શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલ દુષ્કાળ રાહત સેવાકાર્ય

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૨૨ મે, ૨૦૦૦ સુધી રાજકોટ જિલ્લાના જસદણ, લોધીકા અને પડધરી તાલુકાના જસદણ, વીંછીઆ, પાળ, બળધોઈ, વીરનગર, પાંચવડા, ખારચીઆ, જીવાપર, ગાંધીગ્રામ, દેવડા, ખોખરી, ઘનશ્યાપુર, પાટીદળ સહિતના ૧૪ ગામોના ૨૭૧ મજૂરકુટુંબોનાં ૧૬૫૦ વ્યક્તિઓ માટે ૪૬૦૦ કિ. ઘઉં, ૪૦૦ કિ. ચોખા, ૧૧૯૫ કિ. દાળ, ૧૩૩ કિ. તેલ, ૪૦૦ કિ. ગોળ, ૩૩૦ કિ. ગાંઠિયા, ૨૫૦ કિ. બટેટા, ૨૫૦ કિ. ડુંગળી, તેમજ ૫૦ સેટ – થાળી, વાટકા, ગ્લાસ — વાસણ, ૨૭૫ સાડી, બાળકો માટેનાં તૈયાર ૧૯૦૦ વસ્ત્ર, બહેનો માટેનાં ૧૯૦૦ તૈયાર વસ્ત્રો અને ૧૬૫૦ જોડી સ્લીપરનું તેમજ લોકો માટે ચાર લાખ ચાલીસ હજાર લીટર પીવાના પાણીનું વિતરણ કાર્ય થઈ ચૂક્યું છે. ૧૪૮૬ પશુઓ માટે ૪૮.૧ ટન ઘાસ, ૪૦,૦૦૦ લિ. પાણીનું વિતરણ કાર્ય થયું છે. આ વિતરણ કાર્ય હજુ વધુ વિસ્તારોમાં વિસ્તારવામાં આવશે.

શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન દેશભરની આવી કુદરતી આફતની પળે પીડિતજનોની સહાયે ‘શિવભાવે જીવસેવા’ના આદર્શ સાથે પહોંચી જાય છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું આ દુષ્કાળ રાહતસેવા કાર્ય જૂન સુધી અને જરૂર જણાય તો જુલાઈ સુધી ચાલુ રહેશે.

શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદરનું દુષ્કાળ રાહત સેવાકાર્ય

  શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા ૩૩ કિ. દૂર આવેલા વડાલામાં એક ચેક ડેમનું બાંધકામ હાથ ધર્યું છે. એનાથી આજુબાજુની વાડીઓના ૧૦૦૦ કૂવાઓને પાણીની સરવાણીઓ મળી રહેશે. વડાલામાં નિ:શૂલ્ક ઢોરવાડો અને ગરીબ લોકો માટે નિ:શૂલ્ક ભોજનની વ્યવસ્થા માટે એક કેન્દ્ર ચાલુ થયું છે.

સરકારનાં રાહતકેન્દ્રોમાં મજૂરી કરતાં મજૂરોને પોષણક્ષમ આહાર પૂરો પાડવાની જવાબદારી પણ સરકારશ્રીની વિનંતીથી શ્રીરામકૃષ્ણ મિશને સ્વીકારી છે. ૭૦૦ ગ્રામ શીંગ, ૭૦૦ ગ્રામ ગોળના પેકેટ્સ આ જિલ્લાના ૧૪ ગામડાંમાં (ખંભોધર, મોઢવાડા, રાણારોજીવાડા, રાતિયા, બારેજ, ભાર, માંડેર, રોઘડા, મોડાદર, જામરા, તરખાઈ, ફરેર, કાલેગી, અમીપુર)ના ૪૦૦૦ જેટલા મજૂરોને આપવામાં આવે છે. ૭૦૦ જેટલા અસહાય, વૃદ્ધ, નિરાધાર અપંગ લોકોને પીવાનું પાણી, આશ્રયસ્થાન અને રાંધેલ અન્ન આપવાનું કાર્ય હાથ ધરાયું છે. આ રાહતસેવા કાર્યો વધુ વિસ્તારોમાં હાથ ધરાશે.

રામકૃષ્ણ મિશન લીંબડી, દ્વારા દુષ્કાળરાહત સેવાકાર્ય

  શ્રીરામકૃષ્ણ મિશન લીંબડી દ્વારા અત્યંત ગરીબ, પછાત અને અછતગ્રસ્ત વિસ્તારના દુષ્કાળપીડિતો અને ગ્રામ્ય વિસ્તારના જરૂરતમંદ ગામડાં- સુદામડા, અમરાપુરા, નવીમોરસર, સમઢિયાળા, ભલાવા, વેજલકા, જિંજાવદરનાં ૨૬૦ કુટુંબોમાં કુટુંબ દીઠ ૪ કિ.ખીચડી, ૪ કિ.બટેટા-ડુંગળી, અને ૫૦૦ ગ્રામ તેલ તા.૨૨મી મે, ૨૦૦૦ સુધીમાં આપીને દુષ્કાળ રાહત-સેવા કાર્ય હાથ ધરાયું છે. આ કાર્ય વરસાદ સુધી લંબાશે. આમ તો આ સંસ્થા દ્વારા આ વિસ્તારના ગરીબોને અવાર-નવાર અન્નવસ્ત્ર અપાય છે. એક હોસ્પિટલનું સંચાલન થાય છે. જેમાં આ વિસ્તારના અસંખ્ય દર્દીઓને ચિકિત્સા સેવાનો લાભ મળે છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૩ દિવસના વાર્ષિક મહોત્સવની થયેલી ઉજવણી

  શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૯-૩૦ એપ્રિલ અને ૧મેના રોજ વાર્ષિક મહોત્સવનું આયોજન થયું હતું. ત્રણેય દિવસ સાંજે ૭.૩૦થી ૯.૦૦ જાહેર સભા યોજાઈ હતી. ૨૯મી એપ્રિલના રોજ ‘આ યુગના તારણહાર પયગંબર સ્વામી વિવેકાનંદ’ વિશે રામકૃષ્ણ મિશન, ઈંદોરના સેક્રેટરી સ્વામી વિષ્ણુપાદાનંદજી, રામકૃષ્ણ મિશન, પોરબંદરના સેક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજી અને સ્વામી જિતાત્માનંદજીનાં પ્રવચનો હતાં. ૩૦મી એપ્રિલના રોજ સ્વામી વિષ્ણુપાદાનંદજી, સ્વામી જિતાત્માનંદજી અને રામકૃષ્ણ મિશન, લીંબડીના સેક્રેટરી સ્વામી આદિભવાનંદજીનાં ‘અવતારશક્તિ શ્રીરામકૃષ્ણદેવ’ વિશે પ્રવચનો હતાં. ૧લી મેના રોજ શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન, અલ્લાહાબાદના અધ્યક્ષ સ્વામી નિખિલાત્માનંદજી, સ્વામી આદિભવાનંદજી અને સ્વામી જિતાત્માનંદજીનાં ‘શ્રી શ્રીમાનું જીવન અને સંદેશ’ વિશેનાં પ્રવચનો ભાવિકજનોએ માણ્યાં હતાં.

  ૨૯મી એપ્રિલના રોજ સવારે ૮.૦૦થી ૧૨.૩૦ સુધી યોજાયેલ યુવ-સંમેલનમાં ૫૦૦ યુવા ભાઈ-બહેનોને સ્વામી જિતાત્માનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સંબોધ્યા હતા. સ્વામી દિવ્યવ્રતાનંદજીનાં ભજનો અને વૈદિક મંત્રોચ્ચાર યુવાનોએ માણ્યાં હતાં. આ કાર્યક્રમમાં પ્રશ્નોત્તરીનો રસપ્રદ કાર્યક્રમ બધા યુવાનોએ માણ્યો હતો. ૩૦મી એપ્રિલ અને ૧મેના રોજ સવારે ૮.૦૦ થી ૧૨.૩૦ સુધી ભક્તસંમેલનનું આયોજન થયું હતું. ઉપર્યુક્ત સંન્યાસીઓ ઉપરાંત સ્વામી વિષ્ણુપાદાનંદજી અને સ્વામી આદિભવાનંદજીનાં પ્રવચનો, ભક્તિ-સંગીત, ધ્યાન-ભજન, વૈદિક મંત્રોચ્ચારથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સાંજે ૩.૩૦ વાગ્યે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ, ગુજરાતના અનૌપચારિક કેન્દ્રના સંચાલકોની સભા યોજાઈ હતી જેમાં ભૂજ, બરોડા, અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, ઉપલેટા, ગાંધીધામ અને ધાણેટી કેન્દ્રોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

૩૦ એપ્રિલના રોજ સાંજના ૩.૩૦થી ૫.૩૦ સુધી સ્વામી જિતાત્માનંદજી, સ્વામી આદિભવાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજીની નિશ્રામાં શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના ગુજરાતનાં અનૌપચારિક કેન્દ્રોના સંચાલકોની એક સભા મળી હતી.

  તા. ૨ અને ૩મેના રોજ સાંજના ૭.૩૦થી ૯.૦૦ સુધી સંત તુલસીકૃત શ્રીરામચરિતમાનસ પર સંગીત સાથે સ્વામી નિખિલાત્માનંદજીની ચર્ચાસભાને સૌ ભાવિકજનોએ ભાવપૂર્વક માણી હતી.

રામકૃષ્ણ મિશન, પોરબંદરનો વાર્ષિકોત્સવ

  રામકૃષ્ણ મિશન, પોરબંદરનો વાર્ષિકોત્સવ ૪થી ૭મે, ૨૦૦૦ દરમિયાન ઉજવાયો, ૪મેના રોજ યુવશિબિર, ૫મેના રોજ મેનેજમેન્ટ વિશે સેમિનાર, ૬મેના રોજ શિક્ષણ વિશે સેમિનાર, ૭મેના રોજ આધ્યાત્મિક શિબરનું આયોજન થયું હતું.

તા. ૪, ૫ અને ૬ મેના રોજ સાંજે જાહેર સભાઓ યોજાઈ હતી. જેમાં શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી તેમજ સ્વામી વિવેકાનંદના જીવનસંદેશ વિશે પ્રવચનો થયાં હતાં. રામકૃષ્ણ મઠ અલ્લાહાબાદના અધ્યક્ષ સ્વામી નિખિલાત્માનંદજી મહારાજ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજી મહારાજ, રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજી મહારાજ, રામકૃષ્ણ મિશન, ઇંદોરના સચિવ સ્વામી વિષ્ણુપાદાનંદજી મહારાજ, સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી, મુંબઈના મેનેજમેન્ટ વિશેના તજ્જ્ઞ શ્રી સુરેશપંડિત વગેરે વિદ્વાન વક્તાઓનાં પ્રવચનો મોટી સંખ્યામાં ઉપસ્થિત જનસમૂહે માણ્યાં હતાં.

તા. ૭મી મેના રોજ સ્વામી નિખિલાત્માનંદજી મહારાજે ‘રામચરિતમાનસ’ પર પોતાની આગવી શૈલીમાં પ્રવચન આપી સૌ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ચાર દિવસો દરમિયાન આશ્રમનું વાતાવરણ દિવ્ય તરંગોથી તરબોળ બની ગયું હતું.

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં દેશ ભરનાં કેન્દ્રોનાં વિવિધ સેવાકાર્યો

  ખેતરી : રામકૃષ્ણ મિશન, ખેતરી (રાજસ્થાન) દ્વારા ખેતરી, ચેલાપુરી, ચૂનાચોક, ધોબીઘાટના પશુધન માટે ૧૬૦૦ કિ. પશુ આહારનું વિતરણ કર્યું છે. આ કાર્ય વધારે વિસ્તારોમાં વિસ્તારવામાં આવશે.

  જયપુર : રામકૃષ્ણ મિશન, જયપુર દ્વારા માનાકલેઓ ગામના (જોધપુર જિલ્લો) ૨૦૦ પશુધન માટે ૩ મહિના સુધી પશુ આહાર આપવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

  પુરી : રામકૃષ્ણ મિશન, પુરી દ્વારા આગથી પીડિત બાલિન્હાર ગામનાં ૧૩ કુટુંબોમાં ૧૬ ધોતિયાં, ૧૬ લૂંગી, ૧૬ ટુવાલ, ૪૮ સાડી, ૧૩ કારપેટ અને ૧૩ વાસણના સેટ આપવામાં આવ્યા હતા. પુરી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં આવેલ ૧૨૬ સ્કૂલોના વિદ્યાર્થીઓમાં ૯૪૦૯ બોલપેન, ૯૧૧૯૦ પેન્સિલ, ૩૦૭૯૦ રબ્બર, ૧૫૯૩૮પેન્સિલના સંચા, ૧૫૪૦ કંપાસ બોક્સ, ૩૧૮૦ નોટબુક, ૧૦૫૮ પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

  પટણા : રામકૃષ્ણ મિશન, પટણા દ્વારા આગથી પીડિત સાહસપુર ગામના ૬૨ કુટુંબોમાં ધોતિયાં, સાડી, બાળકોના કપડાં, ડોલ વગેરે વસ્તુઓનું વિતરણ થયું હતું.

  ત્રિપુરા : આતંકવાદીઓના હુમલાથી અસરગ્રસ્ત બનેલા રાણીર્ગાંવ, મદ્ધબારી, દુર્ગાચૌધરીપરા, મુરાબારી, નારાયણનબારીના કૅમ્પમાં અમારા રામકૃષ્ણ મિશન, આગરતલા દ્વારા ૧૦૦૩ કુટુંબીજનોમાં ૩૦૦ સાડી, ૨૫૦ ધોતિયાં, ૨૫૦ લુંગી, ૩૮૨ પચરાસ, ૫૦ કિ. દૂધનો પાવડર, ૧૯૫૦ કિ. ચોખા, ૧૫૦૦ કિ. બટેટાનું વિતરણ કાર્ય કરવામાં આવ્યું હતું.

  નરેન્દ્રપુર : રામકૃષ્ણ મિશન, નરેન્દ્રપુર દ્વારા મુર્શિદાબાદ જિલ્લાનાં ૮ ગામના અસરગ્રસ્ત લોકો માટે ૭૨૦ મકાનો અને ૧૧૦૦ જાજરૂ અને ૩૧ ટ્યૂબવેલ બાંધી આપ્યાં છે.

રામકૃષ્ણ મિશન, નારાયણપુર ૧૯૯૬ના વર્ષનો ‘ડૉ. આંબેડકર નેશનલ ઍવૉર્ડ ફૉર સોશિયલ અંડરસ્ટેન્ડિંગ ઍન્ડ અપ્લીફટ ઑફ વિકર સેક્શન’ મેળવે છે.

  ભારતના સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી ડૉ. કે.આર. નારાયણનના વરદ્ હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં ૧૪મી એપ્રિલે રામકૃષ્ણ મિશન, નારાયણપુરને ૧૯૯૬ના વર્ષનો ભારતના પછાત અને નબળા વર્ગોના વિકાસોન્નતિ અને સામાજિક સમજણ કેળવવા માટે ‘ડૉ. આંબેડકર નેશનલ ઍવૉર્ડ ફૉર સોશિયલ અંડરસ્ટેન્ડિંગ ઍન્ડ અપ્લીફટ ઑફ વિકર સેક્શન’ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઍવૉર્ડમાં પ્રશસ્તિપત્ર, લેખ અને રૂ. ૧૦ લાખનું પારિતોષિક અપાય છે.

રામકૃષ્ણ મિશનનું ઓરિસ્સા વાવાઝોડા રાહત સેવા કાર્ય અને પુનર્વસવાટ કાર્ય

  રામકૃષ્ણ મિશન દ્વારા અહીં આપેલી વિગત પ્રમાણેના વિવિધ પુનર્વસવાટ પ્રકલ્પનું ઓરિસ્સાના જગતસિંહપુર જિલ્લાના, એરસ્મા તાલુકાના, કુંજકોઠી ગ્રામ પંચાયત નીચેના કાનાગુલી ગામના બાંધકામનો શિલારોપણ વિધિ ઓરિસ્સાના મુખ્યમંત્રીશ્રી નવીન પટ્ટનાયકના વરદ હસ્તે ૨૮ એપ્રિલ ૨૦૦૦ના રોજ સંપન્ન થયો. આ પ્રસંગે ઓરિસ્સાના બાંધકામ ખાતાના અને સંસદીય વિભાગના મંત્રીશ્રી નલિનીકાંત મોહંતી અતિથિ વિશેષ તરીકે આવ્યા હતા. સ્વામી શ્રીકરાનંદજીએ પ્રાથમિક શાળાનું મકાન અને વાવાઝોડા આશ્રય સ્થાનની ઈમારતનો શિલારોપણ વિધિ કર્યો હતો. બંને મંત્રીશ્રીઓએ નમૂનાના આદર્શ ઘરનું ઉદ્‌ઘાટન કર્યું હતું.

  ૨૯ ઓક્ટોબર, ૯૯ના રોજ ઓરિસ્સા ફૂંકાયેલા ભયંકર વાવાઝોડાએ મહાવિનાશ નોતર્યો હતો. વાવાઝોડાગ્રસ્ત લોકોની સહાયે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના સંન્યાસીઓ પ્રાથમિક રાહતની સામગ્રી સાથે તત્કાળ પહોંચી ગયા હતા અને ૧૦,૦૦૦ જેટલાં અસરગ્રસ્ત કુટુંબોને રાંધેલ અનાજ, કાચું અનાજ, કપડાં, દવા, વગેરેની સહાય આપી હતી. આ મહાવિનાશથી તારાજ થયેલાં કુટુંબો માટે મકાનો બાંધી આપવાનું એક ભગીરથ પુનર્વસવાટ કાર્ય રામકૃષ્ણ મિશને હાથ ધર્યું છે. જગદીશપુર જિલ્લાના એરસમા તાલુકાના કુંજકોઠી ગ્રામ પંચાયત નીચે આવેલ કાનાગુલ્લી ગામને આ યોજના હેઠળ એક આદર્શ ગ્રામ બનાવાશે. પુરી જિલ્લાના ચિતેશ્વરી ગ્રામ પંચાયત નીચે આવતા કોટંગમાં પણ અહીં કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે પુનર્વસવાટ કાર્ય હાથ ધરાશે.

Total Views: 124

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.