મન એ જ બધું છે. મનમાં જ પવિત્રતા અને અપવિત્રતાનો અનુભવ થાય છે. સર્વ પ્રથમ પોતાનું મન કલુષિત થાય, તે પછી જ માણસ બીજાના દોષ જોઈ શકે છે.

સ્વભાવે જ મન ચંચળ છે. એટલા માટે સૌ પહેલાં તો મનને સ્થિર કરવા માટે પ્રાણનું થોડું નિયમન કરીને ધ્યાન કરવું જોઈએ. તેથી મન સ્થિર કરવામાં મદદ મળે છે. પરંતુ પ્રાણાયામનો વધારે પડતો ઉપયોગ કરવો નહીં. તેમ કરવાથી મગજ તપી જાય છે. તમે ઈશ્વર-સાક્ષાત્કારની કે ધ્યાનની વાતો કરો, પણ યાદ રાખજો કે મન જ બધું છે. મન સ્થિર થાય એટલે બધું આવી મળે છે.

સતત ધ્યાન ધરવાથી મન એટલું બધું સ્થિર થઈ જશે કે ધ્યાન છોડવું તમને ગમશે જ નહીં. જ્યારે મન ધ્યાન ધરવા જેવી સ્થિતિમાં ન હોય ત્યારે બળજબરીથી તેની પાસે તેમ કરાવવું નહીં. એવી સ્થિતિમાં પ્રણામ કરીને આસન પરથી ઊઠી જવું. સહજ ભાવે થતું ધ્યાન એ જ ખરેખરું ધ્યાન છે.

પ્ર : મા, વારંવાર મારું મન ચંચળ થઈ જાય છે. તે ભોગવિલાસ તરફ દોડે છે અને તેથી હું બહુ ગભરાઉં છું.

ઉ : એવો ઉદ્વેગ ન કરવો. હું કહું છું કે આ કલિયુગમાં માનસિક પાપ એ પાપ નથી. આ બાબતની બધી ચિંતા મનમાંથી કાઢી નાખો. બીવાની કંઈ જરૂર નથી.

બેટા ! આ મન ગાંડા હાથી જેવું છે. વાયુ કરતાં પણ તેની ગતિ વધારે છે. એટલા માટે સદાયે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો. ઈશ્વરસાક્ષાત્કાર માટે ખૂબ મહેનત કરવી. એ સમયે મારું મન કેવું આશ્ચર્યકારક હતું ! રાતના દક્ષિણેશ્ર્વરમાં કોઈક બંસી વગાડતું. એ સ્વર સાંભળી મારું મન ઈશ્વર સાક્ષાત્કાર માટે એકદમ આતુર થઈ જતું. મને લાગતું કે એ નાદ સીધે સીધો ઈશ્વર પાસેથી આવે છે અને હું તરત જ સમાધિ-દશામાં આવી જતી.

ખૂબ તપને પરિણામે મન પવિત્ર થઈ જાય છે. ઈશ્વર તો પવિત્રતા સ્વરૂપ જ છે એટલે તપ વિના તે મળે નહીં.

દિવસમાં પંદરથી વીશ હજાર નામ-જપ કરવામાં આવે, તો મન સ્થિર થઈ જાય. ખરેખર એમ જ છે… મેં પોતે તેનો અનુભવ કર્યો છે. પહેલાં તો સૌ તેનું આચરણ કરી જુએ; અને પછી જો એમ ન બને તો પછી ફરિયાદ કરે.

મનનો સંયમ કરીને ઈશ્વરનું નામ એક વખત પણ લેવામાં આવે તે, ઈશ્વરથી દૂર ભટકતા મનથી લેવાયેલાં લાખો નામો બરાબર છે. ભલે આખો દિવસ ભગવાનનું નામ લીધા કરો, પણ મન જો બીજે લાગેલું હોય, તો એવાં નામજપથી ઝાઝો ફાયદો થતો નથી. નામજપની સાથે એકાગ્રતા પણ જોઈએ.

મન એકાગ્ર ન થાય, તોપણ ભગવાનનું પવિત્ર નામ છોડવું નહિ. તમે તમારી ફરજ બજાવો. નામ લેતાં લેતાં જ નિર્વાત જગ્યાની અંદર રહેલી મીણબત્તીની જેમ મન આપોઆપ સ્થિર થઈ જશે. વાયુ જ દીવાની જ્યોતને આમતેમ દોલાયમાન કરે છે. તે જ રીતે આપણી કલ્પનાઓ અને વાસનાઓ જ આપણા મનને ચંચળ કરી મૂકે છે.

(દિવ્યકૃપા, 31-35)

Total Views: 422

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.