૨૬મી જાન્યુઆરીની સોનેરી સવારે કચ્છની – ગુજરાતની ધરતી ધણધણી ઊઠી! લોકો પર આપત્તિના ઓળા છવાયા! ભયંકર વિનાશ અને તારાજી સર્જાયાં. હજારો લોકોએ જાન ગુમાવ્યા, ઘરબાર ગુમાવ્યાં. આ ભયંકર પ્રલયકારી અંધકારની વેળાએ માનવતાની વૈશ્વિક ચેતના જાગી ઊઠી અને દેશવિદેશમાંથી ભૂકંપગ્રસ્ત લોકોની સહાય માટે લાખો મદદગાર ઉમટવા લાગ્યા, જાણે કે જગન્માતાના અભય વરદાન આપતા કર લંબાયા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ, ભક્તજનો આ રાહતકાર્યમાં જોડાયા. શ્રીરામકૃષ્ણદેવ અને વિવેકાનંદનો ‘શિવજ્ઞાને જીવસેવા’નો મંત્ર ફરીથી સાકાર થવા લાગ્યો. ૨૮મીના રોજ ભૂજની મુલાકાત લીધી. ભૂકંપપીડિત લોકોની પીડા દૂર કરવાની અંત:પ્રેરણા થઈ અને રાજકોટને આંગણે આવેલા ઈજાગ્રસ્ત દર્દીઓની સેવા કરવાનો અમે બહેનોએ નિર્ણય કર્યો. સ્વામી ધ્રુવેશાનંદજીએ આ બાબતને પ્રોત્સાહન આપીને દર્દીઓ માટે જે કંઈ જોઈતું હોય તે લઈ જવાનું કહ્યું. 

અમે એચ.જે. દોશી હોસ્પિટલમાં પહોંચીને ત્યાંના દર્દીઓની સેવા કરવાની અનુમતિ મેળવીને બધા દર્દીઓ પાસે જઈને આત્મીયતા સાથે વાત કરીને એ લોકોના દુ:ખને હળવું કર્યું. આશ્રમમાંથી અમે બિસ્કીટ, સાબુ, કપડાં, બ્લેંકેટ વગેરે લઈ ગયાં હતાં. તેમાંથી જરૂરત પ્રમાણે દર્દીઓને આપ્યાં. પોતાનાં ૧૩ સ્વજનોને ગુમાવનાર ફાતિમા બહેનના હૃદયની પીડા કંઈક ઓર હતી. સામેના ખાટલા પર ખતિજા બહેનને, શું જોઈએ છે? એમ પૂછતાં તેમણે કહ્યું, દૂઆ કરો. મુસ્લિમ કે હિંદુ, અમીર કે ગરીબ આ બધાં દર્દીઓએ અમને પોતાના સ્વજન જેવા માન્યા. ડોક્ટરની સંમતિથી એક બહેનને નવડાવીને માથું પણ ધોઈ દીધું. નાનાં બાળકોને પણ પગે-હાથે આવેલાં ઓપરેશન જોઈને અરેરાટી છૂટી જાય તેવું હતું, પણ આ બાળકોની સાથે ટિખ્ખળ મજાક કરવાની અને એના રમતિયાળ સ્વભાવને ફરીથી જાગૃત કરવાની અમને મજા આવી. સિવિલ હોસ્પિટલમાં ૧૫૦ જેટલાં દર્દીઓ હતાં. એમાંથી કેટલાક એકલા જ હતા, એમની સેવાસંભાળ કરનાર કોઈ ન હતું. કેટલાક દર્દીઓ ભીષણ ધરતીકંપની ભયાનક લીલાથી પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠાં હતાં. એમને સમાશ્વાસન આપવું એ ઘણું કઠિનકાર્ય છે. ચિલ્ડ્રન હોસ્પિટલ, સાધુવાસવાણી અને વિરાણી હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. પ્રત્યેક પીડિત નારાયણની સેવામાં અમને સૌને અનેરો આનંદ મળ્યો. જ્યારે અમે ત્યાં જતાં ત્યારે સૌ આત્મીયતાથી અમને આવકારીને કહેતાં, ‘શ્રીરામકૃષ્ણ આશ્રમવાળાને?’ લોકોના આ પ્રેમભાવ અને એની અમીદૃષ્ટિથી અમે ધન્ય બન્યા છીએ.

Total Views: 107

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.