પ્રશ્ન: ૨૬. આ જગત, જ્યાં આપણું અસ્તિત્વ છે, જેને આપણે જોઈએ છીએ, એ જગતનું નિર્માણ કઈ રીતે થયું? હિન્દુધર્મમાં તેનું નિરૂપણ જોવા મળે છે ખરું? આ નિરૂપણ વિજ્ઞાનની કસોટી પર સાચું ઠરે છે?

: યુગોથી જગતના નિર્માણના મૂળમાં રહેલું તત્ત્વ, તેની રચના-પ્રક્રિયા, જન્મ-મૃત્યુનું રહસ્ય, પાપ-પુણ્યની સમસ્યા, માનવજીવનનું પરમ લક્ષ્ય વગેરે વિષયો પર વિચાર-વિમર્શ થતો આવ્યો છે, પરન્તુ તેનો કોઈ સ્થાયી ઉકેલ પ્રાપ્ત થયો નથી. ૠષિઓએ સ્વાનુભૂતિ તથા વેદોને આધારે, તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો છે. ‘ષડ્દર્શનો’ – તેની અનુભૂતિ અને અનુસંધાનનું પરિણામ છે. તેમાં જગત સંબંધી અનેક પ્રકારની વ્યાખ્યાઓ મળે છે.

ગૌતમનું ન્યાયશાસ્ત્ર અને કણાદનું વૈશેષિક આ બંને પરમાત્માને જગત્-નિર્માતા માને છે. શાશ્વત ‘અણુઓ’ વડે તેનું નિર્માણ થયાનું દર્શાવે છે. આગળની સૃષ્ટિમાં મુક્તિ ન મેળવી શક્યા હોય તેવા જીવોને, ‘અદૃષ્ટ’ દ્વારા વર્તમાન જગત સાથે સીધો સંબંધ માનવામાં આવે છે. આ અણુઓના સંયોજનથી સૃષ્ટિ બને છે. અને તેના વિખૂટા પડવાથી પ્રલય થાય છે. કપિલના સાંખ્ય અને પાતંજલિના યોગદર્શનના મતાનુસાર, પ્રકૃતિ અને પુરુષ અથવા જીવાત્માના સંપર્કથી જગતનો વિકાસ થાય છે. આમ તો તમામ રચનાની પ્રક્રિયા માનવકલ્યાણના હેતુ માટે છે; આધ્યાત્મિક વિકાસ દ્વારા તેની મુક્તિ અર્થે છે. પંચમહાભૂત – પૃથ્વી, જલ, વાયુ, તેજ અને આકાશ – કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો ઈત્યાદિ પ્રકૃતિની જ દેણગી છે. જગત તેના સંયોજન અને મેળનું પરિણામ છે. મૂળે અનાસક્ત હોવા છતાં પણ પુરુષની પ્રકૃતિ તથા તેનાં સ્વરૂપોમાં આસક્તિ થઈ જાય તો તે બંધનમાં ફસાય છે; અને અનેક યોનિઓમાં ભટકતો રહે છે. વિચાર અને વિવેક વડે જો તે પોતાને અલગ રાખી શકે તો તેને મુક્તિ મળે છે.

‘પૂર્વમીમાંસા’માં જૈમિનિ કહે છે કે જડ પ્રકૃતિ જ જીવોનાં પ્રારબ્ધ કર્મથી વિવશ બની, જગતમાં પરિણત થઈ જાય છે.

બાદરાયણ વ્યાસના મતાનુસાર પરબ્રહ્મ જ જગતનો રચિયતા અને પાલક છે. અંતે તેનામાં જગતનું વિલીનીકરણ થાય છે. અર્થાત્ પરબ્રહ્મ જ નામરૂપાત્મક જગતમાં વ્યક્ત થાય છે, અંતમાં જગત તેનાં મૂળમાં જ વિલીન થાય છે. આ કરોળિયાના જાળા જેવું, આગની જ્વાળા જેવું અથવા તો ધરતીમાંથી ઊગતી વનસ્પતિ જેવું છે. જે કાંઈ સત્ય છે તે બ્રહ્મ છે. બ્રહ્મથી અલગ કશાનું અસ્તિત્વ નથી. આ રીતે જગત મૂળભૂત રીતે રહેલ એકતાની અભિવ્યક્તિ છે.

આજના વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર દૃષ્ટિપાત કરવાથી લાગે છે કે વેદાંત આધુનિક વિજ્ઞાનની ઘણું નજીક છે. તે અનુસાર જડ વસ્તુના મૂળ કણો ઈલેકટ્રોન છે. તેના સંયોજનથી જગતના પદાર્થોનું નિર્માણ થયું છે. આધુનિક વિજ્ઞાન આજ દિવસ સુધી, મન, ચેતના, જીવન આદિની વ્યાખ્યા તો ઠીક પણ તેનાં સ્વરૂપને પણ સ્પષ્ટ કરી શક્યું નથી. પરન્તુ વેદાંત એ વાત સ્પષ્ટ રીતે બતાવે છે કે સચ્ચિદાનંદ બ્રહ્મ અથવા આત્મા જ સત્ય છે. તેમાંથી જ દૃશ્યજગતનો વિકાસ થયો છે. આ સુસ્પષ્ટ વક્તવ્યની સરખામણીમાં આધુનિક વિજ્ઞાનનું અનુસંધાન અને નિષ્કર્ષ ગૌણ લાગે છે.

પ્રશ્ન : ૨૭. હિન્દુસમાજમાં જાતિપદ્ધતિનાં મૂળ મજબૂત છે. જાતિ-જાતિ વચ્ચેનો અણબનાવ અને સંઘર્ષ સાધારણ બની ગયાં છે. એમ માનવામાં આવે છે કે વર્ણાશ્રમ જ આ સ્થિતિને માટે જવાબદાર છે. જાતિનો ઉદ્ગમ કઈ રીતે થયો અને તેનાં લક્ષણ શાં છે?

: શરૂઆતમાં વૈદિક સમાજ દ્વિજ- (બ્રાહ્મણો) અને શૂદ્ર બે જ શ્રેણીઓમાં વહેંચાયેલો હતો. દ્વિજ આચારવિચારમાં સમર્થ અને સ્વતંત્ર હતા. બાકીના શૂદ્ર હતા. સમય જતાં સમાજ વિસ્તૃત બન્યો, વિભાજન અનિવાર્ય બન્યું. વર્ણાશ્રમોની શરૂઆતમાં બ્રાહ્મણો તેમજ અન્યાને પણ કોઈપણ વ્યવસાય સ્વીકારવા કે બદલવાની મુક્ત રીતે છૂટ હતી. તેઓ ખુલ્લી રીતે આમ કરી શકતા. ઝડપથી વધતા સમાજમાં ગુણ અથવા સ્વભાવને આધારે ધંધા રોજગાર સ્થિર કરવામાં વ્યવહારિક મુશ્કેલીઓ સામે આવતી. તેથી વારસામાં પ્રાપ્ત થતા વ્યવસાયો નક્કી કરવાની સરસ રીત અપનાવવામાં આવી. વિકાસના આ તબક્કે જાતિ અને વર્ણમાં ફૂટ પડી ગઈ. એટલું જ નહીં અનેક દળોના એક બીજા સાથે મળવાથી, વિશેષ ઉદ્યોગ-ધંધાઓ વધવાથી, જાતિઓની સંખ્યા વધી ગઈ, આ રીતે જન્મ અને વારસામાં મળેલા ધંધા રોજગારના આધાર પર જાતિ વ્યવસ્થા રચાઈ ગઈ.

સદીઓથી, યુગોથી ચાલી આવતી જાતિ – પ્રથા એમ દર્શાવે છે કે આ પ્રથા અર્થ વગરની તો નથી. અમુક ચોક્કસ જાતિમાં જન્મ લેનાર વ્યક્તિને સમાજના ઐકયથી પોતાપણું અથવા તો ભાવાત્મક સુરક્ષાનો અનુભવ થાય છે; તે પોતાની જાતિના વ્યવસાયો શીખી લે છે, અપનાવી લે છે; અને ઘાતક હરિફાઈ વગર જ, તે વ્યવસાયોનો વિકાસ સાધતો જાય છે. જ્ઞાતિમાં જ વિવાહ-પ્રથા એ જાતિના સભ્યોમાં આત્મીયતા સાધે છે. તેના સભ્યો જરૂરત પડતાં એક બીજાને મદદ કરવા પણ તૈયાર થાય છે.

ચોક્કસ જાતિનું બાળક વારસામાં મળેલા વ્યવસાયને અનુકૂળ વાતાવરણમાં મોટું થાય છે; તેથી તે પોતાની કુશળતા અને ક્ષમતા વિકસાવે છે. હા, જ્યારથી આ સ્થિતિસ્થાપક વ્યવસ્થા રૂઢ બનતી ગઈ અને વધુ યોગ્ય વ્યક્તિ જ્યારે તેના વ્યવસાયથી અલગ પડી, અન્ય ઉદ્યમ અપનાવી વધુ ઉન્નતિ સાધવાથી વંચિત રહેવા લાગી, ત્યારે પારસ્પરિક અવરોધો ઊભા થવા લાગ્યા. આ ઊણપ છતાં જાતિ-પ્રથામાં અન્ય એવી કોઈ ઘૃણાસ્પદ બાબત નથી કે જેનાથી આપણે શરમાવું પડે.

જો એવું જ છે, તો પછી જુદીજુદી જાતિના સમુદાયોમાં પરસ્પર વેર અને વિરોધ શા માટે છે? સાચું તો એ છે કે મિથ્યાભિમાની અને સ્વાર્થી વ્યક્તિઓએ શિક્ષણ, સંસ્કૃતિ, સંપત્તિ વગેરેનું મૂલ્ય યોગ્ય રીતે જાણ્યું નહીં. તેનો દુરુપયોગ કરી પોતા કરતાં ઓછા ભાગ્યશાળી લોકોનું શોષણ કર્યું. એની સાથોસાથ જાતિઓની અનેક શ્રેણીઓ ઊભી કરી દીધી અને પોતાનો પ્રભાવ જળવાઈ રહે તેવું ઇચ્છવા લાગ્યા. તેઓ એવું માનતા હતા કે તેનાથી તેમની માનમર્યાદામાં ઘટાડો થવાનો નથી. હકીકતે દોષ આવી વ્યક્તિઓનો છે, પ્રથા કે પદ્ધતિનો નહીં. ગણ્યાગાંઠ્યા લોકોના અતિરેકને કારણે આપણે પોલીસ શાસનની સરકારી વ્યવસ્થાની ટીકા નથી કરતાં; એ જ કારણે, એ જ રીતે થોડાંક માથાફરેલા લોકોનાં કુકર્મોના કારણે સમૂળી વ્યવસ્થાની નિંદા કરવી એમાં બુદ્ધિમત્તા નથી.

વિવિધ જાતિઓની, અલગ-અલગ સહકારી કાર્યાલયો સાથે સરખામણી કરી શકાય. કાર્યાલયના અધિકારીઓ કે અન્ય કર્મચારીઓ, એક જ ઉદ્દેશ્યથી પોતપોતાની ફરજ બજાવે છે, અને જવાબદારી અદા કરે છે. સમાજનાં હિતોનું રક્ષણ કરવું એ જ સૌનું કર્તવ્ય છે. અરસપરસનાં વેરઝેર કે ઝઘડાથી તેઓ કંઈ કેવળ પોતાની જાતને જ નહિ, પરન્તુ સમસ્ત સમાજને નુકસાન પહોંચાડે છે. અગાઉ તો લોકોને પોતપોતાની જાતિના સંસ્કારો અપનાવવા પડતા હતા. પરન્તુ સમાજમાં કેટલાક સંસ્કારો સારા-નરસ કે આદર કે અનાદરને યોગ્ય છે એવું મનાવા લાગ્યું, તેથી જાતિવ્યવસ્થામાં પણ ઊંચનીચનો ભેદ જણાવા લાગ્યો. તેમાંથી જાતિવાદમાં ઉદ્ભવેલી સમસ્યાઓ વધી, પરન્તુ આજે બદલાઈ ગઈ છે. બધી જાતિઓના લોકો પોતપોતાનો ધંધો રોજગાર પસંદ કરવા સ્વતંત્ર છે. બધાને સમાન તકો પણ મળે છે. આજના શિક્ષણ અને તાલીમના સંબંધમાં બધું સરખું છે. જાતિના નામે ઝઘડો કે બેઈમાની અને મૂર્ખામી બેહદ છે. જેને લીધે માત્ર વ્યક્તિનું જ નહીં પરન્તુ સૌનું અહિત નિશ્ચિત છે.

ભાષાંતર: શ્રી સી. એ. દવે

Total Views: 153

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.