(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના દીલારામ બંગલાના અર્પણવિધિ પ્રસંગે, 18 એપ્રિલ, 2005માં ગુજરાત રાજ્યના તત્કાલીન  મુખ્યમંત્રી અને હાલના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલ પ્રાસંગિક વક્તવ્યનું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ સંકલન અહીં પ્રસ્તુત છે. – સં.)

મારા ગુરુવર્ય પૂજ્ય આત્મસ્થાનંદજી મહારાજ, સ્વામી વાગીશાનંદજી, સ્વામી આદીભવાનંદજી, સ્વામી શિવમયાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી ધ્રુવેશાનંદજી, દેશના અન્ય ભાગોમાંથી પધારેલ મિશનના સૌ સંતગણ, આ સંસ્કારનગરીના સંસ્કૃતિપ્રેમી આદરણીય વડીલ નાગરિક ભાઈઓ અને બહેનો.

આજે રામનવમીનો દિવસ છે અને રામનવમીના દિવસે દીલારામ બંગલો, એમાં પણ રામની સ્મૃતિ રહેલી છે. અને અમસ્તા પણ દરેકના દિલમાં રામ વસેલો છે. મારા વિદ્યાર્થીકાળથી જ મારા મનમાં, પ્રત્યેક યુવાનના મનમાં હોય છે, તેમ સ્વામી વિવેકાનંદજી માટે આદરભાવ હતો. એ વખતે હું પણ કંઇક શોધતો હતો અને એ સમયે આત્મસ્થાનંદજી મહારાજની સાથે હું રહેવા ગયો, એમના સાન્નિધ્યમાં રહ્યો. એ દિવસોમાં એમને રાજકોટમાં, કલકત્તામાં જે પ્રકારનું મંદિર છે, એવું જ મંદિર નિર્માણ કરવાની એક પ્રબળ ઇચ્છા હતી. 

એમનાં સમય-શક્તિ એમાં લાગેલા હતાં અને એ વખતે મારી વિદ્યાર્થીકાળની અવસ્થા હતી. હું એમની પાસે પહોંચી ગયેલો, તેમણે ખૂબ પ્રેમ આપ્યો મને. મારા જીવનમાં એ સંબંધોનું સંભારણું, એ સંસ્કાર-વારસો આજે પણ એક નવી શક્તિ, નવી પ્રેરણા આપે છે. 

મારા જીવનને હું ભાગ્યવાન માનું છું કે એક સારા કામમાં નિમિત્ત બનવાનો મને અવસર મળ્યો. હિન્દુસ્તાનના લોકોના જીવનમાં કોઈ એક વ્યક્તિ અવિરતપણે પ્રેરણા આપતું હોય, અવિરતપણે! જેમ સહસ્રો વર્ષ પહેલાં બે વ્યક્તિત્વ એવાં જે આજે પણ પ્રેરણા આપે છે ભવિષ્યમાં પણ આપવાનાં છે, શ્રીકૃષ્ણ અને શ્રીરામ. બે વ્યક્તિત્વ એવાં કે હજારો હજારો વર્ષ સુધી પ્રત્યેક બાબતમાં પથદર્શક! આમ કરાય કે ન કરાય, તો રામજી યાદ આવે. આ કરવું જ રહ્યું તો શ્રીકૃષ્ણ યાદ આવે.

હિન્દુસ્તાનમાં સ્વામી વિવેકાનંદજી પરિવ્રાજક તરીકે જ્યારે નીકળ્યા, ભારતની યાત્રાએ નીકળ્યા, એ યાત્રા દરમિયાન સૌથી વધારે સમય તેઓ ગુજરાતમાં રહ્યા હતા. લગભગ બધું મળીને આઠ મહિના! આટલો લાંબો સમય સ્વામીજી હિન્દુસ્તાનના કોઈ પણ ભૂભાગમાં નહોતા રહ્યા.

પોરબંદરની ભૂમિમાં એમણે ખૂબ સ્વાધ્યાય કર્યો. અને હવે ગુજરાતની ધરતી પર જે ત્રણ મહત્ત્વની જગ્યાઓ, જ્યાં આગળ પૂજ્ય સ્વામી વિવેકાનંદની સ્મૃતિઓ કંડારાયેલી છે. ત્રણ સૌરાષ્ટ્રમાં, આ તરફ એકપણ ન હતું. એના કારણે ખોટ અનુભવાતી હતી. એ ખોટ સમ્યક રીતે એક સંસ્કારનગરી વડોદરામાં પૂર્ણ થઈ.

વડોદરાનગરીના અનેક ઘરેણાઓમાં એક ઘરેણું અધૂરું હતું, આજ એ પૂરું થયું. મને ખબર છે કે આ ભૂમિનો ઇંચે-ઇંચનો ઉપયોગ આવનારા દિવસમાં, આવનારી પેઢીને માટે પ્રેરણાની પ્રવૃત્તિનું કેન્દ્ર બનવાનો છે અને એમાંથી સત્‌-ચરિત્ર, સંસ્કાર અને એ જ સમાજની મૂડી બનતી હોય છે. આ સમાજની મૂડી બને એ માટેના એમના પ્રયાસો આપણા સૌને માટે એક શક્તિ બનશે, એક પ્રેરણા બનશે એની મને ખાતરી છે.

વીતેલી આખી શતાબ્દીમાં અને આવનારી શતાબ્દીઓ સુધી કોઈ એક વ્યક્તિત્વ જેણે હિન્દુસ્તાનનાં મન-મસ્તિષ્ક પર કબજો જમાવ્યો હોય, તો એ વ્યક્તિત્વ છે સ્વામી વિવેકાનંદ. એમનો ફોટો જુઓ અને માથું ન નમે, એવું બને જ નહીં. 

તમારામાંથી જે નવયુવાન મિત્રો છે, એને મારી વિનંતી છે કે આ દીલારામ બંગલોમાં જે એક નાનકડી પ્રદર્શની ગોઠવી છે, એ જિજ્ઞાસાપૂર્વક જોવા જશો, એ તો સમજી શકું છું, પણ પાંચ મિનિટ કાઢીને વિવેકાનંદજીની કોઈ એવી તસ્વીર કે, જે તસ્વીરમાં આંખ તમારી સામે જોતી હોય, તેની આંખ સાથે આંખ મિલાવીને પાંચ મિનિટ ઊભાં રહેજો. 

આજે સો વર્ષ પછી પણ વિવેકાનંદજીની તસ્વીરની આંખ, તમારા જીવનની જ્યોત પ્રગટાવવાનું સામર્થ્ય રાખે છે! બધું ભૂલીને ઊભા રહેજો. તમને એક અનુભૂતિ થશે, કેવું વ્યક્તિત્વ છે…!!! જીવનના આટલા ટૂંકા ગાળામાં એ પરિવ્રાજક હતા, એ અગનજ્વાળ પણ હતા. એમની વાણીમાં આગના ગોળા છુટતા હતા. એમના આખા વ્યક્તિત્વના પ્રત્યેક શબ્દમાં, આચરણમાં, વ્યવહારમાં વિકૃતિઓનો વિનાશ અને અંધશ્રદ્ધાની સામે અહાલેક ઝલકતાં હતાં. 

રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ સાથે હું ખૂબ નિકટથી જોડાયેલો છું. અને તેથી મને ખબર છે કે આ ભૂમિ આવનારા દિવસોમાં, આવનારી પેઢીને માટે પ્રેરણાની પ્રવૃત્તિનું કેન્દ્ર બનવાની છે. સ્વામી વિવેકાનંદજીએ ૧૮૯૩, ૧૧મી સપ્ટેમ્બરે શિકાગોમાં જે ઐતિહાસિક ભાષણ કર્યું હતું, એની જ્યારે શતાબ્દી ઉજવાણી, એના સો વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ગૌરવભેર ભાગીદાર બનવાનું મને સૌભાગ્ય મળ્યું હતું. 

આજથી ૧૦૮ વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે ૯/૧૧ ના દિવસે જ અમેરિકાની ધરતી પર બીજો એક વિસ્ફોટ કર્યો હતો. એમણે ચેતવણીના સૂરે એ વખતના એમના ભાષણમાં વિશ્વના ધર્મોને આધુનિકતા તરફ વળવા માટે અનુરોધ કર્યો હતો. વાડાબંધીથી દૂર રહેવાની વાત કરતાં એમણે કહેલું, “કોચલાવાળી (સંકુચિત) માનસિકતા માનવજાતના કલ્યાણનો માર્ગ ન હોઈ શકે. વિશાળતા, વ્યાપકતા, સર્વસમાવેશકતા—આ જ માનવતાનો માર્ગ હોઈ શકે.”  

આપ વિચાર કરો કે, એ સમયે ધર્મ જ સમાજ-જીવનનો આત્મા હતો, એ સમયે ધર્મની પરંપરાગત માન્યતાઓની વિરુદ્ધ ઉચ્ચારણ કરવું એટલે ખૂબ મોટું જોખમ વહોરવા બરાબર હતું. એવે વખતે સ્વામી વિવેકાનંદજીએ હિન્દુસ્તાનના ધર્મપ્રેમીઓને કહ્યું હતું કે, “તમે તમારા દેવી-દેવતાઓને ડૂબાડી દો, તમે તમારા દેવી-દેવતાઓને એકબાજુ મૂકી દો! બધા જ દેવી-દેવતાઓને ભૂલીને એકમાત્ર ભારતમાતાને દેવી તરીકે પૂજો. સમયની માગ છે કે આ ભારતમાતાની દેવી તરીકે પૂજા કરીને, એકવાર ગુલામીની જંજીરોમાંથી આ હિન્દુસ્તાનને મુક્ત કરાવો.”

તમે વિચાર કરો! એક સાધુ તરીકે, એક સંન્યસ્તને વરેલા, મોક્ષનો માર્ગ જેમને સ્વીકાર્યો હતો, ઈશ્વરને જોવાની જેમને વ્યાકુળતા હતી, ઈશ્વરના સાક્ષાત્કાર માટે જેમણે ઘર છોડ્યું હતું, એ વ્યક્તિ એ માર્ગમાંથી લોકોને કહે છે કે ના, ઈશ્વરનો સાક્ષાત્કાર જ્યારે થવાનો હશે ત્યારે થશે, અત્યારે તો ભારતમાતાને મુક્ત કરાવવાનું એક જ ધ્યેય હોવું જોઈએ!

આ જ સ્વામી વિવેકાનંદજી સમાજજીવનને એક ધર્મ તરફ ફેરવે છે, ધર્મના એક સાચા રૂપ તરફ ફેરવે છે! વિવેકાનંદજી કહે છે, ‘સેવા પરમોધર્મ.’ જનસેવા એ જ ઈશ્વરની સેવા છે. જીવસેવા એ જ શિવસેવા છે. જીવાત્મામાંથી શિવાત્મા સુધીનો માર્ગ! સેવામાર્ગને પ્રત્યેક વ્યક્તિના જીવનમાં એક નવા રૂપે અંગીકાર કરવા માટે વિવેકાનંદે આહ્વાન કર્યું છે. 

એમણે કહ્યું, “યુવાનો! નીકળી પડો. અગર જો માનવસેવા કરીશું, સામાન્યમાં સામાન્ય માનવીની સેવા કરીશું, ગરીબમાં ગરીબની ચિંતા કરીશું, છેવાડાના માનવીની ચિંતા કરીશું, તો જ સાચા અર્થમાં ઈશ્વરની પ્રાપ્તિ થશે.” 

મહાત્મા ગાંધીએ પણ એ જ કહ્યું, ‘અંત્યોદય! છેવાડાના માનવીની ચિંતા કરો.’ વિવેકાનંદજી જે વાત ૧૯૦૨ પહેલાં કહી ગયા, એ આજે પણ પ્રસ્તુત છે. ‘નરસેવા- નારાયણસેવા’ છે. સ્વામી વિવેકાનંદજીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને આ વિચારને વ્યવસ્થાના રૂપમાં પલટાવ્યો.

વિવેકાનંદજી માત્ર વિચાર આપીને, ઉપદેશ આપીને જતાં રહ્યા એવું નથી, રામકૃષ્ણ મિશનના માધ્યમથી એમણે એક પરંપરા વિકસાવી. જે પરંપરા ‘જનસેવા એ જ પ્રભુસેવા’ના માર્ગને વરેલી છે. આટલાં વર્ષોના લાંબા કાળખંડ પછી પણ વિવેકાનંદજી દ્વારા પ્રસ્થાપિત આ વ્યવસ્થા આજે પણ એના માર્ગમાંથી જરા પણ વિચલિત થયા વગર, જનસેવાના કાર્યની અંદર અગ્રીમ હરોળમાં છે. 

ગુજરાતમાં ભૂકંપ આવ્યો હોય કે હમણાંની સુનામીની ઘટના હોય, વતર્માનપત્રોમાં તો રામકૃષ્ણ મિશનનું નામ બહુ આવે નહિ, ટીવીમાં પણ દેખાય નહિ પણ રામકૃષ્ણ મિશનના લોકોએ, સંતોએ, એમની સાથે જોડાયેલ ભાવિકોએ મળીને ગુજરાતમાં ભૂકંપમાં પુનર્નિર્માણનું એક અદ્ભુત કામ કરોડો કરોડો રૂપિયા ખર્ચીને કરી બતાવ્યું છે. 

માત્ર નાક પકડીને બેસી રહો, અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરો એવું નહિ, વિવેકાનંદજીના સપનાને સાકાર કરવા માટે વિવેકાનંદજીએ સ્થાપિત કરેલ રામકૃષ્ણ મિશન આજે પણ એ પરંપરાને નિભાવી રહ્યું છે. 

મને વિશ્વાસ છે કે હવે રામકૃષ્ણ મિશનનું આ કેન્દ્ર ભારતનું એક ગણનાપાત્ર કેન્દ્ર બની રહેશે. અને ગુજરાતની આવનારી પેઢીને પ્રેરણા આપવા માટે એક સામર્થ્યવાન ઊર્જા-કેન્દ્ર બનશે. 

સાંસ્કૃતિક ધરોહર જાળવવા માટે, જનસેવાનો સંદેશ ફેલાવવા માટે, વ્યક્તિનો વિકાસ સમાજના વિકાસ માટે, વ્યક્તિનો વિસ્તાર સમાજમય બનવા માટે, વ્યક્તિની ઊંચાઈ સમાજને પામવાને માટે આ મૂળભૂત અધ્યાત્મની વાતો સહજ-સરળ પરિભાષામાં આ સમાજજીવનની અંદર હંમેશાં પ્રેરણા આપવા માટેનું આ કેન્દ્ર તાકાતવાન બનશે. 

મારા માટે આજે આનંદનો દિવસ છે, સંતોષનો દિવસ છે કે પૂજ્ય આત્મસ્થાનંદજીના સાન્નિધ્યમાં ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરમાં એક વધુ પાયાનો પથ્થર આજે દીલારામ બંગલો બની રહ્યો છે. વિવેકાનંદજીની સ્મૃતિ બની રહી છે અને આ પાયો એક વિશાળ વટવૃક્ષને ધારણ કરશે, એવો મને વિશ્વાસ છે. પૂજ્ય આત્મસ્થાનંદજીના શ્રીચરણોમાં પ્રણામ કરીને મારી વાતને વિરામ આપું છું.

ધન્યવાદ.

Total Views: 855

7 Comments

  1. Shakti Kishorbhai Gohel November 8, 2022 at 4:50 am - Reply

    😇🙏

  2. નેહલ ત્રિવેદી November 5, 2022 at 11:48 pm - Reply

    સંપાદકશ્રી
    સાદર પ્રણામ !🙏🌺
    આપણા દેશનાં લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રીનરેદ્ર મોદીજી નું આ સરસ વક્તવ્ય પ્રકાશિત કરવા બદલ ખુબ આભાર!
    સ્વામી વિવંકાનંદનાં વિચારો અને માનવ સેવા એ જ પ્રભુ સેવા વગેરે ખરેખર જાણવા સમજવા અને જીવતમાં ઉતારવા જેવી છે.
    હરે કૃષ્ણ🙏🌺

  3. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) November 5, 2022 at 5:17 pm - Reply

    જય ગુરુદેવ. જય સ્વામી વિવેકાનંદ… જીયો હજારો સાલ… આપની અમર્ત્ય વાણી યુગો યુગો સુધી જીવંત બની રહે, એવી શ્રી ચરણોમાં પ્રાર્થના…

  4. Vasant Gohil November 3, 2022 at 1:06 pm - Reply

    ભાવ વંદન

  5. Rasendra Adhvayu November 3, 2022 at 3:53 am - Reply

    Narendrbhai is an epitome of Narendra, Swami Vivekananda of Sri Ramakrishna. Pranam to both and Sangh which gave pushti to these nationalistic and patriotic thoughts and actions.

  6. રાજ September 30, 2022 at 4:23 pm - Reply

    Great
    જય ગુરુદેવ
    જય હો અનંતકાળ વિવેકાનંદ
    પૂર્ણ પ્રકાશ વિવેકાનંદ

  7. રાજ September 30, 2022 at 4:22 pm - Reply

    Great
    જય ગુરુદેવ
    જય હો અનંતકાળ વિવેકાનંદ
    પૂર્ણ પ્રકાશ વિવેકાનંદ

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.