જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ,
જય જય ભગવાન જગતનો ગુરુ;
જય જય રામકૃષ્ણતણા ભક્તગણ;
યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.
શ્રીપ્રભુની બાળલીલા અતિ મનોહર;
ધીરે ધીરે વય થયું સોળની ઉપર.
ગામના ગોઠિયા ઘડીભર નવ છોડે;
રાત દી જમાવે મેળો ગદાઈની જોડે.
નાની મોટી ઉંમરના ગોઠિયાઓ ઘણા;
પ્રભુ સાથે કરતા પ્રકાર ખેલો તણા.
અતીશે આનંદે તેઓ ફરે પ્રભુ સાથે;
એને સરદારરૂપે ગણે પોતા માથે.
તેમની આ જ્ઞાની કરે નવ અવહેલા;
મહંતને મઠે જાણે આજ્ઞાધારી ચેલા.
કેટલુંય ખેલે પ્રભુ, છોકરાઓ માણે;
બધું લોકોત્તર, તત્વ કોઈ નવ જાણે.
સમયે સમયે રચે ખેલો અવનવા;
પણ હવે નહિ ખેલો ગૌચારણ જેવા.
હવે સાવ નવી ખેલસૃષ્ટિ થઈ હતી;
માટીની બનાવે માતા કાલીની મૂરતિ.
રંગે, રૂપે, આકારે બને એ મનોહર;
જોતાં લાગે કરનારો મહાકારીગર.
રચે નયનોના તારા એવા દીપ્તિમાન;
મૃતિકાની મૂર્તિ લાગે જીવંત સમાન.
પૂજા સારુ બિલીપત્ર, ફૂલ તથા ફળ;
આજ્ઞા થાય, ‘લાવો જઈ છોકરા સકળ.’
બાળકોને ખેલ, છતાં આશ્ચર્ય અપાર;
કેવા તેના રંગઢંગ, સુણો સમાચાર.
વિધિવત્ ઉપચારો જે જે પ્રયોજન;
કશી ત્રુટિ નહિ, થાય બધું આયોજન.
પ્રભુની પૂજામાં નહિ કશું જ અધૂરું;
બોલતાં જ છોકરાઓ લાવી કરે પૂરું.
પૂજા સાથે બહુવિધ ધરાવે નૈવેદ;
દેખી શક્યો નહિ પૂજા, મને રહ્યો ખેદ.
પૂજા પૂરી થયા પછી વહેંચાય પ્રસાદ;
પ્રસાદ લેવાને સારું પડે મોટો સાદ,
આવે દોડી ટોળાબંધ નર અને નારી;
પ્રસાદ દેવાનું રહે લાંબો કાળ જારી.
સેંકડોથી વધુ લોકો પાસે હાથોહાથ;
ખૂટે નહિ તોય, એ નવાઈ જેવી વાત.
સાથીમાંથી કોઈને કશું ન સમજાય;
તેઓ માત્ર પ્રભુ બોલે તેમ કર્યે જાય.
શ્રીપ્રભુનો દિવ્ય ખેલ, અજબ કથન;
ખેલ મિશે થાય મહાકાર્યનું સ્થાપન.
નર, નારી, કુમારી કે કુમારો હોંશીલાં;
જેવી જેની ઇચ્છા તેની સામે તેવી લીલા.
ખાસ જ્યારે રંગ કરે નારીગણ સંગે;
નારીભાવ આવે સોળ આના પ્રભુઅંગે.
ફૂટે મુખે મીઠી વાણી, રમણીની જેવી;
હાવ-ભાવ તથા ચાલ સ્ત્રીઓ કરે તેવી.
પરિચય સારુ સુણો પુરાણ આ મન;
અજબ પ્રભુનું છે કૈશોરનું વર્ણન.
ગામની સ્ત્રીઓનો ભાવ ગદાધર પરે;
એવો કે ન દેખ્યે દિને, જોવા જાય ઘરે.
વય પણ વધે, હવે બાળ નહિ મન;
કૈશોરે પ્રવેશ, અતિ મનોહર તન.
ગૃહવધૂઓને લાજ, ઘરનોય ત્રાસ;
પ્રભુસંગે તોય કરે રંગપરિહાસ.
બીજા કોઈ સાથે કરે વાત નવ હસી;
પ્રભુને પિછાને તેઓ નિષ્કલંક શશી.
એમ રાતદિન ખેલે સૌની સંગાથે;
વૃદ્ધો થાય બાળ જેવા ગદાધર સાથે.
એક સોનીવાણિયા, ને ગામમાં વસતી,
તેને ઘેર ચૌદ બહેનો, બધી રૂપવતી.
ભગિનીઓમાંથી એક નામે રુક્ષમણિ;
હતી એ જીવંત, વાત તેને મોઢે સુણી.
કહેતી એ, પ્રભુ પર એવી સ્નેહભરી;
હતી અમે એક નહિ ચૌદે સહોદરી.
પ્રભુને જોવાને મન એવાં ઝંખે પણ;
ગામ છોડવાથી સારું માનતી મરણ.
સાસરે જવાનું સુદ્ધાં તેથી ન માનતી;
તેડું આવ્યું કહાવે મૂરત હાલ નથી.
હશે કોણ બહેનો જે પ્રભુને નિજ ગણે;
મહાસતી, ભાગ્યવતી, પ્રણામ ચરણે.
શક્ય નથી કોઈથી જે કરે એ પ્રકાશ;
મૂઢ હું તો કરું માત્ર પદરજ આશ.
હતા રૂપવાન પ્રભુ, માથે દીર્ઘ કેશ;
ધાર્યો અંગે સુંદર રમણી કેરો વેશ.
ગામડાંની ચાલ જેવો, જાડાં આભરણ;
માથા પર શોભીતો અંબોડો બાંધ્યો પણ.
પહોળી કોરવાળી સાડી પહેરી હર્ષભેર;
લાજ કાઢી ધીરે પગે જય સોની-ઘેર.
અંગે હાવભાવ બધો વહુવારુ કેરો;
ઓળખાય નહિ તેનો રમણીનો ચહેરો.
પુરુષોની પૂછપાછ થકી જરા ડરે;
તેથી નાને બારણેથી પેસે સોની-ઘરે.
ધાર્યો વેશ બરાબર રમણી સમાન;
ઘૂંઘટો કાઢ્યો કે પામે કોઈ ન પિછાન.
કરી રંગ બહેનો સંગ સારો એક સમય;
પછી બોલી, લાજ ખોલી, આપ્યો પરિચય.
ગદાઈને જતાં બધી બોલી ઊઠી, ‘અરે!’
હસી હસી આળોટતી જમીન ઉપરે.
દેવેશ દુર્લભ જેહ પ્રભુનું દર્શન;
પામવા યોગેશે કરે કઠોર સાધન.
મહેશે રહે છે મસ્ત લઈ જેનું નામ;
વિરિંચીવાંછિતપદે કરું હું પ્રણામ.
સનક, નારદ, શુકદેવ ઋષિજન;
સદાય જેમનો કરે મહિમા કીર્તન.
આગમ, નિગમ, તંત્રો, વેદ, ગીતા બધી;
થાકી જાય સ્તુતિ ગાઈ, નહિ જ અવધિ.
વેદવિધિ, જપ, તપ ક્રિયા બેસુમાર;
આડંબર તંત્રો, કર્મકાંડનો અપાર.
સાધનો એ સર્વથી જે રહેલ છે દૂરે;
એ જન સુલભ સાવ કામારપુકુરે.
વિવિધ મીઠાઈ દઈ બહેનો ખવરાવે;
ઝૂલો બાંધી ઓસરીમાં આનંદે ઝુલાવે.
ઘરની આધેડ સ્ત્રીઓ બેસી રુઈ તુણે;
ગદાધર તણી મીઠી વાતો બધી સુણે.
ક્યારેક તો ગદાધર સુણાવતો ગાન;
સુણીને અંતરે ઊઠે આનંદ-તોફાન.
તોફાન એ વ્યક્ત કરે હાસ્ય-કલનાદ;
મેલાં મનવાળા સુણી કરે બકવાદ.
અનુચિત બોલ કાઢે, શંકિત અંતર;
‘યુવતીઓ સાથે શું કરે છે ગદાધર?’
ઘરધણી સીતાનાથ બહેનોનો પિતા;
ગદાઈને જાણે ઈષ્ટ, પરમ દેવતા.
ભક્તિમાન, સુવિશ્વાસી જઈ તેને કહે;
‘શું કરે છે ગદાધર બેસી તવ ગૃહે?
ગાલે દઈ હાથ સીતાનાથ કહે હસી;
જાણો નહિ, ગદાધર નિષ્કલંક શશી?
જ્યાં સુધી એ બાળ રહે ઘરને આંગણે;
કરે ચિત્ત પ્રકાશિત આનંદ કિરણે.
બાળક છે સાવ જાણે, બાળક-આકાર;
પવિત્ર મૂરતિ ઘણા ગુણોનો આધાર.
એમ સીતાનાથ ગુણો ગદાઈના ગાય;
ત્યાં તો બીજા પાંચ તેમાં આવીને જોડાય.
સર્વે મળી કરે મોટું ગુણ-પ્રકરણ;
અને મીઠું ગદાઈનું ક્રીડા વિવરણ.
કોઈ કહે ભાઈસા’બ, અમારે જ ઘરે;
ગયે માસે ત્રણ દી કાઢ્યા’તા ગદાધરે.
અમૃત ભરેલી વાતો કરીને શ્રવણ;
રાજી થતાં ઘરતણાં નરનારીગણ.
ઝટ બીજો કહે, ‘અરે સુણો મારી વાત;
મારે ઘરે ગદાધર રહ્યો બે જ રાત.
આનંદની સીમા નહિ, વર્ણનથી બહાર;
ગદાઈ બેસે ત્યાં ભરાય આનંદબજાર.
પાછો જાય ત્યારે લાગે ઘરમાં અંધાર;
ગદાધર વિના જાણે સઘળું અસાર.’
ત્રીજોય તૈયાર કે’વા પોતાની કહાણી;
‘આવીયો ગદાઈ ત્યારે વેદના શમાણી.
ગુણમણિ-શિરોમણિ, નાનો ગદાધર;
દેખીને શમે છે તાપ, કરે છે અંતર.
ધન પુત્રનાશ શોક સંતાપ કારણ;
ગદાઈ દર્શન કરે સર્વ નિવારણ.
નિંદકો સુણી આ બધું, વાત પલટાવે;
‘જરા ઠઠ્ઠા કરી’ કહી વાતને ઉડાવે.
આકારે ગદાઈ ભલે છોકરાનો સાજ;
સર્વ રંગરસવિદ્, જાણે રસરાજ.
નારીઓના ખેલો પણ જાણતો ગદાઈ;
પાંચિકા-ખેલની સાક્ષી હજામડી બાઈ.
સ્ત્રીઓ સાથે ખેલ, ગેલ, હાસ્ય પરિહાસ;
પ્રભુનો તેમાંય હતો ઘણો જ ઉલ્લાસ.
ક્યારેક બકુલફૂલ અલંકાર હાથે;
ગૂંથી પહેરે બાજુબંધ, સેંથો કાઢે માથે.
સાડી પહોળી કોરવાળી પહેરીને સુંદર,
કાખે ઘડો રાખી જાય સીતાનાથ-ઘર.
બારણે સ્ત્રીઓને સ્વરે બોલાવે મધ્યમે;
‘ચાલો એલી પાણી લેવા, સૂરજ આથમે.’
ગદાઈને જોઈ ખીલી ઊઠી સર્વ નાર;
એક, બીજી, ત્રીજી, એમ બધી થૈ તૈયાર.
ન્હોતી જેને જળની જરૂર તેય વળી;
કાખમાંહે કુંભ ઘાલી મંડળીમાં ભળી.
ચારેબાજુ રમણીઓ, વચ્ચે ગદાધર;
પ્રભુનું વદન ઢાંક્યું ઘૂંઘટ ભીતર.
પુરુષો બેઠેલા બધા ડેલી કેરે દ્વારે;
પાણીએ જવાના માર્ગ તણી બેય ધારે.
કોઈ ઓળખી ન શકે, પ્રભુ ગદાધર;
કાખે કુંભ, જાય જળ લેવા સરોવર.
એવો ખેલ કરે પ્રભુ પાડોશણો સંગે;
પ્રભુલીલા સુણ્યે મન રહે શુદ્ધ રંગે.
વૃંદામાતા નામે એક બ્રાહ્મણની નારી;
પ્રભુને જમાડવામાં તેને પ્રીતિ ભારી.
દાળ-ભાત શાક સારાં કરીને રંધણ;
પ્રભુને ઘણીયે વાર આપે આમંત્રણ.
દાળ-ભાત શાક સારાં કરીને રંધણ
પ્રભુને ઘણીયે વાર આપે આમંત્રણ.
પ્રભુય સંતુષ્ટ ખાઈ બાઈની રસોઈ;
માગતા પોતે જો ભૂલી જતી વાર કોઈ.
જેની જેવી ઈચ્છા, તેહ પ્રભુ પૂરી કરે;
જેઓ નીચી જાત, દુ:ખ તેમને અંતરે.
ક્ષેમાબાઈ નામે એક નારી વણકર;
ઇચ્છે ખૂબ, નિજ ઘેર ખાય ગદાધર.
કહેવા હિંમત નહિ, બોલતાંય ડરે;
ઇચ્છા નિજ તેથી શંકરીને વ્યક્ત કરે.
ભાગ્યવતી ભિક્ષામાતા ધની લુહારણ;
શંકરી ને તેનું બહેન તણું સગપણ.
અંતર્યામી વિશ્વસ્વામી પ્રભુ ગદાધર;
કળી ગયા બાઈ કેરું ભાવિક અંતર.
થતાંને મેળાપ પ્રભુ શંકરીને પૂછે;
કહે છે શું પેલી બાઈ? હેતુ તેનો શો છે?
હસીને શંકરી બોલી, ‘જાણી ગયા તમો?’
શું શું લાવી દઉં બોલો, પ્રીતે તમે જમો.
પ્રભુદેવ બોલ્યા, અહીં વાટે ઘાટે ખાઉં?
ના, ના, હું એ બાઈને ઘેર જમવાને જાઉં.
ભક્તના વત્સલ પ્રભુ પરે વારી જાઉં,
બ્રાહ્મણ થઈને કહે, શૂદ્ર ઘરે ખાઉં.
નવ ચાલે જેહ વંશે શૂદ્રે આપી ધૂળે;
કડક આચાર, જેનો જન્મ એવે કુળે.
કરી ભંગ એ રિવાજ તણો વાર એક;
શૂદ્રનું ગ્રહણ કર્યું આઈએ લગારેક.
જાણતાં ને ક્રુધ્ધ ચિત્તે દુર્વાસાના સમ;
પતિદેવે ચાખડી ઉઠાવી એકદમ.
ઉપાડીને દીધો પત્ની કેરી પીઠે માર;
એકબેથી નવ ચાલે, ઠોકી દસબાર.
એવે વંશે જન્મ લઈ મારા પ્રભુરાય;
બોલાવે જે પ્રેમ લાવી તેને ઘેર જાય.
ઊડ્યો નાત જાત ભેદ, મનમાંય નાંઈ;
ભક્ત વાંછા કલ્પતરુ ઠાકુર ગદાઈ.
શ્રીપ્રભુની બાળલીલા થયેલી જે રીતે;
સુણો મન રામકૃષ્ણ -પુરાણમાં પ્રીતે.

Total Views: 218

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.