સ્વામી વિવેકાનંદના ગુરુભાઈઓમાં એક હતા અલ્પવયસ્ક બાલ-બ્રહ્મચારી સ્વામી અખંડાનંદ. જ્યાં સ્વામીજીના કેટલાક ગુરુભાઈઓ સેવાયજ્ઞને સંશયાત્મક દૃષ્ટિએ જોતા હતા ત્યાં અખંડાનંદજી સર્વપ્રથમ ગુરુભાઈ હતા કે જેમણે પૂર્ણ હૃદયે કર્મયોગના માર્ગ ઉપર પોતાનું જીવન ઢાળ્યું હતું.

મે, 1893માં અમેરિકા જતાં પહેલાં સ્વામીજીએ આબુ પર્વત પાસે સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી તુરીયાનંદને કહ્યું હતું: ‘મેં આખાય ભારતનું ભ્રમણ કર્યું છે અને હમણાં જ મહારાષ્ટ્ર અને પશ્ચિમઘાટ ફરીને આવ્યો છું. પરંતુ હાય! મેં મારી આંખે દેશવાસીઓની જે દુર્દશા જોઈ છે, એથી હું મારાં આંસુ રોકી શકતો નથી. હવે મને એ સારી રીતે સમજાઈ ગયું છે કે દેશની આ અધોગતિ અને દરિદ્રતા દૂર કર્યા વગર ધર્મપ્રચાર કરવો એ સાવ વ્યર્થ છે. એટલા માટે, એટલે કે, ભારતની મુક્તિના ઉપાય માટે જ આ વખતે મેં અમેરિકા જવાનો નિર્ણય કર્યો છે.’

સ્વામી અખંડાનંદે પોતાની ‘સ્મૃતિકથા’માં એ સ્વીકાર્યું છે કે આ બંને ગુરુભાઈઓના મુખે આ વાત સાંભળીને સ્વામી બ્રહ્માનંદની સલાહથી તેઓ રાજસ્થાન આવ્યા અને ત્યાં થોડો સમય રહ્યા અને સ્વામીજીના આદર્શ પ્રમાણેનાં કાર્યો કરવા લાગ્યા. રાજસ્થાનમાં હતા ત્યારે તેમના મનમાં ગરીબોના શિક્ષણ માટે કશુંક કરવાની ઇચ્છા જાગી અને તેમણે આ વિશે સ્વામીજીને અમેરિકા પત્ર લખ્યો. જવાબમાં સ્વામીજીનું પ્રોત્સાહન મળતાં તેઓ આ કાર્યમાં લાગી ગયા હતા.

1897માં સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા. એ સમયની આસપાસ બંગાળના મુર્શિદાબાદમાં  દુષ્કાળનો ભીષણ પ્રકોપ હતો. એ જોઈ અખંડાનંદજીનું કોમળ હૃદય દ્રવિત થઈ ગયું અને તેઓ કંઈક કરવા માટે વ્યાકુળ બની ગયા. એ સમયે સ્વામીજીની તબિયત સારી ન હોવાથી ડૉક્ટરોની સલાહથી તેઓ આઠમી માર્ચે દાર્જિલિંગ ગયા હતા. ત્યાંથી જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે તેમણે સ્વામી અખંડાનંદજીની પૃચ્છા કરતાં સ્વામી પ્રેમાનંદે જણાવ્યું કે મુર્શિદાબાદના દુષ્કાળ પીડિતોનાં દુ:ખ-કષ્ટોથી વ્યથિત થઈને, કોઈપણ રીતે એ લોકોને સહાય કરવાના હેતુથી તેઓ એ દુ:ખી લોકોની વચ્ચે દિવસો વિતાવી રહ્યા છે. અખંડાનંદજીએ લખેલા ત્રણ પત્રો તેમણે સ્વામીજીને બતાવ્યા. આ દુ:ખીઓના દુ:ખથી દ્રવિત અને અખંડાનંદના સંકલ્પથી આનંદિત સ્વામીજીએ તરત જ અખંડાનંદને ઉત્સાહ આપતો પત્ર લખ્યો: ‘શાબાશ, બહાદુર! વાહ, ગુરુની ફતેહ!!! કામમાં મંડી પડો. જે પૈસા થશે તે હું આપીશ.’ સ્વામીજીએ પોતાના તરફથી દોઢસો રૂપિયા અને બે સહકાર્યકરો (સુરેશ્વરાનંદ, નિત્યાનંદ)ને પણ મોકલ્યા. આ રીતે પ્રારંભ થયું રામકૃષ્ણ સંઘનું પ્રથમ પ્રણાલીબદ્ધ સેવાકાર્ય. (યુગનાયક, 2.275-76)

દુષ્કાળ પૂરો થયો. પરંતુ આ સ્વામી અખંડાનંદના જીવ-સેવા વ્રતની એક પ્રાથમિક અવસ્થા માત્ર હતી. દુષ્કાળને લઈને અનેક અનાથ બાળકોને ઘર વગરનાં જોઈને તેમનું હૃદય કંપી ઊઠ્યું. જિલ્લાના મેજિસ્ટ્રેટ લેવિંગ્ઝ સાહેબે પણ તેમને કહ્યું કે આ અનાથોને લઈને આશ્રમ બાંધવાથી દેશની એક જરૂરી ઊણપ દૂર થશે અને આ કામમાં સરકારી મદદનો અભાવ નહીં પડે. આ રીતે ઈ.સ. ૧૮૯૭ના બાકીના છ મહિનામાં તેમણે બે અનાથ બાળકોનો ભાર લઈ લીધો. બીજા વર્ષે મે મહિનામાં દાર્જિલિંગનાં ચાર બાળકોથી અનાથ આશ્રમની શરૂઆત થઈ.

ઈ.સ. ૧૮૯૮ના અંત સુધી આશ્રમ મહુલા ગામના ભટ્ટાચાર્યોના ખુલ્લા ઘરમાં હતો. મધુસુંદરી બર્મન નામની પૈસાદાર મહિલાએ સ્વામી અખંડાનંદના કાર્યથી પ્રભાવિત થઈ, આશ્રમ માટે દોઢ એકર જમીન આપી અને સારગાછિ પાસે શિવનગરમાંની પોતાની કચેરીનું મકાન કામચલાઉ ઉપયોગ માટે આપ્યું. સારગાછિ ગામ બહેરામપુરની દક્ષિણે છ માઈલને અંતરે આવેલું છે. તેની પાસે શિવનગર છે. આમ સારગાછિ ગામમાં એક પહોળી સડકની પાસેના જૂના બે માળવાળા આ મકાનમાં અને એ પછી તેર વર્ષે એ આશ્રમ ઈ.સ. ૧૯૧૩ના માર્ચ મહિનામાં સારગાછિની અત્યારની પોતાની જમીનમાં ફેરવાયો.

સ્થાનિક રહેવાસીઓ સ્વામી અખંડાનંદને  દંડીઠાકુર કહીને બોલાવતા. તેઓ આશ્રમની સઘળા પ્રકારની પ્રગતિ કરવા માટે પ્રયત્નશીલ હતા. પરિણામે ઘણાં અનાથ બાળકોને જીવનરક્ષણ, શિક્ષણ અને સદ્‌ભાવ મળ્યાં અને તેમની જીવનયાત્રાનિર્વાહની સુંદર વ્યવસ્થા થઈ. આશ્રમમાં બાળકોના રહેવા અને ખાવાની વ્યવસ્થા સાથે સાધારણ શિક્ષણ, શિલ્પ અને ધર્મશિક્ષણની પણ વ્યવસ્થા થઈ. આ ઉપરાંત ગામના વિકાસ અને સહાય માટે દાનથી ચાલતું ચિકિત્સાલય, રાત્રીવિદ્યાલય વગેરેની સ્થાપના પણ થઈ. આ રીતે સ્વામી અખંડાનંદજીના અંતરની ઇચ્છા ધીમે ધીમે આશ્રમમાં વિવિધ કાર્યો દ્વારા મૂર્તિમંત થવા લાગી. 

આ વર્ષોમાં ઘણા દિવસો સુધી એકલા જ વ્યસ્ત રહેવા છતાં એમનાં મૌલિક ચિંતન કે કર્મઉત્સાહ બિલકુલ ઘટ્યાં ન હતાં. સ્વદેશી આંદોલન પહેલાં જ એમણે આશ્રમમાં ચરખા અને શાળનો ઉપયોગ શરૂ કર્યો હતો. ખાદીનો વ્યાપક પ્રચાર થયો એના ઘણા સમય પહેલાં તેઓ પોતે જાડું કાપડ પહેરવા લાગ્યા હતા. આશ્રમમાં કપાસની ખેતીમાંથી ઊપજતું રૂ ગામોમાં વહેંચવામાં આવતું. પછી તે ગામોમાંથી સૂતર મંગાવીને આશ્રમમાં કાપડ બનાવવામાં આવતું હતું. આની શરૂઆતમાં જ પોતાના હાથે થોડું કાપડ વણીને આ આદર્શવાદી સંન્યાસીએ ભાવવિભોર થઈ રૂંધાયેલા અવાજે કહ્યું હતું, ‘હું એક સામાન્ય સંન્યાસી છું. આ નાના ગામમાં મેં ચાર આંગળ કાપડ વણ્યું છે. પરંતુ એ દ્વારા તેત્રીસ કરોડ ભારતવાસીઓની નગ્નતા થોડી તો ઢંકાશે.’ 

એ ઉપરાંત, તેઓ ગ્રામ્ય જનતાના શિક્ષણ માટે છાપા-ચિત્રોની મદદથી ભાષણ વગેરેની પણ વ્યવસ્થા કરતા હતા. મહારાજા મણીન્દ્રચન્દ્ર નંદી એમના આ કામથી પ્રસન્ન થઈને આશ્રમને પુષ્કળ ધન આપતા હતા. આ રીતની પ્રશંસા અને સફળતાથી જ સંતુષ્ટ ન રહેતાં સ્વામી અખંડાનંદજી હંમેશાં પોતાના આદર્શની જાળવણી કરવા તત્પર રહેતા. આ કારણે કમ્મર પર કપડાનો એક ટુકડો વીંટાળીને અને માથા પર રૂમાલ બાંધીને, બપોરના ૨-૩ વાગ્યા સુધી ખેડૂતોની જેમ મહેનત કરીને ફક્ત લીંબુના રસના પાણીમાં ભેળવેલો ભાત ખાઈને સંતોષ મેળવતા.

આ પ્રકારના આળસ વગરના, નિઃસ્વાર્થ એકનિષ્ઠ શ્રમના ફળરૂપે ધીમે ધીમે બે ઓરડાવાળું અને બંને તરફ વરંડાવાળું એક સુંદર મકાન તૈયાર થઈ ગયું. એના ઉપરના એક ઓરડામાં સ્વામી અખંડાનંદજી રહેતા હતા અને બીજા ઓરડામાં પુસ્તક વગેરે સચવાતાં, પૂજા વગેરેનું અનુષ્ઠાન થતું. બાળકો પણ આ મકાનમાં રહેતાં હતાં. મંદિર-નિર્માણ કરવામાં એમનો વિશેષ આગ્રહ ન હતો કેમ કે શિવજ્ઞાનથી જીવસેવા એ જ જેમના જીવનનું વ્રત હતું, એ ભલા કેવળ મૂર્તિમાં જ દેવદર્શન કરીને કેમ રહે? ભલે આશ્રમનાં બાળકો ઠાકુરને રમત-રમતમાં સજાવીને પૂજાનો આનંદ મેળવે, પરંતુ તેઓ તો બાળનારાયણની જ પૂજા કરશે. 

આ ભાવને કાર્યાન્વિત કરવાના ઉદ્દેશથી તેમણે એક વખત ઘારાં પડી ગયેલા એક અનાથ બાળકને ઋગ્વેદોક્ત પુરુષસૂક્તના મંત્રથી સ્નાન કરાવીને દેવજ્ઞાન સાથે ભોજન કરાવ્યું હતું. એક દિવસે બીજો એક બાળક હાથમાં ફાનસ લઈને તેમને રસ્તો બતાવતો હતો ત્યારે તેમણે પોતાને સેવાપરાધી માનીને તે ફાનસને પોતાના હાથમાં લઈ લીધું અને પોતે જ બાળકને રસ્તો બતાવતા ચાલવા લાગ્યા હતા. 

આ પ્રમાણેની ભાવધારાની સાથે દેવમંદિરનું સામંજસ્ય ન હોવા છતાં પણ પંચગ્રામના બ્રાહ્મણોની ઇચ્છાથી છેવટે એક પાકું બે માળવાળું દેવાલય બનીને આશ્રમના આંગણાની શોભા વધારવા લાગ્યું તથા ઈ.સ. ૧૯૨૮ના અન્નપૂર્ણા પૂજાના દિવસે તેનું પ્રતિષ્ઠાકાર્ય પૂરું થયું. ધીમે ધીમે ગૌશાળા, વિદ્યાલય, દાનથી ચાલતું ચિકિત્સાલય, શિલ્પ-શિક્ષણ વિદ્યાલય વગેરે પણ ત્યાં બની ગયાં.

આ અનાથ આશ્રમની પણ પોતાની એક પદ્ધતિ હતી. પુસ્તક-વિદ્યાની સાથે સાથે હૃદયના વિકાસ માટે બાળકો આસપાસનાં ગામડાંમાં જઈને વિવિધ સેવાકાર્યો કર્યા કરતાં હતાં. એક વાર ત્યાં કોલેરાનો ઉપદ્રવ થયો ત્યારે આશ્રમનાં બાળકોએ સેવાશુશ્રૂષા તથા રોગનિવારણ કાર્ય દ્વારા સેંકડો ગ્રામવાસીઓનાં જીવન બચાવ્યાં  હતાં.

સ્વામી વિવેકાનંદે એક શિષ્યને કહ્યું હતું, ‘જો, એ (અખંડાનંદ) પોતાના કામમાં કેવો વીર છે! ભયને કે મોતને એ ઓળખતો જ નથી અને પોતાના કામની પાછળ મંડ્યો રહે છે. એ અનેકનું શુભ અને સૌનું કલ્યાણ કરે છે.’ 

‘મહારાજ, મહાન તપશ્ચર્યાને કારણે એમણે એ સિદ્ધિ પ્રાપ્ત કરી હશે’, શિષ્ય બોલ્યો. 

સ્વામીજીએ જવાબ આપ્યો, ‘તપસાધનાથી શક્તિ પ્રાપ્ત થાય છે એ સાચું છે; વળી, બીજાં માટે કામ કરવું તે પણ એક સાધના છે. કર્મયોગીઓ કર્મને તપનો ભાગ જ ગણે છે. એક તરફ જેમ તપસાધના પરોપકારી વૃત્તિને ઘેરી બનાવે છે અને એને નિઃસ્વાર્થ કર્મ કરવા પ્રેરે છે તેવી જ રીતે, બીજાં માટે કર્મ કરવાથી માનવીનું હૈયું વિશુદ્ધ થાય છે અને તે વિશુદ્ધિ એને પરમાત્માના સાક્ષાત્કાર ભણી લઈ જાય છે.’

ઠાકુરના શિષ્યો મઠમાં કેવા આનંદપ્રમોદથી રહેતા એ વાત પણ કહેવા જેવી છે. આ ખાસ ઘટનાની વાત સ્વામી અખંડાનંદે પછીથી કહી હતી, ‘એક દિવસે બેલુર મઠમાં સ્વામીજી પોતાની પરિવ્રજ્યાના દિવસોની વાત કરી રહ્યા હતા અને કોઈ ભુલાઈ ગયેલી ઘટનાઓનો ઉલ્લેખ કરી હું ટાપસી પુરાવતો હતો. મને વઢીને એમણે કહ્યું, ‘વધારે પડતું બોલ બોલ કર મા. મૂંગો રહીને ધ્યાન કર.’ એટલે મેં એમની આજ્ઞા માની. દરમિયાન, હિમાલયમાંથી એક પ્રકારની માછલી વિશે વાત કરતાં એમણે મને પૂછયુંઃ ‘અરે, એ કેવડી મોટી હતી?’ આંખો બંધ રાખીને મેં મારા બેઉ હાથ ઊંચા કર્યા અને એ માછલીનું કદ નિર્દેશ્યું. બધા ખડખડાટ હસી પડ્યા.’

મઠના કાર્યક્રમ બાબત સ્વામીજી કેટલા ચોક્કસ હતા તે દર્શાવવા સ્વામી અખંડાનંદે બીજી એક વાત પણ કહી છે, ‘એક રાતે વેદાંતના વિવિધ મુદ્દાઓ વિશે, પુનર્જન્મ વિશે અને આત્મા નિમ્ન કોટિમાં જન્મે છે કે નહીં એ વિશે ચર્ચા ચાલતી હતી. સાધુભાઈઓ પક્ષકારો હતા અને સ્વામીજી મધ્યસ્થી હતા. સ્વામીજી મલકાતા હતા અને સાંભળતા હતા અને કોઈક વેળા હારતા પક્ષને તેઓ કેટલાક મુદ્દાઓ આપતા હતા. મધરાત પછીના ૨-૦૦ વાગ્યા સુધી એ ચર્ચા ચાલી. બધા ઊંઘવા ગયા. પણ બરાબર ૪-૦૦ વાગ્યે બધા સાધુઓ ઊઠીને મંદિરમાં ધ્યાન માટે જાય એ ઉદ્દેશથી એમણે મને ઘંટ વગાડવા કહ્યું. એમને સૂવા ગયે હજી બે કલાક જ થયા છે અને એ સૌને થોડું વધારે સૂવા દેવા વિનંતી કરી, તો સ્વામીજીએ દૃઢતાપૂર્વક કહ્યું કે, ‘શું કહ્યું? એ લોકો બે વાગ્યે સૂવા ગયા છે માટે તેમને છ વાગ્યા સુધી સૂવા દેવા? લાવ ઘંટ મને. હું વગાડીશ. સૂવા માટે આ મઠ આપણે ઊભો કર્યો છે શું?’ મેં જોરથી ઘંટ વગાડ્યો ત્યારે બધા મારી સામે બરાડતા ઊભા થયા. પણ મારી પાછળ સ્વામીજીને હસતા ઊભેલા જોઈ એ લોકો મૂંગા મૂંગા કાર્યક્રમ અનુસાર વર્તવા લાગ્યા.’

ભલું કાર્ય કરનારના માર્ગમાં મુશ્કેલીઓ તો આવે જ છે પણ ઈશ્વર તેમને ધીરજ, ખંત અને બળ આપે છે. નદીના પ્રવાહ આડે અવરોધો જેટલા વધારે તેટલી જ એ વધારે વેગથી વહેવા માંડે છે. સારગાછિના કેટલાક સ્વાર્થી, સંપત્તિવાન લોકો સ્વામી અખંડાનંદની લોકપ્રિયતા સહન ન કરી શક્યા. ગામ છોડવા માટે સ્વામી અખંડાનંદ પર એ દબાણ કરવા લાગ્યા. સ્વામી વિરુદ્ધ એમણે સ્વામી વિવેકાનંદને પણ લખ્યું અને એમની ઉપર દાવો પણ માંડ્યો. સ્વામીજીએ અખંડાનંદને લખ્યું કે, ‘લોકોની ટીકાથી મૂંઝાતો નહીં. કામનો આરંભ કરનાર માટે ટીકા તો આભૂષણ છે એમ કહેવાય છે.’

સારગાછિમાં સ્વામી અખંડાનંદને ભયંકર ગરીબાઈનો સામનો કરવો પડ્યો હતો. આર્થિક સહાય માટે પોતાના કેટલાક જૂના પરિચિતોને લખ્યું હતું. વારાણસીના પંડિત પ્રમદાદાસ મિત્રે એમને લખ્યું કે, ‘સમાજસેવામાં પડવાને બદલે સાધુએ જપ, પરિવ્રજ્યા અને સ્વાધ્યાયમાં વ્યસ્ત રહેવું જોઈએ.’ સ્વામી અખંડાનંદે એમને જવાબમાં લખ્યું કે:

‘મારા પુરાણા દિવસોની યાદ આપવા બદલ મને આનંદ થયો. એ દિવસો પૂરા થયા છે અને નવા યુગનો આરંભ થયો છે. આત્મા અવિચલ છે પણ જીવન પરિવર્તનશીલ છે. હવે મને પ્રવાસની જરી પણ રુચિ નથી.

‘હું પહેલી વાર હિમાલયમાં ગયો ત્યારે જુદો માણસ હતો. હવે મારી જાત પ્રત્યે જોતાં મને આશ્ચર્ય થાય છે. એ કાળે હું લોકોથી દૂર નાસતો અને ગામ છોડીને હું જંગલી જનાવરોથી ઘેરાયેલી હિમાલયની ગુફામાં વસતો. આમ, મેં કેટલાંક વર્ષો વ્યતીત કર્યાં. હવે સૌ મનુષ્યોમાં મને ઈશ્વર દેખાય છે અને ‘જનસેવા એ જ શિવસેવા છે’ એ જ્ઞાન મને લાધ્યું છે. ઈશ્વર જાણે કે મારા કાનમાં કહી રહ્યા છે, ‘આ મનુષ્યો વૈદિક ઋષિઓ છે, રામ અને કૃષ્ણની માફક એ અવતારો છે- એ જ બધું છે.’

જ્યાં નિષ્ઠા, નિઃસ્વાર્થતા અને પ્રેમ વસે છે ત્યાં ઈશ્વર સહાય મોકલે છે. કેટલાક ઉદાર હૃદયી સ્થાનિક લોકો, યુરોપીય અમલદારો, રેશમના વેપારીઓ અને કાસિમ બજારના મહારાજા મણીન્દ્રચન્દ્ર નંદી કાયમી આશ્રમ અને અનાથાશ્રમ બાંધવામાં સ્વામી અખંડાનંદને સહાયરૂપ થયા. સ્વામી અખંડાનંદ તો મૂંગા અને દંભ વગરના કર્મવીર હતા એટલે શહેરના ડોળ દમામ વગર, દૂરના ગામડામાં જીવંત શિવોની સેવા એમણે ચાલુ રાખી. પોતાના ભગવા વસ્ત્રને કોરાણે મૂકીને, ચડ્ડી પહેરીને અને માથે રૂમાલ બાંધીને, બીજા ખેડૂતોની જેમ તેઓ પોતાની જમીન ખેડતા. ભાતને ભીનો કરી તેમાં મીઠું અને લીંબુનો રસ ભેળવી તેઓ બીજા ખેડૂતોની જેમ પેટ ભરતા. ફળ, ફૂલ, શાકભાજી અને કપાસ પણ તેઓ ઉગાડતા. ગાંધીની માફક ચરખા પર તેઓ સૂતર કાંતતા અને કાપડ વણતા. પોતાના અનાથ છોકરાઓ માટે તેઓ નિયમિત અને વ્યવહારલક્ષી શાળા ચલાવતા અને રાતે ગામના નિરક્ષર પ્રૌઢોને શીખવતા. માંદાઓને તેઓ દવા આપતા. એમના અનાથાશ્રમનો એક છોકરો અવસાન પામ્યો ત્યારે પુત્ર ગુમાવનાર પ્રેમાળ માની માફક તેઓ રુદન કરી ઊઠ્યા હતા. (સ્વામી અખંડાનંદ, 57)

Total Views: 714

One Comment

  1. Mukesh Vasava October 18, 2022 at 10:02 pm - Reply

    આ સત્ય વાર્તાલાપ નો પ્રચાર થવો જોઈએ જેથી આકાશી કિતાબ નું પરિણામ વિશ્વ ના ભોગવે

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.