(સ્વામી ગુણાશ્રયાનંદજી રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. -સં.)

શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના કાલી મંદિરના પ્રાંગણના પોતાના એ જ પરિચિત ઓરડામાં ભક્તો સાથે બેઠા છે. આજુબાજુ કેટલાક ભકતજનો અને કેટલાક યુવાનો પણ એકત્રિત થયા છે, જેમાં ૧૮-૧૯ વર્ષની વયના નરેન્દ્રનાથ પણ આ બધા ભકતો સાથે શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણીનું રસપાન કરી રહ્યા છે. ચાલી રહેલા ભગવત્ પ્રસંગમાં શ્રીરામકૃષ્ણદેવ અર્ધસમાધિ અવસ્થામાં કંઈક બોલી રહ્યા છે, ‘નામે રુચિ, જીવે દયા અને વૈષ્ણવસેવા.’ ફરી વાર આ વાક્યને સુધારીને બોલી રહ્યા છે, ‘ના, ના, જીવ પર દયા શું કામ? જીવની સેવા.’ અર્થાત્‌ નામમાં રુચિ, જીવો પર દયા એટલે સેવા, અને વૈષ્ણવ-સેવા એટલે કે જે ભકત ભગવાનનાં નામ-ગુણગાન કરે છે, ભક્તિ કરે છે તેની સેવા.

જ્યારે શ્રીરામકૃષ્ણ આવું કહી રહ્યા હતા ત્યારે નરેન્દ્રનાથ ચમકી ગયા. તેમને આ વાક્યમાં કંઈક નવું તથ્ય હોય એવું જણાયું અને તેના ઉપર મનોમંથન કરવા લાગ્યા, ‘સમય આવ્યે આ આદર્શને સમગ્ર જગતમાં પ્રસરાવી દઈશ’. આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે કાળક્રમે એ જ નરેન્દ્રનાથે સ્વામી વિવેકાનંદ બન્યા પછી સમગ્ર દેશનું પરિભ્રમણ કર્યું અને અંતે રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી. સ્વામીજી શરૂઆતમાં અચકાતા, ‘રખેને બીજા એક નવા સંપ્રદાયનો વાડો ઊભો ન થઈ જાય!’ પરંતુ શ્રીરામકૃષ્ણદેવના ભાવસમાધિના ‘શિવજ્ઞાને જીવસેવા’, ‘બહુજન હિતાય બહુજન સુખાય’ના આદર્શને ચરિતાર્થ કરવાને માટે એક કાયમી સંસ્થાની સ્થાપના કરવી જરૂરી હતી.

જ્યારે કલકત્તામાં પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે રાહત-સેવાકાર્યમાં પૈસાની તંગી સર્જાવાથી સ્વામી વિવેકાનંદે બેલુર મઠની ખરીદેલી જમીનને વેચી નાખી સેવાકાર્ય ચાલુ રાખવા કહ્યું. ત્યારે શ્રીમા શારદાદેવીએ મધ્યસ્થ થઈ, આ નવી જમીન વેચવાની મના કરી અને કહ્યું, ‘એક સમયે અહીંથી જ ઘણાં સેવાકાર્યો થશે.’ સ્વામી વિવેકાનંદ કહેતા કે માનવમાત્રને ઈશ્વર સ્વરૂપે જુઓ. તમે કોઈને મદદ કરી શકો નહીં, તમે તો માત્ર સેવા કરી શકો. જો ઈશ્વર તમારા ઉપર એવી કૃપા કરે કે તમે તેના કોઈપણ બાળકને મદદરૂપ થઈ શકો તો તમે ભાગ્યશાળી છો. તમારા પોતાના વિશે વધારે પડતા વિચાર કરો નહિ, જો તમને તક મળી હોય તો ઈશ્વરનાં બાળકોને ઈશ્વર ગણી તેમની સેવા કરો. બીજાઓને એ તક મળી નથી અને તમને મળી, માટે તમે નસીબદાર છો. પૂજારૂપે એ બધું કરો. દીન અને દુઃખી આપણી મોક્ષસાધના માટે છે, જેથી રોગી રૂપે આવતા નારાયણની, પાપી રૂપે આવતા નારાયણની, મૂર્ખ રૂપે આવતા નારાયણની અને કુષ્ઠરોગી રૂપે આવતા નારાયણની આપણે સેવા કરી શકીએ.

મનુષ્ય-શરીરમાં જીવની પૂજા એ જ એક માત્ર ઈશ્વર-સેવા છે. એ ખરું છે કે બીજાં પ્રાણીઓ પણ ઈશ્વર-સ્વરૂપ છે. મનુષ્ય-શરીરમાં શિવજ્ઞાને જીવોની સેવા એકમાત્ર પૂજા છે. જો એ મનુષ્યરૂપી જીવમંદિરમાં શિવની પૂજા ન કરી શકું તો કોઈ મંદિર મને કંઈ લાભ આપી શકશે નહિ. પૂંથીકાર લખે છે:

“પ્રભુર અધિકે શક્તિ આર ભિતરે સબશેષ પરિચય કબે પાબો પોરે.”

એટલે કે પ્રભુ રામકૃષ્ણની અંદર જે શક્તિરુપી સમુદ્ર છે તેનો પરિચય ક્યાં જોવા મળશે? તો સ્વામી વિવેકાનંદ થકી જ તેનો પરિચય થઈ જાય છે. ‘આજ બધું જ તને આપી દઈને હું ફકીર થઈ ગયો.’ આ રીતે સ્વયં ઠાકુરે બધી જ શક્તિનો સંચાર નરેન્દ્રમાં કરી દીધો હતો. ત્રણ જવાબદારી સ્વામી વિવેકાનંદે સ્વીકારી હતી.

૧. મત-પથ, અર્થાત્‌ ઈશ્વર, ભગવાન, અલ્લાહ કે ઈશા—અર્થાત્‌ સર્વધર્મ સમન્વય. એક ઈશ્વર અનેક પથ, જેમાં કોઈ બાંધછોડ નહિ. કારણ કે આ બધા ધર્મપથો દ્વારા એક જ ઈશ્વરીય સત્તા સર્વત્ર બિરાજમાન.

૨. થોડી મુશ્કેલ કે કઠિન જવાબદારી એ કે જેને ઠાકુર કહેતા કે બીલું ખરીદતી વખતે અંદરનો ગર, ઉપરનું કાચલું કે અંદરનાં છોતરાં કે બીજ છોડી શકાશે નહિ. આ બધું જ વજનમાં સાથે આવશે એટલે કે ઈશ્વરની કે વિશિષ્ટ બ્રહ્મની સાથે આ જીવ-જગતને પણ સાથે રાખવું પડશે. કારણ કે, This Universe is nothing but only the Super imposition on Brahman. એક જ ઈશ્વરીય સત્તા સર્વત્ર બિરાજમાન છે.

આ બધા ધર્મપથો દ્વારા—મંદિરમાં પૂજા કરતો પૂજારી, ચાર રસ્તાના ચોકમાં ટ્રાફિકને કંટ્રોલ કરતો પોલીસ, શહેરના રસ્તાઓ સાફ કરતા સફાઈ કામદાર, રાષ્ટ્રની સરહદો સંભાળી રહેલા સૈનિકો— આ બધા જે કંઈ કાર્ય કરી રહ્યા છે તે સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ભગવાનની પૂજા જ થઈ રહી છે. કારણ કે એ જ શિવ પૂજારીમાં, પોલીસમાં, સફાઈ કામદારમાં રહેલો છે, અને એ જ શિવની સેવા થઈ રહી છે, તેમાં કોઈ ભેદ નથી. આ બધી ફરજ બજાવનારા શિવરૂપ જીવો આખરે સમષ્ટિ જીવોની જ સેવા કરી રહ્યા છે. એકબીજાના પૂરક બની ગયા છે, પછી ત્યાં કોઈ જાગતિક (Secular) જેવી કોઈ બાબત નથી, બધું જ આધ્યાત્મિક (Spiritual) થઈ જાય છે.

ભગિની નિવેદિતાએ કહ્યું છે કે જ્યારે સ્વામીજીએ શિકાગોમાં ભાષણ આપવાનું શરૂ કર્યું ત્યારે, He started talk on Hinduism but when he finished the Hinduism was created. કહે છે Hinduism એક નવા આયામ પર પહોંચી ગયો અને ત્યાં શું થયું? The demarcation between spirituality and secularity, this is obliterated.

ત્યાં પછી એક અને એક જ વસ્તુ રહેશે અને તે છે સેવા. એટલે કે કોઈપણ જગ્યાએ જે કંઈ લોકહિત “બહુજન હિતાય બહુજન સુખાય” માટે કાર્ય થાય છે, એ બધું જ આધ્યાત્મિક બની જાય છે. કોઈ કાર્ય જાગતિક રહેતું નથી. ચંપલ-સિલાઈથી માંડીને ચંડીપાઠ કરવા સુધીનું પ્રત્યેક કાર્ય આધ્યાત્મિક છે.

૩. ત્રીજી જવાબદારી – સ્વામી વિવેકાનંદજીએ લીધેલી તે છે આ પવિત્ર સંઘ.

શ્રીઠાકુરના નામે તેમના આદર્શોને લઈને સૌ એકત્ર થઈ, આ સંઘને ઠાકુરનો દેહ માનીએ છીએ. આ સંઘ ઠાકુરના ત્યાગી-સંન્યાસી શિષ્યો અને ભકતજનોનો બનેલો છે. ઠાકુર કહેતા કે દૂર દૂરથી ગોરા ગોરા ભક્તો આવશે. સ્વામીજી દ્વારા સંગઠિત મહાસંઘમાં આ બધા એક જ આદર્શને અનુસરી રહ્યા છે. આ સંઘ એટલે ઠાકુરની અંતર્નિહિત શક્તિનું બાહ્ય પ્રકટીકરણ, જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ.

રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રો; ભક્તો દ્વારા ચલાવાતાં ભાવપ્રચારનાં કેન્દ્રો; ઠાકુર, મા, સ્વામીજીના નામથી ચાલતાં કે અનુપ્રેરિત અસંખ્ય સેવાકેન્દ્રો કે સમિતિઓ; યુવા મહામંડળો દ્વારા વિવિધ પ્રકારનાં રાહતકાર્યો, શિક્ષણ ક્ષેત્રે અસંખ્ય શાળા-કોલેજો, વિવિધ પ્રકારનાં તાલીમ કેન્દ્રો, વગેરે ચલાવાઈ રહ્યાં છે. સાહિત્ય ક્ષેત્રે પણ લગભગ બધી જ ભાષાઓમાં રામકૃષ્ણ-વિવેકાનંદ અને વેદાંત સાહિત્યનું પ્રકાશન થઈ રહ્યું છે. આ ઉપરાંત મૂલ્યલક્ષી કેળવણી ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કાર્યો ચાલી રહ્યાં છે.

ઠાકુરની જ આ શક્તિ છે. કરોડો રૂપિયાની ધનસંપત્તિ હોય પણ જો સંઘશક્તિ ન હોય તો બધું વ્યર્થ છે. એક જ વિચારધારાને વરેલ આ મહાસંઘ દ્વારા યથાસંભવ દરેક પ્રકારનાં સેવાકાર્યો થઈ રહ્યાં છે.

વર્તમાન યુગમાં આપણે સાધારણતયા ઠાકુર, મા, સ્વામીજી અને ત્યાગી સંન્યાસી શિષ્યો વિશે ચિંતન-મનન કરતા હોઈએ છીએ. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ ગૃહસ્થ શિષ્યોનાં તપસ્યા, દાન, વિશેષ કરીને તેઓના ત્યાગ વિશે વાંચીએ છીએ. એ બધામાં કોઈ પણ ધનિક કે રાજા મહારાજાઓના સંતાન ન હતા, છતાં પણ પોતાની જે કાંઈ કમાણી હતી, તેમાંથી ભાગ કાઢીને કંઈકને કંઈક ફાળો આપ્યો છે. તેઓ જે પરંપરા ચાલુ કરી ગયા છે તે આજના સમયના ભક્તો અને ગૃહસ્થો એ જ પરંપરા ચલાવી રહ્યા છે. ગમે તેમ કરીને પૈસા-ટકા બચાવીને આ સંઘમાં યોગદાન આપી રહ્યા છે. આ પવિત્ર સંઘમાં સ્વામીજી સાથે આવેલ મેક્લાઉડ, ઓલીબુલ, હેઈલ બહેનો જેવા કેટલાય વિદેશી ભક્તોએ આ સંઘમાં અથાક પરિશ્રમ કરી અનેક રીતે ફાળો આપ્યો છે. તેઓ મૂળભૂત રીતે આ સંઘરૂપી ઇમારતના પાયાના પથ્થર હતાં. એ લોકોના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે કે આ સંઘમાં વધુ ને વધુ યોગદાન દેવાની તત્પરતા બતાવીએ.

મનુષ્યની અંદર ચૈતન્યનો પ્રકાશ છે, એ ભાવથી કરાતી સેવા ઈશ્વરની જ સેવા થશે. આ રીતે શિવજ્ઞાનથી જીવસેવા દ્વારા અભ્યુદય અને નિ:શ્રેયસ એક જ મંચ પર લાવી શકાશે. અર્થાત્‌ આત્માનો મોક્ષ અને જગતનું હિત.

કોઈપણ માર્ગનું અવલંબન કરવાથી જો સત્યની અનુભૂતિ થતી હોય તો ચૈતન્યરૂપ મનુષ્યની સેવાથી કેમ ન થાય? જ્ઞાન, કર્મ, ભક્તિ, રાજયોગના સમન્વય દ્વારા એ સત્યની પ્રાપ્તિ થઈ શકે છે.

આજના સમાજમાં આંતરરાષ્ટ્રીય સભ્યતા (International Civilization) નો પ્રવેશ થઈ ચૂક્યો છે અને તેમાં સૌથી વધુ બંધબેસતો આદર્શ છે ઠાકુર, મા અને સ્વામીજી. આ રીતે સ્વામી વિવેકાનંદજી તેમજ તેમના અન્ય સંન્યાસી ગુરુભાઈઓ દ્વારા શ્રીરામકૃષ્ણ, મા શારદાદેવીના આદર્શોને મૂર્તિમંત સ્વરૂપ આપવા સને ૧૮૯૭માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવામાં આવી. આજે રામકૃષ્ણ મિશનને ૧૨૫ વર્ષ પૂર્ણ થવા જાય છે, જે આ મહાન વિશ્વસંઘશક્તિનું દ્યોતક છે.

Total Views: 453

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.