(જૂન ૨૦૦૦થી આગળ)

હજી તો પ્રભુનું વય આઠની અંદર;
ત્યાં તો પિતાજીએ તજી દીધું કલેવર.
ગયા’તા ભાણેજગૃહે પૂજા માટે ખાસ;
પૂરાં થયાં નવરાત્ર અને મૂક્યો શ્વાસ.
પછી ગદાઈનું વય જનોઈનું થાય;
શોધવા મુહૂર્ત,દિન પંચાંગ જોવાય.
ભિક્ષા, વિપ્ર વિના અન્ય જાતિ કે સમાજ;
પાસેથી લેવાનો નહિ કુળનો રિવાજ.
એથી ગામવાસી વિપ્રપત્નીઓ ચતુર;
ગદાઈની ભિક્ષામાતા થવાને આતૂર.
કિંતુ વચ્ચે ઘટના બનેલી એક સુણો;
ધનીનો ગદાઈ પર પ્રેમ શત ગુણો.
લુહારણ કહે, ‘બેટા, સુણ મારી વાત;
જનોઈની પ્હેલીભિક્ષા લેવી મારે હાથ.’
બોલે જોઈ પ્રેમ લુહારણનો ગદાઈ;
‘ભિક્ષા માતા નહી કરું બીજી કોઈ બાઈ!’
સ્મરી એ ગદાઈ બોલ્યો, ‘ધની લુહારણ;
ભિક્ષા આપે તો જ કરું જનોઈ ગ્રહણ.
ભિક્ષા નહિ લઉં અન્ય કોઈ સ્ત્રીને હાથ;
આપ્યું મેં વચન, ધની થાય ભિક્ષામાત.’
નવાઈ પામીને સહુ બોલાબોલ કરે;
‘નહિ આવી રીત કુળ આપણાની, અરે!
ચાલી આવે કુળપ્રથા શાને કરે ભંગ;
ગદાઈની હઠથી કુટુંબી થયા દંગ.
શૂદ્રદાન લીધું નથી હજી કોઈએ વંશે;
કુળ ઊંચું બીજાઓની એટલે તો અંશે.
જાણી કરી વાત એવી કેમ તું તે કરે?’
ગદાધર કિંતુ કશું કાને નવ ધરે.
બોલે, ‘ભિક્ષા ધની માતા પાસેથી જ લઉં;
નહીં તો જનોઈ લેવી સાવ મૂકી દઉં.’
સમજાવે ભ્રાત, માત તથા આખી નાત;
ધની થાય ભિક્ષામાતા મૂકી દે એ વાત.
પણ કશું સુણે નહિ બટુક ગદાઈ;
પ્હેલી ભિક્ષા ધની આપે’, એ જ લીધી વાઈ.
એમ કહી મોં ચડાવી, ગયો એ ભીતર;
ઓરડામાં પેસી વાસી કડી બરાબર.
ભોજનની વેળા થઈ ખોલે નહિ દ્વાર;
નરનારી આવે બધાં સુણી સમાચાર.
જેને ખવરાવી લોકો પોતે સુખી થાય;
ગદાધર ઓરડામાં ભૂખ્યો એ સુકાય.
ગામલોકો તણાં ચિત્ત રહે કેમ સ્થિર;
વાત સુણી દોડી આવી થયા છે હાજીર.
બહુ સમજાવે સહુ, આપે ન જવાબ;
સુણે નહિ કોઈનું કથન કે રુવાબ.
અંતે રામેશ્વર રે આંટ નિવારણ;
કહ્યું, ‘ભલે ભિક્ષા આપે ધની લુહારણ.
તારે લીધે ભલે જાય વંશકુળાચાર;
પાક્યો એક કરવા તું વંશનો ઉદ્ધાર.
સુણી શબ્દો ગદાધરે ઊઘાડીયું દ્વાર;
ઉત્તર ટોણાનો દેતાં કરી નહિ વાર.
‘સત્યપાળે નહિ તે બ્રાહ્મણ ન કે’વાય;
અધિકારી જનોઈનો શાનો એ ગણાય?’
વારી જાઉં તારા પર ધની લુહારણી;
ભિક્ષા પૂરી તેને, જેહ બ્રહ્માંડનો ધણી.
માતા, પિતા, તારક, પાલન કરનાર;
શિવમય, ઇચ્છામય, ભવકર્ણધાર.
અગર રહેતી બાઈ હજી તું જીવંત;
પગે માથું મૂકીને હું થાત ભાગ્યવંત.
જે જે સ્થાને પડ્યું તવ પગ તણું પાનું;
ત્યાંની રેણુ મળે તો હું મહાભાગ્ય માનું.
કોનો અવતાર હતી, કળાયું ન કાંઈ;
વત્સહારા ગાય જાણે વિના એ ગદાઈ.
શી રીતે મહિમા ગાઉં શી મારી શક્તિ;
વાત્સલ્યની મૂરતિ એ અતિ બલવતી.
મહાભાગ્યવતી ધરા પર વિદ્યમાન;
જાણું કે સમજું નહિ કોણ તું સમાન.
બાળરાંડ, પુત્રહીન, લુહારણ ધની;
જન્મદીધા વિના થઈ રામની જનની.
ભક્તપ્રિય પ્રભુદેવ, ભક્તો તેના પ્રાણ;
ભક્તિજોરે ભક્ત કરે તેમને સંતાન.
અપાર કરુણા એની, ભક્તો એને દોરે;
અપૂર્વ આ રામકૃષ્ણ-પુરાણ સુણો રે.

પંડિતોનો પરાભવ

જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ,
જય જય ભગવાન જગતના ગુરુ;
જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ,
યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.
આશ્ચર્ય ઐશ્વર્યપૂર્ણ પ્રભુ લીલા તારી;
ખોલીને ગાવાની બધી શક્તિ નથી મારી.
સુણવાની ઇચ્છા યદિ હોય તને મન;
આવ બેય જણ કર્યીં પ્રભુનું સ્મરણ.
વાંછાકલ્પતરુ પ્રભુ, ભક્તો એમ રટે;
જેની જેવી ઇચ્છા પ્રભુકૃપાબળે મટે.
જય જય દીનાનાથ કૃપાના સાગર;
જય હે કિશોરરૂપી પ્રભુ ગદાધર.
જય હે યુગાવતાર, અંધના શરણ;
કૃપા કરી આપો તવ યુગલ ચરણ.
આંકપાડા સુધી વિદ્યા બ્હારનો આભાસ;
પામે પરાવિદ્યાતત્ત્વ ખેલમાં પ્રકાશ.
અદ્‌ભુત મહિમાકથા સુણો અત: પર;
લખવાની આપો શક્તિ પ્રભુ ગદાધર.
જય જય સિદ્ધકામ સર્વ સિદ્ધિ દાતા;
જય સર્વ શક્તિમાન અનંત વિધાતા.
વસે વૃદ્ધ ભક્ત એક લાહા કહેવાય;
સારાં કાર્યે અર્થવ્યય કરીને પંકાય.
એક વાર પિતૃશ્રાદ્ધ આવ્યું તેને ઘરે;
પંડિતો અનેકને એ આમંત્રિત કરે.
બાકી રાખી નહિ પાઠશાળા આસેપાસ;
આમંત્રવા માણસો દોડાવ્યાં ઊંચે શ્વાસે.
શ્રાદ્ધ-સમારંભ તણું થાય ન વર્ણન;
છાત્રો સહ ટોળેટોળાં પંડિતો સજ્જન.
પધારીને ભરે સભા નિર્ધારિત દિને;
શાસ્ત્રચર્ચા સારુ યથાસ્થાને બિરાજીને.
ચર્ચાને પ્રસંગે થયો વાદ બહુ મોટો;
પૂર્વપક્ષવાળા કહે સિદ્ધાંત જ ખોટો.
થાય કે ન થાય ભલે શાસ્ત્રોનો વિચાર;
થાય કિંતુ વાણી તણી ઘણી મારામાર.
સભાના ખબર ફેલાયા છે સર્વ સ્થળે;
ચારે બાજુએથી લોકો આવી ટોળે મળે.
સુણીને એ શબ્દયુદ્ધ, ઘાંટા તણી દોડ;
વાટઘાટ થકી સર્વે આવે દોડા દોડ.
સંગી સાથે રંગ કરી બાળ ગદાધર;
બ્રહ્મસભા વચ્ચે આવી થયો એ હાજર.
ચાલી રહ્યો વાદ મોટા વિદ્વદ્વર્યો કેરો;
ખંડન મંડનનો આવેશ છે અનેરો.
બુદ્ધિ પામે નહિ પાર એવા પ્રશ્નો કાઢે;
પ્રશ્નોમાં જ દોષ કાઢી સામો પક્ષ વાઢે.
કળે ગૂઢ શાસ્ત્ર તત્ત્વ એ તે કોનો ભાર;
કરે છે ગદાઈ કિંતુ તેનોય વિચાર.
વિચારીને આપ્યો તેણે પ્રશ્નોનો જવાબ;
સુણી પંડિતોનો ઊડે ખયાલી ખવાબ.
ચર્ચા કેરો રંગ દેખી સર્વે એકેએકે;
ઘેરી વળી નાના ગદાધરને જ દેખે.
સપ્ત રથી વચ્ચે જાણે અભિમન્યુ બાળ;
દલીલોનાં બાણ ફેંકે જાણે અગ્નિઝાળ.
બડી છે તાજુબ કથા, અદ્‌ભુત કે’વાય;
પંડિતો ગદાઈ પાસે પરાજીત થાય!
નાની છે ઉમર, બાળ હજી, ખેલ ખેલે;
કેમ કરી ગૂઢ મર્મ શાસ્ત્રોનો ઊકેલે!
લોકો સર્વે કાંઈ કાંઈ બોલાબોલ કરે;
દાખવી અદ્‌ભુત શક્તિ બાળ ગદાધરે.
એકે તો સુંદર બાળ, બંકિમ નયન;
મુખ કાન્તિમાન તેની શોભા અનુપમ.
શોભે શિખા લાંબી શિરોભાગની ઉપરે;
પીયુષપૂરિત વાતો રસનાથી ઝરે.
ભૂજ ખૂબ દીર્ઘ, જઈ ઘુંટણને અડે;
શાસ્ત્રોના ઉત્તરથી પ્રભાવ મોટો પડે.
આશ્ચર્યચકિત સર્વે, દેખી અસમાન;
પંડિતો અજ્ઞાન અને બાળક વિદ્વાન.
પૂછતા પંડિતો બધા, છોકરો એ કેનો;
નામ, પિતા, ગોત્ર, વંશ, પરિચય એનો.
આખરે પંડિતો બધા બોલે એકશ્વરે;
દિવ્યશક્તિ રહેલી છે બાળકમાં ખરે.
નજીક બોલાવી બાળ, બાથમાંહે લઈ;
આશીર્વાદ આપે સર્વે આનંદિત થઈ.
અદ્‌ભુત એ બાળકની વાત શું વખાણું;
ચરણસ્મરણ નિત્ય કરવાનું જાણું.
શ્રવણમંગલ કથા ગદાઈની અતિ;
રામકૃષ્ણ-પુરાણ શ્રવણે વધે મતિ.

ચિનુ શાંખારીએ મિઠાઈ અને માળાથી કરેલી પૂજા

જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ,
જય જય ભગવાન જગતના ગુરુ;
જય જય રામકૃષ્ણતણા ભક્તગણ;
યાચું રજ ચોંટેલી એ સહુને ચરણ.
ભણીને વેદાન્ત, વેદ, શાસ્ત્રો ને પુરાણ;
જપ, તપ, યાગ, યજ્ઞો કેરાં કમઠાણ.
ચાર ધામ દરશનો સુદ્ધાં જે ન ફળે;
રામકૃષ્ણ-પુરાણ શ્રવણથી તે મળે.
અનાયાસે મળે તેનું લાખગણું ફળ;
રામકૃષ્ણકથા એવી શ્રવણમંગળ.
ખરે, સાવ મૂઢ હું, શું પ્રભુકથા જાણું;
અખિલના સવામી, વિશ્વ જેનાથી રચાણું.
હારી ગયા શુકદેવ મહા વેદવ્યાસ;
કરતાં પ્રકાશ એ અનંતનો આભાસ.
કોણ પ્રભુ રામકૃષ્ણ, તેનો શું મહિમા;
અલ્પશક્તિ હું તો, તેની નહિ કોઈ સીમા.
ક્ષુદ્ર મમ હૃદયની અણુશી ગાગર;
પ્રભુલીલા સિંધુસમ અફાટ સાગર.
વિશાળ તરંગે ડૂબે વિશ્વ જુઓ ખૂબી;
બ્રહ્મા, વિષ્ણુ, શિવેય્ જાય અંતે તેમાં ડૂબી.
અસંખ્ય બ્રહ્માંડો જેમાં રેતી કેરા કણ;
સહસ્ર પ્રચંડ ને પ્રખર સૂર્યો પણ.
પ્રભા ક્ષીણ, જ્યોતિહીન આગીયાના જેવા;
લુપ્ત લીલાતરંગે નજરે ના’વે એવા.
બ્રહ્માંડનો ગ્રાસ કરે જે મહાપ્રલય;
તેય દેખી ચમકે ને ચિત્તે પામે ભય.
અચિંત્ય, અસીમ જો કે, છતાં યે ગોચર;
કૃપા પૂર્ણ રામકૃષ્ણ રૂપે ભક્તો પર.
ઇંદ્રિયોથી પર, જ્યાંહાં બુદ્ધિ નવ જાય;
છતાં આંખોઆંખ અને પ્રત્યક્ષ દેખાય.
મટે ફંદ, મન દ્વંદ્વ કરે પરિહાર;
પ્રકાશ ઉગીને નાશે અજ્ઞાનઅંધાર.
અટૂટ માયાનો બંધ ટૂટી છિન્ન થાય;
શ્રદ્ધાથી જો રામકૃષ્ણ-કથા સુણ્યે જાય.
ચિનુ એક જણ, જાતે શાંખારી કે’વાય;
શંખની બનાવી ચૂડી, પેટીયું કમાય.
વૃદ્ધ ને ગરીબ, ઘરે બેસી કામ કરે;
ચિનુ શાંખારીને પૂરી ભક્તિ પ્રભુ પરે.
ધંધામાં આવક ઓછી કષ્ટે ગુજરાન;
ગદાધર પ્રતિ અતિ પ્રીતિ અને માન.
ગદાધરે એને ઘેર જાય નિત નિત;
સૌ એ જાણે એ બેઉમાં હતી અતિ પ્રીત.
આદર આપી એ ગદાધરને બેસારે;
મિઠાઈ લાવીને તાજી, ધરી કહે ખા રે!
ધીરે ધીરે ખાય પ્રભુ, ચીનુ બેસી દેખે;
દુકાને ઘરાક આવ્યે, એ ટાણે ઉવેખે.
પ્રેમે ગદ્‌ગદચિત્ત, ચિનુ ભક્તિમાન;
ભક્તિથી વિહ્વળ એવો, રે’ ન બાહ્યજ્ઞાન.
શું એ બોલે, શું એ કરે, ભાન નહિ કાંઈ;
ફાટી આંખે, બેઠો દેખે, માત્ર એ ગદાઈ.
એક દિ’ શો ભાવ આવ્યો ચિનુ તણે મન;
ગૂંથે માળા કરી પુષ્પો સુગંધી ચયન.
ગૂંથી અનુરાગે અને બહુ ટાપટીપે;
એવે ટાણે આવ્યો ગદાધર ત્યાં સમીપે.
જોઈ તેને ચિનુનો હરખ ઉભરાય;
માળા પૂરી કરી ચિનુ બજારમાં જાય.
ખરીદી મિઠાઈ લાવ્યો, હર્ષે આંખ મીંચે;
માળાને મિઠાઈ ઢાંકી લીધાં વસ્ત્ર નીચે.
લઈ સાથે ગદાધર, ચિનુ નેત્રો ગળે;
આવ્યો ગામબહાર નિર્જન ઝાડ તળે.
કોઈ ક્યાંય નથી, જુએ જઈ જરા છેટો;
પછી પગ વાળી હાથ જોડી સામે બેઠો.
સંભાળીને માળા પેલી હાથમાંહે લીધી,
પ્રેમથી પ્રભુને ગળે પહેરાવી દીધી.
મિઠાઈ લઈને પ્રભુમુખ પાસે ધરે;
વાણી વ્હોણું મુખ, નેત્રો થકી જળ ઝરે.

(ક્રમશ:)

Total Views: 130

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.