મારા મિત્રો! મારી યોજના એવી છે કે આપણાં શાસ્ત્રોનાં સત્યોનો ભારતમાં તથા ભારતની બહાર પ્રચાર કરવા સારુ નવયુવક ઉપદેશકોને તૈયાર કરવા માટે ભારતમાં સંસ્થાઓની સ્થાપના કરવી. આપણે ખરી જરૂર છે માણસોની, અનેક માણસોની. બીજું બધું પછી થઈ રહેશે; સહુ પ્રથમ બળવાન, ચેતનવંતા, અને અંતરમાં ઊંડી શ્રદ્ધાવાળા નવયુવકોની આવશ્યકતા છે. એકસો આવા નવલોહિયા યુવકો મળે તો દુનિયામાં ક્રાંતિ આવી જાય! … મારી આશા તમારા ઉપર છે. તમે પ્રજાના પડકારને ઝીલી લેશો? જો તમારામાં મારું કહ્યું માનવાની હિંમત હોય તો તમારામાંના એકેએકનું ભાવિ ઊજળું છે. જેમ મને બચપણમાં શ્રદ્ધા હતી અને જેનો ઉપયોગ હું અત્યારે કરી રહ્યો છું, તેવી બળવાન શ્રદ્ધા તમારી જાતમાં રાખો. તમારામાંનો દરેકેદરેક જો એવી આત્મશ્રદ્ધા રાખે કે પ્રત્યેક આત્મામાં અનંત શક્તિ ભરી પડી છે, તો અવશ્ય તમે સમસ્ત ભારતનું પુનર્જીવન સાધી શકશો. અરે, ત્યાર પછી આપણે પૃથ્વીના પટ પર એકેએક દેશમાં પહોંચી જઈશું અને અલ્પ સમયમાં જ દુનિયાની દરેક પ્રજાનું ઘડતર કરનારાં જે અનેક પરિબળો છે તેમાંનું એક મુખ્ય અને પ્રબળ પરિબળ આપણા આ વિચારો બની જશે. આપણે ભારતમાં અને ભારતની બહાર દરેક પ્રજાના જીવનમાં પ્રવેશ કરવો જ જોઈએ. આ હેતુની સિદ્ધિ અર્થે આપણે કાર્ય કરવું પડશે. એ માટે મારે યુવાનોની જરૂર છે… વેદો કહે છે : ‘મજબૂત દેહવાળો તંદુરસ્ત અને બુદ્ધિશાળી યુવક જ પરમાત્માને પામી શકે.’ તમારું ભાવિ ઘડવાનો આ જ કાળ છે. જ્યારે તમે ઘસાઈને મુડદાલ જેવા થઈ ગયા હશો ત્યારે નહિ. પણ જ્યારે તમારામાં જુવાનીનું જોશ છે, યુવાવસ્થાની તાજગી અને તાકાત છે, ત્યારે ખરો સમય છે… યુવકો! કામ કરવા લાગી જાઓ; ખરો સમય આ છે. તાજામાં તાજાં, વણસ્પર્શ્યાં અને વણસૂંઘ્યાં પુષ્પો જ ફક્ત પ્રભુને ચરણે અર્પણ કરી શકાય; અને પ્રભુ એવાં જ સ્વીકારે! માટે આળસ ખંખેરીને ઊભા થાઓ, જીવન ટૂંકું છે! .. ‘ઊઠો, જાગો અને ઇચ્છિત ધ્યેયને પહોંચો નહિ ત્યાં સુધી અટકો નહિ.’ નવયુવકો! ઊઠો, જાગો, કારણ કે સમય સાનુકૂળ છે. અત્યારથી જ સર્વ કંઈ આપણી સમક્ષ ખુલ્લું થતું આવે છે. બહાદુર બનો; ડરો નહિ. કેવળ આપણાં જ શાસ્ત્રોમાં ઈશ્વરને આ અભી: અભી: વિશેષણ લગાડવામાં આવેલું છે. આપણે અભી: ભયરહિત થવાનું છે; એમ થતાં જ આપણું કામ પાર પડશે. ઊઠો, જાગો કારણ કે તમારો દેશ આ મહાન બલિદાન માગે છે. નવયુવકો જ એ કરી શકશે. નવયુવાન, ઉત્સાહી, શક્તિશાળી, દૃઢ બાંધાના મેધાવી મનુષ્યો માટેનું એ કાર્ય છે. અને આપણે અહીં એવા સેંકડો ને હજારોની સંખ્યામાં નવયુવકો છે. તમે કહો છો તેમ જો મેં કંઈક કર્યું હોય તો એ પણ યાદ રાખજો કે હું પણ પેલો કલકત્તાની શેરીઓમાં રમતો ફાલતું છોકરો હતો. જો હું આટલું બધું કરી શક્યો હોઉં તો તમે તો અનેકગણું વધારે કરી શકશો! માટે ઊઠો અને જાગો; દુનિયા તમને બોલાવી રહી છે. ભારતના બીજા ભાગોમાં બુદ્ધિ છે, પૈસો છે, પણ ઉત્સાહ તો કેવળ મારી માતૃભૂમિમાં જ છે; એણે બહાર ઊછળી આવવું જોઈએ. માટે નવયુવકો! તમારા રક્તમાં ઉત્સાહ ભરીને ઊઠો. એવો વિચાર જ ન કરો કે તમે ગરીબ છો, અગર તમારે કોઈ મિત્ર નથી. અરે, પૈસાથી માણસને તૈયાર થતો કોઈ કાળે કોઈએ જોયો છે? માણસ તો પૈસાને પેદા કરનાર છે. આખી દુનિયા માણસની શક્તિથી બનેલી છે, ઉત્સાહની શક્તિ-શ્રદ્ધાની શક્તિથી બનેલી છે.

— સ્વામી વિવેકાનંદ
(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા – સંચયન : પૃ.૩-૪)

Total Views: 9
By Published On: September 5, 2022Categories: Vivekananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram