તિત કરી દેતા. આ જ દિવ્ય અવતારની શક્તિ છે. શ્રીરામકૃષ્ણ, શ્રીકૃષ્ણ, બુદ્ધ સ્વરૂપમાં ભલે શાંત અને આંતરિક આનંદથી ઊભરાતા લાગતા હોય, પરંતુ હકીકતમાં તેઓ આધ્યાત્મિક શક્તિના શક્તિશાળી ડાયનેમો છે. આ અવતારો ત્રિતાપને શમાવનાર કે તેમાંથી રાહત આપનાર કરતાં તે ત્રિતાપનો નાશ કરનાર છે. આ શક્તિ વ્યક્તિત્વમાં રહેલ સ્વલ્પતા, ક્ષુદ્રતા, સ્વાર્થીપણું અને સ્વકેન્દ્રીપણાનો નાશ કરે છે. તેથી આ દિવ્યાવતારોની ખૂબ નજીક જવાનું સાહસ કર્યા વગર તેમના વ્યક્તિત્વને શ્રદ્ધાપૂર્વક મજબૂત રીતે વળગી રહેવામાં જ શાણપણ છે.

શ્રીરામકૃષ્ણ-શક્તિનો સ્રોત

કેટલી સહજ રીતે શ્રીરામકૃષ્ણ કોઈકના વ્યક્તિત્વને પરિવર્તિત કરી નાખતા એ નિષ્ઠાવાન અધ્યાત્મ-અભિલાષીની અનુભૂતિ અને ગ્રહણશીલતાનો વિષય છે. દિવસનો મોટો ભાગ જાગતિક વસ્ત્ર કરતાં ભક્તિરૂપી વસ્ત્રથી આવૃત(પ્રોજ્જ્વલ ભક્તિ પટાવૃત); પાંચ વર્ષના બાળક જેવી હૃદયસ્પર્શી નિર્દાેષતા યુક્ત, છતાંય નિત્ય વિવેકપૂર્ણ; સમાધિલબ્ધ પરમાનંદથી ઉજ્જવળ મુખારવિંદવાળા, વદન પર લાખો ચંદ્રમા જેવી મધુરતા અને ભાવોન્માદ પ્રસરાવતી મુદ્રાયુક્ત, કર્કશ વાક્છટાથી સાવ વિપરીત એવી મધુર તોતડાતી કાલીઘેલી વાચાવાળા, છતાંય સ્વયંની આત્મગુહામાંથી સ્વયંભૂપણે દિવ્યસ્ત્રોતમાંથી અમૃતમય કથામૃત વરસાવનારા, માયાબદ્ધ જીવો પર અપાર કરુણાવાન દક્ષિણેશ્વર કાલીમંદિરના નિરક્ષર પૂજારી-એવા કાલીના વિનમ્ર બાળસમાન સાથે સાથે આધ્યત્મિક સત્તાના મહાભંડાર એવા શ્રીરામકૃષ્ણનો કોણ પાર પામી શકે કે જેમણે મનોબળ અને બુદ્ધિપ્રતિભાથી ગર્વિષ્ઠ સ્વામી વિવકાનંદને પણ અભિભૂત કર્યા હતા! શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્યોમાંના એક સ્વામી શિવાનંદ મહારાજનો અભિપ્રાય છે : ‘આપણે તેમને અણીશુદ્ધ પવિત્ર, શુદ્ધ અને બાળક જેવા નિર્દાેષ જાણીએ છીએ. પરંતુ તેઓ પોતાનામાં લાખો બ્રહ્માંડોને સમાવી રહ્યા છે તે આપણે કેમ કરીને જાણી શકીએ…!’

આ બધું કહેવું એ મોટા ભાગના લોકોને નવાઈ પમાડે તેવું લાગતું હશે. એ લોકોને એવું લાગતું હશે કે આ બધું લોકો પર પ્રભાવ પાડવા અતિશયોક્તિભર્યો પ્રપંચ છે, અવાસ્તવિક છે, સાબિત ન થયેલી અને સિદ્ધ ન કરી શકાય તેવી ભ્રામક વાતો છે અને તેથી જ જે શ્રીરામકૃષ્ણને ખૂબ નજીકથી જાણતા, સમજતા તે પ્રખર બુદ્ધિશાળી અને અજ્ઞેયવાદી નરેનથી લઈને સાવ જ બિનઅનુભવી અને અશિક્ષિત, ન જાણતા હોવા છતાં શ્રીરામકૃષ્ણ પ્રત્યે ક્ષણવારમાં આકર્ષિત થયા હતા એવા લાટુ જેવા અંતરંગ શિષ્યોને પણ ક્યારેક એવું લાગતું. હકીકતમાં શ્રીરામકૃષ્ણે પોતે પણ પોતાની જાતને અને આધ્યાત્મિક અનુભૂતિના બેજોડપણાને સમજવા માટે પરવા કરી ન હતી. દેખીતી નિમ્ન કહેવાતી મૂર્તિપૂજાથી લઈને અદ્વૈત જ્ઞાનના ઐક્યની મહત્તમ ઊંચાઈએ વિહરતા રહીને વૈવિધ્યપૂર્ણ વિલાસના અધિષ્ઠાન એવા પરમ સત્યમાં વધુ ને વધુ નિમગ્ન રહેવામાં જ તેઓ સંતુષ્ટ હતા.

પોતાના વિષે તેઓએ કહ્યું છે કે, તેઓ આધ્યાત્મિક જ્ઞાન માટે હરહંમેશ અત્યંત આતુર રહેતા, અનેક માર્ગે આધ્યાત્મિક સત્ત્વને જાણવા માટે તેમનો જ્ઞાનપિપાસુ આત્મા તેમને હંમેશાં દોરવણી આપતો. અધ્યાત્મની બાબતમાં તેઓ એક સાહસિક પર્વતારોહી હતા કે જેમણે અદમ્ય અંત:પ્રેરણાથી આધ્યાત્મિક ઉન્નતિનાં નવાં નવાં ઉત્તુંગ શિખરો સર કર્યાં હતાં. તેઓ અધ્યાત્મના સમુદ્રના નિષ્ણાત મરજીવા હતા કે જેમણે આનંદપૂર્વક એ સમુદ્રના ઊંડાણમાંથી સાકાર તેમજ નિરાકાર તત્ત્વને શોધી કાઢ્યું હતું, અને એ આધ્યાત્મિક જ્ઞાનનાં રત્નો સમગ્ર માનવજાત સાથે વૈશ્વિક ઐક્ય માટે અતિ આનંદપૂર્વક વહેંચ્યાં હતાં.

આમ છતાં, શ્રીરામકૃષ્ણ સરળ અને નિખાલસ, કોઈપણ ભેદભાવ વગર દરેક માટે સુલભ અને તેથી નિર્વિરોધપણે દયાળુ એવા એક પૂર્ણમાનવ હતા. આપણે તેમની સાથે કોઈપણ ખચકાટ વિના વાત કરી શકીએ હા, સ્થૂળ દૃષ્ટિએ જેઓ એક સૈકાથી વધુ વર્ષ પૂર્વે દેહત્યાગ કરીને તિરોધાન પામ્યા છે, પરંતુ સૂક્ષ્મ અધ્યાત્મ ભાવે શ્રીરામકૃષ્ણ રૂપે ઇન્દ્રિયગમ્યપણે તેઓ જીવંત છે, તેમના કૃપાપાત્ર શિષ્યો આનું પ્રમાણ છે. આપણે તેમની બાંયધરીનાં સ્પંદનો આપણા હૃદયના ઊંડાણમાં અનુભવી શકીએ છીએ. જ્યારે આપણે તેમની અગમ્ય સાધના માત્રથી તેમની નિરંતર ચાલતી વિસ્મયકારક અનુભૂતિઓ, તેમની અચેતન અવસ્થા અને ભાવાવેશ અને સમાધિ અને આધ્યાત્મિક જગતમાં તેમનો અત્યાનંદી ખેલ; અને આપણે સ્વયંની ક્ષુદ્રતા, હૃદયની અશુદ્ધિઓ અને આધ્યાત્મિકતાની તીવ્ર લાગણીના અભાવ વિષે મૂંઝવણભરી સ્થિતિમાં હોઈએ છીએ અને આ બાબતે ખચકાટ અનુભવીએ છીએ ત્યારે શ્રીકૃષ્ણે જેમ અર્જુનને કહ્યું હતું તેમ તેમના કરુણાભર્યા શબ્દો દ્વારા તેઓ આપણને કહે છે, ‘ખરેખર, ખરેખર, હું તમને કહું છું.

જે કોઈ મારા સ્વરૂપનું અને મારા ઉપદેશોનું ધ્યાન કરશે તેઓને, જેમ પિતાની સંપત્તિનો વારસો પુત્રને મળે તેમ, મારો આધ્યાત્મિક વારસો મળશે. તમારે ધ્યાનમાં ડૂબી જવા માટે વ્યાકુળ બનવાનું છે, બાકીનું બધું હું સંભાળી લઈશ.’ શ્રીરામકૃષ્ણે કથામૃતની નોંધ કરનાર શ્રી‘મ’ને વારંવાર આ ખાતરી આપી છે. ‘મ’એ તેમના નજીકના ભક્તોને આ વિષે વાત કરી છે અને પછીથી સ્વામી નિત્યાત્માનંદજીએ પણ આ મહાન ખાતરી, આ દિવ્ય આદેશ, આ વચન વિષે તેમના ‘મ’ સાથેના વાર્તાલાપને પોતાના અમર પુસ્તકમાં આલેખેલ છે. ‘મ’એ પોતે પણ આ બાંયધરીને પ્રમાણભૂત રીતે વિશિષ્ટ શબ્દોમાં ભવ્યતા અને ગાંભીર્ય સાથે આલેખી છે. વધુમાં ‘મ’ અર્થપૂર્ણ રીતે અને સ્પર્શી જાય તે રીતે કહે છે, ‘આ સંપત્તિ શું છે? જ્ઞાન-ભક્તિ, વિવેક-વૈરાગ્ય, શાંતિ-સુખ, પ્રેમ-સમાધિ. ઉંદરની પકડદોડની રમત કે જેને શ્રીરામકૃષ્ણ ‘કામ-કાંચન’ કહે છે તેમાં વ્યસ્ત આજના માનવ માટે કેવું વચન અને કેવી બાંયધરી… !

વાસ્તવિક ધર્મગ્લાનિ

જ્યારે ધર્મની ગ્લાનિ (સદાચાર પર દુરાચાર હાવી થઈ જાય) થાય છે, ત્યારે ભગવાન પોતે અવતાર ધારણ કરે છે. જ્યારે કોઈ સત્યશોધક સાધકનું હૃદય ઊંડા સંતાપથી ભરાઈ જાય છે, ઘેરાઈ જાય છે, જેને અનિર્વચનીય ગ્લાનિ કહે છે; જ્યારે ઇચ્છુક વ્યક્તિ અનેક પ્રયત્નોને અંતે બંધનથી મુક્ત થવાની અણી પર હોવા છતાં, અજ્ઞાનનાં વાદળોને ધડાકા સાથે જડમૂળથી દૂર કરી, અંત:સ્થ અસ્તિત્વને સ્ફુટ કરી પ્રકાશિત કરનાર એ છેલ્લા સપાટા, છેલ્લી ફૂંક માટે નિ:સહાયપણે અધ્યાત્મના એ પ્રકાશક્ષેત્રમાં પ્રવેશી શકતો ન હોય ત્યારે તે વ્યક્તિના અંતરતમ હૃદયમાં ભગવાન પોતે આપમેળે બિરાજે છે. જ્યારે સાધક આવા માનસિક અને આધ્યાત્મિક સંક્રમણકાળ (તે જ ખરેખર ધર્મગ્લાનિ છે)ની ધાર પર હોય, ત્યારે ઈશ્વર તે વ્યક્તિના હૃદયમાં બિરાજે છે. ત્યારે તે આનંદ અને ઉત્કટ હર્ષાવેશ એવી શ્રીરામકૃષ્ણની સંપત્તિનો વારસદાર બને છે. સ્વામીજી કોઈના હૃદયમાં બિરાજવા વિષેની આવી દિવ્યતાના પ્રખ્યાત કાવ્ય ‘Kali the Mother’ માં લખે છે :

દુ:ખને વરે,

મોતને ભેટે,

નાચે સર્વનાશની સાથે,

તેને મળતી માતા જાતે.

વિનાશકતાનું નૃત્ય એટલે પોતાનામાં રહેલાં અલ્પતા, ક્ષુદ્રતા, સ્વાર્થપરાયણતા, અહંકેન્દ્રીપણાનો જળમૂળથી નાશ. જ્યારે આ બધું ‘જ્ઞાનાગ્નિ’(દક્ષતાના અગ્નિ)માં બળીને ભસ્મ થઈ જાય છે, ત્યાર પછી જ મા આવે છે.

સ્વામીજી તેમના પ્રખ્યાત બંગાળી કાવ્ય ‘નાચુક તહાતે શ્યામા’(અંગ્રેજીમાં અનુવાદિત- Let Shyama Dance There)ના અંતમાં અમર પંક્તિઓ લખે છે :

ચૂર કરી દે સ્વાર્થ, માન તું,

હૃદય બનો સમશાન.

નાચે શ્યામા એની ઉપર,

ઘનરણમાં લઈ નિજ ભીમકૃપાણ.

જો આપણે ઇચ્છતા હોઈએ કે શ્રીરામકૃષ્ણ આપણા હૃદયાસને બિરાજે તો આપણે તમામ ઇચ્છાઓ, વાસનાઓનો લેશમાત્ર અંશ ન રહે તે રીતે ભસ્મસાત્ કરવાની જરૂર છે અને ત્યાર બાદ હૃદયની તે સ્મશાનભૂમિમાં નિર્વાસના-ઉપાસનાનું આસન બને છે, તત્પશ્ચાત્ શ્રીરામકૃષ્ણ આવીને પરમાનંદી નૃત્ય કરે છે- ચિદમ્બરમાં નટરાજનું નૃત્ય, આપણી હૃદયગુહામાં.જ્યારે શ્રીરામકૃષ્ણ આપણા હૃદયમાં આ જ જન્મમાં નૃત્ય કરશે ત્યારે આપણે અહોભાગી થઈશું.

અજ્ઞાનના અંધકારને દૂર કરી, તમામ વાસનાઓને જ્ઞાનાગ્નિમાં ભસ્મીભૂત કરી, હૃદયગુહાને પરમતત્ત્વના પ્રકાશથી પ્રકાશિત કરીએ તો એ દહરાકાશમાં દિવ્યતાના પ્રકાશમાં શ્રીરામકૃષ્ણ ઉલ્લાસિત નૃત્ય કરશે !

Total Views: 423

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.