શ્રીરામકૃષ્ણનગર અને શ્રીમા શારદાદેવી પ્રાર્થના મંદિર-કોમ્યુનિટી હોલ

-:સમર્પણ વિધિ :-

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૮ મકાન સાથેનું નવનિર્મિતગ્રામ-શ્રીરામકૃષ્ણનગર-ભમરિયા (ગારિયાધાર તાલુકો, જિલ્લો ભાવનગર)નાં પૂરપીડિત ૨૮ કુટુંબોને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વરિષ્ઠ સંન્યાસી શ્રીમત્ સ્વામી પ્રમાનંદજી મહારાજે સમર્પિત કર્યું હતું. ૧૬મી મે, ૯૧ના આ મંગલ પ્રસંગે શ્રીરામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર (મધ્ય પ્રદેશ)ના સચિવ શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે દરેક ગૃહવાસીઓને મકાનની સોંપણી કરી હતી. આ પ્રસંગે બન્ને વરિષ્ઠ સંન્યાસીઓ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગુપ્તા સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી શ્રી મકવાણા સાહેબનાં પ્રાસંગિક પ્રવચનો તેમ જ વેદપાઠ-ભજનનો કાર્યક્રમ યોજાયો હતો.

શ્રીરામકૃષ્ણનગરનાં ગ્રામજનો માટે નૂતન શ્રીમા શારદાદેવી પ્રાર્થનામંદિર જેમાં કોમ્યુનિટી હોલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ મંદિરનો સમર્પણવિધિ ૨૯ જૂન, ૧૯૯૧ શનિવારે સવારે ૧૦-૩૦, વાગ્યે ગુજરાત હાઈકોર્ટના સન્માનનીય મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી ગણેન્દ્રનારાયણ રોયના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. મધ્ય પ્રદેશના બસ્તર જિલ્લાના નારાયણપુરના આદિવાસી વિકાસ પ્રોજેક્ટના વડા શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ આ સમારંભમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ જણાવ્યું હતું કે, આ સેવાકાર્ય નાનું પણ અનોખું છે. આ ગામ એક આદર્શ ગામ બને તેવી અમારી ઇચ્છા છે. તાલુકા વિકાસ અધિકારી શ્રી મકવાણાએ શ્રીરામકૃષ્ણ આશ્રમની સેવા અને રૂ. ૫ લાખના ખર્ચે બંધાયેલા ૧૪ બ્લોકનાં ૨૮ મકાનોનું અને રૂ. દોઢ લાખના ખર્ચે બંધાયેલા શ્રીમા શારદાદેવી પ્રાર્થના મંદિર અને કોમ્યુનિટી હોલનું બાંધકામ ચાર મહિનામાં પૂર્ણ કરવા માટે આશ્રમને બિરદાવ્યો હતો.

શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સંન્યાસીઓ પ્રભુભક્તિ, ત્યાગ, અને તપ સાથે શ્રીરામકૃષ્ણ વિવેકાનંદે આપેલા શિવજ્ઞાનથી જીવસેવાના આદર્શને અનુસરે છે. ન્યાયમૂર્તિ શ્રી રૉયે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, શ્રીરામકૃષ્ણ વિવેકાનંદના જીવન સંદેશને અનુસરીએ તો જ સૌનું કલ્યાણ થશે. આ પ્રસંગે ભાવનગરના અને રાજકોટના ભક્તજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી ધ્રુવેશાનંદજીએ આભારદર્શન તેમ જ શ્રી મનસુખભાઇ મહેતાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

Total Views: 361

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.