લોકો તેમનાં દુઃખ અને શોક માટે ફરિયાદ કરે છે અને કહે છે કે તેઓ પ્રભુને કેટલીયે પ્રાર્થનાઓ કરે છે પરંતુ દુઃખમાંથી છુટકારો મળતો જ નથી. પરંતુ દુઃખ એ ઈશ્વર તરફની ભેટ છે.

આ દુનિયામાં એવું કોણ છે જેને દુઃખ સહન કરવાં ન પડ્યાં હોય! સૃષ્ટિ પોતે જ દુઃખ-પીડાથી સભર છે. પીડા ન હોય તો, આનંદને કેવી રીતે જાણી-સમજી શકાય? માણસ સદા દુઃખી હોઈ શકે નહિ. આ જગત પર કોઈપણ વ્યક્તિએ બધા દિવસો દુઃખમાં પસાર કરવાના હોતા નથી. પ્રત્યેક કર્મનું પોતાનું ફળ હોય છે અને તે કર્મ અનુસાર સૌને યથાયોગ્ય સમયે તક-અવસર સાંપડે છે.

માણસ પોતાનાં કર્મોનાં ફળ ભોગવે છે. એટલે આવી પીડા માટે બીજાનો વાંક કાઢવાને બદલે, માનવીએ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને એની કૃપા પર બધું છોડી દઈ જે કંઈ વીતે તેને ધીરજથી અને શાંતિથી સહન કરવા કોશિશ કરવી.

તું ડર નહિ. મનુષ્ય-જન્મ પીડાથી ભરેલો છે અને ઈશ્વરનું નામ લેતાં લેતાં મનુષ્યે એ સહન કરવાનું છે. દેહ-મનનાં દુઃખમાંથી કોઈપણ, ભગવાન પણ છટકી શકે નહિ! મનુષ્યે તિતિક્ષાથી બધું સહન કરવું જોઈએ, બધું કાર્યકારણ સંબંધથી, વ્યક્તિનાં કર્મથી થાય છે. આ ભવનાં કર્મો ત્યાર પછીના ભવનાં કર્મો પર અસર કરે છે.

શું! તું મારું સંતાન હોવા છતાં, તારો વિનાશ થાય! જેઓ અહીં આવ્યા છે, જેઓ મારાં સંતાન છે તેમને મુક્તિ મળી જ ચૂકી છે. ખુદ ભગવાન પણ મારાં સંતાનનું કશું બૂરું કરી શકે નહિ! ઠાકુરે મને ખાતરી આપી કહ્યું છે કે જે કોઈ તમારું શરણ લેશે તેના અંતકાળે હું હાથ પકડીશ અને એને યોગ્ય માર્ગે લઈ જઈશ.

મારાં સંતાનોના કલ્યાણ માટે હું ગમે તે કરી શકું. ડરો નહિ! જ્યારે તમે દુઃખમાં હો ત્યારે તમારી જાતને કહો, ‘મારે મા છે?’ તમે નિષ્ઠાવાન હો તો ઘેર બેઠાં ગંગા થાય. પ્રભુ આપણી મૂર્ખામી જાણે છે, તે આપણને ક્ષમા કરે છે.

ધારો કે મારા એક બાળકે પોતાની જાતને કાદવથી ખરડી છે તો એને મારે પોતે જ સાફસૂફ કરવું પડશે અને મારા ખોળામાં લેવું પડશે. ભૂલો કરવી એ મનુષ્યનો સ્વભાવ છે. એને કેમ સુધારવી તે બહુ ઓછા લોકો જાણે છે. ‘મા’ કહેતું કોઈ મારી પાસે આવે ત્યારે મારાથી રહેવાતું નથી. જેમને મેં મારા તરીકે સ્વીકાર્યાં છે તેમને હું આઘાં હડસેલી શકતી નથી.

સજ્જનોની હું મા છું, તેમ દુર્જનોની પણ હું મા છું. કદી ડર મા. દુઃખમાં હો ત્યારે તારી જાતને આટલું જ કહેજે ‘મારે પણ મા છે.’ તને મૂંઝવે એવો વિચાર જયારે પણ આવે ત્યારે તું મને સંભારજે.

(‘શાંતિ પ્રાપ્તિના ઉપાયો’ પુસ્તકમાંથી સંકલિત)

Total Views: 1,030

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.