સ્વામી ગંભીરાનંદજી દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ પુસ્તકના પ્રારંભની ‘પ્રસ્તાવના’માંથી ઉદ્ધૃત કરીશું અને થોડી ચર્ચા કરીશું. ઘાટા અક્ષરે લખાયેલ વાક્ય ઉદ્ધરણ છે.

શ્રીમાએ જ્યારે નવું સવું દક્ષિણેશ્વર આવવાનું શરૂ કર્યું હતું ત્યારે આપણે જાણીએ છીએ કે તે સમયનો સમાજ ખૂબ રૂઢિચુસ્ત હતો. સમાજમાં સ્ત્રીઓને ઘણાં કડક બંધન-નિયમોનું પાલન કરવું પડતું હતું. પડદા-પ્રથા જેવી કુપ્રથાઓ બાહ્ય આક્રમણોના કારણે આપણા સમાજમાં પ્રવર્તી રહી હતી. શ્રીમા અને ઠાકુર તો જૂનું-પુરાણું ધ્વંસ કરવા નહોતાં આવ્યાં, પરંતુ કશુંક પુનર્જીવિત કરવા આવ્યાં હતાં. સમાજના આવાં કુરિવાજે-કુપ્રથાઓ પર સીધો પ્રહાર-આઘાત કરીને શ્રીમા-ઠાકુરે રામકૃષ્ણ સંઘની, રામકૃષ્ણ ભાવધારાની અગ્નિશિખા પ્રગટ નહોતી કરી. આપણું જૂનું-પુરાણું જે કંઈ પણ છે, તે બધું સાચું જ છે, પરંતુ એનાથી પણ શ્રેષ્ઠ એક નવભારતનું નિર્માણ કરીએ—આ ભાવ લઈને આપણો સંઘ ચાલી રહ્યો છે.

એક દિવસ ઠાકુરે શ્રીમાને કહ્યું કે જુઓ, મારા એક ખૂબ જ નિષ્ઠાવાન ભક્ત બલરામનાં પત્ની કોલકાતામાં બહુ બીમાર છે, તો તમે તેના ખબરઅંતર પૂછી આવો. આ સાંભળીને મા તો પરેશાન થઈ ગયાં કે હું એકલી કોલકાતા જેવા શહેરમાં કઈ રીતે જઈશ? ઠાકુરે તો શ્રીમાને દુવિધામાં નાખી દીધા. પરંતુ ઠાકુર કહે એટલે માને જવું તો પડે જ. આમ, ઠાકુરે ક્રમશઃ માને ભક્તોની જવાબદારી ગ્રહણ કરવા માટે તૈયાર કર્યાં હતાં. કાલીપદ ઘોષ નામે ઠાકુરના એક ભક્ત હતા. તે થોડા દુષ્ટ અને ક્રૂર સ્વભાવના હતા. તે દારૂ પીને પોતાની પત્નીને મારઝૂડ કરતા. તેમની પત્ની ઠાકુર પાસે આવીને વિનંતીપૂર્વક કહેવા લાગી કે મારા પતિ મારી સાથે આવી રીતે દુર્વ્યવહાર કરે છે, તમે આનું કોઈ નિરાકરણ લાવો. તો ઠાકુરે તેને નોબતમાં મા પાસે મોકલી દીધી. માએ કહ્યું કે હું શું કરી શકું? ઠાકુર પાસે જાઓ, તેઓ જ કોઈ સમાધાન લાવશે. તે બીચારી રડતી રડતી ઠાકુર પાસે આવી. ઠાકુરે ફરી તેને મા પાસે મોકલી. આવું બે-ત્રણ વાર ચાલ્યું. મા પણ ખૂબ પરેશાન થઈ ગયાં કે ઠાકુર તો તેને વારંવાર મારી પાસે મોકલી દે છે. અંતે માએ તેમને બિલ્વપત્ર આપીને આશીર્વાદ આપ્યા હતા. માના આશિષથી પછી ધીરે ધીરે કાલીપદના વર્તનમાં સુધારો થયો હતો.

આ ઘટનાના ઘણા લાંબા સમય બાદ જ્યારે કાલીપદે ઠાકુરનાં પ્રથમ વાર દર્શન કર્યાં ત્યારે ઠાકુરે કહ્યું હતું કે તું આજ સુધી તારી પત્ની સાથે દુરાચાર કરતો આવ્યો, પરંતુ આજે તારી પત્નીની તપસ્યાના ફળસ્વરૂપે તારું ચારિત્ર્ય સુધર્યું છે, તેથી આજે મારી પાસે આવ્યો છે. આ વાત સાંભળીને કાલીપદ ઘોષ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને ખબર જ નહોતી કે શ્રીમાના આશીર્વાદથી તેમની પત્નીએ જપ-તપની સાધના કરી હતી, જેના પરિણામે તેમના સ્વભાવમાં આ પરિવર્તન આવ્યું હતું.

આમ, ઠાકુર એક પછી એક કેટલાક ચુનંદા ભક્તોને મા પાસે મોકલતા હતા અને શ્રીમાના માધ્યમથી તેમના આધ્યાત્મિક જીવનને ઘડવા અંગેનો ઉપદેશ પ્રાપ્ત કરાવતા હતા. આપણે જાણીએ છીએ કે ઠાકુરની મહાસમાધિ પછી શ્રીમાના આશીર્વાદથી જ સ્વામીજી અમેરિકા ગયા હતા, શ્રીમાના આશીર્વાદથી જ રામકૃષ્ણ સંઘની સ્થાપના થઈ હતી. ભગિની નિવેદિતાએ જ્યારે પહેલી વાર ઠાકુરના નામથી કન્યાશાળાની સ્થાપના કરી હતી, તેનો પૂજાવિધિ પણ શ્રીમાના વરદ હસ્તે થયો હતો, એટલે કે આપણી જેટલી પણ શૈક્ષણિક સંસ્થાઓ છે, આજની અદ્યતન જેટલી પણ આપણી સેવાકીય પ્રવૃત્તિઓ છે, રામકૃષ્ણ સંઘ સ્વયં તથા સંઘના સર્વે સાધુ-સંન્યાસીઓ બધાને માટે જનની શ્રીમા શારદાદેવીના આશીર્વાદ જ આપણી કાર્યપ્રવૃત્તિ અને સાધના પાછળ એક મજબૂત ઢાલ બનીને નિરંતર સુરક્ષા કરી રહ્યા છે.

એ રીતે યુગે યુગે ઈશ્વર દ્વારા આરાધિતા શક્તિ કલ્યાણકારી બનીને, મૂંઝાયેલી અને માર્ગ ભૂલેલી માનવજાતને ફરી ઉન્નતિને માર્ગે દોરી જાય છે.

આ માનવ-સમાજ જે વિભ્રાંત થઈ ગયો છે, પથભ્રષ્ટ થઈ ગયો છે, તેને પુનઃ જાગ્રત કરવા, તેનો અભ્યુદય કરવા માટે ભગવાન જ્યારે નરરૂપે પૃથ્વી પર અવતીર્ણ થાય છે ત્યારે શક્તિ પણ તેમની સાથે નારીરૂપે અવતરિત થાય છે. ભગવાન વિષ્ણુ જ્યારે નર રૂપે અવતાર ધારણ કરીને પૃથ્વી પર અવતરિત થાય છે, અને શક્તિની આરાધના કરે છે ત્યારે શક્તિ જાગ્રત થઈને માર્ગ ભૂલેલા તથા અનાચાર-દુરાચાર ગ્રસિત માનવ-સમાજને આધ્યાત્મિક પથ પર લઈ જવા માટે પ્રેરિત કરે છે.

એટલું જ નહિ પણ જ્યારે ભગવાન મનુષ્યદેહે અવતરે છે, ત્યારે એ દૈવી શક્તિ પણ ઘણુંખરું સ્ત્રીસ્વરૂપે તેમની સાથે જ અવતરે છે. એ પ્રમાણે શ્રીરામચંદ્ર સાથે સીતા, શ્રીકૃષ્ણ સાથે શ્રીરાધિકા, બુદ્ધ સાથે યશોધરા અને શ્રીચૈતન્ય સાથે વિષ્ણુપ્રિયા અવતર્યાં હતાં, તેનો એ પ્રત્યક્ષ પુરાવો છે.

ઈશ્વર જ્યારે માનવ રૂપે દેહ ધારણ કરે છે, ત્યારે શક્તિ પણ નારી સ્વરૂપે તેમની સાથે અવતાર ધારણ કરે છે. શ્રીરામચંદ્ર સાથે શક્તિ રૂપે આવ્યાં હતાં માતા સીતા, ભગવાન શ્રીકૃષ્ણની સાથે અવતીર્ણ થયાં હતાં મા રાધા, બુદ્ધદેવ સાથે યશોધરા તથા ચૈતન્ય મહાપ્રભુની સાથે મા વિષ્ણુપ્રિયાનું આગમન. તેમનું આગમન એ વાતનું પ્રમાણ છે કે ઈશ્વર જ્યારે નર રૂપે પૃથ્વી અવતરિત થાય છે ત્યારે શક્તિ પણ નારી દેહ ધારણ કરી, તેમની લીલામાં સહાયભૂત થવા સાથે અવતાર ધારણ કરે છે.

મુખ્ય વાત એ છે કે આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિરૂપે અથવા તો દેવી સ્વરૂપે, એ શક્તિ યુગાવતારની સાથે રહીને તેમની લીલામાં સર્વ પ્રકારે સહાય કરે છે.

તેના ફળસ્વરૂપે આધ્યાત્મિક, આધિભૌતિક તથા આધિદૈવિક શક્તિઓ હોય છે અર્થાત્‌ દૈવ સંબંધિત જે કોઈ પણ ઘટના, પરંપરા કે જે કોઈ પ્રસંગ છે, તે આધિદૈવિક છે. આધિભૌતિક અર્થાત્‌ આપણને દૃશ્યમાન ઇન્દ્રિયગ્રાહ્ય જગત છે તથા spiritual world એટલે કે આપણું આધ્યાત્મિક જગત.

જુઓ, કઈ રીતે આધ્યાત્મિક જગત તથા આધિભૌતિકને અલગ કર્યાં છે. આપણે વિચારીએ છીએ કે માત્ર બે જ જગત અસ્તિત્વમાં છે. એક ભૌતિક જગત (material world) છે અને તેની સાથે બીજું આધ્યાત્મિક જગત (spiritual world) છે. પરંતુ આધિદૈવિક કરીને એક ત્રીજા જગતનો અહીં ઉલ્લેખ છે. આધિદૈવિક અર્થાત્‌ જે કંઈ પણ આ અલૌકિક શક્તિઓ (સુપર નેચરલ પાવર) છે, ચમત્કારિક ઘટના-પરંપરાઓ, દેવ-દાનવો વગેરે આધિદૈવિક જગત સાથે સંલગ્ન છે.

આવી બધી શક્તિઓનું અસ્તિત્વ હોય છે. સ્વામીજી સ્વયં આ બાબતનો ઉલ્લેખ એક પ્રસંગમાં કરે છે. સ્વામીજી જ્યારે ભારતમાં પરિવ્રાજકરૂપે ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે એક સ્થાન પર તેમણે એક એવી વ્યક્તિ વિશે સાંભળ્યું કે જેની પાસે આવી ચમત્કારિક શક્તિઓ હતી. આથી સ્વામીજી તે વ્યક્તિની મુલાકાત લેવા માટે ગયા. સ્વામીજીએ તે વ્યક્તિને કહ્યું કે, “ભાઈ, હું પણ સાધના વગેરે કરું છું. તો હું જાણવા માગું છું કે તમારી પાસે એવી કઈ શક્તિઓ છે? મને પણ બતાવોને, જરા હું પણ જોઉં.” સ્વાભાવિક છે કે આપણે સાંભળીએ કે કોઈ વ્યક્તિ પાસે આવી ચમત્કારિક શક્તિઓ છે, તો જાણવાની સહજ જિજ્ઞાસાવૃત્તિ થાય.

પણ ઠાકુરે કહ્યું છે કે આવી શક્તિઓથી દૂર રહેવું જોઈએ. આવી શક્તિઓ છે, પરંતુ તે આપણને ધર્મના પથથી વિમુખ કરી દે છે. જુઓ, ભૌતિકશાસ્ત્રના નિયમાનુસાર ગુરુત્વાકર્ષણ (gravity) છે, ગતિશીલતાના નિયમો (laws of dynamic) છે, જેની મદદથી આપણે વિમાન, અવકાશયાન વગેરે બનાવી શકીએ છીએ. એને આપણે ગણિત, વિજ્ઞાન, ટેક્નોલોજી કે તાર્કિક (logic) દૃષ્ટિથી સમજી શકીએ છીએ. બીજું એક આધ્યાત્મિક જગત છે—જેમાં મંત્રજપ, ધ્યાન, તપસ્યા, પ્રાર્થના, યોગ વગેરે કરીને આપણે ઈશ્વર-પ્રાપ્તિ કરીએ છીએ.

સ્વામીજી પણ ફક્ત જિજ્ઞાસાવૃત્તિથી પ્રેરાઈને જ એ વ્યક્તિ પાસે ગયા હતા. એ વ્યક્તિએ કહ્યું કે જુઓ, મને બહુ તાવ આવ્યો છે. મેં સાંભળ્યું છે કે જો કોઈ સાધુ બીમાર વ્યક્તિના માથા પર હાથ રાખી દે તો બીમારી દૂર થઈ જાય. તો તમે મારા માથા પર હાથ મૂકો, જો મારો તાવ ઊતરી જશે તો હું મારી ચમત્કારિક શક્તિઓ તમને બતાવીશ. સ્વામીજીએ તેની વાત માન્ય રાખી અને તેના માથા પર હાથ મૂક્યો. એ દિવસે તો સ્વામીજી પરત ફર્યા. થોડા દિવસ પછી એ વ્યક્તિનો તાવ ઊતરી ગયો અને તે એક દિવસ સ્વામીજી પાસે આવ્યો અને કહ્યું કે તમે મારા પર કૃપા કરીને મારી બીમારી ઠીક કરી દીધી છે. હવે હું ચમત્કાર બતાવવા તૈયાર છું.

સ્વામીજી તો સ્વયં શિવસ્વરૂપ અને આધુનિક વિચારસરણી ધરાવતા હતા. પાશ્ચાત્ય ફિલસૂફી, તર્કસંગતતા (rationality) વગેરે તો એમનામાં ઠાંસી ઠાંસીને ભર્યાં હતાં. સ્વયં ઠાકુર પણ સ્વામીજીને ક્યારેય મૂર્ખ બનાવી શક્યા નહોતા, તો સામાન્ય વ્યક્તિની તો શી વિસાત! સ્વામીજી સાથે અન્ય આધુનિક વિચારસરણી ધરાવતા ચાર-પાંચ લોકો પણ સાક્ષી તરીકે એ વ્યક્તિનું નિરીક્ષણ કરવા ઊભા હતા. એ વ્યક્તિ માત્ર એક કૌપીન પહેરીને સામે ઊભો રહી ગયો. ત્યાર બાદ સ્વામીજીએ ખુદ પોતાનો ધાબળો તેને આપ્યો. હવે તે વ્યક્તિ એ ધાબળો ઓઢીને એક ખૂણામાં બેસી ગયો. પછી તેણે બધાને પૂછ્યું કે કહો, તમારે શું જોઈએ છે? તો એક માણસે કહ્યું કે મને દ્રાક્ષ આપો. એવી દ્રાક્ષ એ વિસ્તારમાં ઊગતી જ ન હતી. એ વ્યક્તિએ બધાંના આશ્ચર્ય વચ્ચે એક તાજી દ્રાક્ષનો ગુચ્છો તેમની સામે ધરી દીધો. સ્વામીજી ખુદ આ ઘટનાનું વર્ણન કરે છે. આ કોઈ સાંભળેલી વાત નથી. સ્વામીજીએ કેલિફોર્નિયામાં આપેલા પોતાના પ્રવચન ‘The Powers of the Mind’માં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. એક પછી એક ત્યાં હાજર બધી વ્યક્તિઓની માગણી એ માણસે પૂરી કરી. બધા નવાઈ પામીને વિચારવા લાગ્યા કે આ બધી વસ્તુઓ તે ક્યાંથી પ્રગટ કરે છે? અંતમાં, તે વ્યક્તિએ ગુલાબનાં ફૂલોનો એક ગુચ્છો (બુકે) કાઢ્યો. ગુલાબનાં પુષ્પો એકદમ સદ્ય પ્રસ્ફૂટિત હતાં. ન તો એ ગુલાબની મોસમ હતી, અને ન તો એ ગુલાબનો પ્રદેશ હતો. છતાં પણ એકદમ તાજાં ખીલેલાં ગુલાબ!

સ્વામીજીએ તેને પૂછ્યું, “અરે, ભાઈ! આ બધો ચમત્કાર તમે કઈ રીતે સર્જ્યો? જણાવોને.” એ માણસે હસીને કહ્યું, “આ તો હાથચાલાકી છે.” સ્વામીજીએ કહ્યું, “ભાઈ, આ પ્રકારના ચમત્કારો હાથચાલાકીથી કરવા સંભવ નથી. આ તો મનની એક આધિદૈવિક શક્તિની કમાલ છે.” તો આધિભૌતિક અર્થાત્‌ આ ફીઝિકલ વર્લ્ડ છે, જેને આપણે વિજ્ઞાન, ટેક્નોલોજી દ્વારા સમજી શકીએ છીએ. જ્યારે ધ્યાન, ધારણા, તપસ્યાના માધ્યમથી આપણે આધ્યાત્મિક જગતને સમજી શકીએ છીએ. તે જ રીતે આધિદૈવિક પણ એક જગત છે. જેમ કે જ્યોતિષશાસ્ત્ર વગેરે. તેનું પણ એક સત્ય છે, તેની પણ એક સત્તા છે.

જો કે, મા-ઠાકુર-સ્વામીજી ત્રણેયે આપણને કહેલું છે કે આધિદૈવિકમાં અધિકમાત્રામાં પ્રવેશ કરવો આપણા માટે શ્રેયસ્કર નથી. આધ્યાત્મિક જગત જ આપણા માટે સર્વોચ્ચ ગતિ છે, સર્વોચ્ચ પથ છે.

અવતાર સાથે આધ્યાત્મિક, આધિભૌતિક તથા આધિદૈવિક—ત્રણેય શક્તિઓ સંલગ્ન રહે છે. અવતાર એટલા માટે જ ચમત્કાર સર્જી શકે છે. અવતારની ઇચ્છામાત્રથી એમના ભક્તો, આસપાસનો સંસાર ચાલિત થાય છે. અવતારના હાથમાં જ આપણી આધ્યાત્મિક ઉન્નતિ થાય, તેવા આશીર્વાદ દેવાની શક્તિ હોય છે. અવતાર આ ત્રણેય શક્તિઓથી સંપન્ન હોય અથવા તો તેમની સાથે નારીદેહ ધારણ કરીને અવતરિત જે શક્તિ હોય છે, એ રૂપમાં પણ હોય. અવતાર સાથે રહીને શક્તિ તેમના લીલા-પ્રકાશમાં સહાયરૂપ થાય છે.

અવતારની શક્તિ અર્થાત્‌ જે નારીદેહ રૂપ ધારણ કરીને સાથે આવી છે, એ તો અવતારની શક્તિ છે જ. પરંતુ અવતાર પાસે આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક—આ ત્રણ પ્રકારની શક્તિઓ પણ હોય છે, જેની મદદથી આપણે ઈશુના જીવનમાં, ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં કે ભગવાન શ્રીરામના જીવનમાં જોયું કે કઈ રીતે તેઓ આધિદૈવિક ચમત્કારો કરી શકતા હતા. એમના એક એક બાણથી હજારો રાક્ષસોનો સંહાર થતો હતો. ઈશુના જીવનમાં પણ આપણે જોયું કે એક નાની ટોપલીમાંથી તેઓ બ્રેડ આપતા જ ગયા, આપતા જ ગયા અને એનાથી કેટલાય લોકોની ક્ષુધા શાંત કરી.

ચમત્કાર તો અવતારોના જીવનમાં હોય જ છે. ઠાકુરનું જીવન પણ અનેકો ચમત્કારોથી ભરેલું હતું. હૃદય (ઠાકુરના ભાણેજ) એક વાર દુર્ગાપૂજા કરવા પોતાના ગામ જતો હતો. તેની બહુ ઇચ્છા હતી કે ઠાકુર તેની સાથે આવે. પરંતુ મથુરબાબુની ઇચ્છા હતી કે ઠાકુર તેમના ઘરે થતી દુર્ગાપૂજામાં ઉપસ્થિત રહે. આ કારણે ઠાકુર હૃદય સાથે ન જઈ શક્યા. આથી ઠાકુરે હૃદયને કહ્યું કે, તું જ્યારે પૂજા કરીશ ત્યારે હું સૂક્ષ્મ રૂપે ત્યાં ઉપસ્થિત રહીશ, અને બરોબર એ જ પ્રમાણે બન્યું. હૃદયને સંધિપૂજા, માની આરતી વગેરે સમયે ઠાકુરની સૂક્ષ્મ હાજરીનો અનુભવ થયો. બાદમાં ઠાકુરે પણ કહ્યું હતું કે અહીં કોલકાતાથી સિહડ (હૃદયનું ગામ) સુધી એક પ્રકાશનો રસ્તો બની જાય છે, અને તેના માધ્યમથી જઈને હું મા દુર્ગાનાં દર્શન કરી શકું છું તથા હૃદયને આશીર્વાદ આપી શકું છું.

ઠાકુરે એક વાર નરેનને કહ્યું હતું કે, “જો, સાધના કરવાથી મને અણિમા, ગરિમા આ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. તે હું તને આપવા માગું છું. શું તું ગ્રહણ કરીશ?” નરેને કહ્યું, “મહાશય, શું આ સિદ્ધિઓ ગ્રહણ કરવાથી મારા આધ્યાત્મિક જીવનમાં કોઈ ઉન્નતિ થશે?” તો ઠાકુરે કહ્યું કે, “ના, આ સિદ્ધિઓ આધ્યાત્મિક-જગત માટે, આધ્યાત્મિક ઉન્નતિ માટે નથી, પરંતુ તું જે લોકકલ્યાણનું કાર્ય કરીશ તેમાં સહાયરૂપ થશે.” તો નરેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, “મહાશય, તો રહેવા દો, જેનાથી આધ્યાત્મિક લાભ પ્રાપ્ત થાય એ જ શક્તિ મને આપો.”

શક્તિને ન સ્વીકારીએ તો અવતારી પુરુષનો દિવ્યકાર્યવિસ્તાર અસંભવ બની જાય ને આપણા માટે દુર્બોધ બને.

આધિભૌતિક, આધિદૈવિક તથા આધ્યાત્મિક બધા પ્રકારની શક્તિઓ ઠાકુર પાસે હતી. આમ, અવતાર પાસે ચાર પ્રકારની શક્તિઓ હોય છે. ઉપરોક્ત ત્રણ શક્તિઓ ઉપરાંત, ચોથી શક્તિ—નારીરૂપે અવતરિત મા સ્વયં. આ રીતે આ ચારેય શક્તિઓથી શક્તિવાન થઈને અવતાર ધર્મચક્ર- પ્રવર્તનનો આરંભ કરે છે, યુગધર્મ-પ્રવર્તન કરે છે. શક્તિ વગર અવતારની દિવ્ય ઘટનાઓ, કાર્ય-કલાપો અસંભવ બની જાય છે. શક્તિ છે તો અવતાર ધર્મચક્ર- પ્રવર્તન કરી શકે છે, આપણું મન પણ પરિવર્તિત કરી શકે છે. શક્તિ વિના અવતારને સમજવા એ આપણા જેવા ક્ષુદ્ર મનુષ્યો માટે અસંભવ છે.

Total Views: 52

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.