(લેખક રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. – સં.)

અવતારોની લીલા વિશેનું ચિંતન-મનન એ કેટલું અઘરું કાર્ય છે! એમાં પણ મા શારદાદેવી વિશે કહેવું એ તો એક પડકારૂપ કાર્ય છે.

વેદ-વેદાંતના મધ્યવર્તી વિચારો વિશે સમજવામાં આપણે કેટલેક અંશે સફળ થઈ શકીએ. ત્રેતાયુગમાં આપણે સૌ જાણીએ છીએ રામ સાક્ષાત્‌ ભગવાનના અવતાર હોવા છતાં કેટલા લોકો તેમને ઓળખી શક્યા હતા? દ્વાપર યુગમાં એ જ ભગવાને કૃષ્ણરૂપે અવતાર લીધો અને આ ધરતી પર લીલા કરી. કેટલા લોકો કૃષ્ણને ઓળખી શક્યા હતા? બાર ઋષિમુનિઓ જ સાચા અર્થમાં રામને ભગવાનના અવતાર તરીકે સમજી શક્યા હતા. માનું જીવનચરિત્ર વાંચતાં આપણને જણાય છે કે સામાન્ય માનવીને માટે શ્રીમાને કેવી રીતે ઓળખવાં કે જે સાક્ષાત્‌ ભગવતીરૂપે પોતાનું સંપૂર્ણ ઐશ્વર ઢાંકીને આવ્યાં છે. શું થોડું ઘણું વાંચન કરી લેવાથી સમજી શકીશું ખરાં?

આને માટે આપણે સૌએ શ્રીમાના જીવન વિશેના રહસ્યોદ્ઘાટન સ્રોતનો આશરો લેવો પડશે.

  1. શ્રીરામકૃષ્ણદેવના શ્રીમા વિશેના ઉદ્‌ગારો.
  2. સ્વામી વિવેકાનંદે પોતે શ્રીમા વિશે કહેલી વાતો.
  3. માએ પોતે પોતાના વિશે જ કરેલા ઉદ્‌ગારો.

આ ત્રણ એવા સ્રોત છે, જે શ્રીમાના આંતરિક જીવનનાં રહસ્યોને ઉદ્ઘાટિત કરે છે.

સૌ પ્રથમ ઠાકુર કહે છે કે એ શારદા છે, એ સરસ્વતી છે; જે આ વખતે રૂપ છૂપાવીને જ્ઞાન દેવા આવી છે. વળી, કહે છે કે ફૂલ ખીલે એટલે મધમાખીઓ આપોઆપ ભેગી થઈ જાય છે. માનું પણ ગહન, આંતરિક જીવન અધ્યાત્મમાર્ગના પ્રવાસીઓ માટે એક અમોઘ સુવાસનું કેન્દ્ર બન્યું.

બીજા એક પ્રસંગે ભાણેજ હૃદયને શ્રીમા સાથે તોછડું વર્તન કરતો જોઈને ચેતવણી આપતાં ઠાકુર કહે છે, “હૃદય, તું એમની સાથે તોછડાઈભર્યો વ્યવહાર કરતો નહીં, નહીંતર એ તો ક્ષમા કરી દેશે પણ તેની ભીતરમાં જે રહે છે, તે જો એક વાર ફૂંફાડો મારશે તો તને બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ પણ બચાવી શકશે નહીં.”

બીજા એક પ્રસંગે સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજ (શારદા મહારાજ)ને ઠાકુર મા પાસેથી દીક્ષા ગ્રહણ કરવાનું કહેતાં કહે છે કે રાધાની માયા અનંત છે એ વર્ણવી શકાતી નથી. તેનાથી કોટી કોટી કૃષ્ણ, કોટી કોટી રામ અવતરે છે, રહે છે અને ચાલ્યા જાય છે.

અરે! આધ્યાત્મિક જગતના ઇતિહાસમાં આવો પહેલો દાખલો છે કે જ્યાં સ્વયં અવતારવરિષ્ઠ ભગવાન શ્રીરામકૃષ્ણદેવે ન જાણે કેટકેટલીયે સાધનાઓ કરી અને અંતે શ્રીમા શારદાદેવીની ફલહારિણી કાલીપૂજાની રાત્રે ષોડશોપચાર પૂજા કરી અને પોતાની સમગ્ર સાધનાનું ફળ શ્રીમાનાં ચરણે અર્પણ કરી દીધું.

આપણે જાણીએ છીએ કે આ લૌકિક જગતમાં માના જીવનમાં ન જાણે કેટકેટલી અલૌકિક ઘટનાઓ બની છે. આ બધી ઘટનાઓ આપણા પ્રાણને સ્પર્શી જાય તેવી છે.

1897માં સ્વામી વિવેકાનંદ અમેરિકામાં વેદ-વેદાંતનો પ્રચાર કરી જગવિખ્યાત બન્યા અને એ વિશ્વવિજયી સ્વામીજી સ્વદેશ પરત ફરતાંની સાથે સૌ પ્રથમ શ્રીમા શારદાદેવીને મળવા જાય છે, ત્યારે સ્વામીજી વારંવાર ગંગાજળનો અભિષેક પોતાના શરીર પર કરે છે અને પછી માને સાષ્ટાંગ પ્રણામ કરી માની પાસે નાના બાળકની જેમ બેસી જાય છે. આ જોઈને શ્રીમા એક ઉચ્ચ ભૂમિકામાં પહોંચી ગયાં. માને ખૂબ જ આનંદ થાય છે કે ઠાકુરનો નરેન પાછો આવી ગયો. ઠાકુરની ભવિષ્યવાણી—નરેન શિક્ષા દેબે—સાર્થક કરી. શ્રીમાનો આનંદ સમાતો નથી. નરેનનાં વખાણ જ કર્યે જાય છે.

જ્યારે માએ બોલવાનું પૂર્ણ કર્યું ત્યારે નરેને માને શાંતિથી સાંભળ્યા પછી કહ્યું, “આ કાર્ય શું મારાથી થયું છે કે તમે જ કર્યું છે! તમારી એક ઇચ્છામાત્રથી હજારો વિવેકાનંદ પેદા કરી શકો. એક સંકલ્પથી જ સાક્ષાત્‌ જગત્‌જનની જગદંબા આ સ્વરૂપે અવતર્યાં છે.”

બીજો એક પ્રસંગ

એક યુવાન સ્વામીજી પાસે આવીને કહે છે કે હું તમારી પાસેથી દીક્ષા લેવા માગું છું. સ્વામીજી યુવાનની સાથે જૂના મંદિરમાં જાય છે અને ઊંડા ધ્યાનમાં ડૂબી જાય છે. પછી બહાર આવીને યુવાનને કહે છે, “જો, હું તારો ગુરુ નથી. તારી દીક્ષા બીજી વ્યક્તિ પાસેથી થશે અને એ મારા કરતાં હજારોગણી શક્તિશાળી હશે. તું ફરી વખત ક્યારેક આવજે.” યુવાનને લાગ્યું કે સ્વામીજીને મારામાં રસ નથી, એવું માનીને ચાલ્યો ગયો.

થોડા દિવસ પછી આ યુવાનને એક દિવ્યસ્વરૂપવાન દેવી સ્વપ્નમાં આવે છે અને મંત્ર પણ આપે છે. બીજા દિવસે પેલો યુવાન ફરી સ્વામીજી પાસે આવે છે અને સ્વપ્નમાં બનેલી ઘટનાની વાત કરે છે. આ વાત સાંભળીને સ્વામીજી ખૂબ જ ખુશ થયા અને કહ્યું કે ખૂબ સારું, તને જે જોઈતું હતું તે મળી ગયું. હવે તારી સાધનાનો પ્રારંભ કર. પેલા યુવાને કહ્યું કે, “સ્વામીજી, હું આવાં સ્વપ્નોમાં જરાય માનતો નથી. મારે તો તમારી પાસેથી જ મંત્રદીક્ષા લેવી છે.”

સ્વામીજી ગંભીર સ્વરે બોલ્યા, “મારા દીકરા, તેં જે દિવ્યસ્વરૂપ દેવીને સ્વપ્નમાં જોયાં છે, તે જ માને તું સશરીરે તારી સામે સાક્ષાત્‌ જોઈ શકીશ અને તે પણ બગલા સરસ્વતીના સ્વરૂપમાં. તારા સ્વપ્નની એ દેવી સ્વભાવે નમ્ર, માધુર્ય-મનવાળી સાથોસાથ અંદરથી એ જ ભયંકરી કાલી-કરાલી સાક્ષાત્‌ દુર્ગા.”

હવે, બન્યું એવું કે આ યુવાનને અનાયાસે જયરામવાટી જવાનું થયું અને શ્રીમાએ તેને ખૂબ જ પ્રેમથી આવકાર્યો અને કહ્યું, “મારા દીકરા, તું આવ્યો! તું આજે જે માગીશ, તે હું આપીશ.” પણ આ યુવાન કેવી રીતે સમજી શકે કે આ સાક્ષાત્‌ ભગવતી છે. આ યુવાને કહ્યું કે મને કાંઈ જ સમજાતું નથી. તમને મારા માટે જે સારું લાગે તે કરો. માએ કહ્યું કે કાલે સવારે નાહીધોઈને ફળફૂલ લઈને આવજે. બીજે દિવસે શ્રીમાએ એ યુવાનને દીક્ષા આપી કે તરત જ આ યુવાને સ્વપ્નમાં ધટેલી ઘટના પુનઃ ઘટતી નિહાળી!

Total Views: 185

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.