સ્વામી વિવેકાનંદ : જીવનસંદેશ પ્રદર્શન

આ પ્રદર્શનનું આયોજન કરીને સ્વામીજીના શાશ્વત સંદેશને ઘરે ઘરે પહોંચાડીએ

પોતાના જીવન અને સંદેશ દ્વારા સ્વામી વિવેકાનંદ આજે સર્વત્ર લોકોને પ્રેરણા આપી રહ્યા છે. અસંખ્ય લોકો ધીમે ધીમે શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામીજીના જીવનસંદેશ તરફ વળવા લાગ્યા છે. ૧૯૮૫માં આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવગાંધીની સરકારે સ્વામી વિવેકાનંદના જન્મદિન, ૧૨મી જાન્યુઆરીને રાષ્ટ્રિય યુવદિન તરીકે ઊજવવાની ઘોષણા કરી છે. આ ઉજવણીથી વધુ ને વધુ યુવાનો સ્વામીજી પ્રત્યે આકર્ષાયા છે. ૧૮૯૩ની શિકાગોની વિશ્વધર્મપરિષદના શતાબ્દિ મહોત્સવ નિમિત્તે ૧૯૯૩માં યોજાયેલા સમારંભમાં સ્વામીજીએ આપેલા સંદેશને સૌ કોઈએ ફરીથી દોહરાવ્યો છે. સ્વામી વિવેકાનંદના નિર્માણની શતાબ્દિના સમયે ૪, જુલાઈ ૧૯૦૨ના રોજ રામકૃષ્ણ આશ્રમ, મૈસૂર દ્વારા ‘ઊઠો, જાગો!’ એ નામે સ્વામીજીના જીવનસંદેશનું રંગબેરંગી પોસ્ટર પ્રદર્શન તૈયાર કર્યું છે. અત્યાર સુધીમાં ચાલીસ પોસ્ટરોવાળી એક એવી ૧૦૦૯ કિટ્‌સ અગાઉથી માગણી કરનાર માટે રવાના કરી દીધી છે. આ પોસ્ટર પ્રદર્શન પ્રકલ્પની કેટલીક વિશિષ્ટ બાબતો :

* દરેક પ્રદર્શન કીટમાં ૪૮ સે.મી. x ૭૩ સે.મી. સાઈઝની ૪૦ પેનલ્સ છે. દરેક પોસ્ટર ૧૦ મિ.મિ. જાડા થર્મોકોલ શિટ પર લગાડવામાં આવ્યું છે. જેના પર કાળી પીવીસીયુની બોર્ડર છે. મકાનની દિવાલો પર આ પેનલને સરળતાથી લટકાવી શકાય છે. આવી ૧૦૦૯ કિટ્‌સ દેશના ખૂણે ખૂણે મોકલી દીધી છે.

* દરેક પેનલમાં લેમિનેશનવાળું વિવિધરંગી આકર્ષક ચિત્ર કે ફોટોગ્રાફ છે. તેની નીચે એને યોગ્ય લખાણ પણ છે. આ પોસ્ટર ઓફસેટ પ્રિન્ટીંગમાં છપાયું છે. સ્વામીજીની વાણીવાળું લખાણ કે એ અંગેની નોંધ અંગ્રેજી તેમજ જુદા જુદા રાજ્યોમાંથી આવેલી માગના આધારે બંગાળી ૨૬૮, હિંદી ૧૮૭, તામિલ ૧૩૪, કન્નડ ૧૨૭, તેલુગુ ૮૫, ગુજરાતી ૭૧, મરાઠી ૬૬, આસામી ૩૫, મલયાલમ ૧૭, ઉડિયા ૧૬, ભારતની અન્ય પ્રાંતીય ભાષાઓમાં અપાયું છે. તેમજ માત્ર અંગ્રેજી ૩ (સંસ્કૃત આવૃત્તિ માટે) રાખ્યું છે.

* ૪૦ પેનલોને ૩૦ ” * ૧૧ ” * ૨૦ “ના માપની કાર્ડબોર્ડની ૨ પેટીઓમાં રાખવામાં આવી છે. આ બંનેનું વજન સરળતાથી ઉપાડી શકાય તેટલું ૬.૫ કિ.ગ્રા. છે.

* પ્રદર્શન લેનારે ૨૦૦૨-૦૩ના વર્ષમાં ઓછામાં ઓછા હજારેક જેટલા લોકો દરેક સંસ્થામાં જોઈ શકે તે રીતે ૧૦ સંસ્થાઓને બતાવવાનું રહેશે. વર્ષ દરમિયાન ૧ કરોડ લોકો આ પ્રદર્શનને જોઈ શકે એવું આયોજન કર્યું છે.

* આ પ્રદર્શન કિટને જો કાળજીપૂર્વક સાચવવા-જાળવવામાં આવે તો તે ઘણો લાંબો સમય સુધી એક અમૂલ્ય સંપત્તિની જેમ રહી શકે છે.

આ પ્રદર્શન આપણે ક્યાં ક્યાં યોજીશું

શાળા, કોલેજના વાર્ષિક કાર્યક્રમો, રાષ્ટ્રિય યુવદિનની ઉજવણીના કાર્યક્રમો, મંદિરના ધાર્મિક મહોત્સવો, સ્થાનિક લોકમેળા, હરતાં ફરતાં પુસ્તકાલયો કે વિજ્ઞાન પ્રયોગશાળા દ્વારા આ પ્રદર્શનો યોજી શકાય.

આ પ્રદર્શન આયોજનમાં કોણ ભાગ લઈ શકે

રામકૃષ્ણ મઠ અને મિશનના કેન્દ્રો, રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના કેન્દ્રો, ભાવપ્રચાર પરિષદનું આયોજન ન થયું હોય એવા આશ્રમો કે સમાજ ઘટકો, વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારીના કેન્દ્રો, વિવેકાનંદ યુવમહામંડળના કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, યુવસમાજો અને સેવાભાવી સંસ્થાઓ આવી કિટ મેળવીને પ્રદર્શનનું આયોજન કરી શકે.

૧૦૦૯ કિટ્‌સનો ખર્ચ રૂ.૧૬ લાખ થયો છે. આ પ્રદર્શન આયોજન કરનાર સંસ્થા કે વ્યક્તિને અમે માત્ર ૨૫૦ રૂપિયા જેવા સાવ નજેવા દરે એક કીટ આપીએ છીએ. બાકીનો ખર્ચ દાતાઓ કે સ્પોન્સરશીપ દ્વારા ઊભો કરીએ છીએ.

ખર્ચ અને દાન – સ્પોન્સરશીપ અંગે

* દરેક પેનલ માટે સ્પોન્સરશીપનો દર રૂપિયા ૨૫,૦૦૦ છે. અમને અત્યારે સુધીમાં ૩૭ સ્પોન્સર્સ મળ્યા છે. સ્પોન્સરનું નામ અને સરનામું દરેક પેનલને નીચે ૧.૫”ની સ્ટ્રીપ પર આપવામાં આવેલ છે. * ઉદાર દિલના દાનવીરો, જાહેર સખાવત કરતા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ વ્યાપારી સંસ્થાનો અને સ્વામીજીના ચાહકો અને ભક્તજનોનો હાર્દિક અને સક્રિય સહકાર અમે વાંછીએ છીએ. દેશભરના સ્વયંસેવકો અને વિદ્યાર્થી કલ્યાણની પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓને આવું પ્રદર્શન મેળવીને તેનું આયોજન વધુ ને વધુ સ્થળે કરવા માટે અમે વિનંતી કરીએ છીએ.

ઋણ સ્વીકાર

ઉદાર દિલના દાતાઓ, સ્પોન્સરસંસ્થાઓ, યુવસમૂહો કે જેમણે આ પ્રદર્શન-આયોજનની જવાબદારી સ્વીકારી છે એ સૌનો અમે આ પળે અમે આભાર માનીએ છીએ.

સ્વામી મેધાનંદજી સાથે કોમ્યુટર ગ્રાફીક્સ પર ઘણું સુંદર કામ કરવા માટે બઁગલોરના બે યુવાન કલાકારો શ્રી સોમશેખર અને મહાપાત્રનો અહીં વિશેષ ઉલ્લેખ કરીએ છીએ. મયુર ગ્રાફીક્સ, બઁગલોર; રિપ્લીકા ઓફસેટ પ્રિન્ટર્સ, બઁગલોર; ટાઈપ કોર્નર, બઁગલોરમાં કાર્ય સેવા આપનાર મિત્રોનો પણ અમે ઋણસ્વીકાર કરીએ છીએ.

આ પ્રદર્શન માટે વ્યાજબી ભાવે ચીજવસ્તુ પૂરી પાડનારા વેપારીઓ અને દેશના ખૂણે ખૂણે પ્રદર્શનને પહોંચાડનાર ટ્રાન્સપોર્ટ એજન્સીઓનો પણ અહીં ઉલ્લેખ કરીએ છીએ. મૈસૂરનાં ૧૦૦ જેટલાં ભક્ત ભાઈબહેનો એચ.ડી.કોટે, બી.આર. હિલ્સ, બેલ્લારી અને બઁગલોરના યુવા સ્વયં સેવકો કે જેમણે અમારા વિદ્યાશાળા કેમ્પસમાં આ પેનલોને ગોઠવીને એની કીટનું પકિંગ કરવાનું જે કાર્ય કર્યું છે એ માટે અમે એમનો પણ આભાર માનીએ છીએ. વિદ્યાશાળા અને રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મોરલ એન્ડ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનના બધા સન્મિત્રો અને બીજા સંન્યાસી બંધુના સહકારનો પણ અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે.

નોંધ

હજુએ દેશના વિવિધ પ્રદેશોમાંથી આવી કિટની માગણી આવે છે. અમે થોડા મર્યાદિત પણ વધારાના છાપકામ અને પ્રકાશન માટે પ્રયત્ન કરીએ છીએ. 

એક પેનલનો ખર્ચ રૂ.૨૫,૦૦૦ જેટલો થશે. દરેક સહાયકનું નામ પેનલની નીચે દર્શાવવામાં આવશે. સહાયની રકમનો ચેક/ડ્રાફ્ટ મોકલતી વખતે કવર પર ‘ARISE ! AWAKE !’ લખવા વિનંતી. સંસ્થાને અપાયેલા દાનની રકમ આવકવેરામાં કલમ ૮૦ (જી) હેઠળ કપાતને પાત્ર છે.

The President
Shri Ramakrishna Ashrama,
Yadavagiri, MYSORE – 570 020.
Phones : 0821 – 510535, 412424, Fax : 0821 -412800
E-mail : vivekaprabha@eth.net

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં મૂલ્યલક્ષી શિક્ષણશિબિર સંપન્ન

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્લેટિનમ જ્યુબિલિ મહોત્સવના ઉપક્રમે તા. ૭-૮-૨૦૦૨, બુધવારે સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી શાળા, કોલેજો અને યુનિવર્સિટીના ૫૨૦ શિક્ષકો અને આચાર્યો માટે એક યોજાયેલ મૂલ્યલક્ષી શિક્ષણશિબિરમાં રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી શ્રીમતી અનિતા કરવલે પોતાના ઉદ્‌ઘાટક ભાષણમાં પોતાનાં બાળકોને દેવદેવી રૂપે જોવા – સંબોધવાથી એ બાળકોના જીવનમાં કેવી ક્રાંતિ આવી છે એની વાત કરી હતી. માનવમાં રહેલી આ મૂળ દિવ્યતાને પ્રગટ કરવાના મૂલ્યની જ્યારે આજના શિક્ષણને તાતી જરૂર છે ત્યારે આપણા સૌના દુર્ભાગ્યે આ મૂલ્યની અવગણના થાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રો.વાઈસ ચાન્સેલરશ્રી મહેશચંદ્ર યાજ્ઞિકે કહ્યું હતું: શિક્ષકોને વૈદિક મૂલ્યોને, આપણી રાષ્ટ્રિય સંસ્કૃતિનાં મૂલ્યોને પોતાના જીવનમાં ઉતારવા માટેની મળેલી આ તક આપવા માટે અને આવી શિબિરના આયોજન માટે આશ્રમને ધન્યવાદ ઘટે છે. સત્ય-અહિંસા-અસ્તેય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવાં મૂલ્યોનું સિંચન વિદ્યાર્થીઓના જીવનને ઉન્નતિના માર્ગે લઈ જઈ શકે. રામકૃષ્ણ મઠ-મિશનના આસિ. સેક્રેટરી, સ્વામી સુહિતાનંદજી મહારાજે મૂલ્યલક્ષી શિક્ષણની વિદ્યાર્થીજીવન પર કેવી પ્રભાવક અસર પડે છે તેની વાતો પોતાના શૈક્ષણિક જીવનના અનુભવોનાં ઉદાહરણો સાથે કરી હતી. એમણે સત્ય, જિતેન્દ્રિયતા, પરોપકાર, સંસ્કાર, ઇચ્છાશક્તિ જેવાં મૂલ્યોના ઉદ્‌ગમ માટે ઘર-શાળાના યોગ્ય પર્યાવરણની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. મૂલ્યલક્ષી શિક્ષણ દ્વારા ચારિત્ર્યઘડતર, વ્યક્તિનું ઘડતર, ઇચ્છાશક્તિ અને આધ્યાત્મિક સાધના – અભ્યાસ દ્વારા અનંતની સાથેનું સતત સાતત્ય અનુભવી શકાય છે. સ્વામી જિતાત્માનંદજીએ વૈદિક મંત્રોચ્ચાર, પ્રાર્થના, વગેરે દ્વારા શિક્ષકોને એક આધ્યાત્મિક ભાવની દુનિયામાં દોરી ગયા હતા. એમણે કહ્યું હતું કે આજે શાળાઓને પવિત્ર મંદિરમાં રૂપાંતર કરવાની તાતી જરૂર છે. ઉત્તમ અને પવિત્ર પુસ્તકોનું નિયમિત વાચન, પ્રાર્થના, નિયમિત રૂપે થતી સામાજિક સેવા, ધ્યાન, ભજન વગેરે આ નવી ઊગતી પેઢીને પોતાના જીવનની સર્વોચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે જરૂરી છે. કાર્યક્રમનો પ્રારંભ રામકૃષ્ણ સંઘના સંન્યાસી બ્રહ્મચારીઓના સમૂહ મંત્રોચ્ચારથી થયો હતો. પ્રશ્નોત્તરીનો રસપ્રદ કાર્યક્રમ સૌને આકર્ષી ગયો. સ્વામી સર્વસ્થાનંદજી, બ્રહ્મચારી રમેશચૈતન્ય અને બ્રહ્મચારી દેવચૈતન્ય દ્વારા સ્વામીજીના ચારિત્ર્યઘડતર અને શિક્ષણ વિશેના ઉમદા વિચારોનું વાચન રજૂ થયું હતું. આ મૂલ્યલક્ષી કેળવણીના એક ભાગ રૂપે શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવાં બે પુસ્તકો – ‘અમરભારત’ (નાટ્યસંગ્રહ) અને ‘આત્મવિકાસ’ -નું વિમોચન શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજે કર્યું હતું.

રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા ગુજરાત ભૂકંપ પુનર્વસનપ્રકલ્પ હેઠળ ગ્રામ વસાહતનો શિલાન્યાસવિધિ

રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા ભૂકંપ પુનર્વસવાટ યોજના હેઠળ પોરબંદર જિલ્લાના તુંબડા ગામના અત્યંત ગરીબ, નિરાધાર ૫૦ પરિવારો માટે એક વસાહતના નિર્માણકાર્યનું ભૂમિપૂજન અને તેનો શિલાન્યાસવિધિ ૫ ઓગસ્ટ, ૨૦૦૨ના રોજ સવારના ૯.૩૦ કલાકે રામકૃષ્ણ મઠ-મિશન, બેલુરના આસિ. સેક્રેટરી સ્વામી શ્રીકરાનંદજી મહારાજના વરદ હસ્તે સંપન્ન થયો હતો. આ પહેલાં આ સંસ્થા દ્વારા ભારવાડામાં ૩૦, કેશવમાં ૧૧ અને ‘પોતાની મેળે પોતાનું ઘર બાંધો’ એ યોજના હેઠળ ૯૦ પરિવારો માટે મકાનોના બાંધકામ થયા છે. ૩૬ પ્રાથમિક શાળાઓનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે.

આ સંસ્થા દ્વારા પોરબંદર જિલ્લાના લુશાળા ગામે નવનિર્મિત વિદ્યામંદિરનું ઉદ્‌ઘાટન ૨ ઓગસ્ટના રોજ બેલુરના આસિ. સેક્રેટરી સ્વામી સુહિતાનંદજી મહારાજે કર્યું હતું. એ જ દિવસે રામકૃષ્ણ મઠ-મિશન, બેલુરના આસિ. સેક્રેટરી સ્વામી શ્રીકરાનંદજી મહારાજના વરદ હસ્તે ભડ ગામે નવનિર્મિત વિવેકાનંદ વિદ્યામંદિરનું ઉદ્‌ઘાટન સંપન્ન થયું હતું.

પોરબંદરના કડિયા પ્લોટમાં બંધાયેલ વિવેકાનંદ વિદ્યામંદિરનું ઉદ્‌ઘાટન ૧૪ ઓગસ્ટના રોજ કાશીપુરના અધ્યક્ષ સ્વામી તત્ત્વબોધાનંદજી મહારાજના વરદ હસ્તે થયું હતું. રામકૃષ્ણ મઠ, ચેન્નાઈના અધ્યક્ષ સ્વામી ગૌતમાનંદજી મહારાજના વરદ હસ્તે હાથિયાણી ગામમાં નવનિર્મિત વિવેકાનંદ વિદ્યામંદિરનું ઉદ્‌ઘાટન ૧૫ ઓગસ્ટના રોજ થયું હતું. બિલડી ગામ માટે નવર્નિર્મિત વિવેકાનંદ વિદ્યામંદિરનું રામકૃષ્ણ મઠ, મુંબઈના અધ્યક્ષ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ હસ્તે ઉદ્‌ઘાટન ૧૭ ઓગસ્ટના રોજ થયું હતું.

મૂલ્યલક્ષી કેળવણી : ૫૦૦ વિદ્યાર્થીઓની શિબિર

૧૬ ઓગસ્ટના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં માતૃમંદિર અને લાલબહાદૂર શાસ્ત્રી વિદ્યાલયના ધો.૧૧-૧૨નાં ૫૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે મૂલ્યલક્ષી કેળવણીનો ૯.૩૦ થી ૧૧.૦૦ સુધીના એક વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો પ્રારંભ આશ્રમના બ્રહ્મચારીઓ અને સંન્યાસીઓના વૈદિકમંત્રોચ્ચારથી થયો હતો. રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ વિદ્યાર્થીજીવન, અભ્યાસ-અધ્યયન અને મનની સ્થિરતા અને શાંતિ માટે તેમજ મનની સ્થિરતા દ્વારા ધૈર્ય, ઉત્કટતા, સ્વસ્થતા અને આનંદ પ્રાપ્ત કરવા વિશે પોતાનું મનનીય પ્રવચન આપ્યું હતું. પ્રવચન સાથે ૐ, ચિદાનંદ રૂપ: શિવોઽહં શિવોઽહંના ભાવવાહી સંગીત સાથેના ગાનથી વિદ્યાર્થીઓને ધ્યાન કરવા વિશે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના એક ભાગ રૂપે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ઘણો રસપ્રદ રહ્યો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને ‘ARISE AWAKE!’ નામના સ્વામીજીના પુસ્તક અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રામકૃષ્ણ મિશન, બેલુર મઠ દ્વારા ગુજરાત ભૂકંપ પુનર્વસનપ્રકલ્પ હેઠળ મોરબી તાલુકામાં નવનિર્મિત પ્રાથમિક શાળાઓના ઉદ્‌ઘાટન સમારોહો

૯ ઓગસ્ટના રોજ પીપળી; ૧૧ ઓગસ્ટના રોજ અમરેલી; ૧૨ ઓગસ્ટના રોજ નવા ધરમપુર અને ધરમપુર; ૨૦ ઓગસ્ટના રોજ આંદરાણા ગામની પ્રાથમિક શાળાનાં મંગલ ઉદ્‌ઘાટન ક્રમશ: સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ, કાશીપુરના અધ્યક્ષ સ્વામી તત્ત્વબોધાનંદજી મહારાજ, જાણીતા ઉદ્યોગપતિશ્રી ઓ.આર. પટેલ, રામકૃષ્ણ મઠ, ચેન્નાઈના અધ્યક્ષ સ્વામી ગૌતમાનંદજી મહારાજ અને રામકૃષ્ણ મઠ, મુંબઈના અધ્યક્ષ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ હસ્તે થયાં હતાં. ઉપર્યુક્ત પ્રસંગોમાં મોરબીના ડેપ્યુ. કલેક્ટરશ્રી ડી.બી.શાહ, અસ્પીના મેનેજિંગ ડિરેક્રટશ્રી શરદ એલ. પટેલ, મોરબી તાલુકા વિકાસ અધિકારીશ્રી જે. એમ. સાંગાણી, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શ્રી અશ્વિની કુમાર અતિથિવિશેષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ગુજરાત ભૂકંપ પુનર્વસનપ્રકલ્પ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં નવનિર્મિત પ્રાથમિક શાળાઓના ઉદ્‌ઘાટન સમારોહો

૩ ઓગસ્ટના રોજ કોરડા; તા.૯ના રોજ ચોકી; ૯ ઓગસ્ટના રોજ છત્રીયાળા; તા.૧૦ના રોજ ચોકડી; તા.૧૮ના રોજ ઝોબાળાનાં મંગલ ઉદ્‌ઘાટન ક્રમશ: પ્રાથમિક શિક્ષણનિયામકશ્રી આર. કે. ચૌધરી, સ્વામી તત્ત્વબોધાનંદજી મહારાજ, સ્વામી ગૌતમાનંદજી મહારાજ, સ્વામી સુહિતાનંદજી મહારાજ અને સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ હસ્તે થયાં હતાં. ઉપર્યુક્ત પ્રસંગોમાં શિક્ષણકારશ્રી પી.એફ.પારગી, ભૂતપૂર્વ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, સ્વામી અવ્યયાત્માનંદજી મહારાજ, સુખ્યાત શિક્ષણવિદશ્રી નાગજીભાઈ દેસાઈ, શ્રી સંજય શાહ, સેવારૂરલ-ઝઘડિયાના શ્રીમતી લતાબેન દેસાઈ, જાણીતા કેળવણીકારશ્રી મોતીભાઈ પટેલ અને ભૂતપૂર્વ મંત્રીશ્રી જનકસિંહ રાણા અતિથિવિશેષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

Total Views: 97

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.