આપણે જે જરૂર છે તે બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો, આપણે આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છીએ અને તેથી જ ગુપ્તવિદ્યા, રહસ્યવિદ્યા અને એવી છાનીછાની બાબતો આપણામાં ઘુરાતી આવે છે. તેમાં કદાચ મામૂલી સત્યો હશે, પણ એ બધી વિદ્યાઓએ આપણને લગભગ નિર્માલ્ય બનાવી દીધા છે. તમારા જ્ઞાનતંતુઓ મજબૂત બનાવો. આજે આપણે જરૂર છે લોખંડી સ્નાયુઓની અને પોલાદી જ્ઞાનતંતુઓની. ઘણા કાળ સુધી આપણે રોતલ રહ્યા છીએ; હવે રોવાનું છોડી દઈને તમારા પોતાના પગ પર ખડા થાઓ અને મર્દ બનો, મર્દ બનાવનારા ધર્મની આપણને જરૂર છે; મર્દ બનાવનારા સિદ્ધાંતોની આપણને જરૂર છે. ચોમેર મર્દ બનાવનાર શિક્ષણની આપણને જરૂર છે. અને સાચનું પારખું આ છે : જે કંઈ તમને શારીરિક રીતે, બૌદ્ધિક રીતે અને આધ્યાત્મિક રીતે દુર્બળ બનાવે તેને ઝેર ગણીને છોડી દો. એવી વસ્તુમાં જરાય પ્રાણ નથી, એ સાચું હોઈ શકે જ નહીં. સત્ય એટલે શક્તિ, સત્ય એટલે પવિત્રતા, સત્ય એટલે સર્વજ્ઞતા! સત્ય તો માણસને બળદાયક નીવડવું જોઈએ, પ્રકાશ આપનારું હોવું જોઈએ, જોમદાયક હોવું જોઈએ. આ બધી ગુપ્તવિદ્યાઓ, તેમાં સાચનો કાંઈક અંશ હોવા છતાં મોટે ભાગે નિર્બળ બનાવનારી વિદ્યાઓ હોય છે. મારું કહેવું સાચું માનજો; મને એ બધાંનો જિંદગી આખીનો અનુભવ છે; અને પરિણામે હું એ નિર્ણય પર આવ્યો છું કે એ બધાં માણસને દુર્બળ બનાવે છે. મેં આખા ભરતખંડનો પ્રવાસ કર્યો છે, તેની ગુફાએ ગુફા ઢૂંઢી વળ્યો છું અને હિમાલયમાં પણ વાસ કરી ચૂક્યો છું. હિમાલયમાં જિંદગી આખી પડ્યા રહેનારા લોકોને હું ઓળખું છું. હું મારા રાષ્ટ્રને, મારા દેશબાંધવોને ચાહું છું; હું તેમને આથી વધારે અધોગતિએ જતા, વધારે દુર્બળ બનતા જોઈ શકતો નથી. એટલે તમારી ખાતર અને સત્યની ખાતર મારે મારા રાષ્ટ્રની આ અધોગતિ સામે પોકાર ઉઠાવવો જ પડે છે : ‘હવે બસ કરો!’ આ બધાં છાનગપતિયાં છોડી દઈને બળવાન બનો, તમારા ઉપનિષદો તરફ, તમારા પ્રકાશપૂર્ણ તાકાતવાન અને તેજસ્વી તત્ત્વજ્ઞાન તરફ પાછા વળો; આ બધી રહસ્યમય બાબતોથી અલગ થઈ જાઓ. આ તત્ત્વજ્ઞાનને અપનાવી લો; જગતમાં મહાન સત્યો સાવ સાદામાં સાદાં હોય છે; અરે, આપણા પોતાના અસ્તિત્વ જેટલાં સાદાં હોય છે. ઉપનિષદનાં સત્યો તમારી સમક્ષ આ રહ્યાં. એમને અપનાવો, એ પ્રમાણે જીવન જીવો, એટલે ભારતની મુક્તિ હાથવેંતમાં છે એમ સમજો!

– સ્વામી વિવેકાનંદ

[ભારતમાં આપેલાં ભાષણો (૧૯૮૭) પૃ. સં. ૧૦૪-૧૦૫]

Total Views: 232

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.