સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જગતના કલ્યાણ માટે શરીર, મન અને વાણી અર્પણ કરી દો. તમે વાંચ્યું છે : ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’, પણ હું કહું છું : ‘દરિદ્રદેવો ભવ’, ‘મૂર્ખદેવો ભવ’, ગરીબ, અભણને, અજ્ઞાનીને, દુ:ખીને ઈશ્વર માનો. આવા લોકોની સેવા એ જ પરમ ધર્મ છે.’

શ્રીરામકૃષ્ણદેવ પાસેથી ‘શિવજ્ઞાને જીવસેવા’નો પરમ આદર્શ-સેવામંત્ર મેળવીને સ્વામી વિવેકાનંદે અત્યાર સુધી ગુફામાં રહેલા ધર્મ અને સંન્યાસીઓને બહાર લાવીને માનવસેવા એજ સાચી પ્રભુપૂજાનો મંત્ર આપીને નિષ્કામભાવની સેવાની એક અનોખી જવાબદારી એમના સંન્યાસી મિત્રોના ખભે નાખી દીધી. માનવસેવાના ઉદ્દેશને નજર સામે રાખીને માનવી ભૌતિક કલ્યાણ સાથે આધ્યાત્મિક કલ્યાણ સાધી શકે, પ્રેયસ્શ્રેયસ્નો સાધક બનીને સર્વસેવામાં લાગી જાય એ હેતુથી ‘આત્મનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય ચ’ એ બેવડા ઉદ્દેશ સાથે રામકૃષ્ણ મિશનનું સેવાકાર્ય શરૂ થયું. રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા શિક્ષણ, આરોગ્ય, કૃષિવિકાસ, વ્યવસાયવિકાસ, ગ્રામવિકાસ, આદિવાસીવિકાસ સેવાયોજના અને આગ, દુષ્કાળ, વાવાઝોડાં, પૂર, ધરતીકંપ જેવી કુદરતી આફતોના સમયે થતી વિવિધ સેવાઓનું અનન્ય સંચાલન થાય છે. આ બધાં સેવાકાર્યોથી આપ સૌ માહિતગાર છો.

૧૯૨૬-૨૭ થી રાજકોટમાં અસ્તિત્વમાં આવેલ શ્રીરામકૃષ્ણ આશ્રમની શિવભાવે જીવસેવાની એક ઝલક અહીં આપવાનો અમારો આ વિનમ્ર પ્રયાસ છે.

(૧) ૧૯૨૭માં ખંભાત, વડોદરા – અંગ્રેજશાસિત વિસ્તારમાં પૂરે વેરેલા વિનાશવાળા વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોને રામકૃષ્ણ મઠ, ખાર મુંબઈ સાથે રહીને રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સર્વપ્રથમ રાહતસેવા પહોંચાડીને રાહતસેવાની શરૂઆત કરી. માર્ચ ૧૯૨૭થી ફેબ્રુઆરી ૧૯૨૮ સુધી ૬૦૦ ચોરસ માઈલ વિસ્તારના ૧૨૦ ગામડાંના લોકોને અનાજ, કપડાં, બિયારણ, દવાનું વિતરણ થયું હતું. સસ્તા અનાજની દુકાનો પણ ખોલવામાં આવી હતી. પૂરને કારણે ઘરવિહોણા બનેલા લોકો માટે ૯૨૦ ઘર બાંધી આપવામાં આવ્યાં હતાં. આ કાર્ય માટે તારાપોર, ઈંદરણાજ, સયામા, ગોલાના અને ખંભાતમાં એમ પાંચ રાહતકેન્દ્રો દ્વારા વડોદરા વિસ્તારના ૨૭ ગામડાં, ખંભાતના ૮૦ ગામડાં અને અંગ્રેજ શાસિત વિસ્તારના ૧૩ ગામડાંના ૧૯૫૭ કુટુંબોને અનાજ, વસ્ત્ર વગેરે આપવામાં આવ્યાં હતાં.

(૧અ) ૧૯૩૧માં રૂ. ૧૨૦ રોકડા તેમજ બે ગાંસડી જૂનાં કપડાં, બે ગાંસડી ખાદીના નવાં કપડાં રામકૃષ્ણ મિશનના વડા મથકને રાહતકાર્ય વિતરણસેવાકાર્ય માટે મોકલવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ૧૯૩૩માં બંગાળના જેસોર જિલ્લાના ગોપાલપુરમાં રામકૃષ્ણ મિશનના વડાની સૂચના મુજબ આ સંસ્થાએ રાહતકાર્યો કર્યા હતા. તેમાં અસરગ્રસ્ત લોકોને ચોખા આપવામાં આવ્યા હતા અને અસરગ્રસ્ત લોકોનાં ઘર બાંધી આપવામાં સહાયતા કરી હતી. ૧૯૩૩માં શીયાળામાં મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિના પત્ની શ્રીમતી ભદ્રાબાઈ ગોવિંદરાવ મડગાવકરની સાથે રહીને રાજકોટની આજુબાજુનાં ગામડાંમાં દવા તેમજ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(૧બ) ૧૯૫૦માં અતિવૃષ્ટિને લીધે જુલાઈ માસમાં લોધીકા તાલુકાના ૩૮ ગામડાંના પૂર પીડિતો માટે એક રાહતકેન્દ્ર ખોલવામાં આવ્યું હતું. ૨૮ ગામડાંના ૧૩૪ કુટુંબો માટે આશ્રયસ્થાન પૂરાં પાડવા રૂ. ૪૨૨૨ની નાણાંકીય સહાય આપવામાં આવી હતી. ૬૩૪ માણસોને ૨૦૫ નવી સાડીઓ અને ૧૨૨૦ વાર કાપડનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાહતકાર્યના બીજા અંગરૂપે યુનિસેફ તરફથી મળેલ દૂધ બાળકોને આપવાનું આ વર્ષે શરૂ કરેલ. મહિના સુધી દૂધ મેળવનાર બાળકોની સંખ્યા ૧૪૮ની હતી. 

(૨) ૨૧મી જુલાઈ ૧૯૫૬ના રોજ રાત્રે નવ વાગ્યે અંજાર અને આજુબાજુના વિસ્તારમાં આવેલા ધરતીકંપે વેરેલા વિનાશથી આસપાસના ગામડાંમાં અને અંજારમાં ઘણા મકાનો તૂટી ગયાં હતાં, કેટલાંય માણસો કાટમાળના ઢગલા હેઠે દટાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા. ઓચિંતાના આવેલા આ ધરતીકંપથી લોકો ગભરાઈ ગયા હતા. ઘણા લોકોને ઈજા થઈ હતી અને દટાયેલા કેટલાક લોકો કાટમાળમાંથી બચાવવા માટે પ્રાર્થના કરતા હતા. આ અણધારી આવી પડેલી આફતથી ગભરાયેલા લોકોના ભય-ગભરાટને વ્યવસ્થિત રીતે દૂર કરવા ઠીકઠીક સમય લાગ્યો હતો. કુદરતી પ્રકોપની ભયંકરતાના સમાચાર આસપાસના પ્રદેશોમાં પહોંચતા ત્યાંથી મદદ આવવા લાગી. પહેલી વ્યવસ્થિત રાહત ટુકડી ગાંધીધામમાંથી આવી. ત્યાર પછી ભૂજ અને બીજા દૂરનાં સ્થળોમાંથી મદદ આવવા માંડી. કાટમાળ નીચે દબાયેલા જાનમાલને બચાવવાનું કાર્ય રાતદિવસ સુધી ચાલતું રહ્યું. વિજળી પૂરવઠો તેમજ તારટપાલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. કાટમાળના ગંજાવર ઢગ નીચે સ્વયંસેવકોએ પોતાનું કાર્ય ઘણી મુશ્કેલીઓ સાથે કરવાનું હતું. અંજાર શહેરના ૧/૩ ભાગમાં ભૂકંપના આંચકાની સખત અસર થતાં તેટલો વિસ્તાર નષ્ટપ્રાય બની ગયો. બાકીના ભાગમાં ઓછી અસર થતાં વિનાશમાંથી ઉગરી ગયો. રામકૃષ્ણ મઠ-મિશનની પ્રસ્થાપિત પ્રણાલિ પ્રમાણે રામકૃષ્ણ મિશનની મુંબઈ અને રાજકોટ શાખાના કાર્યકરો સમાચાર મળતાં ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ગયા. આ રાહતકાર્યમાં મદદ કરવા મિશનના મુખ્યમથક બેલુરથી પણ કાર્યકરો આવ્યા હતા. મિશને તાત્કાલિક રાહત સાથે કચ્છ સરકારે પૂરી પાડેલ સાધન સામગ્રીમાંથી અંજારમાં કામચલાઉ રહેઠાણો બાંધવાનું કામ શરૂ કરી દીધું. 

આ રીતે તૈયાર કરેલ એક ઓરડાવાળા રહેઠાણોમાં ૬૦ કુટુંબોનો સમાવેશ કરવામાં આવ્યો. આ રહેઠાણોનું ઉદ્‌ઘાટન તત્કાલીન વડાપ્રધાન શ્રીજવાહરલાલ નહેરુના વરદ હસ્તે ૧૮મી ઓગસ્ટ ૧૯૫૬ના દિવસે થયું હતું. 

તાત્કાલીક રાહતરૂપે મિશને ૨૦ ગુણી અનાજ, ૧૪૬ ફાનસ, ૧૨૫ ડાલડા ઘીના ટીન, ૬૨૫ ગોટી સાબુ, ૧૫૦ સીવેલ કપડાં, ૨ ગાસડી પહેરણનું કપડું, ૫૦ રજાઈ અને વિટામીનની ટીકડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંજારમાં કામ પૂરું થતાં મિશનનું કાર્યક્ષેત્ર ગામડાંમાં ફેરવવામાં આવ્યું. વાહનવ્યવહારની મુશ્કેલીને લીધે જેના તરફ કોઈનું ધ્યાન ન ગયું હોય એવાં અંજારથી ત્રીસેક માઈલ દૂર ભચાઉ તાલુકાના બે ગામ ભૂજપર અને સુખપર તેમજ અંજાર તાલુકાનું ધમડકા ગામડાંના પુનર્વસનનું કાર્ય શરૂ થયું. જૂની ઢબે બંધાયેલ ગીચોગીચ વસેલા યોગ્ય પ્લાન રસ્તા અને પ્રાથમિક સુવિધા વિનાના ગામડાંમાં ગામની શિકલ બદલાવે તેવાં શાળા, ધાર્મિક સ્થાનો, પંચાયતગૃહ, રહેવાનાં મકાનો વિશાળ રસ્તા પાણીના કૂવા, રેડિયો સેટ જેવી અદ્યતન સુવિધા સાથેનું પુનર્વસનકાર્ય હાથ ધરાયું. ૧૯૫૬ની ૫મી નવેમ્બરે મિશનના તત્કાલીન પ્રવીણ સંન્યાસી વૈકુંઠાનંદજીના હસ્તે શિલારોપણ વિધિ થયો. ગામમાં બે પ્રકારના મકાનો બાંધવામાં આવ્યાં હતાં. 

બે ઓરડાવાળું મકાન, બંને ઓરડાનું માપ ૧૨’x ૧૨’, રસોડું ૮’x ૫’, અને ૧૭’x ૮’ની ઓસરી તેમજ ૩૦’x ૨૫’ ખુલ્લું ફળીયું અને તેની આસપાસ ૬’ ફૂટ ઊંચી દિવાલ; એક ઓરડાવાળા રહેઠાણમાં ૧૨’x ૧૨’નો ઓરડો , રસોડું ૮’x ૫’, અને ૮’x ૬’ની ઓસરી તેમજ ૩૦’x ૧૨’ ખુલ્લું ફળીયું અને તેની આસપાસ ૬’ ફૂટ ઊંચી દિવાલ; બે ઓરડાવાળા ૧૫ મકાનો અને એક ઓરડાવાળા ૧૫ મકાનો એમ કુલ ૩૦ મકાનોની બે હાર વચ્ચે ૩૦ ફૂટ પહોળો મુખ્ય રસ્તો અને પાછળની બાજુએ ૨૦ ફૂટ પહોળો રસ્તો રાખવામાં આવેલ. શાળાનું મકાન ૨૭’x ૨૩’, પંચાયતગૃહ ૨૫’x ૨૦’ અને મંદિર ૩૦’x ૨૫’ના વિસ્તારના બાંધી અપાયાં હતાં. 

ગામની બંને બાજુએ બે કૂવા પણ બાંધી આપવામાં આવ્યા હતા. શાળા અને પંચાયતગૃહની સામે રમતગમત તેમજ જાહેરસભા ગોઠવી શકાય તેવું ખુલ્લું મેદાન પણ રાખવામાં આવ્યું હતું. આ નવી વસાહતનો સમર્પણવિધિ સમારંભ ૨જી ફેબ્રુઆરી ૧૯૫૭ના રોજ ભવાણજી અરજણ ખીમજીના પ્રમુખપદે યોજાયો હતો. આ પ્રસંગે સ્વામી બુદ્ધાનંદજીએ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું. ભૂજપુર અને ધમડકા વચ્ચે સારો રસ્તો ન હતો. આ બંને ગામને જોડતા એક માઈલના નવા રસ્તાનું ઉદ્‌ઘાટન પણ તે જ દિવસે યોજાયું હતું. શારદાનગર (સુખપર)ની નવરચનાનું કાર્ય ભૂજપુરનું કાર્ય પૂરું થતાં ૧૫મી ડિસે. ૧૯૫૬ના રોજ શિલરોપણ વિધિ કરીને શરૂ થયું. ૮૫ કુટુંબો માટે બે ઓરડા વાળા ૬૩ મકાનો અને એક ઓરડાવાળા ૨૨ મકાનો એમ ૮૫ મકાનો બાંધી આપવામાં આવ્યાં હતાં. રહેણાંકના મકાનો ઉપરાંત શાળાનું મકાન ૨૮’x ૨૩’, પંચાયતગૃહ ૨૭’x ૨૩’ અને મંદિર અને બે કૂવા બાંધી અપાયાં હતાં. આ નવા શારદાનગરનો ઉદ્‌ઘાટન વિધિ ૨૪ એપ્રિલ ૧૯૫૭ના રોજ મુંબઈ રાજ્યના મહેસુલ પ્રધાન રસિકલાલ યુ. પરીખના પ્રમુખસ્થાને યોજાયો હતો. ભૂકંપમાં વિનાશ પામેલા ધમડકા-નવા વિવેકાનંદ નગરમાં બે ઓરડાવાળા ૬૭, એક ઓરડાવાળા ૪૦, એમ કુલ ૧૦૭ મકાનો બાંધી આપવામાં આવ્યા. આ ઉપરાંત શાળાનું મકાન, પંચાયતગૃહ, મંદિર, મસ્જિદ અને ચાર દુકાનો પણ બાંધી આપવામાં આવી હતી. શાળા અને પંચાયતગૃહ પાસે રમતગમતનાં સાધનોથી સુસજ્જ બાળક્રિડાંગણ પણ બાંધી આપવામાં આવ્યું હતું. આ નવનિર્મિત વિવેકાનંદ નગરનો ઉદ્‌ઘાટનવિધિ મુંબઈ રાજ્યના તત્કાલીન રાજ્યપાલશ્રી શ્રીપ્રકાશના વરદ હસ્તે ૮ ફેબ્રુઆરી ૧૯૫૮ના રોજ યોજાયો હતો. રામકૃષ્ણ મઠ, મુંબઈના અધ્યક્ષ સ્વામી સંબુદ્ધાનંદજીએ રાજ્યપાલને આવકાર્યા હતા. 

૧૪મી જુલાઈ, ૧૯૫૯ના રોજ કચ્છમાં જ્યાં સરેરાશ ૧૨ થી ૧૫ ઈંચ વરસાદ પડે છે ત્યાં કચ્છના અબડાસા તાલુકામાં ૮૫ ઈંચ જેટલો વરસાદ પડ્યો. પરિણામે કચ્છના જુદા જુદા તાલુકાઓમાંથી ભૂજ, અબડાસા અને માંડવી તાલુકાઓમાં ઘણી મોટી નુકશાની થઈ. ભૂજ શહેરમાં પૂરના અચાનક ધસારાને કારણે અમુકભાગના ઘણાં ખરાં મકાનો જમીનદોસ્ત થઈ ગયા અને જાનની ખુવારી પણ ઠીક ઠીક થઈ. આ આફતગ્રસ્ત વિસ્તારોમાં તત્કાલ રાહતકાર્ય શરૂ કરવા માટે રામકૃષ્ણ મિશન, મુંબઈ અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટથી સેવકોએ કચ્છમાં જઈ સેવાનું કામ ઉપાડી લીધું. ભૂજ શહેરમાં રાહતકાર્યનું મુખ્યમથક સ્થાપવામાં આવ્યું અને ત્યાંથી ભૂજ શહેર ઉપરાંત ભૂજ, અંજાર, ભચાઉ, રાપર તાલુકાના વિસ્તૃતક્ષેત્રમાં ઘણાં લાંબા સમય સુધી સેવાકાર્ય ચાલું રહ્યું. તત્કાલ રાહતરૂપે ભૂજ, અંજાર અને ભચાઉ તાલુકામાં રૂ. ૩૩૦૫, માંડવી અબડાસા અને ભૂજ શહેરમાં રૂ. ૫૪૬૭ અને રાપર તાલુકામાં રૂ.૩૫૯૯ની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા અંજાર તાલુકાના ૧૯ ગામડાંનાં ૩૧૯ કુટુંબોનાં ૧૪૪૯ લોકો; ભચાઉ તાલુકાના ૫૩ ગામડાંનાં ૮૮૫ કુટુંબોનાં ૪૩૪૩ લોકો; ભૂજ તાલુકાના ૯૫ ગામડાંનાં ૧૧૭૩ કુટુંબોનાં ૬૩૮૩ લોકો; રાપર તાલુકાના ૮૭ ગામડાંનાં ૧૧૨૪ કુટુંબોનાં ૫૬૨૦ લોકો; ભૂજ શહેરના ૭૯૯ કુટુંબોનાં ૩૦૦૦ લોકો તેમજ અબડાસા અને માંડવી તાલુકાનાં લોકોમાં ૪૩૯૧ ધાબળાનું અને અન્ય ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ વિતરણ કાર્ય પાછળ રૂ. ૯૯૬૧૮નો ખર્ચ થયો હતો.

આ ઉપરાંત અંજાર, ભચાઉ, ભૂજ, રાપર, માંડવી, અબડાસા તાલુકાના ૨૬૪ ગામડાંનાં ૪૩૦૦ કુટુંબનાં ૨૦૭૯૫ લોકોને તેમજ, ભૂજ શહેરના ૭૯૯ કુટુંબોનાં ૩૦૦૦ લોકોને અનાજ, કપડાં, જીવનજરૂરિયાતની વસ્તુઓનું વિતરણકાર્ય થયું હતું. આ વિતરણકાર્ય પાછળ રૂ.૧૨૩૭૨નો ખર્ચ થયો હતો. રામકૃષ્ણ મિશન દ્વારા ભૂજ શહેરની બહાર શ્રીરામકૃષ્ણધામ નામની સિત્તેર પાકાં ટેનામેન્ટવાળા મકાનોની કોલોની બાંધી આપવામાં આવી હતી. 

આ પુનર્વસનકાર્ય હેઠળ ૧,૯૦,૦૦૦નો ખર્ચ થયો હતો. રામકૃષ્ણધામનું ઉદ્‌ઘાટન ભારત સરકારના તત્કાલીન નાણામંત્રી શ્રીમોરારજી દેસાઈના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો. આ કોલોનીનો સમર્પણવિધિ ૩૦મી ડિસે. ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યના ગવર્નર શ્રીનવાબ મેહદી નવાઝ જંગબહાદૂરના વરદ્ હસ્તે થયો હતો. આ કોલોનીના લોકો માટે એક પ્રાર્થના હોલનું બાંધકામ પણ કરી આપવામાં આવ્યું હતું. ૧૯૬૦ની બીજી જુલાઈએ જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિને કારણે ઘોડાપુર આવવાથી ઘણા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

આશ્રમના સેવકોએ આ વિસ્તારોની જાતમુલાકાત લઈને રાજકોટના જેતપુર તાલુકામાં અને જૂનાગઢ તાલુકાના ૪ ગામડાંમાં નુકશાન પામેલા મકાનો ફરી બાંધી આપવાનો નિર્ણય લેવાયો અને રાજકોટ જિલ્લાના આરબટીંબડી, બાવા પિપળીયા, જૂનાગઢ જિલ્લાના મજેવડી, બાડાસિમડી ગામમાં જરૂરત પ્રમાણે મકાનો સમરાવવા ઉપરાંત આરબટીંબડીમાં ૨૮ નવાં મકાનો, બાવા પીપળીયામાં ૧૩ નવાં મકાનો, મજેવડી ગામમાં ૪૮ નવાં મકાનો, વાડા સિમડીમાં ૧૦ એમ કુલ મળીને ૯૯ નવાં મકાનો, દરેક ગામમાં પાણીની ડંકી, જાહેર ભજન તેમજ સત્સંગ માટે એક મોટો ચોરો, અને ખુલ્લી નાટકશાળા બાંધી આપવામાં આવી હતી. આ રાહત સેવાકાર્ય હેઠળ રૂ. ૧,૭૩,૦૬૬ નો ખર્ચ થયો હતો. આ મકાનોનું ઉદ્‌ઘાટન રાજકોટ ડિવિઝનના કમિશ્નર શ્રીગુલાબરાય મંકોડીના વરદ હસ્તે ૨૫ મે ૧૯૬૧ના રોજ થયું હતું.

(ક્રમશ:)

Total Views: 134

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.