શ્રીરામકૃષ્ણ પોતાના જીવનમાં માતૃપૂજાને જે પ્રાધાન્ય આપતા હતા અને તેમણે જે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેવાં પ્રાધાન્ય કે અનુભૂતિભરી સિદ્ધિ વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતાં નથી. વિશ્વના ઇતિહાસમાં શ્રીરામકૃષ્ણે પ્રથમવાર હિંદુધર્મના વિવિધ ધર્મમાર્ગો અને વિશ્વના વિવિધ ધર્મોની સાધના કરી હતી; પણ પોતાના જીવનની છેલ્લી પળ સુધી કરેલી ઈશ્વરની માતૃરૂપે સાધના એ એમના દિવ્યજીવનનું એક અનોખું પાસું છે. શ્રીરામકૃષ્ણ કહેતા: ‘આદ્યશક્તિની પૂજા કરવી જોઈએ; એને પ્રસન્ન કરવી જોઈએ. એ જ સ્ત્રીઓનાં રૂપ ધારણ કરીને રહેલાં છે. એટલે મારો માતૃભાવ એવો છે. માતૃભાવ અતિ શુદ્ધ ભાવ… માતૃભાવ જાણે કે નિર્જળા એકાદશી. તેમાં કશાય ભોગની ગંધ નહિ… મેં માતૃભાવે (પત્ની શ્રીશારદામણિદેવીની) ષોડશીમાતા રૂપે પૂજા કરી હતી… આ માતૃભાવ એ સાધનાની આખરી વાત. ‘તમે મા, હું તમારું સંતાન’, એ સાધનાની છેલ્લી વાત.’ 

(કથામૃત, ભાગ-૨, પૃ.૩૫૬)

શ્રીરામકૃષ્ણ વારંવાર કહેતા કે ઈશ્વરની જગજ્જનની રૂપે કરેલી સાધનાપૂજા આજના ભૌતિક અને ભોગવિલાસની દુનિયામાં આપણને અત્યંત અલ્પ સમયમાં પૂર્ણતા અને પવિત્રતાના પથે દોરી જશે.

આપણે શ્રીરામકૃષ્ણદેવના સમગ્રજીવનનો અભ્યાસ કરીએ તો આપણી સમક્ષ એવા કેટલાંય પ્રસંગો આવશે કે જેમાં એમની માતૃપૂજા અને સર્વપ્રાણીઓમાં શ્રીજગન્માતાને જોવાં અને તેને સન્માન આપવું, એમાંય વિશેષ કરીને સર્વસ્ત્રીઓને જગજ્જનનીના રૂપે જોવાનું સ્પષ્ટ દર્શન થશે. સ્વામી વિવેકાનંદે એમના ગુરુભાઈ સ્વામી રામકૃષ્ણાનંદજીને લખેલા એક પત્રમાં આ જ બાબત પર ભાર દેતાં કહ્યું છે: ‘સ્ત્રીઓની સ્થિતિ સુધાર્યા સિવાય જગતનું કલ્યાણ શક્ય નથી. પક્ષી માટે એક પાંખે ઊડવું અશક્ય છે. તેથી જ રામકૃષ્ણ-અવતારમાં સ્ત્રીનો ગુરુ તરીકે સ્વીકાર છે, તેથી જ તેમણે સ્ત્રીના સ્વાંગમાં અને સ્ત્રીભાવે, સાધના કરેલી અને તેથી જ સ્ત્રીઓ જગદંબાનાં પ્રતીક છે એમ કહીને તેઓ સ્ત્રીને માતૃત્વની ભાવનાથી જોવાનો ઉપદેશ આપતા.’ (સ્વા.વિ.સંચયન: ૪૩૩)

જ્યારે ગદાધર (શ્રીરામકૃષ્ણ) નાના હતા ત્યારે એમના પિતાનું અવસાન થયું. ચંદ્રામણિદેવીનાં હુંફ અને પ્રેમ-ઉષ્માથી તેમનો ઉછેર થયો હતો. તેમણે એ પણ જોયું કે તેમનાં માતા કેટલું સખત કાર્ય કરે છે અને સૌના પ્રત્યે પોતાના સંતાન જેટલાં પ્રેમ-ઉષ્મા રાખે છે. પોતાના સમગ્ર જીવન દરમિયાન તેમણે પોતાનાં માતા પ્રત્યે ઊંડાં પ્રેમભાવ અને સન્માનની ભાવના રાખી હતી. તેઓ વારંવાર કહેતા: ‘જો મારી માને કંઈ દુ:ખ-પીડા આવે તો મારો પ્રેમભાવ ઊડી જાય.’ 

એક વખત જ્યારે તેઓ વૃંદાવનની યાત્રાએ ગયા હતા ત્યારે તેમણે પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણમાં સાધ્વી ગંગામયીની સાથે રહેવાનું વિચાર્યું. એકાએક એમને યાદ આવ્યું કે એમનાં માતા ચંદ્રામણિદેવી દક્ષિણેશ્વરના નોબતખાનામાં એકલાં જ છે. એમને એમનાં ક્ષેમકલ્યાણની ચિંતા થવા લાગી. જ્યાં સુધી એમનાં માતા જીવતાં રહ્યાં ત્યાં સુધી તેમણે તેમના પ્રત્યે ઉત્કૃષ્ટ આદરભાવ રાખ્યો હતો અને પોતાનાથી બનતી શ્રેષ્ઠ સેવા પણ કરી હતી. પોતાના બાળપણથી જ સ્ત્રીઓ પ્રત્યેના ઊંડા આદર સન્માનભાવનું બીજું ઉદાહરણ છે ધનીલુહારણ. તેઓ ગદાઈને ખૂબ ચાહતાં. એમણે બાળ ગદાઈને એકવાર કહ્યું : ‘તારા ઉપનયન સંસ્કારવિધિમાં મારી પાસેથી માતા રૂપે ભિક્ષા લઈશ તો હું મારી જાતને ધન્ય માનીશ.’ બાળ ગદાઈએ એમની ઇચ્છાપૂર્ણ કરવા વચન આપ્યું. ઘણા પ્રતિરોધ છતાં ગદાઈ પોતાના વચનમાં અડગ રહ્યો. યજ્ઞોપવીત ધારણ કરીને ગદાધરે ધનીલુહારણ પાસેથી ભિક્ષા લઈને તેનું જીવન ધન્ય ધન્ય બનાવી દીધું. ધનીલુહારણ હવે ગદાધરના આધ્યાત્મિક માતા તરીકે માન-આદર પામ્યાં. કામારપુકુરના સુથારનાં પત્ની અબ્રાહ્મણ બહેન ખેતીર માએ ગદાઈને જમાડવાની ઇચ્છા પ્રગટ કરી. ગદાઈ એમને ઘરે ગયો અને એમણે જે કંઈ આપ્યું તે આદરથી જમ્યો. ઉચ્ચ કે નીચ વર્ણની કોઈ પણ સ્ત્રીમાં શ્રીરામકૃષ્ણનો આ માતૃભાવ એક સહજભાવ બની ગયો હતો. એ માટે સમાજ કે જ્ઞાતિનાં બંધનરિવાજોનો ભંગ કરવો પડે તો પણ એમણે આ માતૃભાવની ભાવના જાળવી રાખી.

પોતાનાં માતા શ્રીચંદ્રામણિદેવી અને ધની-લુહારણ સિવાય બીજાં એક અગત્યનાં નારી હતાં શ્રીરાણી રાસમણિ. શ્રીરામકૃષ્ણને એમના પ્રત્યે ઘણો પ્રેમાદર હતો. માછીમાર જાતિની રાણી રાસમણિએ બંધાવેલા દક્ષિણેશ્વરના કાલીના મંદિરમાં પૂજારી રૂપે રહીને પોતાનું અનન્ય સાધનાજીવન ગાળીને એમણે રાણી રાસમણિને એક દિવ્યાંજલિ અર્પી છે એમ કહી શકાય. જગન્માતાનાં દર્શન માટેની શ્રીરામકૃષ્ણના હૃદયની આરતના જેવું બીજું ઉદાહરણ ઇતિહાસમાં ક્યાંય શોધ્યું જડે તેમ નથી. જ્યારે શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં શ્રીમા કાલીના પૂજારી બન્યા ત્યારે તેમના મનમાં આ વિચાર આવ્યો : ‘શું આ મા કાલીની મૂર્તિ મૃણ્મયી છે કે ચિન્મયી?’ જો તેઓ આ મૃણ્મયીમૂર્તિને જીવંત અને પ્રાણથી ધબકતી ન બનાવી શકે તો એમની પૂજાનો શો અર્થ છે? ધીમે ધીમે શ્રીરામકૃષ્ણને શ્રીમા કાલીનાં દર્શનની તીવ્ર તાલાવેલી લાગી. તેઓ અવિરત પ્રાર્થના કરતા અને શ્રીમાને રડી રડીને વિનવતા. એમની શ્રીમાનાં દર્શન કરવાની ઝંખનાએ એમના હૃદયમાં અજબની અગન લગાડી દીધી. શ્રીમાનાં દર્શનની ઉત્કટ ઝંખનાની ચરમસીમાએ તેઓ પહોંચ્યા અને પછી આવી એમના જીવનની મહાપળ. શ્રીરામકૃષ્ણના શબ્દોમાં કહીએ તો: ‘શ્રીમા કાલીના મંદિરમાં રહેલ ખડ્‌ગ પર અણધારી મારી નજર પડી. એ જ પળે એ ખડ્‌ગથી મારા જીવનનો અંત લાવવાનો મેં મનસૂબો ઘડી લીધો. એક પાગલની માફક હું દોડ્યો અને હાથમાં એ ખડ્‌ગ લીધું. બરાબર એ જ ઘડીએ મને શ્રીમા કાલીનાં અદ્‌ભુત દર્શન થયાં.’

શ્રીમા કાલીના સાક્ષાત્કાર પછી દક્ષિણેશ્વરના કાલીમંદિરના પૂજારી શ્રીરામકૃષ્ણ બ્રહ્મને જાણનાર, સામાન્ય મર્ત્યમાનવની મર્યાદાઓથી પર થનાર, સમગ્ર વિશ્વના જીવનને આંદોલિત કરનાર, પયગંબરી દુનિયામાં પ્રવેશનાર, પ્રભુના પનોતા પુત્ર રૂપે ઊભર્યા. 

નારીનાં આધ્યાત્મિક જીવનની સર્વોચ્ચ સિદ્ધિની પ્રાપ્તિ માટે સાધનાનો અધિકાર અને નારીને ગુરુનું સ્થાન અપાવવા માટે શ્રીરામકૃષ્ણે સૌ પ્રથમવાર એક ઐતિહાસિક આધ્યાત્મિક દૃષ્ટિવાળો પ્રયાસ કર્યો છે. એમણે ભૈરવી બ્રાહ્મણીને પોતાનાં આધ્યાત્મિક સાધના માટે ગુરુપદે સ્વીકારીને એક નવો ઇતિહાસ પ્રસ્થાપિત કર્યો. ભૈરવી બ્રાહ્મણીનું મૂળનામ યોગેશ્વરી હતું. બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલાં યોગેશ્વરી એક વિદુષી નારી હતાં. પરિવ્રાજક સંન્યાસિનીના રૂપે તેમણે પોતાનું જીવન તાંત્રિક સાધનામાં સમર્પિત કરી દીધું હતું. તેઓ દક્ષિણેશ્વરમાં આવ્યાં ત્યારે તેમને યુવાન શ્રીરામકૃષ્ણમાં તંત્રસાધના માટે એક સુયોગ્ય પાત્ર મળ્યું. શ્રીરામકૃષ્ણને પ્રથમવાર જોતાં જ તેમનામાં મહાન અવતારીશક્તિની ઉપસ્થિતિ જોઈ અને શ્રીમા કાલીના આ પનોતાપુત્ર પ્રત્યે એમના હૃદયમાં માતૃભાવ પ્રગટ્યો. મહાન તંત્રસાધક અને વિદુષી મહિલાગુરુ ભૈરવી બ્રાહ્મણીએ તંત્રસાધના વખતે શ્રીરામકૃષ્ણે શું શું કરવું તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું.

આ તંત્રસાધનાને લીધે વિશ્વના એકેએક સ્થૂળ અસ્તિત્વમાં શ્રીરામકૃષ્ણ શ્રીમા કાલીનાં દર્શન કરતા અને એમાંય બધી નારીઓમાં વિશેષ રૂપે શ્રીમા કાલીને જોતા. આ તંત્રસાધના પૂરી થયા પછી તરત જ શ્રીરામકૃષ્ણ પોતાના સાસરાના ઘરે જયરામવાટી ગયા. અહીં ગામની બધી સ્ત્રીઓ ગામડાના રીતિરિવાજનો ભંગ કરીને એમનું સ્વાગત કરવા ટોળે વળી. બધી નારીઓમાં શ્રીમા કાલીની ઉપસ્થિતિ નિહાળીને શ્રીરામકૃષ્ણે એ બધી સ્ત્રીઓની પુષ્પ અને ચંદનથી પૂજા કરી.

તંત્રસાધના કર્યા પછી શ્રીરામકૃષ્ણનાં દેહમનનું  આમૂલ પરિવર્તન થયું. તેમણે પોતે જોયું કે તેમની અંતર્દૃષ્ટિ તેમજ બાહ્યદૃષ્ટિ જાણે કે પ્રદીપ્ત જ્ઞાનાગ્નિથી ઝળહળતી હતી. તેમની કુંડલિની શક્તિનો માર્ગ સુષુમ્ણા સુધી કાયમને માટે ખૂલી ગયો. આને લીધે સમાધિ અવસ્થા હવે એમને માટે સહજભાવ બની ગયો. પરંતુ સૌથી અગત્યનું લક્ષણ તો એ હતું કે તેઓ પોતે પોતાનું દેહભાન સાવ ભૂલી ગયા. એમનો સ્વભાવ એક નાના બાળક જેવો થઈ ગયો. એમને મન પવિત્રતા અને અપવિત્રતા સાથે આખું વિશ્વ પુનિતતા, શુદ્ધિ અને ઈશ્વરચૈતન્યમાં પરિવર્તિત થઈ ગયું.

શ્રીરામકૃષ્ણં હિંદુધર્મનાં શાસ્ત્રોમાં જોવા મળતાં માતૃશક્તિનાં વિવિધ દિવ્ય રૂપોનાં દર્શન કર્યાં હતાં. સૌથી વધારે દેદીપ્યમાન રૂપનું દર્શન એટલે એમને થયેલ શ્રી  રાજરાજેશ્વરી કે ષોડ્‌શી કન્યા રૂપે શ્રીમાનું દર્શન. પછીથી એમણે પોતાનાં પત્ની શ્રીમા શારદાદેવીનું ષોડ્‌શી રૂપે પૂજન કર્યું હતું. ૧૮૭૩ના વૈશાખની અમાવાસ્યા, ફલહારિણી કાલીપૂજાના પવિત્ર દિવસે એમણે વિધિવિધાનો પ્રમાણે શ્રીમા શારદાદેવીની ષોડ્‌શોપચારે પૂજા કરી. એમણે એમનાં કાનમાં મંત્રોચ્ચાર કરીને પ્રાર્થના કરી : ‘હે શાશ્વત કુમારિકા, શક્તિવાહિની મા ત્રિપુરસુંદરી! પૂર્ણતાનું દ્વાર ખોલો! તેમનાં દેહમનને પવિત્ર કરો. તેમનામાં પ્રગટ થાઓ અને તેમનું કલ્યાણ કરો.’ પૂજોપચાર પૂર્ણ થયા પછી શ્રીમા શારદાદેવીને નૈવેદ્ય ધર્યું અને એમાંથી થોડો પ્રસાદ લીધો. શ્રીમા શારદાદેવી અને શ્રીરામકૃષ્ણ બંને પૂર્ણ સમાધિભાવમાં લીન થઈ ગયા. અર્ધદેહભાનમાં પાછા ફરીને શ્રીમા શારદાદેવીમાં જાગૃત થયેલા જગન્માતા સમક્ષ પોતાની જાતને સમર્પિત કરી દીધી. એમનાં શ્રીચરણકમળમાં પોતાની બધી સાધના અને તેની અનુભૂતિઓ અરે, જપમાળા સુધ્ધાં મંત્રોચ્ચાર સાથે અર્પણ કરી દીધાં. આ ષોડ્‌શીપૂજા દ્વારા શ્રીરામકૃષ્ણની સાધના એની પરાકાષ્ઠાએ પહોંચી. એમણે ક્યારેય કોઈ નારીને સ્પર્શ કર્યો ન હતો. એમનાં પત્નીને પણ દેહભાવથી સ્પર્શ્યા ન હતા. પોતાનાં પત્નીના દેહમાં કરેલી જગજ્જનનીની પૂજારૂપી સાધના એમની બધી આધ્યાત્મિક સાધનાઓના અંતે આવી. નારીના આ સર્વોચ્ચ મહિમાભર્યા સ્થાનનું આવું બીજું કોઈ ઉદાહરણ જગતના ઇતિહાસમાં સાંપડતું નથી. પથ્થરની મૂર્તિમાં જ નહિ પરંતુ હાડમાંસવાળા નારી દેહમાં જગજ્જનની શ્રીમા કાલીનું જાગરણ એ શ્રીરામકૃષ્ણનું મહાન ઐતિહાસિક આધ્યાત્મિક સાધના કાર્ય છે.

એક દિવસ દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણના ચરણ તળાશતી વખતે શ્રીમાએ પૂછ્યું: ‘તમે મને કેવી દૃષ્ટિએ જુઓ છો?’ શ્રીરામકૃષ્ણે જવાબ આપ્યો: ‘જે મા આ મંદિરમાં રહે છે, જે માએ આ દેહને જન્મ આપ્યો છે તે અત્યારે નોબતખાનામાં રહે છે અને એ જ મા મારા ચરણ તળાશે છે. ખરેખર હું તમને આનંદદાયિની જગન્માતાના રૂપે જોઉં છું.’ શ્રીમા શારદાદેવી કહેતા: ‘વિશ્વના જીવંતપ્રાણીઓમાં શ્રીરામકૃષ્ણને માતૃભાવ દેખાતો. આ માતૃભાવના આદર્શનું પ્રગટીકરણ કરવા તેઓ મને અહીં મૂકી ગયા છે.’ બંગાળના એક નાના ગામડાની આ નારીને, પોતાનાં સહધર્મચારિણીને  વ્યવહારુ આચરણની સુવ્યસ્થિત કેળવણી આપીને માતૃત્વના આ અમરસંદેશને આજના આ વિશ્વ સામે મૂકવા માટે શ્રીરામકૃષ્ણે શ્રીમા શારદાદેવીને જગજ્જનનીનું જીવંત રૂપ બનાવી દીધાં. શ્રીરામકૃષ્ણે તેમને એક સામાન્ય માતા બનવા ન દીધાં પરંતુ એને બદલે એમને આ વિશ્વના અસંખ્ય સંતાનોની માતા, જગજ્જનની બનાવી દીધાં. શ્રીરામકૃષ્ણે ભાખેલી સર્વની માતા-વિશ્વજનનીની શક્તિ શ્રીમામાં જાગૃત થઈ. સ્વામી વિવેકાનંદ એમનામાં જીવંત દુર્ગાને નિહાળતા.

શ્રીરામકૃષ્ણે કરેલી આ માતૃભાવની પૂજા વિશ્વના લાખો લોકોને એ માર્ગે વળવા પ્રેરે છે અને આધ્યાત્મિક જીવન માટે એ સરળ પથ પણ છે. શ્રીરામકૃષ્ણનું નામ જ આ માતૃભાવ પ્રત્યે ભાવભક્તિ પ્રેરે છે. એમના જીવનમાં માતા, માતૃપૂજા અને માતૃભાવ એ ત્રણેય એક જ બની ગયા છે. ભવિષ્યની સંસ્કૃતિ પર આ પુન: જાગૃત માતૃશક્તિ કેટલો મહાન પ્રભાવ પાડશે તે તો ઇતિહાસ જ કહી શકે.

Total Views: 28
By Published On: September 16, 2022Categories: Nikhileswarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram