આજનો યુગ કે જે યુગમાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ, એ પહેલાં ઘણા યુગો વીતી ગયા, જેમાં સત્યયુગ કહીએ કે ત્રેતાયુગ કહીએ કે પછી દ્વાપરયુગ કહીએ. આ બધા જ યુગોમાંથી મનુષ્યજાતિ પસાર થઈ છે તેમજ જે તે યુગની પરિસ્થિતિ સારી કે નરસી હોય તેને માણી છે. અત્યારે હાલના યુગની વાત કરીએ તો ભૌતિકવાદ અથવા ભૌતિક સુખ-સગવડોથી સભર એવા આ યુગમાં કોઈપણ પ્રકારની અગવડો કે દુઃખોનો કોઈ અવકાશ નથી કારણ કે મનુષ્ય પોતાનાં તમામ પ્રકારનાં સુખો માટે વિજ્ઞાન અને નવીનતમ ટેક્નીકોનો આવિષ્કાર કરીને વધુ ને વધુ સુખ-સમૃદ્ધિ મેળવવા પ્રયત્ન કરી રહ્યો છે અને આ રીતે વધુ ને વધુ ભૌતિક સુખ-સગવડો માણી રહ્યો છે. તેમ છતાં આજનો માનવ હંમેશાં તણાવયુક્ત ચિંતાગ્રસ્ત જીવન વિતાવી રહ્યો છે. ભલે આ પહેલાંના યુગોમાં મનુષ્ય પાસે આટલાં સુખભોગનાં સાધનો એટલે કે ભૌતિકવાદ ન હોવા છતાં એનું જીવન સુખમય અને શાંતિમય હતું.

વળી આજનો આધુનિક માનવ ફક્ત વ્યક્તિગત કુટુંબ, સમાજ કે દેશ પૂરતો જ સીમિત રહ્યો નથી, અપિતુ અદ્યતન સામાજિક માધ્યમ (Social Media)ના યુગમાં વૈશ્વિક બની ગયો છે, ત્યારે પૂર્વ તેમજ પશ્ચિમના વિચારોની આપ-લેથી માનસિક તણાવયુક્ત જીવનના ઉપાય માટે વિચારવું પડશે.

મનના નિયંત્રણ અંગે આપણા પ્રાચીન ઋષિમુનિઓ, સંતો, પયગંબરો, યોગીઓએ પોતાનાં મંતવ્યો કે ઉપાયો સૂચવ્યાં છે. સાથોસાથ આજના આધુનિક વર્તમાન યુગમાં પશ્ચિમના મનોવૈજ્ઞાનિકોએ પણ પોતાનાં મંતવ્યો પ્રસ્તુત કર્યાં છે, જેના દ્વારા તણાવમુક્ત જીવન માટેના બંને આયામોની સારી રીતે જાણકારી લાભદાયક નીવડશે.

આ ઉપરાંત આપણું શારીરિક-માનસિક ઘડતર પાંચ કોશો જેવા કે અન્નમયકોશ, પ્રાણમયકોશ, મનોમયકોશ, વિજ્ઞાનમયકોશ તેમજ આનંદમયકોશ દ્વારા થયું છે. તેથી તણાવમુક્ત જીવનના ઉપાય માટે વિજ્ઞાનમયકોશ તેમજ મનોમયકોશની જાણકારી આ દિશામાં લાભપ્રદ રહેશે. આપણા આધુનિક યુગના ઋષિવર, યોગીવર સ્વામી વિવેકાનંદે મનના નિગ્રહ-નિયંત્રણ અથવા બીજા શબ્દોમાં તણાવમુક્ત જીવનના ઉપાય માટે આ ચાર યોગના સમન્વયની વાત કહી છે.

આ ઉપરાંત પહેલાંના યુગનો મનુષ્ય ગમે તેવી પરિસ્થિતિ કે સંકટોનો સામનો કરવા માટે પૂરી રીતે સક્ષમ હતો, તેનું કારણ એ કે યુગપ્રયોજન અનુસાર અવતરેલા મહાપુરુષો, સંતોએ બતાવેલા માર્ગને તે અનુસરતો. બીજા અર્થમાં શાસ્ત્રોક્ત (Life in prescribed manner) જીવન અનુસાર તેનું જીવનઘડતર થતું અને એનો સંસાર કે સમાજ ધર્મના સંસાર કે સમાજના આધારે પરિચાલિત થતો હતો. ધીરે ધીરે આજની આધુનિકતાએ ધર્મ અને નૈતિક જીવનથી મનુષ્યને વિમુખ કરી નાખ્યો છે, તેનું મુખ્ય કારણ- ધર્મ તેમજ તે દ્વારા નિર્ધારિત નૈતિક જીવન જીવવાની અવહેલના કરાઈ. અગાઉના સમયમાં મનુષ્યનું દૈનંદિન જીવન આધ્યાત્મિક સંપદાઓ અથવા ધાર્મિક વલણોથી વણાયેલું હતું, જેમાં તેના જીવનમાં આવતી ચિંતાઓ કે તણાવનો સામનો કરવાની પ્રબળતા રહેતી હતી.આજે એ જ મનુષ્યનું જીવન ખોટી દોડધામ અને સાચી દિશાહીન થઈ ચૂક્યું છે.

સ્વામી વિવેકાનંદનું માનવું હતું કે સંસારમાં જે કાંઈ થઈ રહ્યું છે તેને સાંસારિક દૃષ્ટિકોણથી દુષ્ટતા ન કહેવું; અલબત્ત સકારાત્મક દૃષ્ટિકોણથી જોવું રહ્યું, નહીં કે નકારાત્મક વિચારથી.

સ્વામી વિવેકાનંદ કહેતા કે ‘બાળપણથી એ જ શીખવી દેવામાં આવે છે કે હું પાપી છું, હું નિર્બળ છું.’ પરંતુ મનુષ્ય તો દિવ્ય આત્મા છે, અમૃતનું સંતાન છે. જે લોકો અતિ નિર્બળ દેખાય છે એમના મસ્તકમાં પણ સકારાત્મક, શક્તિશાળી અને સહાયક વિચારો ભરી દેવાની જરૂર છે. સ્વામીજી કહેતા કે ‘જીવનની અંદર શરૂઆતથી જ દૃઢ વિચારોને પ્રવેશવા દો, દિવસ-રાત એ જ વિચારોનું ચિંતન કરો.’ સ્વામી વિવેકાનંદ જેવા મહાન અવતારોના ઉપદેશ તેમજ મહાન શબ્દોથી એ જ પ્રમાણિત થાય છે કે ધર્મને જો સાચા અર્થમાં ગ્રહણ કરવામાં આવે તો જીવનમાં આવતી કોઈ પણ પ્રકારની સમસ્યા, દુઃખ કે કષ્ટ માનસિક તણાવ ઉત્પન્ન થવા દેશે નહીં પરંતુ તેમાંથી અવશ્ય સાંગોપાંગ મુક્ત પણ થવાશે.

સ્વામીજી દૃઢપણે માનતા કે સફળ અને અર્થપૂર્ણ જીવન જીવવાને માટે તથા આપણું ધાર્યું લક્ષ્ય પ્રાપ્ત કરવાને માટે શારીરિકરૂપે તેમજ માનસિકરૂપે ખાસ કરીને નિર્ભય બનવું જોઈએ. તેઓ કહેતા કે કોઈપણ પ્રકારનો ભય ન કરો, નિર્ભય બનો! સમગ્ર શક્તિ તમારી અંદર નિહિત છે. ક્યારેય એવું ન વિચારો કે તમે કમજોર છો. સ્વામીજી સૌને હંમેશાં માનસિક રૂપથી સશક્ત થવા ઉપરાંત શારીરિક રૂપથી પણ મજબૂત થવા પર જોર દેતા.

વિવેકાનંદજીએ કહેલા કથનનું જો કોઈ વ્યક્તિ સચ્ચાઈથી અને હૃદયથી અનુસરણ કરશે અને નકારાત્મક વિચારોને ફાલવા-ફૂલવા નહીં દે તો એને અવશ્ય સફળતા મળશે જ.

એક વાર જ્યારે સ્વામી વિવેકાનંદજીના ગુરુભાઈ બીમાર થઈ ગયા ત્યારે સ્વામી વિવેકાનંદજીએ તેમને કહ્યું કે ‘સકારાત્મક વિચારોથી તમારા મન-મસ્તિષ્કને ભરી દો અને વેદાંત દર્શન અનુસાર એવું વિચારો કે મને કોઈ રોગ નથી અને તમે તુરંત જ સાજા થઈ જશો.’ એ જ રીતે આપણે સકારાત્મક વિચાર શક્તિ દ્વારા માનસિક તણાવને નાથી શકીશું. સ્વામીજીના મત અનુસાર ધ્યાનની સહાયતાથી સ્નાયુતંત્રને શાંત રાખી શકાય. સ્વામીજી કહેતા કે પ્રત્યેક વ્યક્તિએ પોતાના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરવું. એક વાર જો વ્યક્તિ પોતાના આ દિવ્ય સ્વરૂપને જાગૃત કરી લે તો પોતાની અંતઃનિહિત શક્તિને આત્મસાત્ કરી લેશે. ધ્યાનના અભ્યાસ દ્વારા રોજબરોજના દૈનંદિન જીવનમાં આવતી શારીરિક-માનસિક મુશ્કેલીઓનો આપણે સામનો કરી શકીશું.

ભગવદ્ ગીતાના અઢારમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે ‘જો તને અસફળતા મળે તો તું સંપૂર્ણપણે સંપૂર્ણ હૃદયથી મારી શરણે આવી જા; ફક્ત મારું શરણ લે, બાકી બધું હું સંભાળીશ.’ એટલા માટે જીવનમાં આવતી નિરાશાઓ, દુઃખો, માનસિક તણાવ કે કષ્ટોમાંથી આપણે આત્મવિશ્વેષણ તથા અંતઃનિરીક્ષણના અભ્યાસ તેમજ પ્રાર્થના અને ધ્યાન દ્વારા આપણે ઊગરી શકીએ. સાથોસાથ આપણી દિનચર્યામાં પણ થોડે ઘણે અંશે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આવનારી સંભવિત મુશ્કેલીઓ, વિટંબણાઓનો સામનો કરવાનું બળ પ્રાપ્ત થાય.

ॐ सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःखभाग्भवेत्॥

Total Views: 249

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.