છો હોય શય્યા હિમજામી ભોમે,
ને પામરી શીતળ વાયરાની;
છો ન્હોય સાથી ભરવા જ હાય,
ગોરંભ્યુ હોયે ખગ ભારગ્લાનિ –

છો પ્રેમ પોતે નીવડ્યો વૃથા હો,
ને વેડફાઈ તવ હો સુગંધ;
છો ઈષ્ટ હારે પાસે અનિષ્ટની
ને થાય છો ગુણ પરે દુર્ગુણનો પ્રબંધ-

ના છોડજે ગંધમૃદુ સ્વભાવ,
હે વાયલેટ્, મિષ્ટ અને વિશુદ્ધ,
રેલાવજે સૌરભ માધુરીને
માગ્યા વિના, થઈ અસીમને, ખાતરીથી અબદ્ધ.

– સ્વામી વિવેકાનંદ

પુષ્પો ક્યાં, ક્યારે ને કેવી રીતે ઊગશે તે કોણ કહી શકે? રક્તરંગી જાસૂદના છોડ ઉપર શ્વેતરંગી જાસૂદ સંભવી શકે જ નહીં એમ કહી ઠાકુરથી સાંજે છૂટા પડી, બીજે દહાડે દક્ષિણેશ્વર આવ્યા ત્યારે, આશ્ચર્યવત્ બનીને, એ જ છોડ પર એક સફેદ જાસૂદ મથુરબાબુએ જોયું હતું. એ અવાક્ ઊભા રહી ગયા. માની લીલાને સમજનાર શ્રીરામકૃષ્ણ હસતા ઊભા હતા.

અંગ્રેજ કવિ ટોમસ ગ્રેનું એક પ્રખ્યાત કાવ્ય છે : ‘એલીજી ઈન અ કંટ્રી ચર્ચયાર્ડ’ – દેવળ પાસેના કબ્રસ્તાનમાં કરુણ પ્રશસ્તિ. ત્યાંની મૂંગી કબરો જોઈ કવિને વિચાર આવે છે : અહીં કોઈ અનામી વીર સૂતો હશે, કોઈ અનામી કવિ સૂતો હશે. એ સૂનારના શૌર્યથી અને કાવ્યશક્તિથી જગત અજાણ રહી ગયું છે. આ વાત કવિ પોતાની રીતે રજૂ કરતાં કહે છે : ‘રણવગડામાં ખીલી ખરી પડતાં અનેક પુષ્પોની સુગંધ એ વેરાનમાં જ વિલાઈ જાય છે.’

પોતાના આ નાના પણ સુન્દર અંગ્રેજી કાવ્યમાં સ્વામી વિવેકાનંદ મોસમ બેઠાં પહેલાં ખીલેલા એક પુષ્પ, વાયલેટની વાત કરે છે. યુરોપ અમેરિકામાં એ વસંતનું મધુર સુગંધી પુષ્પ છે, ખૂબ નજાકતભર્યું, ભૂરા રંગનું. એને ખૂબ કાળજીથી સાચવવું પડે. સ્વામીજી આવા વાયલેટની વાત કરે છે ને, તે પાછું એ વાયલેટ મોસમ પહેલાં ઊગી આવેલું છે. ધરતી પર જામેલા હિમના થર હજી પૂરા ઓગળ્યા નથી અને વાયરા જે વાય છે તે છે ઓતરાદા ને શીળા. આવા વાતાવરણમાં ઊગી આવેલું વાયલેટ ખૂબ કાળજી માગી લે.

સ્વામીજીનું આ વાયલેટ કોણ છે?

સ્વામીજી શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં દિગ્વિજય કરી ૧૮૯૭માં પાછા સ્વદેશ આવ્યા, તેની શતાબ્દીનું આ વર્ષ છે. એ પરિષદ મળી હતી ૧૮૯૩ના સપ્ટેમ્બરમાં. એ પરિષદમાં ભાગ લઈ, થોડું હરીફરી, શિયાળો બેસે તેની પહેલાં બીજા બધા પરદેશી પ્રતિનિધિઓ પોતાના દેશ ભેગા થઈ ગયા હતા. સ્વામી વિવેકાનંદે તેમ કર્યું ન હતું. પૂરાં ચાર વરસ એ ત્યાં રોકાયેલા. વચ્ચે ઈંગ્લેંડ અને ફ્રાન્સની મુલાકાતે થોડા મહિના એ ગયા હતા તે ભલે પણ, મુખ્યત્વે એ અમેરિકામાં જ રોકાયા હતા.

પોતાના એ લાંબા રોકાણ દરમિયાન, સ્વામીજીએ હિંદુ ધર્મપ્રસારનું નહીં પણ વેદાંતપ્રચારનું કાર્ય કર્યું હતું. દેશમાં રામકૃષ્ણ મઠની શાખા ખૂલી એની પહેલાં ઈંગ્લેંડમાં અને અમેરિકામાં વેદાન્ત-પ્રચાર માટે તથા શ્રીરામકૃષ્ણનો સર્વધર્મ સમન્વયનો સંદેશ સંભળાવવા માટે સ્વામીજીએ પોતાના ગુરુભાઈઓને કામે લગાડી દીધા હતા.

પોતાના આ વેદાંતપ્રચાર અને સર્વધર્મ સમન્વયના સંદેશના પ્રચારના કાર્યનો આરંભ અવિધિસર રીતે તો એ પરિષદ મળ્યા પૂર્વેથી જ, પોતે બોસ્ટન ગયા અને હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર રાઈટને મળ્યા ત્યારથી જ, કરી દીધો હતો. અને વિધિપૂર્વકનો આરંભ એ પરિષદની પહેલી પ્રારંભિક બેઠકમાં પોતે આપેલા નાનકડા વ્યાખ્યાનથી કર્યો હતો. એ પરિષદમાં એમણે બીજાં વ્યાખ્યાનો આપ્યાં હતા અને બીજી ચર્ચાઓમાં ભાગ લીધો હતો. ત્યાર પછી, સ્વામીજી આપણા દેશ કરતાં અઢી ગણા વિશાળ એ દેશમાં પૂર્વપશ્ચિમ અને ઉત્તર દક્ષિણ ખૂબ ફર્યા હતા અને, પ્રવચનો ઉપરાંત કેટલીયે જગ્યાએ તેમણે વેદાંતના વર્ગો ચલાવ્યા હતા.

કેવું પ્રભાવશાળી સ્વામીજીનું વ્યક્તિત્વ હશે, વેદાંતની કેટલીક હૃદયંગમ તેમની રજૂઆત હશે અને તેમની ભાષાની સચોટતા ને વેધકતા હશે કે, ન્યુયોર્કમાં, ન્યુયોર્ક રાજ્યની ઉત્તરે આવેલા ઓંટેરિયો સરોવરને પૂર્વોત્તર છેડે આવેલા થાઉઝણ્ડ આઈલૅન્ડ પાર્ક – સહસ્રદ્વીપ ઉદ્યાન નામના શાંત, રમણીય સ્થાનમાં કે, સાન્ફ્રાન્સિસ્કોમાં સ્વામીને ઘેરી વળી એક ચિત્તે સાંભળતા વિદેશી, વિધર્મીઓના એ સમુદાયોમાંથી કેટલાંક વેદાંત તરફ આકર્ષાઈ સંન્યાસ ગ્રહણ કરી બેઠાં!

આવાં એક જિજ્ઞાસુ પ્રવાજિકા સિસ્ટર ક્રિસ્ટીન હતાં. સ્વામીજીનું આ કાવ્ય તેમને સંબોધીને લખાયેલું છે.

સને ૧૮૯૬ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે ન્યુયોર્ક શહેરમાંથી આ કાવ્ય સ્વામીજીએ સિસ્ટર ક્રિસ્ટીનને લખી મોકલ્યું હતું.

ભાવનગરમાં રહેતા કવિ કાન્તે – મણિશંકર રત્નજી ભટ્ટે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો ત્યારે, આજથી એક સદી પહેલાં, ખળભળાટ મચી ગયો હતો. લગભગ એ જ અરસામાં, નાસિકમાં રહેતા એક મરાઠી સાહિત્યકારે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો ને એ તો વળી ખ્રિસ્તી ધર્મના પ્રચારક બની ગયા હતા. એ રેવરંડ ટિળકને અને એમનાં પત્ની લક્ષ્મીબાઈને સમાજની ખૂબ અવહેલના સેવવી પડી હતી.

આનું એક કારણ એ હતું કે ‘મોસમ બેઠા’ પહેલા એમણે તેમ કર્યું હતું. રેવરણ્ડ ટિળક મૃત્યુ પર્યંત ખ્રિસ્તી ધર્મને વળગી રહ્યા હતા ત્યારે, કવિ કાન્તનું કોમળ હૈયું બહિષ્કારનો ધર્માઘાત સહન નહીં કરી શકતાં, એ પાછા દેહશુદ્ધિ કરી હિંદુ બની ગયા હતા.

સિસ્ટર ક્રિસ્ટીન સામે આવો ભય ન જ હતો એમ કેમ કહી શકાય? મોસમ પહેલાં ખીલેલા એ વાયલેટને સમાજની ટીકાઓના મારાના શીળા વાયરાથી બચાવવા માટે, આસપાસ સમાજમાં જામેલા જડતાના હિમમાંથી ઉગારવાને માટે રક્ષણની, બે હુંફાળા બોલની જરૂર હતી.

આપણે ત્યાં વરસાદ આજે સેંટીમિટરમાં મપાય છે અને અગાઉ, ઈંચમાં મપાતો. યુરોપ અમેરિકાના કેટલાય પ્રદેશોમાં હિમવર્ષા ફૂટથી મપાય છે. હિમની શિલાઓ જ જામી જતી હોય છે. લાંબી, પંદર સત્તર કલાકની રાત આખી હિમવર્ષા થઈ હોય એને તરત ન ખસેડાય તો એ શિલા જેવો કઠણ બની જાય. સ્વામીજી આ વાસ્તવિકતા ચીંધે છે. આવી હિમશિલાથી બાગની બધી જમીન છવાઈ ગઈ હોય, કાળજું ભેદે એવો શીળો સૂસવતો ઓતરાદો વાયરો વાતો હોય, વાદળાંઓના ઢગલાએ સૂરજને ઢાંકી દીધો હોય અને પરિણામે જગત આખું ગ્લાનિથી છવાઈ ગયું હોય ત્યારે, જે વાયલેટ ઊગી નીકળ્યું હોય તેની હિમ્મતને દાદ દેવી ઘટે અને તેના સંરક્ષણ માટે પ્રબંધ કરવો જ ઘટે.

કાવ્યની બીજી કડીમાં સ્વામીજી સામાજિક પરિસ્થિતિનું, સામાજિક સંદર્ભોનું નિરૂપણ કરે છે.

ઈશુ ખ્રિસ્તને ક્રૂસ પર લટકાવ્યા ત્યારે એમના બીજા સામાન્ય અનુયાયીઓની વાત જવા દઈએ પણ એમના મુખ્ય બાર શિષ્યો હતા તેમનીયે શ્રદ્ધા ડગી ગઈ હતી. ઈશુને છેલ્લું ભોજન લીધા બાદ પકડી લઈ જવાતા હતા ત્યારે, બીજાઓ તો ઠીક, એમના પટ્ટશિષ્ય પીટરે જ ત્રણ વાર એમને નકાર્યા હતા : ‘ના ભઈલા, હું એને નથી ઓળખતો હો.’

અને અમરત્વની વાત કરતો આદમી આમ શૂળીએ ચડી મૃત્યુ પામે! શ્રદ્ધાના પાયા ડગી જાય એવું જ એ હતું. બધા શિષ્યોનો પ્રેમ, પળવારમાં, ‘વૃથા’ થઈ ગયો, ગોલગોયાના એ વધસ્થાન ૫૨ જ જિસસના જીવનની સુગંધ વેડફાઈ ગઈ અને, ધર્મનાં જે અનિષ્ટો દૂર કરવા જિસસ મથતા હતા તેણે ઈષ્ટને હરાવ્યા. રૉમન ન્યાયાધીશ પોંટિયસ પાઈલેટે યહૂદીઓને સમજાવવા કરેલી બધી કોશિશ વૃથા ગઈ અને સદ્‌ગુણ ઉપર દુર્ગુણનો જય થયો એમ લાગ્યું.

શુક્રવારને દિવસે આમ શૂળીએ મૃત્યુ પામ્યા પછી ઈશુના દેહને દફનાવવામાં આવ્યો અને રવિવારે એક કબરમાં જોતા એ દેહ ત્યાં ન હતો? એમને પહેરાવવામાં આવેલું સાંધા વગરનું વસ્ત્ર ત્યાં હતું. ક્યાં ચાલી ગયો હતો એ દેહ!

કબરેથી પાછાં વળતાં એ શિષ્યોએ – એમાં મૅરી મેગ્ડેલીન પણ હતાં – પોતાની સામેથી ઈશુ ખ્રિસ્તને સદેહે આવતા નિરખ્યા. શિષ્યો સાથે એમણે વાત પણ કરી. પછી એ શિષ્યવૃંદની શ્રદ્ધા પુનર્જિવિત થઈ અને સુદૃઢ થઈ.

ખુદ સ્વામી વિવેકાનંદને પરદેશ જવા માટે આગ્રહ કરનાર કેટલાય લોકો હતા. મદ્રાસમાં કેટલાક યુવાન મિત્રોએ એ માટે થોડું ભંડોળ પણ એકઠું કર્યું હતું. પરંતુ, સ્વામીજીને દરિયા પર ઊભા રહી પોતાની પાછળ આવવા માટે શ્રીરામકૃષ્ણ દેખાયા નહીં ત્યાં સુધી એમણે પરદેશ જવાનો નિશ્ચય કર્યો જ નહીં.

સાચી શ્રદ્ધાના પાયા કંઈ ઈટચૂનાના થાંભલા નથી કે કાળ એનો કોળિયો કરી જાય. સિસ્ટર ક્રિસ્ટીનની શ્રદ્ધા પણ એવી અડગ હતી. ક્યાંય પણ કાંકરી ઢીલી હોય તો, સ્વામીજીનું આ કાવ્ય રીઇન્ફોસ્ર્ડ સીમેન્ટ કોંક્રીટનું કાર્ય કરનાર હતું. સામાજિક તિરસ્કાર સામે ટકી રહેવા મીરાંબાઈની દૃઢતા જોઈએ, રાબિયાની હિંમત જોઈએ.

શ્રદ્ધાની દૃઢતાની વાત ઈશુ ખ્રિસ્તના એક મર્મભેદી ઉદ્‌ગારમાં જોવા મળે છે :

Even if Thou slayest me, yet will I trust Thee.

‘તું મારા કટકા કરીશ તો ય હું તારામાં શ્રદ્ધા રાખીશ.’ જેનામાં આ શ્રદ્ધા દૃઢ થઈ તેનું જીવન પછી સુગંધમય બની રહે. વેદકાળનાં અઅંભૃષણ ઋષિની કન્યા વાક, યાજ્ઞવલ્ક્યની પત્ની મૈત્રેયી, મીરાં, તુકારામ, ચૈતન્ય મહાપ્રભુ, ચંડીદાસ, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી… આ યાદી નાની નથી. ઈશુ ખ્રિસ્તની સૌરભ સ્થળકાલને ભેદીને જગતભરમાં ચોમેર ફેલાઈ છે. ઈસ્લામના સૂફી સંતોની સુવાસનું પણ તેમ જ છે. આલ્બર્ટ સ્વાઈત્ઝરનું પણ તેવું જ છે.

અને આવી વિભૂતિઓની સૌરભ ‘બ્રૂટ’ની સૌરભ જેવી તીવ્ર નથી હોતી, માદક નથી હોતી, મારક નથી હોતી, એ મૃદુ હોય છે, આનંદદાયક, પરમાનંદદાયક હોય છે, જીવનપ્રેરક હોય છે.

એટલે તો, કાવ્યની છેલ્લી કડીમાં, સ્વામીજી સિસ્ટર ક્રિસ્ટીનને કહે છે :

ના છોડજે ગંધમૃદુ સ્વભાવ,
હે વાયલેટ્, મિષ્ટ અને વિશુદ્ધ.

ક્રોધને, વેરને, દ્વેષને અધ્યાત્મ સાથે બનતું નથી. મીરાંઓને સમાજની સાસુઓ વિષનો પ્યાલો જ મોકલે છે. અને બધી મીરાંઓ હસતે મોંએ એ પી જાય છે. ગાંધીજીએ કહ્યું હતું : ‘મને કરડનાર સાપને મારતા નહીં.’ ગિરીશચંદ્ર ઘોષની ભૂંડામાં ભૂંડી ગાળો સાંભળી, બીજી સવારે શ્રીરામકૃષ્ણ સામે ચાલીને તેને ઘેર ગયા હતા, તેને ક્ષમા આપી છે તેની ખાતરી કરાવવા. ‘તમે આમ આવ્યા એ રીતે આવ્યા ન હોત તો, તમે તમે છો તેમ હું માનત નહીં.’ એમ પશ્ચાતાપનાં આંસુ સારતા ગિરિશે ઠકુરને કહ્યું હતું. ‘તમે’નું આ ‘તમે’ હોવું એ જ અગત્યની વાત તો છે.

સ્વામીજી સિસ્ટર ક્રિસ્ટીનને પોતાપણું જાળવી રાખવા કહે છે. એ ન જળવાયું તો વાયલેટ ‘મિષ્ટ અને વિશુદ્ધ’ રહી શકે નહીં. પોતાપણું જળવાયું એટલે વાયલેટની સૌરભમાધુરી કોઈના માગ્યા વિના મળે, એને દેશકાળના, ભાષાધર્મના, જાતિલિંગના કશા ભેદ નડે નહીં અને, નિશ્ચયપૂર્વક, કશું બંધન સ્વીકાર્યા વિના, મુક્ત-પણે, એ સુગંધ સમગ્ર પર્યાવરણમાં ફેલાય.

સ્વામીજીના શુભ આશીર્વાદ સિસ્ટર ક્રિસ્ટીને ફળ્યા હતા.

Total Views: 189

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.