સ્વામી સર્વસ્થાનંદ

સ્વામી સર્વસ્થાનંદઆપણે ‘શ્રીરામકૃષ્ણ અને વૈદિક ધર્મ’ એ શિર્ષક હેઠળના લેખોમાં યુગાચાર્ય સ્વામી વિવેકાનંદે તેમના ગુરુ શ્રીરામકૃષ્ણમાં જીવતા જાગતા વૈદિક ધર્મનું સ્વરૂપ નિહાળ્યું તે વર્ણવી ગયા. તેમણે વેદમૂર્તિ શ્રીરામકૃષ્ણમાં વેદાંત અથવા ઉપનિષદોના પૂર્ણ અને પરિપક્વ ફલિતાર્થો જોયા. અને તેની સાથે પોતાની તીવ્ર વ્યાકુળતા તેમજ તીક્ષ્ણ સમજણશક્તિ ભેળવીને ઉચ્ચતમ અદ્વૈતના અનુભવ માટે અધિકારી બન્યા. પણ આ અધિકાર પ્રાપ્ત કર્યા પછી પણ તેમને અદ્વૈતની અપરોક્ષાનુભૂતિ કંઈ સરળતાથી પ્રાપ્ત થઈ ન હતી. પહેલાં તો બ્રાહ્મોસમાજ’ના પ્રભાવથી તેમના મનમાં ઠસેલો, ‘ઈશ્વર કેવળ સગુણ અને નિરાકાર જ હોઈ શકે’ એવો મર્યાદિત ખ્યાલ હતો. આ મર્યાદિત ખ્યાલને દૂર કરીને અનંત અને સર્વવ્યાપી નિરાકાર બ્રહ્મનું અસ્તિત્વ સ્વીકા૨વા માટે શ્રીરામકૃષ્ણને ઘણો પ્રયાસ કરવો પડ્યો હતો, આ માટે તેઓ શરૂઆતમાં નરેન જ્યારે તેમને મળવા આવતા ત્યારે ‘અધ્યાત્મ રામાયણ’, ‘યોગવાશિષ્ઠ’ અને ‘અષ્ટાવક્ર ગીતા’ જેવા નિરાકાર બ્રહ્મના પ્રતિપાદક ગ્રંથો વાંચવાનું કહેતા. નરેન જ્યારે આવાં શાસ્ત્રો વાંચવાની અનિચ્છા દર્શાવતા ત્યારે શ્રીઠાકુર તેમને કહેતા ‘સારું નરેન, તો તું ફક્ત મને સંભળાવવા માટે વાંચ. મારી એ સાંભળવાની ઇચ્છા છે. ભલે તું એ વિષે ધ્યાન નહીં આપે તો ચાલશે.’ આવું ઘણીવાર બનતું રહ્યું અને છેવટે ધીરે ધીરે આ શાસ્ત્રોના અદ્‌ભુત સંબંધી વિચારો નરેનના મનમાં પ્રજ્વલિત થવા લાગ્યા. આ માટે શ્રી ઠાકુરે નરેનના મનની તાસીર પારખી લીધી હતી અને તેમણે તેમને ભાવિ વૈશ્વિક ધર્મના પુરસ્કર્તા, પ્રચારક અને પ્રસારક તરીકે તૈયાર કરવા નિર્ધાર્યું હતું. શ્રી ઠાકુરની વિલક્ષણતા હતી કે તેઓ શિષ્યના મનની તાસીરને પારખીને જ તેમને અનુકૂળ વ્યક્તિત્વ ઘડવા માટે તૈયાર કરતા હતા. એટલે નરેન્દ્ર સિવાયના બીજા બધા શિષ્યોને તેમણે જુદી જુદી રીતે ભક્તિ, યોગ વગેરે માર્ગો દ્વારા તૈયાર કર્યા પરંતુ નરેન્દ્ર દ્વારા તો તેમણે એક ભગીરથ યુગકાર્ય કરાવવાનું હતું. તેઓ જાણતા હતા કે ઉચ્ચતમ અદ્વૈતની અપરોક્ષાનુભૂતિમાં સ્થિર થયેલો વ્યક્તિ જ દુનિયાની બધી દ્વૈતવાદી ધાર્મિક સંપ્રદાયોનો સમન્વય સાધીને વિશ્વશાંતિનો માર્ગ મોકળો કરી શકે, એમના જીવનમાં આપણે જોઈએ છીએ કે હિંદુ ધર્મની સર્વસામાન્ય ભૂમિકાઓની ખોજ ક૨વા માટે તેમણે પોતાના પરિવ્રાજક જીવનમાં કેટલો બધો સંઘર્ષ કર્યો હતો. પહેલાં તો તેમણે જોયું કે આ અનેક મતો વચ્ચે પડેલી જગજૂની ઊંડી ખાઈને પૂરવા માટે આપણે સૌ પ્રથમ તો વેદોનો ખાસ કરીને ઉપનિષદોનો ફરી એક વાર લોકોમાં વ્યાપક પ્રચાર-પ્રસાર કરવો જોઈએ.આ માટે તેઓ ભારતના તત્કાલીન રાજાઓ, અનુશાસકો, પંડિતો અને વિદ્વાનોને પ્રોત્સાહિત કરતા રહ્યા અને તેઓમાં વેદાભ્યાસ પ્રત્યે રુચિ જગાડતા રહ્યા. મઠમાં પણ પોતાના ગુરુભાઈઓને વેદાધ્યાન કરવાની બધી સગવડો પૂરી પાડવાનો પ્રયત્ન કરતા રહ્યા. તેઓ અવારનવાર કહેતા કે હિંદુત્વના નવીનીકરણમાં વેદમૂર્તિ શ્રીરામકૃષ્ણની ભૂમિકા ઘણી મહત્ત્વની છે. તેમણે વૈદિકધર્મનાં સઘળાં સારતત્ત્વોને સમન્વિત રીતે સંકલિત કરીને પોતાના અદ્‌ભુત જીવન દ્વારા આ નવીનીકરણમાં એક નવો પ્રાણ સીંચ્યો છે. શ્રીરામકૃષ્ણમાં સમગ્ર ભારત એકાકાર થઈ ગયું હતું અને નાત-જાત, ધર્મ-સંપ્રદાય, પ્રાદેશિકતા વગેરેના બધા ભેદો ભુંસાઈ ગયા હતા. શ્રીરામકૃષ્ણને તેમણે આ રીતે એક ‘અવતારવરિષ્ઠ’ તરીકે સ્થાપિત તો કર્યા પણ કેન્દ્રમાં તો તેમણે કેવળ અપૌરુષય વેદોને જ રાખ્યા પરંતુ એ વેદો – ઉપનિષદોનો સાચો અર્થ તો તેમને તેમના ગુરુ શ્રીરામકૃષ્ણદેવે જીવેલા જીવન અને આપેલા ઉપદેશમાંથી સાંપડ્યો.

સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશમાં વેદો અને ખાસ કરીને ઉપનિષદો કેન્દ્ર બિંદુમાં હતા. એટલા માટે તે વિશે સ્વામી વિવેકાનંદના પોતાના ઉદ્‌ગારો શા હતા તે જાણવું અનિવાર્ય ગણાય. પણ આ બધા વિચારો તેમની ગ્રંથમાળાના વિવિધ ભાગોમાં છૂટાછવાયા ઉપલબ્ધ છે. તે સઘળા વિચારોને પદ્ધતિસર અને વિષયવાર ગોઠવવાની અત્યંત જરૂર છે. કારણ કે આમ કરીએ તો જ તેમણે ઉપદેશેલી વૈદિક ધર્મની પુનરુત્થાનની પ્રક્રિયા આપણા હાથવગી બની શકે અને આપણે તેના સક્રિય ભાગીદાર પણ બની શકીએ. આપણે આ અને ભવિષ્યના સંપાદકીય લેખોમાં વેદ અને ઉપનિષદો વિશેના સ્વામીજીના વિચારોની વિગતવાર અને પદ્ધતિસરની ચર્ચા કરીશું.

પરંતુ આ પહેલાં આપણે સ્વામી વિવેકાનંદના જીવનના કેટલાક મહત્ત્વના પ્રસંગોની વાત કરીશું. આ ઘટનાઓ વૈદિક ધર્મના પુનરુત્થાન માટેના ભગીરથ અને પ્રચંડવેગી પ્રયત્નોની પૂર્વતૈયારી રૂપે છે.

આપણે અગાઉ જણાવી ગયા તે પ્રમાણે શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી આશરે જાન્યુઆરી ૧૮૮૮માં તેમને સિંધુ નદીના તટે ઊભેલા એક વૈદિક ઋષિનાં દર્શન થયાં હતા. તેઓ વૈદિક ઋચાઓનો ઉદ્‌ઘોષ કરી રહ્યા હતા, ‘હે વરદાયિની, જ્યોતિર્મયી, અક્ષર બ્રહ્મવાદિની દેવી પધારો. વૈદિક મંત્રોના જનની, બ્રહ્મમાંથી ઉદ્‌ભવેલાં હે ગાયત્રી દેવી તમને પ્રણામ.’ આ દર્શન દ્વારા સંગીતમય ઉદ્‌ઘોષ – રવ સાંભળીને આર્યોવંશજોના પૂર્વજોના વૈદિક સૂરો તાલ-લયને જાણે કે પુનઃ પ્રાપ્ત કર્યા.

ગુજરાત પરિભ્રમણ દરમિયાન ૧૮૯૧-૯૨માં જ્યારે તેઓ પોરબંદર આવ્યા ત્યારે તેઓ સુખ્યાત પંડિત અને રાજ્યના દીવાન શ્રી શંકરરાવ પાંડુરંગના ઘરે ઊતર્યા હતા. સ્વામીજી કહેતા કે શ્રીશંકરરાવ પાંડુરંગ પંડિત સમગ્ર ભારતમાં એક વેદવિદ્યાના વિરલ વિદ્વાન હતા. તેઓ અથર્વવેદનો અનુવાદ અને તેની ટીકા લખવાના કાર્યમાં વ્યસ્ત હતા. સ્વામીજીની પ્રખર બુદ્ધિપ્રતિભા અને તેમનું સંસ્કૃત પરનું પ્રભુત્વ જોઈને તેમને ત્યાં રહેવાની અને પોતાના કાર્યમાં સહાયતા કરવાની વિનંતી કરે. પાણિનિ વ્યાકરણ પરના પતંજલિના મહાભાષ્યનો પોતાનો અભ્યાસ પણ તેમણે અહીં પૂરો કર્યો. જેમ જેમ તેઓ વેદો વિશે અધ્યયન કરતા ગયા અને આર્યઋષિઓના દિવ્ય વિચારો – સંદેશ પર ચિંતન – મનન કરવા લાગ્યા તેમ તેમ તેમને દૃઢ પ્રતીતિ થઈ કે ભારતભૂમિ બધા ધર્મોની જનની છે. બધી સંસ્કૃતિઓનું પારણું છે. આધ્યાત્મિકતાના સ્વયંભૂ ઝરણાનું મૂળ સ્રોત પણ છે. અમેરિકા જતાં પહેલાં બૅરિસ્ટર શ્રીરામદાસ છબીલદાસ મહેતાના નિવાસસ્થાને એમના ગુરુભાઈ સ્વામી અભેદાનંદજી મળ્યા ત્યારે તેમણે જોયું સ્વામીજી જાણે વૈદિક સંસ્કૃતિને પુનઃ પ્રસ્થાપિત કરવાના વિચારો અને લાગણીઓના ઘોડાપૂરમાં તણાતા અને તેમના અંતરમાં એ માટેની પ્રચંડ જ્વાળાઓ બળતી હતી.

ત્યાર પછી ભારતના પ્રખ્યાત વૈદિક પંડિત અને રાષ્ટ્રભક્ત બાલ ગંગાધર ટિળકની સાથે દશ દિવસ સુધી વૈદિક સંસ્કૃતિ વિશે તેમણે ધણી મહત્ત્વની ચર્ચા કરી. ૧૮૯૨ના ડિસેમ્બરમાં અહીંથી કન્યાકુમારીની પવિત્ર વિવેકાનંદશિલા પર ધ્યાનમાં બેઠાં બેઠાં તેમણે પ્રાચીન ભારતનો સમગ્ર આધ્યાત્મિક ઇતિહાસ નજરે જોયો અને એમને વૈદિક ધર્મના પુનરુત્થાનની ભાવિ યોજના સૂઝી ગઈ. તેમણે પશ્ચિમના દેશોમાં વેદાંતનો પ્રચાર-પ્રસાર કરવા અને વ્યવહાર વેદાંત દ્વારા ભારતના ગરીબ જનસમૂહને તેમણે ગુમાવેલ પોતાના આત્મગૌરવને પાછું અપાવીને અને વેદ વેદાંતના અમૂલ્ય ખજાનાને તેમના હાથમાં ફરીથી મૂકીને એ ખજાનાને પુનઃ પ્રસ્થાપિત કરવાના કાર્યનો એમને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હતો. ૧૩મી ફેબ્રુ. ૧૮૯૩માં હૈદરાબાદની મહેબૂબ કૉલેજમાં ‘My Mission to the West’ વિશે એમણે પ્રવચન આપ્યું હતું. આ સંભાષણમાં હિન્દુધર્મની મહત્તા, તેની ગૌરવગરિમા અને ગુણવત્તા તેમજ વૈદિક અને દાર્શનિક ઇતિહાસની એક વિસ્તૃત રૂપરેખા વિશે તેઓ બોલ્યા. પછી એમણે પશ્ચિમના દેશોમાં ભારતના ધર્મદૂત બનીને વિશ્વને વેદવેદાંતનો અનન્ય મહિમા સંભળાવીને ભારતે પોતે ગુમાવેલું આત્મગૌરવ ફરીથી ભારતને અપાવવા વિશે પોતાની ભાવિ યોજનાની પણ વિગતવાર વાત કરી હતી.

શિકાગો વિશ્વધર્મ પરિષદમાં પોતાનાં વ્યાખ્યાનો દ્વારા ભારતના સનાતન હિંદુધર્મને વૈશ્વિક સ્તરે પુનઃ પ્રસ્થાપિત કરવાનું પોતાનું મહાભગીરથ કાર્ય કર્યા પછી પશ્ચિમમાં વેદાંતનાં તત્ત્વોને સુવ્યવસ્થિત રીતે રજૂ ક૨વાની યોજના વિશે તેઓ સતત વિચારવા લાગ્યા. આ માટે જરૂરી વૈદિક સાહિત્ય સામગ્રી મગાવવા એમણે પોતાના ગુરુભાઈઓ અને બીજા વિદ્વાન ગૃહસ્થ શિષ્યોને પત્રો પણ લખ્યા. જ્યારે એમણે સ્વામી અભેદાનંદજીને ઇંગ્લેંડ બોલાવ્યા ત્યારે તેમની સાથે વેદો-સંહિતા અને બ્રાહ્મણગ્રંથોની બધી પ્રકાશિત આવૃત્તિઓ લાવવાનું કહ્યું હતું. એમના ગુરુભાઈઓએ તત્કાલીન વૈદિક પંડિત શ્રીસત્યવ્રત સમાશ્રમીના ઘરે જઈને એમણે એશિયાટિક સૉસાયટી દ્વારા પ્રકાશિત કરેલ બધા વેદગ્રંથો અને એ વિશેની અન્ય સાહિત્યસામગ્રી ખરીદીને સ્વામી અભેદાનંદજી સાથે મોકલાવી.

પશ્ચિમમાંથી ભારતમાં પાછા ફરતાં પહેલાં એમની એક મહેચ્છા હતી કે સંહિતાથી માંડીને ઉપનિષદ સુધીના સમગ્ર વૈદિક સાહિત્યમાંથી દોહન કરીને વેદાંતના તત્ત્વજ્ઞાનના વિવિધ પાસાં અને સોપાનોને આવરી લેતો એક વિસ્તૃત અને માહિતીપૂર્ણ વિશાળ ગ્રંથ રચવો. દુર્ભાગ્યે તેમની આ મહેચ્છા અક્ષરશઃ પૂર્ણ ન થઈ પરંતુ તેમની વિસ્તૃત ગ્રંથમાળા દ્વારા તેમણે વેદો અને ઉપનિષદો પર પોતાના આગવા દૃષ્ટિકોણવાળાં મંતવ્યો, વિચારો અને વિસ્તૃત ચર્ચાઓનો એક અમૂલ્ય વારસો આપણા માટે મૂકી ગયા છે. એમના અંતિમ દિવસોમાં બેલુર મઠમાં રહીને પણ વેદ-ઉપનિષદના પ્રચાર – પ્રસાર માટે તેમજ વેદાધ્યયનની પુનઃ સ્થાપના કરવા માટેતેઓ સતત મંથન-ચિંતન કર્યા કરતા. ૧૮૯૭માં શિષ્ય શરતચંદ્ર ચક્રવર્તીની સ્વામીજી સાથે સાયણાચાર્યની ઋગ્વેદની ટીકા વિશે અભ્યાસ ચર્ચા ચાલતી હતી. વચ્ચે વચ્ચે સ્વામીજી અવાર નવાર જ્યાં જ્યાં શિષ્યની ભૂલ થતી હતી તેને સુધારતા જતા હતા. અને શિષ્યને પ્રોત્સાહિત પણ કરતા રહેતા.

પોતાના ગુરુ સ્વામી વિવેકાનંદની મહેચ્છાની પૂર્તિ કરવા માટે આ આજ્ઞાંકિત શિષ્યે બ્રહ્મસૂત્ર પર ‘વિવેકભાષ્ય’ના નામે ૧૦૦૦થી વધુ પૃષ્ઠ વાળી અને ૭ પ્રકરણની વિસ્તૃત ટીકા સાથેની હસ્તપ્રત તૈયાર કરી હતી. પરંતુ આપણા સૌના દુર્ભાગ્યે એ ગ્રંથ એમનાં કુટુંબીજનો પાસે અપ્રકાશિત રૂપે એમ ને એમ પડ્યો છે. અલબત્ત આ હસ્તપ્રતના કેટલાક અંશો ‘ઉદ્‌બોધન’માં પ્રકાશિત થયા હતા.

૧૯૦૧ના ડિસેમ્બરમાં કલકત્તામાં મળેલા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના મહા અધિવેશનમાં દેશભરમાંથી સુખ્યાત રાજકારણીઓ, લોકપ્રતિનિધિઓ, પ્રાધ્યાપકો, સમાજસુધારકો અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એ બધામાંથી ઘણા ભારતના મહાન યુવા સંન્યાસી સ્વામી વિવેકાનંદને મળવા અને તેમને પ્રણામ કરવા બેલુરમઠમાં આવ્યા હતાં. એમની સાથે રાજકારણ, સમાજ, ધર્મ, વગેરે વિષયોની ચર્ચા થઈ હતી, પણ એમાં સૌથી અગત્યના અને મુખ્ય વિષયો હતા : ‘આપણી આર્યસંસ્કૃતિ અને વેદ-ઉપનિષદ તેમજ સંસ્કૃત ભાષાના અધ્યયન અધ્યાપન’. અહીં ચર્ચાયેલા આ વિષયો વિશેના સ્વામીજીના વિચારોએ એમના પર મોટો પ્રભાવ પાડ્યો હતો. એમને મન અધિવેશનમાં ચર્ચાયેલા વિષયો કરતાં સ્વામીજીના આ ઉદાત્ત વિચારો સૌથી અગત્યના બની ગયા. સ્વામીજીની આ વિષેની ભાવિ યોજના માટે પણ તેઓ સહાનુભૂતિ સાથે વિચારવા લાગ્યા. આ ઘટનાને ટાંકીને એક મહાનુભાવે લખ્યું છે : ‘સ્વામીજીની અંતિમ ઇચ્છા વૈદિક ઈન્સ્ટિટ્યુશન સ્થાપવાની હતી; આ સંસ્થામાં પ્રાચીન આર્યસંસ્કૃતિ તેમજ વેદ-ઉપનિષદની સંસ્કૃતિની જાળવણી તેમજ તેમનું પઠન પાઠન કરનારા સમગ્ર દેશના શિક્ષકોને તાલીમ આપવાની વ્યવસ્થા કરવાની તેમની મહેચ્છા હતી. કલકત્તામાં વૈદિક કૉલેજ શરૂ કરવાની દરખાસ્તની સૌએ ખાતરી પણ આપી હતી. સ્વામીજીના ઈહલોકના અંતિમ દિને કરેલી વાતચીત વિષે સ્વામી પ્રેમાનંદ કહે છે : ‘થોડો સમય એમને વૈદિક અધ્યયન માટેની શાળા શરૂ કરવાની તીવ્ર ઇચ્છા થઈ આવી હતી. પોતાના અંતિમ દિવસોમાં એમણે વેદ વિષેના ગ્રંથો માટે પૂના અને મુંબઈ ત્રણ પત્રો પણ મોક્લ્યા હતા, તે દિવસે મારે સ્વામીજી સાથે વૈદિક અધ્યયનની શાળા વિષે લાંબી ચર્ચા થઈ હતી. મેં તેમને પૂછ્યું : ‘વેદોનો અભ્યાસ કરવાથી આપણું શું ભલું થશે?’ તેમણે કહ્યું : ‘વહેમો, અંધશ્રદ્ધા દૂર થશે.

અમેરિકામાં એક મોડી સાંજે ની૨વ શાંતિ અને સાંધ્ય પ્રકાશમાં તેઓ પોતાનું વકતવ્ય આપતા હતા. એકાએક તેમનો સમગ્ર દેહ ઊર્મિઓના ઊછાળથી ધ્રૂજવા માંડ્યો અને તેમના મુખમાંથી ઉદ્‌ગારો સરી ઊઠ્યા : ‘હે ભારતવર્ષ! તું મને ધ્યાનથી સાંભળજે. પશ્ચિમના રાષ્ટ્રોમાં છે શું! કંઈ નથી! હું સમગ્ર ભારતને હચમચાવી મૂકીશ! હું રાષ્ટ્રની નસે નસમાં વિદ્યુત પ્રવાહની અદ્‌ભુત ઝણઝણાટી વહાવી દઈશ! થોભો! ભારત મારો કેવી રીતે સત્કાર કરશે તે તમે જોશો. એ એક માત્ર ભારત, મારો ભારત દેશ જ છે કે જે મેં અહીં પશ્ચિમમાં આપેલા વેદાંતના સંદેશને, વેદાંતના તત્ત્વને કેવી રીતે પ્રમાણવું તે જાણે છે. ભારત મને આ મહા વિજય સાથે મારું સ્વાગત કરશે.’ તેઓ એક પયંગરી વાણીમાં આ બધું બોલી ગયા. જેમણે એમને સાંભળ્યા હતા તેમણે કહ્યું : તેઓ પોતાની જાત-પહેચાન કે સ્વીકૃતિ માટે આવું કહેતા નથી; પરંતુ ભારતની અમૃતવાણી સમા વેદ અને વેદાંતની વાણી કે જે વિશ્વની બધી પ્રજાઓ, બધા રાષ્ટ્રો માટેની સર્વસમયની વૈશ્વિક અમૃતવાણી બનવી જોઈએ તેવી પોતાની આત્મશ્રદ્ધાની સ્વીકૃતિ માટે કહેતા હતા.

Total Views: 224

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.