જગતના ઘણાખરા મહાન ધર્મો અમુક પુસ્તકોને માને છે; તેઓ માને છે કે એ પુસ્તકો ઈશ્વરની વાણી છે અગર કોઈ દિવ્ય પુરુષોની વાણી છે, અને એ તેમના ધર્મના આધારરૂપ છે. હવે આવાં બધાં પુસ્તકોમાં પશ્ચિમના આધુનિક વિદ્વાનોના મત પ્રમાણે હિંદુઓના વેદો પ્રાચીનમાં પ્રાચીન છે. એટલા માટે વેદો વિશે થોડીક સમજૂતી જરૂરી છે… વેદોનો અર્થ છે જ્ઞાન (વિદ્‌ એટલે જાણવું)… વેદ એટલે સનાતન સત્યોનો સમૂહ…  સત્ય બે પ્રકારનું છે : (૧) માણસની પાંચ સામાન્ય ઇન્દ્રિયો તથા તે ઉપર આધારિત તર્ક વડે જાણી શકાય તે અને (૨) યોગની સૂક્ષ્મ અતીન્દ્રિય શક્તિ વડે જાણી શકાય તે. પહેલી રીતે મેળવેલા જ્ઞાનને વિજ્ઞાન કહે છે; બીજા પ્રકારે મેળવેલા જ્ઞાનને ‘વેદ’ કહે છે…  આર્ય પ્રજાએ શોધેલ સત્યોના સમગ્ર વૈદિક સંગ્રહની બાબતમાં એ પણ સમજી લેવાનું છે કે જે વિભાગો માત્ર સાંસારિક બાબતોનો જ ઉલ્લેખ કરતા નથી, જે પરંપરા કે ઇતિહાસની કેવળ નોંધ જ લેતા નથી કે જે કર્તવ્યનાં માત્ર વિધાનો જ આપતા નથી, તે જ ખરા અર્થમાં વેદો છે… જો કે સત્યનું અતીન્દ્રિય દર્શન કંઈક પ્રમાણમાં આપણાં પુરાણો અને ઇતિહાસોમાં તથા બીજી પ્રજાઓના ધર્મગ્રંથોમાં જોવા મળે છે; છતાં આર્ય પ્રજામાં વેદોના નામે ઓળખાતા ચતુર્વિધ ધર્મગ્રંથો આધ્યાત્મિક સત્યોનો સંપૂર્ણમાં સંપૂર્ણ અને અવિકૃતમાં અવિકૃત સંગ્રહ હોવાને લીધે બીજાં બધાં શાસ્ત્રોમાં સર્વોચ્ચ સ્થાને અને પૃથ્વી પરની સર્વ પ્રજાઓના માનને પાત્ર છે, તથા તેમનાં બધાં વિવિધ શાસ્ત્રોનો ખુલાસો પૂરો પાડે છે. હકીકતમાં વેદો દુનિયાના પ્રાચીનમાં પ્રાચીન ધર્મગ્રંથો છે. તે ક્યા સમયે લખાયા અગર કોણે લખ્યા તે વિશે કોઈ કશું જાણતું નથી. વેદોના ઘણા ગ્રંથો છે. કોઈ એક વ્યક્તિએ તે બધા જ વાંચ્યા હશે કે કેમ તે વિશે મને શંકા છે. જે સંસ્કૃતમાં વેદો લખાયા હતા તે એ વેદો પછીનાં હજાર વર્ષો પછી લખાયેલાં પુસ્તકોની સંસ્કૃત ભાષા નથી, જે કવિઓ અને બીજા વિદ્વાનોએ લખેલા સંસ્કૃત ગ્રંથોના અનુવાદો તમે વાંચો છો. વેદોનું સંસ્કૃત ખૂબ સરળ, એની સંરચનામાં પ્રાચીન હતું, અને કદાચ સંસ્કૃત બોલાતી ભાષા હતી. આર્યોની સંસ્કૃત બોલતી શાખા સૌ પ્રથમ સભ્ય બની હતી અને, પુસ્તક લેખનમાં અને સાહિત્ય સર્જનમાં એ પડેલી હતી. હજારો વર્ષો એ પ્રમાણે ચાલ્યું. કેટલાં હજાર વર્ષો તેમણે લખ્યું તે કોઈ જાણતું નથી. ઈ.સ. પૂર્વે ૩૦૦૦ કે ૮૦૦૦ એવાં અનુમાનો છે. પણ આ કાલગણના ચોક્કસ નથી… હજારો વર્ષોથી બોલાતી અને લખાતી હોઈને, સ્વાભાવિક રીતે જ, સંસ્કૃતમાં ખૂબ પરિવર્તન થયેલ છે, ગ્રીક અને રોમન જેવી બીજી આર્યભાષાઓમાં સંસ્કૃતના કરતાં સાહિત્ય મોડેરું જન્મ્યું તે સ્વાભાવિક ફલિતાર્થ છે. એટલું જ નહિ પણ, બીજી એક વિશિષ્ટતા એ છે કે, જગતમાં અસ્તિત્વ ધરાવતા ગ્રંથોમાંના સૌથી પ્રાચીન સંસ્કૃતમાં છે, જેમને વેદો કહેવાય છે. બેબિલોનિયન અને ઇજિપ્શ્યિન સાહિત્યોમાં ખૂબ પ્રાચીન ખંડકો છે પણ, એમને સાહિત્ય કે ગ્રંથો કહી શકાય તેમ નથી પણ, ટૂંકી નોંધો છે, નાનો પત્ર છે કે થોડાંક શબ્દો જેવું છે, પણ પૂર્ણ રૂપમાં, સંસ્કૃત સાહિત્ય તરીકે વેદો સૌથી પ્રાચીન છે.

— સ્વામી વિવેકાનંદ

Total Views: 35
By Published On: September 7, 2022Categories: Vivekananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram