(લેખક રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. -સં.)

શ્રીરામકૃષ્ણદેવ વિશે એમના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે શ્રીરામકૃષ્ણ એક અનંતભાવમય પુરુષ. તેમના ભાવનો કોઈ અંત જ નહીં. એટલું જ નહીં, તેમણે જે વાણી, વાર્તા કે ઉપદેશ આ જગત સમક્ષ રાખ્યાં છે તે પણ અનંત! તેનો પણ કોઈ અંત નહીં. પરંતુ આપણે સૌ સાધારણ લોકો એમના આ અનંતભાવમાંથી બે-ચાર ભાવ કે ઉપદેશ અથવા વાણીને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીએ અને જીવનને સાર્થક બનાવીએ.

શ્રીરામકૃષ્ણદેવનું અનંતજીવન અથવા અનંતભાવ, અનંતવાણી, વાર્તા આ બધામાં સૌથી વધુ સ્પષ્ટરૂપે દેખાય છે—તે છે શ્રીરામકૃષ્ણદેવનો દીનભાવ. શ્રીમા જગદંબાના સંપૂર્ણપણે શરણાગત, અસાધારણ વિનમ્રતા અને નમ્રતા. હંમેશાં તેઓ પોતાને નિમ્ન અવસ્થામાં રાખવામાં માનતા કે નિહાળતા, અને તેમ કરવું તેમને સહજ રીતે જ ગમતું.

શ્રીરામકૃષ્ણદેવ એમના સ્વમુખેથી બોલ્યા છે. તેઓ કહેતા, “આમી તોમાર સબારઈ દાસાનુદાસ” અર્થાત્‌ હું તો તમારા બધાના દાસનો પણ દાસ. એમના જીવનકાળ દરમિયાન તેઓ વિવિધ સાધનાઓ કરી રહ્યા હતા ત્યારે એમના વાળ લાંબી જટા સમાન થઈ ગયા હતા, અને એ વાળથી શ્રીરામકૃષ્ણ રસિક મહેતરને ઘરે જઈને સફાઈ કરી આવતા હતા.

આપણા જીવનમાં છ પ્રકારના રિપુઓ છે, જેને આપણે ષડ્‌રિપુ કહીએ છીએ. તે છે—કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ છ રિપુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એટલે કે ઈર્ષા આ બધા આપણા જીવનના ભયાનક શત્રુ છે. આ બાબતે આપણાં શાસ્ત્રો તેમજ આચાર્યો પણ કહે છે. આ બધા ભયંકર શત્રુઓ તો છે જ અને તેને નિયંત્રિત કરવા પણ કઠિન છે. આમ છતાં કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર આ પાંચ રિપુઓને અમુક અંશે નિયંત્રિત કરી શકાય, પરંતુ ‘મદ’ અર્થાત્‌ અહંકારને વશ કરવો લગભગ અસંભવ જ ગણાય.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં આપણે જોઈએ છીએ કે લગભગ અસંભવ એવો મદ અર્થાત્‌ અહંકાર જે મહાભયંકર શત્રુ છે. તેના પર તેઓએ સંપૂર્ણપણે વિજય હાંસલ કરેલો કે વશમાં કરેલો, અને તે પણ ખૂબ જ સહજ ભાવથી. એમના જીવનમાં આ સહજ જ હતું. તેઓ કહેતા, “હું તો ભાઈ, તમારા સૌના ચરણની રજ. હું શું જાણું? આમી દાસાનુદાસ, તુમિ યંત્રિ મા, આમી યંત્ર.” એમણે જીવનની એક અસાધારણ દૈન્યતા, વિનમ્રતાના સાધનથી જ અહમ્‌ પર વિજય મેળવ્યો હતો. એમના જીવનની શ્રેષ્ઠ વાણી છે, ‘નાહં નાહં, તુંહું તુંહું.’ મારાપણા જેવું કશું જ નહીં. એ જ મહાન, ઈશ્વર જ સર્વકંઈ.

શ્રીરામકૃષ્ણદેવના જીવનની એક ઘટના યાદ આવી જાય છે. શ્રીમ. દ્વારા લિખિત અને તેમના ઘેરથી જ પ્રકાશિત થયેલ કથામૃતના પાંચમા ભાગમાં આ ઘટનાનો ઉલ્લેખ છે. સને ૧૮૮૧માં શ્રીરામકૃષ્ણ સુરેન્દ્રનાથને ઘેર પધાર્યા છે. સુરેન્દ્રે ભજન-કીર્તનના ઉત્સવનું આયોજન કર્યું છે. સુરેન્દ્ર એક અત્યંત ધનાઢ્ય ભક્ત હતા. તેઓ ઠાકુરના પ્રિય ભક્તોમાંના એક હતા.

શ્રીરામકૃષ્ણ પધારવાના હોવાથી તેમની સારી રીતે આગતા-સ્વાગતા માટે સુરેન્દ્રના ઘરમાં સરસ મજાની મોંઘીદાટ શેતરંજી પાથરવામાં આવી છે. વળી, તેના પર કાશ્મીરી ગાલીચો ઠાકુરને માટે પાથરવામાં આવ્યો છે, જે ખૂબ જ કિંમતી ગાલીચો છે. આ ગાલીચો ખાસ શ્રીરામકૃષ્ણને બેસાડવા માટે છે. બાકીના અન્ય ભક્તો શેતરંજી પર બેસવાના છે. ઠાકુરને ગળામાં પહેરાવવા માટે ફૂલોનો ખૂબ જ મોંઘો હાર પણ ખરીદવામાં આવ્યો છે. સંધ્યા થવા આવી છે. શ્રીરામકૃષ્ણદેવ સુરેન્દ્રને ત્યાં હાજર થયા. સુરેન્દ્ર આદર-સત્કાર સાથે તેમને અંદર પોતાના બેઠકખાનામાં લઈ જાય છે. ઠાકુર જ્યાં ભક્તજનો માટે સાધારણ શેતરંજી પાથરેલી ત્યાં ભક્તોની વચ્ચે બેસવા જતા જ હતા તો સુરેન્દ્ર ઠાકુરને કહે છે, ‘આપ આ ગાલીચા ઉપર બેસો, એ આપના માટે છે.’

ત્યારે ઠાકુર કહે છે, ‘ના, આમી ઓખાને બોસબો ના.’ અહીંયાં ભક્તો સાથે બરાબર છું, અને સુરેન્દ્રને ગણકાર્યા નહીં. સુરેન્દ્રનો અહમ્‌ ઘવાયો. તેઓ રાતાપીળા થઈ ગયા.

ઠાકુરને સાદી શેતરંજી ઉપર ભક્તો સાથે બેઠેલા જોઈને, મહેન્દ્ર ગોસ્વામી નામના ભક્ત બોલ્યા કે, ‘ઠાકુરનો આ ભાવ કાંઈ સાધારણ નથી. આ તો અસાધારણ કહેવાય.’ ઠાકુર બોલ્યા, ‘એ વળી શું હેં? હું તો હીનનો પણ હીન છું, દીનનો પણ દીન. હું તો સૌના ચરણની રજ.’

સુરેન્દ્રનાથ ધન-સંપત્તિવાન ભક્ત અને થોડા અભિમાની પણ ખરા. સુરેન્દ્રે ખૂબ જ કિંમતી ફૂલનો હાર ખરીદેલો, જે તેઓ ઠાકુરના ગળામાં જેવા પહેરાવવા જાય છે કે ઠાકુરે તે હારને પોતાના ગળામાં પહેરવાને બદલે જલદીથી પોતાના હાથમાં લઈ લીધો અને એકબાજુએ ફેંકી દીધો હોય, તેમ રાખી મૂક્યો. સુરેન્દ્રનો અહમ્‌ ફરી વાર ઘવાયો. સુરેન્દ્ર લાલચોળ થઈ ગયા, પરંતુ ઠાકુર તો ભક્તજનો સાથે કીર્તનાનંદે નાચી રહ્યા છે.

ઠાકુર મોંઘાદાટ ગાલીચા ઉપર ન બેઠા. વળી, આવો સરસ ફૂલનો હાર પણ ન પહેર્યો, આ બધું ભક્તોની હાજરીમાં થયું. વિચારો કે સુરેન્દ્રની શી દશા થઈ હશે? સુરેન્દ્ર અહંકારમાં જ ઘરની બહાર આવીને ઓટલા ઉપર બેસી ગયા. ઘમંડ અને ગુસ્સો સમાતો નથી. અંદર ઠાકુર તો ભક્તો સાથે આનંદથી નાચી રહ્યા છે. સુરેન્દ્રની સાથે બહાર ઓટલા પર એક-બે ભક્તો પણ આવીને બેઠા, જેમાં રામચંદ્ર દત્ત પણ હતા. સુરેન્દ્ર કહે છે કે મને ખૂબ જ લાગી આવ્યું છે. આટલો બધો ખર્ચો કરીને આ કાશ્મીરી ગાલીચો, ફૂલનો હાર એમના માટે લાવ્યો હતો. પરંતુ આ ગામડાનો બ્રાહ્મણ આનું મૂલ્ય શું સમજી શકે?

અચાનક સુરેન્દ્રના ભાવમાં પરિવર્તન આવ્યું. તેમને તરત જ સમજાઈ ગયું કે તે મોટી ભૂલ કરી રહ્યા છે. જે સાક્ષાત્‌ ઈશ્વરાવતાર ભગવાન એ રામકૃષ્ણદેવને તુચ્છ પૈસાટકાની વસ્તુઓથી વશ કરવા, લલચાવવાનો પ્રયત્ન કર્યો છે, મેં અભિમાનમાં મોટી ભૂલ કરી છે. સુરેન્દ્રની આંખોમાંથી અશ્રુપ્રવાહ વહેવા લાગ્યો. ચોધાર આંસુથી છાતી ભીંજાઈ ગઈ. સ્વયંને રોકી શકતા નથી. કરુણ રુદનથી હૃદય નીચોવાઈ રહ્યું છે. તે જ સમયે ઠાકુર કીર્તન કરતાં કરતાં પેલો ફેંકી દીધેલો હાર પોતાની જાતે ગળામાં પહેરી નાચતાં નાચતાં બહાર સુરેન્દ્ર પાસે આવ્યા અને ગીત ગાવા લાગ્યા. ગીતનો ભાવાર્થ હતો કે, ‘મારે વળી આભૂષણો બાકી છે શું? મેં આ જગતરૂપી ચંદ્રહાર પહેર્યો છે. અર્થાત્‌ આ જગત વસુંધરા—જેનાં ચંદ્ર, તારા, નક્ષત્રોરૂપી ઘરેણાં મારા ગળામાં છે. તું મને વળી આ સાધારણ હાર પહેરાવીને શું સમજાવવાનો હતો? શ્રીરામકૃષ્ણ સુરેન્દ્રની સામે કીર્તનાનંદે સમાધિસ્થ થયા છે.

આપણે સૌ જાણીએ છીએ કે ઠાકુરનો જે સદીમાં આવિર્ભાવ થયેલો એ સમયે સમગ્ર જગતમાં એક વિપ્લવિક પરિવર્તન લાવ્યા હતા—બે મહાન ચિંતનકર્તા. મનુષ્યના વિચારો અને ચિંતનના રાજ્યમાં તેઓએ એક નવીન પ્રકાશ ફેંક્યો. તેમાંના એક હતા સિગ્મંડ ફ્રોઇડ અને બીજા હતા કાર્લ માર્ક્સ.

ફ્રોઇડે કહ્યું કે મનુષ્યજીવનની સમસ્ત તૃષ્ણાની પાછળ એક જ આવેગ (ઇમ્પલ્સ) સૌથી પ્રબળ છે. એ આવેગને ઠાકુર કહેતા કામિની. જ્યારે કાર્લ માર્ક્સે કહ્યું કે ધનસંપત્તિ કે અર્થવાસના મનુષ્યની તમામ ઇચ્છા-વાસના તેમજ મનુષ્યની જીવનશૈલીને પ્રબળ ભાવે આંદોલિત કરે છે. ઠાકુર તેને કાંચન કહેતા.

ઠાકુર કહે છે કે કામિની-કાંચન જ મનુષ્યજીવનના સૌથી પ્રબળ આવેગ છે. આ કામિની-કાંચન જ મનુષ્યને નિયંત્રિત કરે છે અને મનુષ્ય આ અર્થ અને કામને નિયંત્રિત ન કરે તો ક્યારેય સાચા અર્થમાં, સાચા મનુષ્ય તરીકે વિકાસ પામી શકે નહીં. અર્થ અને કામ જેના દાસ થઈને રહે એ જ ખરો મનુષ્ય.

ઠાકુર કહેતા કે વૈરાગ્ય ત્યારે જ આવે કે જ્યારે વિષયો પ્રત્યેનો અનુરાગ ચાલ્યો જાય અને ઈશ્વર પ્રત્યેનો અનુરાગ પ્રતિષ્ઠિત થાય. આ ભાવ સંપૂર્ણપણે એક સકારાત્મક શૈલી વડે હાંસલ કરવો જોઈએ. શ્રીરામકૃષ્ણદેવની આ એક અદ્‌ભુત શૈલી કે પદ્ધતિ છે કે જેના દ્વારા દાસત્વની પેલે પાર જઈ શકાય.

ઠાકુર કહેતા કે બધા જ આનંદોમાં બ્રહ્માનંદ શ્રેષ્ઠ આનંદ. આપણે જો અર્થ અને કામને અર્થાત્‌ ઠાકુરના જ શબ્દોમાં, કામિની-કાંચનને નિયંત્રણમાં ન કરી શકીએ તો ખરા અર્થમાં એક સાચા મનુષ્ય તરીકેની પ્રતિષ્ઠા પામી શકીશું નહીં.

આપણે સૌ જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદજીએ પોતે શ્રીરામકૃષ્ણદેવની આરાત્રિકની રચનામાં ઠાકુરને ત્યાગીશ્વર, ત્યાગના બાદશાહ કહ્યા છે. શ્રીમા શારદાદેવી કહેતાં કે ઠાકુરનું સૌથી મોટું આભૂષણ છે—તેઓનો ત્યાગ.

આપણા ૧૫મા પરમાધ્યક્ષ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ એક વાર માધવાનંદજી મહારાજને મળવા ગયા ત્યારે જોયું તો માધવાનંદજી મહારાજ કથામૃત વાંચી રહ્યા હતા. સ્વામી માધવાનંદજી મહારાજ અસાધારણ જ્ઞાની પુરુષ, અસાધારણ પંડિત, શાસ્ત્રજ્ઞ, મહાન સાધક અને અસાધારણ કર્મવીર હતા.

સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે સ્વામી માધવાનંદજી મહારાજને કહ્યું, “મહારાજ, હું જ્યારે પણ તમારી પાસે આવું છું, આપ કથામૃત લઈને જ બેઠા હો છો. અન્ય શાસ્ત્રોમાં પારંગત હોવા છતાં એ ન વાંચતા, માત્ર કથામૃતનું જ વાંચન કરતા આપને જોઉં છું.” ત્યારે માધવાનંદજી મહારાજ કહે છે, “વાત એમ છે કે ગઈ કાલે જે કથામૃતમાં વાંચ્યું હતું, આજે પણ એ જ પાનું વાંચતાં કંઈક નવીનતા જોવા મળે છે. નવી નવી વ્યાખ્યાઓ સ્ફુરે છે. શ્રીરામકૃષ્ણદેવે જે વાતો કહી છે તેમાં નવા નવા અર્થ, નવી નવી વ્યાખ્યા જોવા મળે છે.” આ છે શ્રીરામકૃષ્ણદેવના જીવનની વિશિષ્ટતા! એમના અનંતજીવનમાં અનંત નવા નવા અર્થો જોવા મળે છે.

આપણાં ધર્મશાસ્ત્રો, વેદ, ઉપનિષદો પુરાણો છે, તેમાં એક પુરાણ શબ્દ આવે છે. પુરાણ એક ગ્રંથ છે. રાજા-મહારાજાઓ, ઋષિમુનિઓ, દેવી-દેવતાઓની કથાઓ આ પુરાણમાં જોવા મળે છે.

શંકરાચાર્ય ઉપનિષદમાં પુરાણની વ્યાખ્યા કરતાં કહે છે पुरान-अपी-नब એટલે કે પ્રાચીન પુરાણ હોવા છતાં નવ એટલે કે નવીન એ જ છે પુરાણ. એટલે પુરાણ પ્રાચીન હોવા છતાં નવીન.

એટલે જ શ્રીરામકૃષ્ણ ‘પુરુષપુરાણ’ કહેવાય છે.

શ્રીરામકૃષ્ણદેવ ક્યારેય પ્રાચીન થવા ઇચ્છતા ન હતા, વૃદ્ધ થવા માગતા ન હતા. જ્યારે તેમના માથા અને દાઢીના વાળ થોડા સફેદ થવા માંડ્યા ત્યારે રમૂજમાં મા શારદાદેવીને કહેતા, “સાંભળ્યું રે… લોકો કહેવા માંડશે કે દક્ષિણેશ્વરમાં એક વૃદ્ધ સાધુ રહે છે.”

ત્યારે મા શારદાદેવી કહેતાં, “ના, ના, લોકો એવું નહીં કહે, લોકો કહેશે કે દક્ષિણેશ્વરમાં એક બુદ્ધિમાન સાધુ રહે છે.”

Total Views: 102

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.