(દોલપૂર્ણિમા ઉપલક્ષ્યે શ્રીચૈતન્યદેવનો આ લેખ ‘પ્રબુદ્ધ ભારત’ માર્ચ, 1970માંથી સાભાર લેવામાં આવ્યો છે. લેખક સ્વામી ચેતનાનંદ રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી અને વેદાંત સોસાયટી, સેન્ટ લુઈસ, અમેરિકાના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. લેખની વિષયવસ્તુ કૃષ્ણદાસ કવિરાજ લિખિત ‘ચૈતન્યચરિતામૃત’ અને ડૉ. એ. કે. મજુમદાર લિખિત ‘ચૈતન્ય: તેમનું જીવન અને સિદ્ધાંત’ નામક પુસ્તકોમાંથી લેવામાં આવી છે. -સં.)

એકલા એકલા ધૂમ્રપાન કરવું એ ધૂમ્રપાન કરનારને આનંદ નથી આપતું. તે હંમેશાં કોઈ સાથીદારને શોધતો હોય છે. તે જ રીતે અનુભૂતિ-પ્રાપ્ત મનુષ્ય તેમને સાચી રીતે સમજી શકે તેવા ઉત્થાન પામેલા આત્માને ઝંખતો હોય છે. ત્યાર પછી તેમના હાવભાવ, વર્તન, હલન-ચલન વગેરે અદ્‌ભુત બની જાય છે અને સામાન્ય બુદ્ધિવાળા મનુષ્ય તેને સમજી શકતા નથી. રખે ને તે આભાસી બની જાય તે કારણે તે પોતાની જાતનું મૂલ્યાંકન કરવાનું પસંદ કરે છે, અને પોતાના આધ્યાત્મિક અનુભવોની અન્ય પવિત્ર આત્માઓના આધ્યાત્મિક અનુભવો સાથે સરખામણી કરે છે.

પ્રેમાવતાર શ્રી ચૈતન્ય ૧૪૮૬માં બંગાળમાં જન્મ્યા હતા. વૈષ્ણવોમાં એવી લોકોક્તિ છે કે શ્રી કૃષ્ણ રાધાવિરહની તીવ્ર વેદનાનો અનુભવ કરવા ચૈતન્યરૂપે અવતરિત થયા હતા. આમ ચૈતન્ય બાહ્યરૂપે શ્રીકૃષ્ણ અને આંતરિકરૂપે રાધા હતા. તેમના જીવનનો બહોળો સમય દિવ્ય સમાધિમાં પસાર થયો હતો. તેમના વિષે વાત કરવા માટે શબ્દો પણ અસહાય થઈ પડે છે.

‘ચૈતન્યચરિતામૃત’ના લેખક કૃષ્ણદાસ કવિરાજે ચૈતન્ય અને રામાનંદ વચ્ચેના સંવાદોને સુંદર રીતે શબ્દરૂપે ચિત્રિત કર્યા છે. ચૈતન્ય દક્ષિણ ભારતની યાત્રાએ ગયા હતા અને ત્યાં વિદ્યાનગર (હવે રાજામુન્દ્રી)માં રામાનંદને મળ્યા હતા. રામાનંદ ત્યાંના રાજ્યપાલ હતા, અને તેમના જ્ઞાન અને આધ્યાત્મિક ઉત્સાહને કારણે લોકપ્રિય અને સમ્માનનીય હતા. ચૈતન્યે પુરીમાં તેમનું નામ સાંભળ્યું હતું. અને બંને જ્ઞાની આત્માઓનું પૂર્વનિર્ધારિત મિલન થયું અને બંને વચ્ચે અમર સંવાદ શરૂ થયો:

ચૈતન્ય: શાસ્ત્રો પ્રમાણે જીવનના અંતિમ લક્ષ્ય વિષે કૃપા કરીને કંઈક કહો.

રામાનંદ: વ્યક્તિ પોતાનાં જાતિ-કર્તવ્યોને યોગ્ય રીતે નિભાવીને વિષ્ણુ (ભગવાન)ની ભક્તિ મેળવી શકે છે.

ચૈતન્ય: આ એક ઉપરછલ્લો માપદંડ છે. કૃપા કરીને સમસ્યાના મૂળ વિષે વધુ કહો.

રામાનંદ: તમામ કર્મોનું (કર્મફળોનું) શ્રીકૃષ્ણના ચરણમાં સમર્પણ એ અંતિમ ધ્યેય છે.

ચૈતન્ય: આ ઉપરછલ્લી વાત છે. કૃપા કરીને હજુ વિશેષ કહો.

રામાનંદ: મર્યાદામાં રહીને જાતિ-કર્તવ્યોના ત્યાગ દ્વારા જે માણસ પ્રાપ્ત કરી શકે તે.

ચૈતન્ય: આ પણ એક બાહ્ય વસ્તુ છે.

રામાનંદ: જ્ઞાન આધારિત શ્રદ્ધા એ અંતિમ ભાવ છે.

ચૈતન્ય: આ પણ ઉપરછલ્લી વાત છે.

રામાનંદ: જ્ઞાનના લેશ વિનાની શુદ્ધ ભક્તિ એ જ મનુષ્ય-જીવનની પરાકાષ્ઠા છે.

ચૈતન્ય: તે હું જાણું છું. કૃપા કરી એ વિષે વધુ કહો.

રામાનંદ: પ્રેમ (love)માંથી નિષ્પન્ન થયેલ ભક્તિ (શાંત-ભાવ) એ જ માનવ-જીવનનું અંતિમ ધ્યેય છે જે મનુષ્ય પ્રાપ્ત કરી શકે.

ચૈતન્ય: એ મારા માટે નવું નથી, હજુ વિશેષ કહો.

રામાનંદ: ભગવાન માટે સેવકભાવ (દાસ્ય-ભાવ)ની મનોવૃત્તિનું સંપાદન એ જ પ્રેમનો સાર છે.

ચૈતન્ય: હા, તે સત્ય છે, પરંતુ મારે હજુ વધારે સાંભળવું છે.

રામાનંદ: મિત્રના રૂપમાં ભક્તિ (સખ્ય-ભાવ) એ મનુષ્યની પહોંચની અંદર અંતિમ લક્ષ્ય છે.

ચૈતન્ય: ખૂબ સરસ ! પણ આપણે હજુ ઊંડે ડૂબકી લગાવીએ.

રામાનંદ: માતા-પિતાનો બાળક પ્રત્યેનો પ્રેમ (વાત્સલ્ય-ભાવ) એ ભક્તનું સર્વોચ્ચ લક્ષ્ય છે.

ચૈતન્ય: એ નોંધપાત્ર છે! પણ આપણે હજુ ઊંડે જઈએ.

રામાનંદ: એક ઉત્કટ પ્રેમીની જેમ આવેગપૂર્વક ભક્તિ (મધુર-ભાવ અથવા કાન્ત-ભાવ) એ માણસ પ્રાપ્ત કરી શકે તેવું સર્વોચ્ચ સ્વરૂપ છે.

રામાનંદે કહેવાનું ચાલુ રાખ્યું: શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવાના વિવિધ માર્ગો અને માત્રા છે. પરંતુ મુખ્ય વસ્તુ જે તે મનુષ્ય માટેનો જે સહજ ભાવ હોય તે ઉત્તમ છે. ત્યારબાદ જ તે શ્રીકૃષ્ણ અને રાધાના મૂલગત સ્વભાવને સ્પષ્ટ રીતે જાણી શકે અને રાસલીલાના રહસ્ય વિષે કશું કહી શકે. ભાગવતમાં કહ્યું છે: રાસ તહેવાર દરમ્યાન વૃંદાવનની ગોપીઓ જ્યારે શ્રીકૃષ્ણને ભેટી ત્યારે તેમની હૃદયની ઇચ્છા પૂર્ણ થઈ. શ્રીકૃષ્ણે તે સરળ, દોષરહિત અને નિખાલસ એવી ગામડાંની ગોપીઓને કહ્યું: ઓ ગોપીઓ ! તમે મને આટલો પ્રેમ કરો છો તેથી હું ધન્ય થયો છું: તમે અમર બની ગયાં છો. ઘરનાં બંધનો કાપીને તમે મારા પ્રત્યેની ભક્તિનું પ્રમાણ આપ્યું છે; યુગો સુધી કોશિશ કરવા છતાં મારો તમારા પ્રત્યેનો પ્રેમ, તમારા મારા પ્રત્યેના પ્રેમની પરાકાષ્ઠાની તોલે ન આવી શકે. મારા પ્રત્યેનો તમારો પ્રેમ જ તેનો પુરસ્કાર બની શકે.

ચૈતન્ય ભાવવિભોર બની ગયા અને કહ્યું: આપ બોલતા રહો, આપને સાંભળવામાં આનંદ આવે છે.

ચૈતન્યે ફરી પૂછ્યું: કામ(lust) અને પ્રેમ(love) વચ્ચે શું ફરક છે? ગોપીઓનો પ્રેમ કામરહિત કઈ રીતે હતો?

રામાનંદ: પોતાની ઇન્દ્રિયોના આનંદની તૃપ્તિ એ કામ છે અને શ્રીકૃષ્ણ માટે ઇચ્છાઓની તૃપ્તિ એ પ્રેમ છે. ગોપીઓ બીજા સમૂહમાં આવતી હતી અને તેઓ શ્રીકૃષ્ણના વિચારોમાં એટલી ખોવાયેલી રહેતી કે તેઓને પોતાનું દેહભાન પણ ન હતું. દેહ સ્મૃતિ નાહી જાર, કામ કૂપ કાહા તાર, એટલે કે જ્યાં દેહભાન ન હોય ત્યાં લૈંગિક વિભાવના કેવી રીતે હોઈ શકે ? (ભાગવત મુજબ રાસલીલા વખતે શ્રીકૃષ્ણની ઉંમર માત્ર આઠ વર્ષની હતી.)

ચૈતન્ય: મને લાગે છે કે આ તબક્કે સાધક નિષ્ક્રિય બની જાય છે.

રામાનંદ: હા, એ સાચી વાત છે. પરંતુ ઈશ્વરકૃપાથી તેનું શરીર હલનચલન કરી શકે છે અને ભૂતકાળના આવેગના કારણે ખોરાક લે છે.

આ સમયે ચૈતન્ય ભાવસમાધિમાં ડૂબી ગયા.રામાનંદ આશ્ચર્યથી તેમની સામે જોઈ રહ્યા. તેમણે આ પહેલાં શાસ્ત્રોમાં સમાધિ વિષે માત્ર વાંચ્યું હતું પણ આ વખતે તેઓ સાક્ષી બન્યા (તેમણે નજરોનજર જોયું). થોડા સમય પછી ચૈતન્ય પૂર્વવત્‌ થયા અને બોલ્યા: મેં તેનો અનુભવ કર્યો. આગળ કહેવાની કૃપા કરો.

રામાનંદ: મેં પહેલીવાર આ સાંભળ્યું. માનવબુદ્ધિ આનાથી આગળ વધી શકે નહીં. જે હોય તે, હું માત્ર બીજી વસ્તુ જાણું છું, તે છે પ્રેમ-વિલાસ-વિવર્ત. (આ એક પારિભાષિક શબ્દ છે. તે પ્રેમનો એક પ્રકાર સૂચવે છે જે પોતાની જાતની અને આજુબાજુના વાતાવરણ પ્રત્યેની સંપૂર્ણ વિસ્મૃતિ સાથે અને પ્રેમીઓને એકબીજાની સાથે ઓળખની ભાવનાથી તરબોળ કરીને એકત્વનો આનંદ અને વિરહની વેદના બંનેને એક સાથે પ્રેરિત કરવામાં સક્ષમ છે. આ મનુષ્ય માટે પહોંચની બહાર છે અને એ માત્ર રાધા અને કૃષ્ણ માટે જ સંભવ છે.)

પ્રેમ-વિલાસ-વિવર્તનો વિચાર કરીને રામાનંદે પોતાની એક રચના ગાઈ: ન સો રમણ ન હમ રમણી દુહો મન મનોભાવ પેશાલ જાની….. એનો અર્થ એ કે પ્રેમની પરાકાષ્ઠાએ સ્ત્રી કે પુરુષનો કોઈ ભેદ રહેતો નથી. દ્વૈતનો ભાવ નષ્ટ પામે છે અને એકત્વનો અનુભવ થાય છે.

એ સમયે ચૈતન્ય પોતાની જાતને રોકી શક્યા નહિ. તેમણે રામાનંદનું મોં દાબી દીધું, કારણ કે એકત્વના વિચારે તેને કૃષ્ણ સાથે એક થવા માટે પ્રેરિત કર્યા હતા. ભક્તને સાકાર થવું ગમતું નથી, તે તેનો સ્વાદ ચાખવા માંગે છે. તે દૃષ્ટા માટે એક દૃશ્ય હતું. બે ભગવત-પ્રેમીઓના આ અનુપમ દ્રશ્યનું તેમના પુસ્તકમાં નિરૂપણ કરવા માટે તેઓ મજબૂર હતા અને તે તેમણે આ પુસ્તકમાં સ્વીકાર્યું પણ છે.

બીજા દિવસે ચૈતન્યે રામાનંદને પૂછ્યું: જ્ઞાન એટલે શું?

રામાનંદ: કૃષ્ણ પ્રત્યે સ્વાર્પણ ભાવ. એ સિવાય જ્ઞાન એટલે કશું જ નથી.

ચૈતન્ય: માણસોમાં સૌથી વિશિષ્ટ કોણ છે?

રામાનંદ: કૃષ્ણનો ભક્ત એ સૌથી વિશિષ્ટ છે.

ચૈતન્ય: સૌથી મૂલ્યવાન સંપત્તિ કઈ છે?

રામાનંદ: રાધા અને કૃષ્ણ માટેનો પ્રેમ.

ચૈતન્ય: સૌથી ખરાબ દુશ્મન કોણ છે?

રામાનંદ: કૃષ્ણના ભક્તોથી પૃથક થવું.

ચૈતન્ય: મુક્ત આત્મા કોણ છે?

રામાનંદ: જેનામાં કૃષ્ણ પ્રેમ છે.

ચૈતન્ય: મનુષ્ય માટે કયું ગીત શ્રેષ્ઠ છે?

રામાનંદ: કૃષ્ણ અને રાધાની ગૂઢ પ્રણયલીલાનું વર્ણન.

ચૈતન્ય: સૌથી વધુ લાભકારક આચરણ કયું છે?

રામાનંદ: કૃષ્ણના ભક્તો સાથેનું જોડાણ.

ચૈતન્ય: આપણે આપણી જાતને સતત શું યાદ અપાવવું જોઈએ?

રામાનંદ: કૃષ્ણનાં જીવનમાંથી નામ, ગુણ અને પ્રસંગો/ઘટનાઓ.

ચૈતન્ય: ધ્યાન માટે સર્વોચ્ચ વસ્તુ કઈ છે?

રામાનંદ: રાધા અને કૃષ્ણ.

ચૈતન્ય: ત્યાગીએ ક્યાં રહેવું જોઈએ?

રામાનંદ: વૃન્દાવનમાં, એ વ્રજભૂમિ કે જ્યાં રાસલીલા શાશ્વત છે.

ચૈતન્ય: સૌથી મધુર સંગીત કયું છે?

રામાનંદ: એ જ કે જે રાધા અને કૃષ્ણના પ્રેમ ગીતો સાથે સંકળાયેલ છે.

ચૈતન્ય: પૂજાનો મુખ્ય હેતુ ક્યો/શો છે?

રામાનંદ: સંયુક્તપણે રાધા-કૃષ્ણનું નામ.

ચૈતન્ય: મુક્તિની ઇચ્છા કરનાર અને ભક્તિની ઇચ્છા રાખનાર માટે અંતિમ મુકામ શું છે?

રામાનંદ: જેઓ મુક્તિની ઇચ્છા રાખે છે તેઓ જડ પદાર્થો જેવા થઈ જાય છે, જ્યારે ભક્તિ ઈચ્છનારાઓ અવકાશી પદાર્થો ધારણ કરે છે. મૂર્ખ કાગડો કડવી લીંબોળી ચૂંટે છે જ્યારે કોયલ પ્રેમની સુગંધિત કેરીનું રસપાન કરે છે. દુર્ભાગી વિદ્વાન વિનાશકારી શુષ્ક જ્ઞાનનો સ્વાદ લે છે જ્યારે સદ્ભાગી ભક્ત કૃષ્ણપ્રેમના અમૃતનું રસપાન કરે છે.

આ રીતે આ અવિસ્મરણીય સંવાદ દસ દિવસ સાંજથી પરોઢ સુધી ચાલ્યો. રામાનંદ રાજ્યપાલ હતા, તેથી દિવસના સમયમાં કામમાં વ્યસ્ત રહેતા. પરંતુ સમીસાંજથી આ બંને ભગવદનશામાં ગોદાવરી નદીને કિનારે મળતા અને ઈશ્વર વિષે વાતો કરતા: અને આમ તેઓએ માત્ર પોતાનાં હૃદયને જ હલકું ન કરતાં માનવતાના શુષ્ક, ત્યજાયેલા આત્માઓ વચ્ચે પ્રેમનું અમૃત છાંટ્યું.

Total Views: 449

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.