ભારતરત્ન ડો. અબ્દુલ કલામ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે

૨૫મી ડિસેમ્બર, મંગળવારે સાંજે ૬.૨૫ મિનિટે ભારતના મહાન વૈજ્ઞાનિક, ભારતરત્ન ડો. અબ્દુલ કલામ કેન્દ્રિય મંત્રીશ્રી ડો. વલ્લભભાઈ કથીરિયા સાથે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પધાર્યા ત્યારે ભક્તજનો, શહેરીજનો, પત્રકારો અને ગણ્યમાન્ય નાગરિકો આશ્રમના પટાંગણમાં ઉપસ્થિત હતા. સ્વામી જિતાત્માનંદ, સ્વામી નિખિલેશ્વરાનંદ અને અન્ય સંન્યાસી અને બ્રહ્મચારીઓએ એમનું અભિવાદન કર્યું હતું. ભારતીય સંસ્કૃતિ વિશેની આશ્રમની આર્ટગેલેરીમાં એમને સૌ પ્રથમ લઈ જવામાં આવ્યા હતા. આર્ટગેલેરીમાં પ્રવેશતાં સ્વામી વિવેકાનંદના નવ ફૂટ ઊંચી પ્રતિમાને નીહાળીને તેઓ બોલી ઊઠ્યા : ‘સ્વામીજીની આ પ્રતિમાને નીહાળીને હું મારી જાતને વધુ આત્મશ્રદ્ધાવાળો અને શક્તિશાળી અનુભવું છું. હું ‘ઊઠો! જાગો!’ એ શબ્દોનો શક્તિપ્રવાહ અનુભવું છું.’ વૈદિક ગુરુકુળસંસ્કૃતિનાં ચિત્રો જોઈને તેમણે પ્રશ્ન પૂછ્યો: ‘આ સંસ્કૃતિ ૧૦ હજાર વર્ષ જૂની હતી કે ૫ હજાર વર્ષ?’ અમે કહ્યું, ‘વિશ્વના મોટા ભાગના વિદ્વાનો આ સંસ્કૃતિને ૫ હજાર વર્ષ જૂની ગણે છે. તેમણે કહ્યું: ‘આપણા ભારતીય વિદ્યાર્થીઓને મૂલ્યલક્ષી શિક્ષણ આપવા ગુરુકુળ શિક્ષણપ્રણાલી સ્થાપવાની આ ચિત્રો મને પ્રેરણા આપે છે.’ અમે જણાવ્યું કે સર જમશેદજી તાતા આવું જ ઇચ્છતા હતા. તેઓ ઇચ્છતા હતા કે સ્વામીજી આ ભારતની આ સુચિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચના નિયામક બને અને ત્યાગપરાયણ અને આત્મસંયમી વાતાવરણમાં ભારતના વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું શિક્ષણ આપે. ૧૦૦ વર્ષ પહેલાં સ્વામીજીના દૃષ્ટિકોણ સાથે પોતાના દૃષ્ટિકોણને બરાબર મળતો આવતો જોઈને તેમને આનંદ અને આશ્ચર્ય અનુભવ્યા. ચિત્રોમાં ઋષિઓ, સંન્યાસીઓ, વૈદિક સમયના શિક્ષકોને જોઈને કહ્યું: ‘એ વખતે આપણા ચાર આશ્રમો હતા : બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસાશ્રમ. જીવનનાં આ ચાર સોપાનો હતાં.’ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કહ્યું કે અમે વચ્ચેના બે આશ્રમોને છોડીને સંન્યાસ લીધો છે. માયાવતીના પેઇન્ટીંગને તેઓ નિહાળતા હતા ત્યારે અમે રામકૃષ્ણ મિશનના આ દેવદેવીની પૂજા ન થતી હોય તેવા અનન્ય અદ્વૈત આશ્રમની વાત કરી. અહીં સૌ કોઈને પોતાની ભીતર રહેલી દિવ્યતાની અનુભૂતિ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આર્ટગેલેરીભવનના પગથિયાં ઊતરતાં ગઈ કાલે આશ્રમમાં ઉજવાયેલા ‘ક્રિસમસ ઈવ’ના ઉત્સવની અને જિસસ અને બાઈબલ વિશે વિગતવાર વાત કરી એટલે તેમણે પૂછ્યું: ‘તમે ઇસુ ખ્રિસ્ત વિશે શું કહ્યું?’ અમે એમને કહ્યું: ‘જિસસ ઈસુની બે મહાન આજ્ઞાઓ અને એના વૈશ્વિક ઉપદેશ – ‘તું તારા પ્રભુને તારા પૂરા અંત:કરણથી ચાહજે: તારાં પાડોશીને તારી માફક ચાહજે. વગેરે.’ મંદિરમાં જતાં પહેલાં એમણે સંન્યાસી પ્રથા વિશે પૂછ્યું. અમે એમને કહ્યું, ગીતાના સંદેશ પ્રમાણે તમે સંન્યાસ નથી લીધો છતાં પણ એક સંન્યાસી છો, યોગી છો. તેમણે એ શ્લોકનું પઠન કરવા કહ્યું. ગીતાના ૬ઠ્ઠા અધ્યાયનો એ પ્રથમ શ્લોક આ છે :

અનાશ્રિત: કર્મફલં કાર્યં કર્મ કરોતિ ય: ।
સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિય: ॥

અમે કહ્યુ: ‘ડો. કલામ તમે એક સંન્યાસી છો.’ ઊંડી અનુભૂતિ સાથે એનો ચહેરો ચમકી ઊઠ્યો. ગીતાના એ શબ્દોને જાણે પોતાની ભીતર ઊતારતા હોય તેવી રીતે તેઓ થંભી ગયા. ત્યાર પછી તેઓ મંદિરમાં પ્રવેશ્યા. પ્રાર્થના ચાલુ હતી. મેડોના અને બાળ ઈસુ ખ્રિસ્તની વિશાળ કદની છબીઓ શણગારવામાં આવી હતી. તેઓ વિદ્યાર્થીઓ – સંન્યાસીઓના પ્રાર્થનાગાનમાં જોડાઈ ગયા. ૧૦ મિનિટ સુધી તેઓ મંદિરના શાંતિ અને પવિત્રતાના વાતાવરણમાં ધ્યાનમગ્ન થઈને શાંતિથી બેઠા. પ્રાર્થના પછી શહેરમાં એમનાં પોતાનાં બીજાં રોકાણો માટે તેઓ બહાર જવા નીકળ્યા. પગથિયાં ઊતરતી વખતે અમે એમને પૂછ્યું કે, ‘પ્રાર્થનામાં આપે શું અનુભવ્યું?’ તેમનો ચહેરો બાળકના જેવા આનંદ અને શાંતિથી ચમકી ઊઠ્યો અને કહ્યું: ‘પ્રાર્થનાનું સંગીત ભવ્ય અને દિવ્ય હતું. એ દિવ્ય સંગીત મારા હૃદયમાં, મારા આત્મામાં પ્રવેશી ચૂક્યું છે અને હું મારી ભીતર એ મહાન પ્રભુની ઉપસ્થિતિને અનુભવું છું.’

શ્રીરામકૃષ્ણ આશ્રમમાં રાષ્ટ્રિય યુવદિન મહોત્સવ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧૨ જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદ જન્મતિથિ, રાષ્ટ્રિય યુવદિનની ઉજવણી ૨૫૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં થઈ હતી. આ પ્રસંગે પોતાના સ્વાગત અને પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારતમાં ઘણું નરસું-નરસું જોવા મળે છે, છતાંય અવકાશ વિજ્ઞાન, અણુવિજ્ઞાન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, કૃષિ-ઉત્પાદન વગેરેની બાબતમાં આપણે ઘણી સારી પ્રગતિ કરી છે. આપની બદનસીબીનું મૂળકારણ આપણે સ્વામી વિવેકાનંદના સંદેશને ભૂલી ગયા તે છે. હવે આપણે સ્વામીજીના સંદેશને નજર સમક્ષ રાખીને ચાલીશું, અજવાળા તરફ ચાલીશું તો અંધારું દૂર થશે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિ.ના ઉપકુલપતિ ડો. કનુભાઈ માવાણીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે સ્વામીજીનું નામ મારામાં એક નવી ચેતના ઊભી કરે છે અને સ્વામીજીએ ભારતીય આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો જે આદર્શ સ્થાપ્યો છે એને ચરિતાર્થ કરવા આજના યુવાનોએ પ્રયત્નશીલ થવું પડશે. સમારંભના અતિથિવિશેષ રાજકોટ જિલ્લાના પોલિસ અધિકારી શ્રી અજયકુમાર તોમારે ભારતને મહાન બનાવવું હોય તો આપણે સૌએ જ્ઞાન, ધ્યાન અને સ્પષ્ટ સંકલ્પના ને આપણા જીવનમાં ઊતારવા પડશે, આપણી ભીતરની શક્તિઓને જગાડીને આપણી નિર્બળતાને હટાવીને આ દેશનાં દૂષણોને દૂર કરી શકશું. સ્વામીજીનું આ કથન આજના વિદ્યાર્થીઓએ હંમેશાં યાદ રાખવા જેવું છે : બળ એ જ જીવન નિર્બળતા એ જ મૃત્યુ.

આ પ્રસંગે એસ.એન.કે. શાળાના વિદ્યાર્થીવૃંદે ‘ચિદાનંદ રૂપ: શિવોઽહમ્‌, શિવોઽહમ્‌’નું ગાન તેમજ ‘અમૃતનાં સંતાનો’નો અંગ્રેજી નાટ્યાભિનય રજૂ કર્યાં હતાં. લાલ બહાદુર શાસ્ત્રી અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએે ‘ન્યુયૉર્કમાં સ્વામી વિવેકાનંદ’ નામનો અંગ્રેજી નાટ્યાભિનય અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વિદ્યાર્થી મંદિરના વિદ્યાર્થીઓએ ‘સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશ’ વિશે નાટ્યાભિનય રજૂ કર્યો હતો. વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ એન્ડ ટુરિઝમના વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય અને ભજન-સંગીત રજૂ કરવામાં આવ્યાં હતાં.

કાર્યક્રમના અંતે રાજકોટ સંગીત-નૃત્ય-નાટ્ય એકેડમી અને હિરાણી પરફોર્મીંગ આર્ટસ કોલેજના વિદ્યાર્થી વૃંદનું ભજન સૌ કોઈને આકર્ષી ગયું. બ્રહ્મચારી રમેશચૈતન્યે ‘સ્વામી વિવેકાનંદના સ્વદેશ મંત્ર’નું પઠન ઉપસ્થિત બધા વિદ્યાર્થીઓ પાસે કરાવ્યું હતું.

રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા નવનિર્મિત પ્રાર્થનામંદિરનો સમર્પણવિધિ 

રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા નવનિર્મિત પ્રાર્થનામંદિરનો સમર્પણવિધિ રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે ૯મી જાન્યુ.એ સવારના ૮.૧૫ કલાકે સંપન્ન થયો. આ પ્રસંગે યોજાયેલ વિશાળ શોભાયાત્રામાં રામકૃષ્ણ-સંઘના સંન્યાસીઓ, શહેરના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં ભાઈ-બહેનો જોડાયાં હતાં. શ્રીમત સ્વામી આત્મસ્થાનંદજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલ જાહેરસભામાં સ્વામી આદિભવાનંદજી, પ્રો. શ્રીજ્યોતિબહેન થાનકી અને સ્વામી જિતાત્માનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદનાં જીવનસંદેશની પ્રાસંગિકતા વિશે મનનીય વક્તવ્યો આપ્યાં હતાં.

તા.૧૦ જાન્યુ.ની સવારના ૮.૦૦ થી ૧૧.૩૦ વચ્ચે યોજાયેલ આધ્યાત્મિક શિબિરમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આધ્યાત્મિક જીવન વિશેનાં વક્તવ્યો પછી ભક્તજનો દ્વારા પુછાયેલા પ્રશ્નોના ઉત્તર તેમજ માર્ગદર્શન શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે આપ્યા હતા. તે જ દિવસે સાંજે ૭.૧૫ વાગ્યે સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર શ્રીભીખુદાનભાઈ ગઢવીનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

૧૧મી જાન્યુ. સાંજે ૭.૧૫ થી ૯.૦૦ સુધી સુપ્રસિદ્ધ મહેર દાંડિયા-રાસગૃપ, છાયા દ્વારા દાંડિયા-રાસ, લાઠીદાવ, તલવારદાવ જેવા રાસના વિવિધ કાર્યક્રમોથી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

૧૨મી જાન્યુ. સવારે ૮.૪૫ થી ૧૨.૩૦ દરમિયાન યોજાયેલ યુવસંમેલનમાં ૧૫૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે સૌને આશીર્વચન પાઠવ્યા હતા અને ‘સ્વામી વિવેકાનંદના સ્વદેશ મંત્ર’નું સામુહિક પઠન કરાયું હતું. કેન્દ્ર સરકારના ભારે ઉદ્યોગ અને જાહેરસાહસોના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ડો.વલ્લભભાઈ કથીરિયા અને ગુજરાત રાજ્યના સિંચાઈ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરિયા તથા રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજી અને અન્ય વિદ્વાનોએ યુવાનોને સંબોધ્યા હતા. સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ પ્રસંગે યોજાયેલ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને પુરસ્કારનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે થયું હતું. આ પ્રસંગે ડો. કથીરિયાએ વિશેષ સ્મરણિકાનું વિમોચન કર્યું હતું. સાંજના ૫.૦૦ થી ૬.૦૦ દરમિયાન યુવસંમેલનના ભાગ રૂપે યોજાયેલ સભામાં ભારત સરકારના પ્રવાસન અને સંસ્કૃતિ ખાતાના મંત્રીશ્રી જગમોહને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. ત્યાર બાદ નવનિર્મિત પુસ્તકાલય ભવનનો ઉદ્‌ઘાટન વિધિ તેમના વરદ હસ્તે સંપન્ન થયો હતો.

Total Views: 90

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.