(૪) ૧૯૬૮માં સુરત જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે તારાજ થયેલાં ૨૩ ગામડાંમાં પુનર્વસવાટકાર્ય હાથ ધરાયું હતું. દરેક નવનિર્મિત ગામડાને સમાજમંદિર, પાણીપૂરવઠા તથા વીજળીની સુવિધાઓ સાથે પ્રિકાસ્ટ-કોંક્રીટનાં ૧૪૦૦ પાકાં મકાન બાંધી આપવામાં આવ્યાં હતાં.

(૫) ૧૯૭૦માં કચ્છના ધાણેટી ગામે દુષ્કાળને લીધે રાહત કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર દ્વારા ૨૪ ગામડાંના હજારો પીડિતોને રાંધેલું અનાજ તેમજ નવાં કપડાં અને બળદ, બિયારણ, ખાતર, પાણી, ખેતીવાડી વિષયક સહાય આપવામાં આવી હતી.

 (૬) ૧૯૭૦માં રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના માળીયામિયાણાં, ટીકર, ધુમડ તથા નળકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં અનાજ, કપડાં અને વાસણનું વિતરણકાર્ય કર્યું હતું. આ ઉપરાંત લીંબડી તાલુકાના સમલા ગામે ૪૦ મકાનોવાળી તેમજ રાજકોટના પોપટપરામાં ૫૩ કુટુંબો માટે વસાહત ઊભી કરવામાં આવી. 

(૭) ૧૯૭૩માં જસદણ તાલુકાના ભાડલા ગામે દુષ્કાળ રાહતકાર્ય રૂપે રાંધેલા અનાજની વહેંચણી તેમજ અતિવૃષ્ટિને કારણે પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં ધાબળા તેમજ ગરમ કપડાંનું વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બનાસકાંઠાના ડિસા તાલુકાના ભોયણ ગામનું પુનર્વસવાટકાર્ય હાથ ધરાયું હતું. આ ગામમાં ૨૦૦ કુટુંબો માટે નિવાસી મકાનો, સમાજમંદિર, વીજળી અને પાણીની પૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.

(૮) ૧૯૭૫માં દુષ્કાળને કારણે રાજકોટ શહેરનાં આશરે ૩૦૦૦ કુટુંબોને ઘઉં વગેરેનું રાહતભાવે વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું. કચ્છનાં ૨૧ ગામડાંને આવરી લેતાં હજારોની સંખ્યામાં પીડિતોને એક ટંક ભોજન તથા દસ કૂવાને ઊંડા પહોળા કરીને તેનું મરામતકાર્ય પણ કરવામાં આવ્યું હતું.

(૯) ઓક્ટોબર ૧૯૭૫માં જૂનાગઢ અને જામનગર જિલ્લામાં આવેલા ભયંકર વાવાઝોડાંને કારણે ૧૦૦થી વધુ ગામડાંના અસરગ્રસ્ત લોકોને ધાબળા, ગરમ કપડાં અને નવાં કપડાંનું વિતરણકાર્ય હાથ ધરાયું હતું.

(૧૦) જૂન ૧૯૭૬માં ગોંડલ (જિ.રાજકોટ) અને ભાવનગર જિલ્લામાં આવેલાં વાવાઝોડાંને કારણે અસરગ્રસ્ત લોકોમાં તત્કાલ રાહતરૂપે વાસણ, કપડાં, અનાજ અને તાલપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(૧૧) ૧૯૭૬માં અતિવૃષ્ટિને કારણે વડોદરા શહેરના નીચાણવાળા અસરગ્રસ્ત વિસ્તારોમાં ૫૮૬ કુટુંબોને ઘઉં, ધાબળા, વાસણની સહાય કરવામાં આવી હતી.

(૧૨) મોરબીની હોનારતના સમાચાર મળતાં આશ્રમના સ્વામીજીઓ અને ભક્તજનો પ્રાથમિક રાહતની સામગ્રી સાથે મોરબીના પૂરગ્રસ્ત વિસ્તારમાં ૧૨ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ પહોંચી ગયા. અને રાહતકાર્યનો આરંભ થયો. ૧૩મી ઓગસ્ટે આ શહેરના સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવા આશ્રમના સેવાભાવી કાર્યકરોએ ટ્રક, બસ, વગેરે વાહનોની મદદ લીધી હતી. પાણીના પૂરને કારણે સાવ વિખૂટા પડેલા માળીયા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં એક સપ્તાહથી પણ વધુ દિવસો સુધી હેલીકોપ્ટર દ્વારા ફૂડપેકેટ્સ, અનાજની થેલીઓ, કપડાં વગેરે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી હતી. 

આ આપત્તિના સમયે દસ સંન્યાસીઓની રાહબરી હેઠળ ૩૦૦ જેટલા કાર્યકરો આ રાહતસેવામાં પ્રવૃત્ત હતા. દરરોજ બસ તેમજ ટ્રકમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ભરીને બે ટુકડીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જતી. 

એક ટુકડી અસરગ્રસ્ત ગામડાંમાં અને બીજી ટુકડી મોરબી શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણકાર્ય કરતી. જરૂર જણાય તો આવા બે ફેરા પણ કરવામાં આવતા. આ ઉપરાંત રાહતકાર્યને વેગ આપવા અને વધુ ચોક્સાઈથી રાહતકાર્ય કરવા મોરબીના દરબારગઢમાં એક રાહતકેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. તત્કાલ રાહતસેવાકાર્ય પાછળ રૂ.૧૫ લાખથી પણ વધુ રકમ વાપરવામાં આવી હતી. મોરબી શહેર ઉપરાંત આસપાસનાં ૩૮ ગામડાંનાં ૧૪૦૦૦થી વધુ કુટુંબોને આવરી લેવામાં આવ્યાં હતાં. આ વિતરણ કાર્ય દ્વારા ૧૪૩ ટન જેટલો રાંધેલો ખોરાક, ફૂડપેકેટ્સ, ૨૪૩ ટન અનાજ, ૬૦૦૦૦ કપડાં અને ચાદર, ૧૬૦૦૦ વાસણ, ઉપરાંત સાબુ, દીવા, પ્રાયમસ, ચૂલા, બાકસ, મીણબત્તી સગડી, પાટલો વેલણ, જેવી અનેક ચીજવસ્તુઓનું વિતરણ થયું હતું. જરૂરી પેટન્ટ દવાઓ પણ પહોંચાડવામાં આવી હતી. 

પ્રાથમિક રાહતકાર્ય પછી પુનર્વસવાટનું કાર્ય હાથ ધરવામાં આવ્યું. મોરબીથી ૧૦ કી.મી. દૂર મચ્છુ નદીના કિનારે આવેલ અને પૂરથી તારાજ થયેલ વનાળિયા ગામે પુનર્વસનકાર્ય હાથ ધરાયું. ગુજરાત સરકારે નદીથી દૂર સલામત સ્થળે આપેલ ૨૨ એકર જમીન પર બે રૂમ, એક રસોડું, બાથરુમ સહિત ૩૬૦ ચો. ફૂટના રેતી સિમેન્ટના ભોંયતળિયાવાળાં પાકી ઈંટનાં ૬૬ ચો.મી. ખુલ્લી જગ્યાવાળાં ૧૮૩ મકાનો બાંધી આપવામાં આવ્યાં હતાં. 

આ નવનિર્મિત આદર્શગામ શ્રી શારદાનગર (વનાળિયા)ને બાલમંદિર, પાંચ વિશાળ રૂમસાથેની સુસજ્જ પ્રાથમિક શાળા, બે મંદિર, અને પાણી અને વીજળીની વ્યવસ્થા સાથેનું પુનર્વસનકાર્ય હાથ ધરાયું હતું. 

આ શારદાનગરનો સમર્પણવિધિ ભારતના તત્કાલીન વડાપ્રધાનશ્રી શ્રીમતી ઈંદિરાગાંધીના વરદ હસ્તે ૨૧મી જાન્યુઆરી, ૧૯૮૧ના રોજ યોજાયો હતો. 

આ પુનર્વસવાટ કાર્ય હેઠળ આશરે રૂ. ૪૦ લાખ વાપરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મચ્છુ ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલ લીલાપુર ગામનાં ૧૪૫ કુટુંબોને પોતાની મેળે મકાનો ઊભાં કરવા માટે રૂ.૪,૯૫,૦૦૦૦ની આર્થિક સહાય કરવામાં આવી હતી.

મોરબીના લાલબાગ વિસ્તારમાં ૧૦ એકર જમીન પર મોરબી શહેરના અસરગ્રસ્ત લોકો માટે ૨૫૦ મકાનોવાળી એક કોલોની બાંધી આપવામાં આવી હતી. બાલમંદિર, સાત રૂમવાળી સુસજ્જ પ્રાથમિક શાળાનું વિશાળ મકાન, મંદિર, પાણી-વીજળીની વ્યવસ્થા સાથે સંડાસ-બાથરૂમના બાંધકામની સુવિધા પણ આપવામાં આવી હતી. ભૂગર્ભ ગટરયોજનાની સુવિધા પણ આપવામાં આવી હતી. આ પુનર્વસનકાર્ય હેઠળ ૪૫,૦૦,૦૦૦ વાપરવામાં આવ્યા હતા. ૨૭મી જુલાઈ, ૧૯૮૧ના રોજ ગુજરાતના રાજ્યપાલ શ્રી શારદાબહેન મુખર્જી અને મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકીની હાજરીમાં આ કોલોની રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી હતી.

૧૯૮૦માં અતિવૃષ્ટિ અને પૂરને કારણે તારાજ થયેલાં જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના ગામડાં માળિયા હાટિના, કેશોદ, અવામા, ઝાંઝમેર, પરેણી, સુપેડી, મોટા ગુંદાળાનાં ૬૯૩ કુટુંબોમાં ૬૦૦૦ કિ. બાજરો, ૩૦૦૦ કિ. ડુંગળી, ૮૪૦ મી. કાપડ, ૧૬૦૮ કપડાં અને ૨૨૧૨ વાસણ પૂરાં પાડવામાં આવ્યાં હતાં.

Total Views: 98

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.