રામકૃષ્ણ મઠ-મિશનના ઉદ્‌ઘાટન સમારંભ અને સેમિનાર

રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ હસ્તે શિક્ષકો, વિદ્યાર્થીઓ, સંન્યાસીઓ અને ભક્તજનોની હાજરીમાં ૨૫મી મે, ૨૦૦૧ના રોજ ત્રિસ્સુર કેન્દ્રમાં ઉચ્ચતર પ્રાથમિક શાળાનું ઉદ્‌ઘાટન સંપન્ન થયું.

૨૪મી જૂન, ૨૦૦૧ના રોજ રામકૃષ્ણ મઠ- મિશનના જનરલ સૅક્રેટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ હસ્તે કોઈમ્બતુર વિદ્યાલયમાં નવા જ બંધાયેલા અપંગ-અનાથ માટેના ‘ઈન્ટરનૅશનલ હ્યુમન રિસોર્સ ડૅવલપમૅન્ટ સેંન્ટર’ ભવનનો ઉદ્‌ઘાટનવિધિ થયો હતો.

૬ જૂન, ૨૦૦૧ના રોજ ઉત્તરાંચલ રાજ્યના રાજ્યપાલ શ્રી એસ.એસ. બરનાલાએ કનખલ સેવાશ્રમ શતાબ્દિ મહોત્સવ સમારંભનું ઉદ્‌ઘાટન કર્યું હતું અને સંન્યાસીઓ, હિંદુભાવધારાને વરેલા અગ્રણીઓ, અગ્રણી નાગરિકો અને ભક્તજનોની સભાને તેમણે સંબોધી હતી.

રામકૃષ્ણ મઠ, ચેન્નાઈ દ્વારા ૮ થી ૧૫ વર્ષની ઉંમરનાં બાળકો માટેના એક મહિનાના ગ્રીસ્મકાલીન કૅમ્પનું આયોજન મે મહિનામાં થયું હતું. આ કૅમ્પમાં ૫૦૦ બાળકો-કિશોરોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં યોગાસન, મંત્રોચ્ચાર, સ્તોત્રપાઠ, ભજન, હસ્તકલાકારીગીરી અને નૈતિક મૂલ્યોનું શિક્ષણ વગેરેનો સમાવેશ થયો હતો.

રામકૃષ્ણ મિશન, ચેરાપુંજીની શાળાના ઉચ્ચતર માધ્યમિક બૉર્ડની પરીક્ષામાં એક વિદ્યાર્થી ચોથે સ્થાને અને મેઘાલય સૅકન્ડરી ઍજ્યુ. બૉર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં આદિવાસી વિદ્યાર્થીઓની મેરિટ યાદીમાં એક વિદ્યાર્થી ૭મા ક્રમે આવ્યો છે.

આરોગ્ય સેવા

અગરતલા કેન્દ્રમાં યોજાયેલ નેત્રચિકિત્સા કૅમ્પમાં ૭૪ દર્દીઓનાં ઑપરેશન થયાં હતાં. લીંબડીમાં ૨૪ દર્દીઓનાં, પોરબંદરમાં ૧૩ દર્દીઓનાં, પૂરી મઠમાં ૨૨ દર્દીઓનાં, ઉલસૂરમાં ૫૮ દર્દીઓનાં ઑપરેશન થયાં હતાં.

બ્રહ્મગિરિ તાલુકાના બાલિહરચંડી મેળામાં પુરી મઠ દ્વારા યોજાયેલા મૅડિકલ કૅમ્પમાં ૭૦૦ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.

ગૌહાટી કેન્દ્રમાં અંબુબાચી મેળામાં કામાખ્યા માતાના મંદિર વિસ્તારમાં યોજાયેલા મૅડિકલ કૅમ્પમાં ૨૨૫૪ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.

બઁગલોરના ઝૂંપડપટ્ટી વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓને ઉલસૂર આશ્રમ દ્વારા ૪૦૦ નોટબૂક અને ૧૫૦ ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કૉલંબો (શ્રીલંકા)ના પેટા કેન્દ્ર બાટીકલોઆના વિદ્યાર્થીગૃહનો હીરકમહોત્સવ ૬ અને ૭મી જૂને ઉજવાઈ ગયો. આ પ્રસંગે શણગારેલા ફ્‌લોટ્સ, જાહેર સભા, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. વિદ્વાન વક્તાઓનાં વક્તવ્યો યોજાયાં હતાં. એક સ્મરણિકાનું વિમોચન સ્વામી શિવમયાનંદજીના વરદ હસ્તે થયું હતું.

૨૮મી જૂન, ૨૦૦૧ના રોજ ફીઝી આશ્રમની વિવેકાનંદ કૉલેજમાં ‘ધ ન્યુ મિલેનિયમ ઈન્ફૉર્મેશન સૅન્ટર’નું મંગળ ઉદ્‌ઘાટન ન્યુઝીલૅન્ડ અને પેસિફિક આય્‌લૅન્ડના કાર્યવાહક, કૅનેડિયન કૉન્સલ શ્રીવિલિયમ બૉવ્‌ડેનના વરદ હસ્તે થયું હતું.

રામકૃષ્ણ મઠ, બેલુર, કોલકતામાં નવનિર્મિત શ્રીરામકૃષ્ણ સંગ્રહસ્થાનના ભવનનું શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ હસ્તે મંગલ ઉદ્‌ઘાટન

૭મી મે, ૨૦૦૧, બુદ્ધપૂર્ણિમાના પવિત્ર દિવસે રામકૃષ્ણ મઠ, બેલુરના પટાંગણમાં નવનિર્મિત શ્રીરામકૃષ્ણ સંગ્રહસ્થાનના ભવનનું મંગલ ઉદ્‌ઘાટન રામકૃષ્ણ મઠ- મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ હસ્તે સંપન્ન થયું હતું.

યુનિસેફના ફૉરમ ફૉર ચિલ્ડ્રન, આઈ.એમ.એ, ઇન્ડિયન ફૉરમ ફૉર વિમેન દ્વારા ચિન્મય મિશન હૉલ, ન્યુ દિલ્હીમાં યોજાયેલ પુત્રીઓના જન્મ લેવાના અધિકારને ભૃણહત્યા દ્વારા નિષ્ઠૂર હનનને રોકવા માટે જનજાગરણ વિષયક ચર્ચાસભામાં અન્ય મહાનુભાવો સાથે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજી મહારાજે શ્રી શ્રીઠાકુર, શ્રી શ્રીમા અને સ્વામીજીના સર્વ સ્ત્રીઓમાં શ્રીજગદંબાને જોવાનો, શ્રી માને જોવાનો નવો દૃષ્ટિકોણ કેળવવાની અને ૨૧મી સદીમાં નારીશક્તિના મહામહિમાનું ગૌરવ કરવા સૌ કોઈને હાકલ કરી છે. આ સમારંભમાં ભારતભરમાંથી ૩૫ જેટલા વિશિષ્ટ વક્તાઓ, તજ્જ્ઞો, ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં માનવ સંસાધન વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી મુરલી મનોહર જોષી, દિલ્હીના મુખ્યમંત્રીશ્રી શીલા દીક્ષિત, જગદ્‌ગુરુ શંકરાચાર્ય, સ્વામી અગ્નિવેશ અને ઇન્ડિયન મૅડિકલ એસોસિએશનના પ્રમુખનો સમાવેશ થાય છે.

રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા નવનિર્મિત બે શાળાનાં મંગલ ઉદ્‌ઘાટન

રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા ભૂકંપગ્રસ્ત વિસ્તારોના પુનર્વસન પ્રકલ્પ યોજના હેઠળ ૩૦મી જૂન, ૨૦૦૧ના રોજ ગુજરાત રાજ્યના યુવા, સાંસ્કૃતિક અને રમતગમત વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીના વ૨દ હસ્તે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના થોયાણા ગામની નવનિર્મિત ‘વિવેકાનંદ વિદ્યામંદિર’ પ્રાથમિક શાળાનું ઉદ્‌ઘાટન થયું હતું. આ જ દિવસે ગુજરાત રાજ્ય મત્સ્યોધોગ, નાગરિક પુરવઠા ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન શ્રીબાબુભાઈ બોખીરિયાના વરદ હસ્તે માહિરા ગામની નવનિર્મિત ‘વિવેકાનંદ વિદ્યામંદિર’નું મંગલ ઉદ્‌ઘાટન સંપન્ન થયું હતું. આ પ્રસંગે અગ્રણીઓ, સરકારી અધિકારીઓ અને ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા. બંને મંત્રીશ્રીઓએ રામકૃષ્ણ મિશન, પોરબંદરની રાહત સેવાપ્રવૃત્તિઓ માટે સંસ્થાને ધન્યવાદ આપ્યા હતા. આ સંસ્થાએ બે વસાહતો ઉપરાંત ર૧ શાળાઓનાં મકાન બાંધી આપવાની જહેમત ઉઠાવી છે તે ખરેખર દાદ માગી લે તેવી વાત છે. લોકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદના શિક્ષણના આદર્શને અનુસરે અને આ શૈક્ષણિક સંકુલનો એવો ઉપયોગ કરે જેથી તે શિક્ષણવિકાસનું કેન્દ્ર બની જાય. રામકૃષ્ણ મિશન, પોરબંદરના સેક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાના સ્વાગત અને પ્રાસંગિક પ્રવચનમાં ધરતીકંપ રાહતસેવા અને પુનર્વસન સેવાકાર્યનો વિગતવાર અહેવાલ આપ્યો હતો. આવી ૨૧ શાળાઓના બાંધકામ હેઠળ ૧.૭૨ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.

Total Views: 114

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.