જ્યારથી આ સૃષ્ટિની રચના થઈ છે, કદાચ ત્યારથી જ દેવો તથા દાનવો વચ્ચેનો સંગ્રામ અવિરત ચાલી રહ્યો છે. અને અનંત કાળ સુધી ચાલતો રહેશે. ક્યારેક દેવપક્ષ વિજયી થતો ભાસે છે તો ક્યારેક વળી દાનવ બળવાન દેખાય છે. આ દેવો તથા દાનવોના સંગ્રામનો અંતિમ નિર્ણય અશક્ય છે. જ્યાં સુધી આ સૃષ્ટિ છે ત્યાં સુધી વિજય અને પરાજયનો ક્રમ ચાલતો જ રહેશે.

આ ઘટનાક્રમમાં એક વાર દાનવો દેવતાઓથી પરાજિત થઈ ગયા. થોડા સમય માટે તેમની શક્તિ ક્ષીણ થઈ ગઈ પણ પરાજ્યની પીડાએ તેમને વધારે સમય સુધી નિષ્ક્રિય બેસાડી ન રાખ્યા. દાનવ વૃત્રાસુરે ઇન્દ્ર પર પોતાનો અધિકાર જમાવવા માંડ્યો.

વિજ્યના મદમાં ઇન્દ્ર અસાવધાન થઈ ગયા હતા. આ અવસરનો લાભ ઉઠાવીને વૃત્રાસુરે પૃથ્વી પર પોતાનો અધિકાર જમાવી લીધો તથા પૃથ્વીના વિશેષ ગુણ ગંધનો ઉપભોગ કરવા વૃત્રાસુર દ્વારા ગંધનું અપહરણ કરી લેવાથી પૃથ્વી દુર્ગંધથી વ્યાપ્ત થઈ ગઈ. આ દુર્ગંધથી ઈન્દ્રને ઘણી જ પીડા થઈ. તેમણે કોપાયમાન થઈને પોતાના અમોધ અસ્ત્ર વજ્ર્‌નો ઉપયોગ કર્યો. આથી વૃત્રાસુર વ્યાકુળ થઈ ઊઠ્યો અને પ્રાણ બચાવવા માટે જળમાં સમાઈ ગયો ત્યાં તેણે જળ પર પોતાનો અધિકાર જમાવી લીધો. જળમાં રહીને તેણે જળનાં સારતત્ત્વને ગ્રહણ કરવા માંડ્યું. આ રીતે જળ પર તેનો પૂર્ણ અધિકાર થઈ ગયો.

જળ પર દાનવનો અધિકાર જોઈને દેવરાજ ઈન્દ્ર ઘણા દુ:ખી થયા અને રોષે ભરાઈને તેમણે ફરી પોતાના ભીષણ વજ્ર્‌થી વૃત્રાસુર પર પ્રહાર કર્યો. વજ્ર્‌ના પ્રહારથી વૃત્રાસુર વ્યાકુળ થઈ ગયો. પ્રાણરક્ષા માટે તે ભાગ્યો. ભાગીને ને તેજસ્‌ તત્ત્વમાં સમાઈ ગયો. આ રીતે તેણે તેજસ્‌ પર અધિકાર કરી લીધો. હવે તેણે તેજસ્‌ના વિષયરૂપનું હરણ કરવાનો પ્રારંભ કરી દીધો. તેજસ્‌ પર અસુરનો અધિકાર તથા તેના દ્વારા તેજસ્‌ના વિષયોના રૂપનો ઉપભોગ થતો જોઈને ઇન્દ્ર બહુ જ ક્રોધિત થયા. ક્રોધે ભરાઈને તેમણે ફરી પોતાનું ભીષણ વજ્ર્‌ વૃત્રાસુર પર ચલાવ્યું. વજ્ર્‌ના ભીષણ પ્રહારથી વૃત્રાસુર ફરી વ્યાકુળ થઈ ઊઠ્યો અને ત્યાંથી ભાગી નીકળ્યો. તેણે વાયુમાં પ્રવેશ કર્યો તથા વાયુ પર પોતાનો અધિકાર જમાવી દીધો. વાયુમાં પ્રવેશ કરીને તેણે તેના વિષય સ્પર્શનો ઉપભોગ આરંભ કરી દીધો. વૃત્રાસુરની આવી ધૃષ્ટતા જોઈને ઈન્દ્ર ઘણા જ કોપાયમાન થયા તથા ફરી તેમણે તેના પર વજ્ર્‌નો ભીષણ પ્રહાર કર્યો. ત્યાંથી પણ વૃત્રાસુર પ્રાણ બચાવવા માટે ભાગી છૂટ્યો તથા આકાશમાં જઈને સંતાયો. આકાશમાં સંતાઈને તેણે આકાશ પર હક જમાવી દીધો અને આકાશના સારતત્ત્વ શબ્દને ગ્રહણ કરવા લાગ્યો. વૃત્રાસુરની આ ધૃષ્ટતાએ ઇન્દ્રની ક્રોધ- જ્વાળામાં ઘી રેડવાનું કામ કર્યું. ક્રોધમાં બળી રહેલા ઇન્દ્રે વૃત્રાસુર પર ભીષણ રીતે વજ્ર્‌નો પ્રહાર કર્યો. વજ્ર્‌ના પ્રહારથી ઘવાયેલા વૃત્રાસુર પાસે હવે ક્યાંય પણ સંતાવાની જગ્યા ન રહી. લાગ જોઈને તુરત જ ઈન્દ્રના જ દેહમાં જઈ સમાયો. ત્યાં જઈને તેણે ઈન્દ્રના અંત:કરણ પર અધિકાર કરી લીધો. અંત:કરણ પર વૃત્રાસુરનો અધિકાર થતાં જ ઇન્દ્ર મોહાચ્છન્ન થઈ ગયા અને અને તેઓ આત્મવિસ્મૃત થઈ ગયા તથા પોતાનો વિવેક ભૂલી ગયા. વજ્ર્‌ હવે વિફળ થઈ ગયું અને તેઓ વૃત્રાસુરને આધીન થઈ ગયા.

હવે દેવરાજ ઈન્દ્રમાં એવી કોઈ શક્તિ ન રહી કે જેથી તેઓ વૃત્રાસુરનો વિરોધ કરી શકે. ઇન્દ્રની આવી કરુણ દશા જોઈને મહર્ષિ વશિષ્ઠને ઘણી જ દયા આવી. ઋષિ વશિષ્ઠે મનમાં જ પ્રણ કર્યું કે તેઓ ઈન્દ્રનો ઉદ્ધાર કરશે તથા ફરી તેમને ઈન્દ્રપદ પર પ્રતિષ્ઠિત કરશે…

પરંતુ આ મહાન કાર્ય માટે વૃત્રાસુરનો નાશ થવો અતિ જરૂરી હતો. વૃત્રાસુરનો નાશ ઈન્દ્રના જ હાથે ઈન્દ્રના વજ્ર્‌થી થવાનો શક્ય હતો. પણ ઈન્દ્ર તો રાક્ષસ દ્વારા મોહિત કરી દેવામાં આવ્યા હતા તથા તેઓ આત્મવિસ્મૃત થઈ ગયા હતા તેથી પ્રથમ કાર્ય ઈન્દ્રને મોહનિદ્રામાંથી જાગૃત કરવાનું હતું. ઋષિએ ઈન્દ્રના મોહનો નાશ કરવાનો સંકલ્પ કર્યો. મંત્રસિદ્ધ ઋષિએ રથન્તર સામનું ગાયન શરૂ કર્યું. આ આહ્‌વાનથી ઈન્દ્રની ચેતના પાછી ફરી. તેઓ સજાગ થઈ ગયા. સજાગ થયા પછી તેમણે જાણ્યું કે વૃત્રાસુર હવે બહાર નહિ પણ તેમની જ અંદર પ્રવેશી ગયો છે તેથી અંદરના શત્રુનો બાહ્ય વજ્ર્‌થી સંહાર શક્ય નથી. અંદરના શત્રુને અંદરના શસ્ત્રથી જ પરાજિત કરી શકાય છે. ઈન્દ્રે હવે વૃત્રાસુર પર આંતરિક અદૃશ્ય વજ્ર્‌થી પ્રહાર કર્યો. આ અદૃશ્ય વજ્ર્‌ના જીવલેણ પ્રહારથી વૃત્રાસુર માટે બચવું શક્ય નહોતું. આ આઘાતથી વૃત્રાસુર પોતાનો બચાવ ન કરી શક્યો તથા તેનો નાશ થઈ ગયો.

મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું. અનેક સ્નેહીઓ, બંધુઓ, મિત્રો તથા સ્વજનો યુદ્ધની જ્વાળામાં ભસ્મીભૂત થઈ ગયા હતા. બહારના બધા જ શત્રુઓનો નાશ થઈ ગયો હતો. છતાં પણ વિજયી સમ્રાટ યુધિષ્ઠિર અશાંત તથા વ્યાકુળ હતા. શોકથી તેમનું અંત:કરણ બળી રહ્યું હતું તથા શોકમાં ડૂબીને તેમનો વિવેક લુપ્ત થઈ ગયો હતો. મહાયુદ્ધ મહાભારતના વિજયી યુધિષ્ઠિર પોતાના જ મન સામે પરાજિત થઈ ગયા હતા. મોહાચ્છાન્ન થઈને તેઓ રાજ્યના કામકાજથી વિરક્ત થવા લાગ્યા હતા. જે મહાન ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે આટલો મોટો નવમેધ થયો હતો તે વિફળ રહ્યો હતો.

અને તેવા સમયે ભગવાન વાસુદેવ યુધિષ્ઠિરને ઉપર મુજબની કથા સાંભળીને યુધિષ્ઠિર સજાગ થઈ ગયા તથા પોતાના જ્ઞાન રૂપી શસ્ત્રથી મોહરૂપી શત્રુનો નાશ કરીને તેમણે પોતાની ફરજ બજાવેલી. જીવનના મહાયુદ્ધમાં આપણને બધાને વિજય તથા પરાજયનો અનુભવ થતો રહે છે. લગભગ આપણે બધા વિજય તથા પરાજય બન્નેમાં મોહવશ થઈ જઈએ છીએ. આપણે મોહવશ થતાં જ અજ્ઞાનરૂપે વૃત્રાસુર પોતાનું માથું ઊંચું કરે છે. તથા આવી રીતે સક્રિય થઈને તે આપણને રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, વગેરેની જાળમાં ફસાવવા માગે છે. આ બધા ગુણોને માણવાવાળી ઈન્દ્રિયોના આવેગોને પ્રબળ કરીને તેના પરથી વિવેકરૂપી ઇન્દ્રિયનો અધિકાર સમાપ્ત કરવા પ્રયત્ન કરે છે. જો વિવેક બળપૂર્વક કોઈ ઈન્દ્રિયમાં તેનું દમન કરે તો તે ત્યાંથી ભાગી છૂટીને બીજી ઇન્દ્રિયમાં સમાઈ જાય છે. તથા તે ઈન્દ્રિય દ્વારા વિવેકરૂપી ઈન્દ્રિય શક્તિને ક્ષીણ કરવાનો પ્રયત્ન કરે છે. શ્રેયથી પ્રેય તરફ તથા ત્યાગથી ભોગ તરફ લઈ જવાવાળા આ અસુર સાથે બળપૂર્વક સંઘર્ષ કરતાં કરતાં ક્યારેક વિવેક ક્ષીણ થઈ જાય છે. વિવેક ક્ષીણ થતાં જ અજ્ઞાન રૂપી વૃત્રાસુર તેના પર પોતાનો અધિકાર જમાવી દે છે અને એક વાર અજ્ઞાનના અધિકારમાં આવી જવાથી વિવેકની ચેતના લુપ્ત થઈ જાય છે. તેનો પ્રતિકાર કરવાની શક્તિ જ સમાપ્ત થઈ જાય છે.

આવા સમયે કોઈ મહર્ષિ વશિષ્ઠની જરૂર પડે છે. જે મોહાચ્છન્ન વિવેકના ઈન્દ્રનું આહ્‌વાન કરીને તેને જાગૃત કરે તથા પ્રખર જ્ઞાનરૂપી અદૃશ્ય વજ્ર્‌ દ્વારા અંદરમાં સમાયેલા અજ્ઞાનરૂપી વૃત્રાસુરના સંહારની પ્રેરણા આપે.

દરેક ધર્મપ્રવર્તક, દરેક કૃષ્ણ અને બુદ્ધ તથા દરેક મહાપુરુષ તે ઋષિ વશિષ્ઠ છે. જે મોહિત વિવેકરૂપી ઈન્દ્રનું આહ્‌વાન કરીને તેને અજ્ઞાનરૂપી અસુરના નાશની પ્રેરણા દઈ રહ્યો છે. મહાન વિભૂતિઓ દ્વારા આપેલો ઉપદેશ જ તે વજ્ર્‌ છે, જેના દ્વારા અજ્ઞાનરૂપી વૃત્રાસુરનો નાશ થવો શક્ય છે અને આવી રીતે અંતિમ વિજય આપણો થઈ શકે છે.

ભાષાંતરકાર : શ્રીમતી ઉષાબહેન ગોરસિયા

Total Views: 271

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.