(લેખક : સ્વામી સારદાનંદ : પ્રકાશક : સ્વામી જિતાત્માનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. પૃ.૭૨; મૂલ્ય – રૂ.૧૨.)

શ્રાવણ મહીનો પૂરો થાય અને તરત જ સામે નવરાત્રિના આગમનની તૈયારીઓ થવા લાગે. વસંત ઋતુના આગમનથી જેમ પ્રકૃતિ નવા વેશ ધરે એમ નવરાત્રિના આગમનથી આબાલ વૃદ્ધ સૌ માની ભક્તિમાં રત થઈ જાય. ગરબાની સ્થાપના થાય, ૨૪ કલાક માની છબિ પાસે ઘીનો દીવો જલતો રહે, ગરબીનું આયોજન થાય. લોકહૈયાં પૂજા, ભક્તિ, સત્સંગ, સંકીર્તન, ભજન, જપતપમાં ડૂબી જાય. સમસ્ત જનસમૂહ દૈવી ચેતનાનો સ્પર્શ પામે. રાસ અને ગરબાથી દિશાઓ ગાજી ઊઠે. માનું મહિમા ગાન શરૂ થાય :

મહિમા તારો ગાતાં લખતાં,
સાગર સાત સુકાય નૈ હો, અંબિકા,
તું ચૌદ ભુવનમાં ગવાય રે હો, અંબિકા
શક્તિ તારી નહિ કળાય રે હો, અંબિકા.

ક્યાંક માનો મહિમા ગવાય છે તો ક્યાંક વળી માને પ્રાર્થતો લોકસમૂહ શાંતિથી, આંખો બંધકરી માને જાગ્રત થવા વિનંતી કરે છે.

હેમા ! જાગૃત થા, જાગૃત થા, જાગૃત થા. અંતર પ્રગટો એવો અગનિ; લાગે એક જ તારી લગની, બનો રાગિણી તું રગરગની; જીવનમાં ઝંકૃત થા.. જાગૃત થા. આત્મલોકની આભા પલપલ; સત્યરૂપે હો મૂર્ત સમુજ્વલ, અજેય-સુંદર-મધુમય મંગલ; હૈ અરૂપ આકૃત થા… હે મા ! જાગૃત થા.

ગરબીઓ ‘માનાં નોરતાં આવ્યાં’ ગાનથી ગાજી ઊઠે  છે. અને રાત્રે ગરબી પૂરી થાય એ પહેલાં એકત્રિત થયેલ લોકો સાથે મળીને ‘શ્રી આદ્યાશક્તિ’ની આરતી ઉતારે અને ભાવમાં તરબોળ બની છૂટા પડે.

નવમે નવકુળ નાગ, સેવે નવદુર્ગા મા ।
નવરાત્રિનાં પૂજન, શિવરાત્રિના અર્ચન કીધા છે બ્રહ્મા ।
જયો જયો મા જગદંબે ।।

દશમે દશ અવતાર જય વિજયા દશમી મા ।
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા ।
જયો જયો મા જગદંબે ।।

અને જોત જોતામાં તો હવન અષ્ટમી આવી પહોંચે છે. માએ મહિષાસુરને હણી નાખ્યો છે. દેવો બધા આનંદમાં આવી, નમ્રભાવે માની સ્તુતિ કરે છે.

યા શ્રીઃ સ્વયં સુકૃતિનાં ભવનેશ્વલક્ષ્મીઃ
પાપાત્મનાં કૃતધિયાં હૃદયેષુ બુદ્ધિ :
શ્રદ્ધાસતાં કુલજન પ્રભવસ્ય લજ્જા
તાં ત્વાં નતાઃ સ્મ પરિપાલય દેવિ વિશ્વમ્ ।

આ રીતે નોરતાં પૂરાં થાય છે. મૃણ્મય જીવો, ચિન્મય શક્તિ પાસેથી નવ શક્તિ ધારણ કરી ફરી ભક્તિમાં લીન થઈ જાય છે.

આપણે ત્યાં ગુજરાતમાં, શક્તિપૂજાનું ખૂબ જ માહાત્મ્ય છે. ઉત્તરમાં અંબાજી અને પૂર્વમાં કાલી માતા ગુજરાતનું રક્ષણ કરી રહ્યાં છે. તો બેંગાલ, શક્તિપૂજાનું અમરધામ. શક્તિપૂજાનું વિશિષ્ટ સ્થાન, મા પ્રત્યેની ભક્તિનાં પૂર ઊમટતાં જોવાં હોય તો નોરતાં દરમિયાન બંગાલની મુલાકાત લેવી જોઈએ.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘ભારતમાં શક્તિપૂજા’ – શક્તિપૂજા વિશે ખૂબ જ આધારભૂત માહિતી ધરાવે છે. આ પુસ્તિકાના લેખક છે – સ્વામી સારદાનંદ મહારાજનો પરિચય આપતાં લખાયું છે –

શ્રીરામકૃષ્ણદેવના પ્રથમ અધિકૃત જીવન ચરિત્ર ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ (ભાગ ૧થી૫) લખીને જેમણે ભાવિકજનોનાં હૃદયમાં અનેરું સ્થાન મેળવ્યું છે એવા શ્રી રામકૃષ્ણદેવના પ્રથમ સંન્યાસી પાર્ષદોમાંના એક, શ્રી શ્રીમાના સેવક એવા સ્વામી સારદાનંદજી મહારાજની કલમે લખાયેલ આ પુસ્તકમાં શક્તિ તત્ત્વ, શક્તિપૂજા પદ્ધતિ, શક્તિપ્રતીક અવતાર, દેવદેવી ગુરુ, સિદ્ધપુરુષ, મંત્રદાતા ગુરુ, ઉપગુરુ વગેરેની વિગતપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે.’ 

શ્રી સારદાનંદજી મહારાજ શ્રીઠાકુર અને શ્રી શ્રીમાના અત્યંત વહાલા અને નિકટના શિષ્ય હતા. શ્રીઠાકુર કહેતા, સરદ તો શેષનાગનો અવતાર.’ શ્રીમા કહેતાં, ‘શરત્‌ તો મારો વાસુકિ છે. પોતાની હજારો ફેણોથી એ મારું રક્ષણ કરે છે, શ્રીઠાકુરે પોતાના સમાધિદર્શન દરમિયાન એક વખત શરદ અને શશીને ઈસુખ્રિસ્તના અંતરંગ શિષ્યમંડળમાં જોયેલા, શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના નિર્માણ કાર્યમાં સારદાનંદજી એક આધારસ્તંભ હતા. એમને હાથે લખાયેલી આ પુસ્તિકા, શક્તિપૂજાનો સાંસ્કૃતિક ઇતિહાસ આપણી સમક્ષ રજૂ કરે છે. સૌને ગમશે.

‘ભારતમાં શક્તિપૂજા’ નામની આ પુસ્તિકામાં કુલ પાંચ અધ્યાય છે. ફક્ત ૭૨ પાનાંની આ પુસ્તિકા, ચિંતન- મનનથી ભરી ભરી છે. પાંચ અધ્યાય આ પ્રમાણે છે-

(૧) શક્તિતત્ત્વ અને પૂજાપદ્ધતિ (૨) અવતારતત્ત્વ અને ગુરુ પ્રતીક (૩) શક્તિ પ્રતીક-અવતાર, ગુરુ, સિદ્ધપુરુષ મંત્રદાતા, ઉપગુરુ અને શિક્ષક (૪) શક્તિપ્રતીક-દેવ, માનવ તથા અન્ય (૫) શક્તિપ્રતીક-નારી. દુર્ગા સપ્તશતી (૫.૩૨.૩૪)ના શ્લોકથી પ્રથમ અધ્યાયની શરૂઆત થાય છે.

યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રુપેણ સંસ્થિતા – જડ ચેતન સર્વપ્રાણીઓમાં ક્યાંક ગુપ્ત અને ક્યાંક પ્રગટ રૂપે રહેલી દેવીને અમે વારંવાર પ્રણામ કરીએ છીએ.

વાચકોને સંબોધન કરી લખાણ શરૂ કરવાની સારદાનંદજીની ટેવ નિરાળી છે. એમના કહેવા પ્રમાણે શ્રીરામકૃષ્ણ દેવના આગમનથી સનાતની શક્તિ પુનઃ જાગૃત થઈ છે જે દેશ અને દુનિયાને સમય આવ્યે પોતાના અંકમાં લઈ લેશે. બ્રહ્મની સત્તામાં બ્રહ્મશક્તિ હંમેશા અમોઘ અને અવિનાશી છે. અને તે બધાનાં હૃદયમાં પ્રછન્ન રહીને બધાંનું નિયંત્રણ કરતી રહી છે. શક્તિના પ્રભાવ વિશે લખતાં લેખક શ્રી જણાવે છે, ‘શક્તિના અદ્‌ભુત પ્રભાવથી જ નાના દાણા જેવડા વડનાં બીજમાં વિશાળવૃક્ષ, માંસપિંડના બનેલા માનવદેહમાં ભૌતિક જગતનું નિયંત્રણ કરતી ચૈતન્યમય બુદ્ધિ અને આકાશથી પણ વધારે સૂક્ષ્મ એવા ઇંદ્રિયાતીત મનમાં સમસ્ત બ્રહ્માંડ રહેલું છે.’ લેખક શ્રી કહે છે, સામાન્ય શક્તિનો પ્રભાવ પણ જો આટલો અદ્‌ભુત છે તો અંતર્જગતનું નિયમન કરનારી આધ્યાત્મિક શક્તિનો પ્રભાવ તો કેવી રીતે જાણી શકાય ? આથી જ મનુષ્યો દૈવીશક્તિની પૂજામાં જીવન અર્પણ કરી રહ્યા છે.’ એ રીતે જોઈએ તો દૈવી શક્તિની પૂજા અનાદિ કાળથી ચાલી આવે છે. શક્તિપૂજામાં, દૈવી શક્તિને માતૃભાવે પૂજવાનો ક્રમ વરસોથી ચાલુ છે. ભવતારિણી અંબા મા, ભયહારિણી કાલી મા, પાપનાશિની દુર્ગા મા વગેરે નામોથી આપણે સૌ માની ભક્તિ કરીએ છીએ. એ માતૃરૂપેણ સંસ્થિતા છે.

શ્રીરામકૃષ્ણદેવને એક વાર જગજ્જનની મહામાયાનું સ્વરૂપ તત્ત્વ જાણવાની ઇચ્છા થઈ. એમણે જોયું, એક અનુપમ સુંદર નારીએ એક સર્વાંગ સુંદર પુત્રનો જન્મ આપ્યો. તેના પાલન પોષણ માટે અનેક દુઃખો સ્વીકાર્યાં. પછી થોડા સમય બાદ અટ્ટહાસ્ય સાથે પોતાના બાળકને ચાવી ગઈ. (પા.૭) આ પ્રસંગ ઉપરથી શક્તિ એકી સાથે સર્જન અને પ્રલય આ બંને વિપરિત ગુણો ધરાવે છે. અવ્યક્તથી વ્યક્ત અને વ્યક્તથી અવ્યક્ત આ બન્ને ભાવનો ખેલ સંસારમાં સર્વત્ર ચાલી રહ્યો છે. બધું જ શક્તિના સામ્રાજ્યમાં આવેલું છે. વેદમુખ દ્વારા દેવી કહે છે, ‘મારાથી જ લોકો જીવે છે, અન્ન ખાય છે ને શબ્દો સાંભળે છે. મારી જે ઉપેક્ષા કરે છે, તેનો નાશ થાય છે. તું શ્રદ્ધાવાન છે એટલે હું તમે આ વાત કરી રહી છું. બ્રહ્મશક્તિની ઈર્ષ્યા કરનારા અસુરોના વધ માટે સજ્જ ધનુર્ધારી રુદ્રની ભુજાઓમાં હું જ શક્તિરૂપે રહેલી હતી. હું જ લોકોનાં રક્ષણ માટે યુદ્ધકાર્યમાં જોડાઉં છું. હું જ આકાશ અને પૃથ્વીની અંદર પ્રવેશીને રહું છું.’ (દેવી સૂક્ત)તો ચંડીપાઠ અધ્યાય પમાં, ભગવતી માતાની સ્તુતિમાં લખ્યું છે :

યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા ।
નમસ્તયૈ, નમસ્તસ્મૈ, નમસ્તસ્મૈ, નમો નમઃ ।।

એમ કહેવાય છે કે આ કળિકાળમાં શક્તિપૂજાનું ફળ તાત્કાલિક મળે છે. વર્તમાન સમયમાં મનુષ્યે ભૌતિક કે આધ્યાત્મિક જગતમાં જે કંઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તે સઘળી શક્તિની ઉપાસનાનું જ ફળ છે. સારદાનંદજી વિધિ-વિધાન, સાધન-સામગ્રી, ક્રિયાકાંડ સાથે સાથે શ્રદ્ધા ઉપર વિશેષ ભાર મૂકે છે. બલિદાન કે સંપૂર્ણ સ્વાર્થ ત્યાગ વગરની પૂજા અધૂરી છે. બકરા, પાડા તો માત્ર પ્રતીક છે પણ હૃદયના રક્તથી દેવીનું તર્પણ કરવું પડશે. સંપૂર્ણ શરીર, મન અર્પણ કર્યા વગર શક્તિપૂજા કરવાથી કશું જ પ્રાપ્ત કરી શકાતું નથી. અલબત્ત, શક્તિ સ્વાધીન ભાવે કાર્ય કરી શકતી નથી પણ ચૈતન્ય પુરુષ સાથે શક્તિનો નિત્ય સંયોગ થયેલો હોવાને લીધે તેને નિત્ય ચૈતન્યમયી જોઈ શકાય છે.

સપ્તશતી-ચંડીપાઠમાં, દેવીકવચમાં દુર્ગાનાં નવ સ્વરૂપો બતાવ્યાં છે અને એ દરેકની પૂજા વિધિ પણ આપવામાં આવેલ છે. નવદુર્ગાના સ્વરૂપો નીચે પ્રમાણે છેઃ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદા.

આપણી આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી બચાવા માટે અને અંતે પરમશક્તિને પામવા માટે ‘માતૃપૂજા’ સિવાય કોઈ અન્ય ઉપાય નથી એ નિર્વિવાદ છે. શક્તિપૂજામાં રત લેખકના એક પરમસ્નેહીએ શક્તિનાં ત્રણ સ્વરૂપો બતાવ્યાં છે એ પણ સમજવા જેવાં છેઃ પરાંબા, લીલાંબા, માયાંબા. આ ત્રણેય સ્વરૂપો શ્રીશંકરાચાર્યે બતાવેલ ત્રણ સત્તાની ઘણાં જ નજીક છે. (૧) પારમાર્થિક સત્તા (૨) વ્યાવહારિક સત્તા (૩) પ્રતિભાસિક સત્તા પરાંબા એ દ્વંદ્વાત્મક જગતથી પરની પારમાર્થિક સત્તા છે, પરામ્બાનું સ્વરૂપ છે, જાણે કે પ્રશાંત સાગર પથરાયેલો ન પડ્યો હોય ! ત્યાં સ્પંદન પણ નથી. દ્વંદ્વો પણ નથી. ભરતી નથી, ઓટ નથી, સુખ નથી, દુઃખ નથી, જન્મ નથી, મૃત્યુ નથી. તદ્દન નિર્વિકાર છે.

પછીનું સ્વરૂપ એ લીલાંબાનું. લીલાનો અર્થ જ રમત થાય છે. મા પોતાનાં વહાલાં બાળકોને પોતાના હુંફાળા ખોળામાં વાત્સલ્ય વરસાવતી રમાડી રહી હોય છે. આપણી આંગળી પકડીને એ ગરબે ઘૂમવા નીકળી પડે છે. એ આપણને પ્રેમાનંદપૂર્ણ અનેક રમતો રમાડે છે, સંતાકુકડી રમે છે, આપણને ગોતવા નીકળે છે, આપણે તેને ગોતવા નીકળીએ છીએ. કોઈ પકડાઈ જાય ત્યારે ઘરમાં ધમાચકડી મચી જાય છે. માના ઝાંઝર ઝમકી ઊઠે છે, અંબોડો છૂટી જાય છે, વેણીનાં ફુલો વેરાતાં જાય છે, છેડો ખસી જાય છે અને બન્ને પયોધરોમાંથી પયની ધારાઓ વહેવા લાગે છે. મા વાત્સલ્ય વિભોર બને છે. બાળક પ્રેમાનંદ વિભોર.

પણ માયાંબાની વાત જ જુદી છે. આપણે ભૂલાં ન પડી જઈએ તે માટે કડક દો૨વણી આપે છે. ક્યારેક ધોલધપાટ પણ કરી લે છે. માથી વિમુખ બનેલાંને સન્માર્ગે વાળવા માટે તેઓમાં વિવેક વૈરાગ્ય ઉત્પન્ન કરીને પોતાની સન્મુખ કરી દે છે.

સ્વામીજીએ અવતાર તત્ત્વ અને ગુરુના પ્રતીક વિશે પણ સુંદર રીતે સમજાવ્યું છે. ક્યારેક એમની શૈલી ભારેખમ બને છે તો ક્યારેક એમની શૈલી હળવી ફૂલ લાગે છે. પણ વિચારોનું સાતત્ય અને સઘનતા તો દાદ માગી લે એવાં જ.

અવતાર તત્ત્વની ઓળખ આપતાં સારદાનંદજી લખે છે– ‘ઉપર છે અનંત કોટિ બ્રહ્માંડોથી ઢંકાયેલું શ્યામલ આકાશ, નીચે શસ્ય શ્યામલા વસુંધરાના વક્ષસ્થળ પર કાળાં વાદળોથી છવાયેલી શ્યામલ પર્વતમાળાનાં ઉત્તુંગ શિખર અને તેમની નીચે સદાય ચંચળ શ્યામલ સાગરનાં મોજાંનું વિક્ષોભમય મહાતાંડવ

હે શ્યામા, વિરાટ સ્થૂલ શરીરમાં તમારી સ્થૂલ રૂપે થતી લીલા છે. અને તું લીલાધારિણી છો.

આ રીતે મૃત્યુને આધીન આપણું જીવન, અસંખ્ય લાલચો, વિવિધ રસો, ચડતી પડતીના ફજતફાળકાઓ, આહ અને વાહથી ભરેલી આ દુનિયા એનું રહસ્ય તો એક માત્ર જગદ્‌ગુરુ-મહાપુરુષ ઈશ્વર અવતાર જ કળી શકે. જેઓ વાસનાની જાળને છિન્નભિન્ન કરીને મનબુદ્ધિથી પર રહેલા છે. અને મનબુદ્ધિ અને કલ્પનાથી ૫૨ થયેલ મનુષ્યમાં શક્તિનું પ્રાકટ્ય થાય છે. અવતાર, દેહ ધારણ કરી આવે છે અને ગુરુ સ્વરૂપે સૌનો તારણહાર બને છે. મનુષ્યમૂર્તિમાં શક્તિનું આ રીતે કેન્દ્રીભૂત થવું તે પણ ‘માતૃશક્તિ’ની લીલાનો એક ભાગ જ છે. ‘આમ અવતાર એ જગદ્‌ગુરુ છે, મનુષ્ય રૂપે તેઓ ઈશ્વર છે, મનુષ્યત્વમાં ઈશ્વરત્વનું અપૂર્વ મિલન છે, મનુષ્યમાં અમાનવીય દૈવી શક્તિનો એ વિકાસ છે, શક્તિથી પ્રસૂત સંસારવૃક્ષનું તે પૂર્ણ વિકસિત પારિજાત છે. અવતાર નરરૂપે ઈશ્વર છે એટલે બધી રીતે પરિપૂર્ણ છે. તેઓ જે કંઈ કરી રહ્યા છે એ તો માનવજાતના કલ્યાણ માટે, ઉદ્ધાર માટે જરૂરી રહ્યા છે. શક્તિમાતા અવતાર સ્વરૂપે આપણી સમક્ષ પ્રકટ થાય છે.’

અવતારની ઓળખ એક ‘પ્રેરણા’માં સુંદર રીતે આપી છે. તો ચાલો એને જાણીએ અને માણીએ.

પરમ ચૈતન્યના અવતરણનો સાકાર વિગ્રહ એ અવતાર; એનું આગમન જગમાં નવલું પ્રભાત છે. એ કથન અને જીવન દ્વારા નૂતન દર્શન આપે છે, યુગ સંદેશ લાવે છે. એ સ્વયં પ્રકાશિત શાશ્વત દીપ છે. અસંખ્ય દીપોને પ્રગટાવે છે. એની સૌરભ નિત્ય વર્ધમાન છે. માનવ અને પરાત્પર વચ્ચેનો એ દિવ્ય સેતુ છે.’ (અમૃતમ્ – પ્રેરણા – ૧૩૭)

ત્રીજા અને ચોથા અધ્યાયમાં ગુરુ, સિદ્ધપુરુષ, મંત્રદાતા, ઉપગુરુ અને શિક્ષકની વાત કરવામાં આવી છે. અવતારની જે શક્તિ હોય છે એટલી શક્તિ ગુરુ, સિદ્ધપુરુષ કે શિક્ષકમાં આપણે ન જોઈ શકીએ તો પણ એ લોકોની સિદ્ધિઓનું મૂલ્ય જરા પણ ઓછું ન આંકી શકીએ. ઈશ્વરી શક્તિના એ લોકો વાહકો છે. સમાજનું કલ્યાણ આ લોકોના હાથમાં વિશેષ રહેલું છે. માનવમાં ગુરુરૂપી ઈશ્વરી શક્તિનો વિકાસ પ્રથમ ભારતમાં જ થયો હતો.

સિદ્ધપુરુષ, ઈશ્વર અવતારોએ નિર્દિષ્ટ માર્ગે આગળ વધીને કામનાયુક્ત અને જીવનમુક્ત બની જાય છે. તેમનામાં અવતારી પુરુષો જેવી શક્તિ નથી હોતી પણ તેમનામાં જાગૃત થયેલી ગુરુશક્તિ હંમેશા લોકલ્યાણમાં જ પ્રવૃત્ત રહે છે.

ગુરુનો મહિમા પણ આ અધ્યાયમાં ખૂબ જ ગાવામાં આ આવ્યો છે. ‘લોભી ગુરુ અને લાલચી ચેલા’ની બનાવટી વાતોથી સ્વામીજી દૂર જ રહ્યા છે. પણ ગુરુનો પ્રભાવ બતાવતાં મહારાજ શ્રી લખે છેઃ

‘શિવે રુષ્ટે ગુરુસ્ત્રાતા, ગુરૌ રુષ્ટ નકશ્ચન ।’

અર્થાત્ દેવાદિદેવના કોપાયમાન થવાથી ગુરુની સહાયથી મનુષ્ય શિવને ફરી પ્રસન્ન કરી શકે છે.’ (ગુરુ ગીતા) પરંતુ દયાનિધિ શ્રીગુરુ જો કોઈ કારણવશાત્ કોપાયમાન થઈ જાય તો મનુષ્યની જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ લાંબા સમય સુધી બંધ થઈ જાય છે.

પાંચમું પ્રકરણ છે – શક્તિપ્રતીક નારી. આ પ્રકરણમાં, આદિ માનવથી શરૂ કરીને – મનુષ્યની જંગલી અવસ્થાથી શરૂ કરીને મનુષ્ય સાંસ્કૃતિક પ્રગતિ કેટલી કરી છે તેનો ચિતાર આપવામાં આવ્યો છે. તમસ્ અને રજથી ભરેલો મનુષ્ય; ઠંડી, ગરમી, વરસાદ, તોફાન વગેરેથી બચવા આશ્રય શોધતો મનુષ્ય; નાની નાની ટોળીઓ; ગોત્રો રચાવા લાગ્યાં. પણ ગોત્રની પ્રત્યેક સ્ત્રી ગોત્રપતિની વિશેષરૂપે અને ગોત્રના અન્યપુરુષોની પણ સમાનરૂપે ઉપભોગ્યા ગણાવા લાગી. (પા.૫૨)

આ રીતે ગોત્રો અને વિવાહ સંબંધો સ્થપાયા. પણ સ્ત્રી હજુ ગુલામથી વિશેષ કશું નહોતી. ધીમે ધીમે ‘સ્ત્રીશક્તિ’નું સ્થાન અને મહત્ત્વ વધતાં ચાલ્યાં. એ વખતે પણ દૈવી શક્તિ મનુષ્યની સાથે રહીને એનો ઉત્કર્ષ કરવા લાગી. દૈવી શક્તિની સકામભાવે પૂજા થવા લાંગી. અને આ સકામ ભક્તિથી જ સમય જતાં માનવ મને નારી પ્રતિમામાં જગદંબાની ફલાદિની શક્તિની ઉપાસના કરવા લાગ્યું. જગતના લોકો જ્યારે દૈવી શક્તિની સંકલ્પના સ્પષ્ટપણે સમજી શક્યા નહોતા ત્યારે ‘ભારતના દેવો દેવદાર વૃક્ષોથી સુશોભિત ગગનચુંબી હિમાલયના શિખર ઉપર વિશ્વની સમગ્ર નારીઓનાં તન-મનને સમાવી લેતી સમષ્ટિરૂપે હેમવતી ઉમાની ઉજ્જ્વળ સ્વર્ણિય આભાવાળી મૂર્તિનાં દર્શન કરી ધન્ય બન્યાં હતાં અને એમના જ શ્રી મુખે એમનો મહિમા સાંભળ્યો હતો.

અહં રાષ્ટ્રી સંગમની વસૂનામ્ ચિકિતૂષી પ્રથમા યજ્ઞીયાનામ્. । ‘હું સમગ્ર વિશ્વની સામ્રાજ્ઞી છું. મારા જ ઉપાસકો ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે, હું જ બ્રહ્મ છું ને બ્રહ્મજ્ઞાનથી સંપન્ન છું, સર્વ યજ્ઞોમાં પ્રથમ પૂજા સ્વીકારવાનો અધિકાર મને મળેલો છે. આ પ્રાણી જગતમાં દર્શન, શ્રવણ, અન્નગ્રહણ, શ્વાસોચ્છવાસ વગેરે સઘળાં કાર્યો મારી જ શક્તિથી થઈ રહ્યાં છે. જે મનુષ્ય શુદ્ધભાવે મારી ઉપાસના કરતો નથી તેનો નાશ થાય છે. હે સખા, સાંભળ ‘શ્રદ્ધાથી જે બ્રહ્મનો – સાક્ષાત્કાર થાય છે તે હું છું. મારી કૃપાથી જ મનુષ્ય શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરે છે. અને સ્રષ્ટા, ઋષિ અને મેધાવી બને છે,’

‘યં કામયે તં તમુગ્રં કૃતોમિ તં બ્રહ્માણ તમૃષિં તં સુમેધામ્ ।’

અને આપણે આવી પહોંચીએ છીએ મનુભગવાન પાસે, બળના અભિમાનમાં માનવે પોતાનાં સુખ માટે નારીનું પાલન તો કરેલું પણ મનુએ નારીને સહધર્મચારિણી માનીને સન્માનની દૃષ્ટિથી જોતાં શીખવ્યું. તેમણે નારી પૂજાની દિશામાં એક પગલું આગળ ભર્યું.

યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ ।
યત્રેતાસ્તુ ન પૂજ્યન્તે સર્વસ્તત્રાકલઃ ક્રિયાઃ ॥

જે ઘરમાં નારીઓની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનું આનંદથી આગમન થાય છે અને જે ઘરમાં નારીઓનું સન્માન થતું નથી ત્યાં દેવતાઓ માટે કરવામાં આવેલ યજ્ઞ, હોમ વગેરેનું કંઈ ફળ મળતું નથી.’

લેખક શ્રી, નારીને સંબોધતાં કહે છેઃ હે દેવી માનુષી આ રીતે ભારત જ જગતમાં સર્વ પ્રથમ તારી દેવમૂર્તિની નિષ્કામપૂજા કરી ધન્ય બન્યું. એ દિવસથી ભારત કુળદેવીના રૂપમાં ઘરે ઘરે તારી પૂજા કરતું આવ્યું છે. તે સન્માન, તે પૂજા અને તે શ્રદ્ધાનું ફળ ભારતને પ્રત્યક્ષ રૂપે મળ્યું છે. લજ્જા તથા સૌંદર્યથી વિભૂષિત સીતા, સાવિત્રી, દ્રૌપદી વગેરે ઉજ્જ્વળ દેવી પ્રતિમાઓએ સર્વ પ્રથમ ભારતમાંજ આવિર્ભાવ પામીને આ દેશને પવિત્ર કર્યો અને તેને પુણ્યશાળી ધર્મક્ષેત્રમાં પલટાવી દીધો.

યુગાવતાર ભગવાન શ્રીરામકૃષ્ણદેવના પવિત્ર પ્રાગટ્યથી વર્તમાન યુગમાં ભારતમાં નારીના પ્રતીકમાં શક્તિપૂજા ફરીથી વિશેષરૂપે જીવંત બની ગઈ છે. પોતાની યુવાન પત્નીને સાક્ષાત્ જગદંબાનું સ્થાન માન આપીને કે તિરસ્કૃત વેશ્યાઓમાં પણ જગન્માતાનાં દર્શન કરીને તો શ્રીઠાકુરે નારીને નારાયણીનું મંગલ, પવિત્ર અને સર્વોચ્ચ સ્થાન આપ્યું. એ સ્થાનને ટકાવી રાખવું કે ઊંડી ખીણમાં ધકેલી દેવું, એનું સન્માન કરવું કે અપમાન કરવું, એનું પૂજન કરવું કે એને અભડાવવું એ નારીના હાથમાં છે. શક્તિપૂજાનો જય હોય. આ લેખ પૂરો કરતાં પહેલાં, ચાલો આપણે સૌ સાથે મળી માનું અભિવાદન કરીએ. અને આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ.

હે મા !

પ્રાકૃત જળથી જ તારું પાદપ્રક્ષાલન હું નહીં કરું,
પરંતુ ભક્તિપૂત સ્નેહલ અશ્રુજળથી કરીશ.
મા !

તારાં ચરણોને અળતાથી જ રંગીશ નહિ,
પરંતુ મારા અંતરના વિવિધ ભાવોથી રંજિત કરીશ.
મા!

માત્ર તારી બાહ્ય દીપથી આરતી નહિ ઉતારું,
પણ તેં પ્રગટાવેલ અનિર્વાણ આંતરદીપથી ઉતારીશ.
મા !

તારી સદૈવ આવર્તિત સ્તુતિથી વિરમીશ નહિ,
પરંતુ અંતરમાંથી ઉવિંસત ગીતથી સ્તવન કરીશ.
અંતે ! તારાં રતૂમડાં ચરણયુગલનો એક માત્ર આશ્રિત બની,
મારી ક્ષુદ્ર અહંતાની હોમાનલમાં આહુતિ આપીશ.

(પ્રાર્થના-અમૃતમ્)

Total Views: 182

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.