(ગતાંકથી આગળ)

દિનકર-કર લુપ્ત મેઘ અંતરાળે;
છુપાઈ નયનદૃષ્ટિ નયનનાં જળે.
મિઠાઈ સહિત હાથ જાય સ્થાને સ્થાને;
કદી નાકે, કદી આંખે, કદી જાય કાને.
પ્રભુએ ચિનુનો હાથ કરીને ધારણ;
આનંદે કરીયું તેનું મિષ્ટાન્ન ગ્રહણ.
પ્રભુ ખાઈ રહ્યે ચિનુ પોતાને સંવરી;
ગદાઈને કે’વા લાગ્યો કર જોડ કરી.
આવી રહ્યો મારો કાળ, વૃદ્ધ થયું તનુ;
દેખી નહિ શકું લીલાચરિત્ર આપનું.
બહુ જ રહ્યું એ દુ:ખ અંતરે મુજને;
રાખજો કૃપાળુ કિંકરને નિજ કને.
ધન્ય ધન્ય ચિનુ, જરા દેજે પદરજ;
નામ તારું ચિનુ પડીયું છે યથાર્થ જ.
ચિનવાનું કામ જાણે, તેથી ચિનુ નામ;
તારે ચરણે તો ભાઈ, અનેક પ્રણામ.
વૃદ્ધ ભલે ચિનુ દાદા લઠ્ઠ પઠ્ઠ કાય;
શરીરમાં ખૂબ બળ, નિરોગી સદાય.
પ્રભુને દેખીને ચિનુ એવો મત્ત થતો;
ખાંધે તેને ચડાવીને જોરથી નાચતો.
ભક્ત ચિનુ બલરામ તણો અવતાર;
મોટાભાઈ કહી પ્રભુ કરતા વ્હેવાર.
‘મોટાભાઈ’ શબ્દે સાવ ગળી જતો ચિનુ;
ઉલ્લાસથી ગદગદ ગળું, નેત્ર ભીનું.
હૃદયમાં દૃઢ ભક્તિ, તથા શાસ્ત્રવિત્;
ભાગવત-કથામાં તો ચિનુ સુપંડિત.
કદી કદી પ્રભુ સાથે થતો તર્કવાદ;
ક્યારેક ખીજાતો વાદે તો કદી આહ્લાદ.
ચર્ચાયુદ્ધમાંથી બંને કદી ચડે ગાળે;
અવાજ ચિનુનો ત્યારે આકાશને ભાળે.
‘તારું મોઢું જોઉં નહિ’ સોગંદથી કહી;
ઘૂસી જતો ઘરમાં એ ધોતી ખાંધે વહી.
પ્રભુનો ઉત્તર પણ જેવો ચિનુ તેવો;
‘મારો ય સંકલ્પ તારું મોં ન જોઉં એવો.’
આવા વાગ્યુદ્ધ પછી બે ય થોડી વારે;
પાછા ભેગા બેસીને વાતોનાં ગપ્પાં મારે.
ઘણે ભાગે રોજ થતો આવો મતભેદ;
વયમાં ભલેને દાદા પૌત્ર જેવો ભેદ.
ચાહતો પ્રભુને ચિનુ પ્રાણ બરોબર;
ચિનુએ ઓળખી કાઢ્યા પ્રભુ ગદાધર.

વિશાલાક્ષીનો આવેશ

જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ,
જય જય ભગવાન જગતના ગુરુ;
જય જય રામકૃષ્ણતણા ભક્તગણ,
યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.
બાળલીલા પ્રભુની જે કામારપુકુરે;
ગાયે સુણ્યે તેથી હૈયે આનંદ જ સ્ફૂરે.
સુણો સુણો મન અતિ માધૂરી એ કથા;
કામારપુકુરે પ્રભુ ખેલીયા’તા યથા.
અચિંત્ય, અવ્યક્ત પૂર્ણબ્રહ્મ સનાતન;
કહે છે પુરાણો, તંત્રો, વેદો ઋષિજન.
જય, તપ, યાગ, યજ્ઞ, ક્રિયાદિથી પાર;
મન, ધી, ઈંદ્રિયોથી અતીત સમાચાર.
સર્વશક્તિમાન પ્રભુ અખિલના પતિ;
દૃષ્ટિ માત્રે થાય સૃષ્ટિ, દૃષ્ટે અંતગતિ.
અનંત બ્રહ્માંડ તણું દૃષ્ટિથી પાલન;
અનાદિ અનંતનું સુકઠિન સાધન.
પતિતપાવન એ જ કૃપાના સાગર;
અવતર્યા ધરા પરે ધારી કલેવર.
દેહની આકૃતિ લાગે માનવ સમાન;
શરીરક્રિયાઓ પણ સમ દૃશ્યમાન.
નરસંગે ખેલ કરે આનંદ લેવાને;
નર નહિ, પ્રભુ: તાકત કોની એ પિછાને.
શરીરી સચ્ચિદાનંદ પ્રભુ સર્વેશ્વર;
શી મધુર કથા આવે વર્ણનથી પર.
નર નારી સર્વ કોઈ ગામની વસતી;
પ્રભુ સાથે ખેલવામાં સૌને પ્રીતિ થતી.
ખવરાવે લાડુ આદિ ઘરે તેડી જઈ;
રસ્તામાં મળે તો આપે દુકાનેથી લઈ.
ગૂંથી પુષ્પોતણી માળા પહેરાવી દીએ;
અંગનાઓ ગામની આનંદ એમ લીએ.
ગદાધર સહુ કો’ના આદરનું પાત્ર;
ગમે તે કરે એ, કો’ન બોલે શબ્દ માત્ર.
ઉલટાં આનંદભર્યાં નિહાળે નયને;
જ્યારે જેવો ખેલ કરે જેહને ભવને.
આ જીવન શ્રીપ્રભુની જોઈ એ જ રીતિ;
જેની સાથે વાત કરે પામે તેહ પ્રીતિ.
મનમોહનીય વાતો આવે રસ ભારી;
શ્રીમુખેથી છૂટે જાણે અમૃતફુવારી;
પ્રભુની મૂરતિ કિંવા કાર્યનો પ્રકાર;
ભૂલી શકે નહિ જે કો’ દેખે એક વાર.
જુઓ મન, શ્રીપ્રભુને બાલ્યાવસ્થા હતી;
ત્યારથી સમાધિ ઈશ્વરની વાતે થતી.
દર્શનવર્ણન સુણી હૈયું ઉભરાયે;
ભાવમય મન ભાવસિંધુમંહિ જાયે.
અચેતન, સંજ્ઞાહિન, અંગના વિકાર;
કદી મુખે હાસ્ય, કદી આંખે જળધાર.
ભાવાવસ્થા પ્હેલી પ્હેલી દેખીને અદ્‌ભુત;
લોકો માને ગદાઈમાં આવે કો’ક ભૂત.
પણ હવે નહિ એવી અબુધ માન્યતા;
સૌ જાણે ચિહ્નો મહાભાવનાં એ હતાં.
હવે કોઈ દેવદેવી આવે જ્યારે ઘટે;
મહાભાવ ગદાઈમાં આવ્યો એમ રટે.
સ્થાનમાં પ્રકાશે જેહ પ્રતિમા અદૂરે;
તે જ દેવતાનો ભાવ ગદાઈમાં સ્ફૂરે.
ઉદાહરણથી કહું સુણો વિવરણ;
ગદાધર કેરી લીલા મંગળ શ્રવણ.
કામારપુકુર થકી નહિ અતિ દૂર;
થોડે છેટે આવ્યું એક ગામડું આનૂર.
બિરાજે ત્યાં દેવી વિશાલાક્ષી ઠાકુરાણી;
એક દિન સ્ત્રીઓ દરશને જાય જાણી.
ગદાધરે ઉપડ્યો એ સર્વ સ્ત્રીઓ સંગે;
જતાં જ દેવીનો આવિર્ભાવ આવ્યો અંગે.
અંગ જડવત્ બાહ્યજ્ઞાન નહિ જરી;
જોઈ બીકે સ્ત્રીઓ થઈ ગઈ અધમરી.
દેકારો ને રડારોળ, દઈ હાથ માથે;
કહે શાને લાવ્યાં રે, આ છોકરાને સાથે.
આ તે થયું શું રે તને દીકરા ગદાઈ;
મોઢું શું બતાવ્યીં ચંદ્રમણી માને જઈ.
એક જાણે તેઓમાં કે કોણ ગદાધર;
ચાલી આવે પાછળ જે ગતિએ મંથર.
ભક્તિમતી એહ નારી પત્ની લાહાતણી;
આવી પ્હોંચી ઝટ, ઊભી બીજી જ્યાં રમણી.
ઘેરી ગદાધરને સૌ કોલાહલ કરે;
આવી લાહા-પત્ની ચિહ્નો નિરીક્ષણ કરે.
શાંત કરવાને બધી વ્યાકુળ એ નારી;
લાગી કહેવાને વાત સહુને વિચારી.
સામે દેવી વિશાલાક્ષી તણું જે મંદર;
એ જ દેવી આવ્યાં છે ગદાઈની અંદર.
માટે વિશાલાક્ષી નામ લીઓ સર્વે નારી;
પ્રાણ તુલ્ય ગદાઈનું સુમંગલકારી.
કાનમાંહે દેવી નામ જતાં વારે વારે;
ભાવ ગયો, સ્વસ્થ થયો બાળ થોડી વારે.
ખૂબ જ મધુર શ્રીપ્રભુનું લીલાગાન;
થાય ચિત્ત શુદ્ધ કર્યે શ્રવણ આખ્યાન.
સાધન ભજન કિંવા પુણ્યકર્મ બળે;
જે મહાન પ્રભુભક્તિ કદાચિત મળે.
તેનો અનાયાસે લાભ પામે જીવગણ;
રામકૃષ્ણ-પુરાણ આ કરે જો શ્રવણ.
(ક્રમશ:)

Total Views: 166

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.