ભાઈઓ અને બહેનો!

સુપ્રિયાનંદજી હમણાં તો કહી રહ્યા હતા કે આ પરિસરમાં વિવેકાનંદજીની પ્રતિમા સ્થાપિત કરી છે, પરંતુ આપણે આપણા મન-મંદિરમાં, આપણા હૃદયમાં વિવેકાનંદજીને સ્થાપિત કરીએ. હું આપને એક વાત કહું. હું નથી માનતો કે મારા કહેવાથી કે કોઈના પ્રવચનથી વિવેકાનંદજી આપણી અંદર પ્રવેશ કરી શકે છે. વિવેકાનંદ, આ કોઈ એક વ્યક્તિનું નામ નથી કે નથી  કોઈ સંસ્થાની ઓળખ. એક રીતે તો વિવેકાનંદ હજારો વર્ષની પરંપરાવાળા ભારતના આત્માની ઓળખ છે.

વેદથી વિવેકાનંદ સુધી આપણો એક લાંબો સાંસ્કૃતિક વારસો છે. ઉપનિષદોથી લઈને ઉપગ્રહ સુધી આપણે આપણી આર્થિક, સામાજિક, વૈજ્ઞાનિક વિકાસયાત્રાને સમર્થ બનાવી છે. ઉપનિષદથી શરૂ કરી ઉપગ્રહ સુધી આપણે પહોંચ્યા, પરંતુ સાચા અર્થમાં જે આપણી મૂળ ઓળખ છે, જે આપણો આત્મા છે, તેને જો આપણે જાળવી રાખી શકતા હોઈએ, તો તેનો અર્થ એ થયો કે હું મારી અંદર સ્વામી વિવેકાનંદજીને જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. રામકૃષ્ણ પરમહંસ અને નરેન્દ્ર આ બન્ને વચ્ચેની દુનિયાને જો આપણે સમજી લઈએ, તો કદાચિત વિવેકાનંદજીને સમજવામાં આપણને સાનુકૂળતા રહેશે. નરેન્દ્ર ક્યારેય ગુરુની શોધમાં નીકળ્યા ન હતા, ન તો એમને ગુરુની શોધ હતી, નરેન્દ્ર સત્યની શોધ કરી રહ્યા હતા. ઈશ્વર છે કે નહીં! તેમના મનમાં એક શંકા હતી કે પરમાત્મા નામની કોઈ વસ્તુ છે કે નહીં; ઈશ્વર નામની કોઈ વ્યક્તિ હોઈ શકે નહીં અને તેઓ સત્યને જાણવા માટે ઝઝૂમી રહ્યા હતા.

અને ન તો રામકૃષ્ણ પરમહંસ કોઈ શિષ્યની શોધમાં હતા. હું એક આશ્રમની સ્થાપના કરું અને તેને કોઈ ચલાવતા રહે, રામકૃષ્ણદેવના મનમાં એવા કોઈ શિષ્યની શોધ ન હતી. એક ગુરુ કે જેને કોઈ શિષ્યોની શોધ ન હતી. એક શિષ્ય કે જેને ગુરુની શોધ ન હતી. પણ આશ્ચર્ય તો જુઓ, એક સત્યને સમર્પિત હતા અને બીજા સત્યની શોધ ઇચ્છતા હતા. એ જ સત્યની શોધે બન્નેને એક સાથે જોડીને રાખી દીધા. આ વાત જો આપણે સમજીએ, તો પછી સત્યની શોધ શું હોઈ શકે છે, સત્યના માર્ગે ચાલવું કેટલું મુશ્કેલ હોઈ શકે છે અને તેમાં પણ કેવી રીતે સિદ્ધિ મેળવી શકાય છે. તે વિવેકાનંદજીના જીવનમાંથી આપણે જાણી શકીએ છીએ.

આપણે વિવેકાનંદજીના તે સમયગાળાનો વિચાર કરીએ, જે કાળમાં ધર્મનો પ્રભાવ, પૂજા-પદ્ધતિની વિધિનો પ્રભાવ, કર્મકાંડનું માહાત્મ્ય, ધર્મગુરુઓનું માહાત્મ્ય, ધર્મગ્રંથોનું માહાત્મ્ય ચરમ સીમા ઉપર હતું. એ સમયે એક નવયુવાન તે બધી જ પરંપરાઓથી મુક્ત થવાની વાત કરે, તેની આજે કોઈ કલ્પના સુધ્ધાં કરી ન શકે.

એક ઘણો મોટો વર્ગ એવું માનતો હતો કે ભગવાન પાસે કલાકો સુધી બેસી રહીએ, પૂજાપાઠ કરતા રહીએ, આરતી-ધૂપ કરતા રહીએ, ફૂલ ચડાવતા રહીએ, નીતનવો ભોગ-પ્રસાદ ચડાવતા રહીએ તો જીવનનાં પાપ ધોવાઈ જાય છે, મોક્ષ મળી જાય છે અને પરમાનંદને મેળવી લેવાનો અવસર મળી જાય છે. એ કાળમાં આવી માન્યતાઓ પ્રચલિત હતી. તે સમયે વિવેકાનંદ છાતી ઠોકીને કહેતા હતા, જન-સેવા જ પ્રભુ-સેવા છે. સામાન્ય માનવી જે આપણી સમક્ષ જીવિત છે, તે દુ:ખ અને દર્દથી પીડિત છે, તેની સેવા કરો, ઈશ્વર પોતે જ આવી મળશે.

તે સમયે આપણે ગુલામી હેઠળ જીવી રહ્યા હતા, કોઈ વિચારી પણ શકતું નહીં કે ભારત ક્યારેય આઝાદ થશે. પરંતુ સ્વામી વિવેકાનંદ આર્ષદૃષ્ટા હતા. તેમણે તેમના જીવનકાળમાં કહ્યું હતું, ‘હું નજર સમક્ષ જોઈ રહ્યો છું કે મારી ભારત માતા જાગી ગઈ છે. તે જગતગુરુના સ્થાન પર બિરાજમાન છે. હું એક જીવંત ભારત માતા જોઈ રહ્યો છું. તે દિવસો હવે દૂર નથી.’ આ સ્વપ્ન સ્વામી વિવેકાનંદજીએ જીવન દરમિયાન પોતાનાં મન:ચક્ષુઓ સામે જોયું હતું. તેઓ હિંદુસ્તાનને પ્રેરિત કરવાનો પ્રયાસ કરતા હતા.

તે એક સમય હતો, જ્યારે અધ્યાત્મ-પ્રધાન જીવન હતું; તે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ એશિયાના બધા દેશોમાં પ્રવર્તતું હતું અને બીજી બાજુ પશ્ર્વિમની ભૌતિકતાવાળી વિચારસરણી હતી. અધ્યાત્મ-સભર જીવન અને અર્થ-પ્રધાન જીવનની વચ્ચે સૈકાઓથી લડાઈ-વિવાદ ચાલી રહ્યો હતો. ભૌતિકતા સભર જીવને અધ્યાત્મ સભર જીવનને પાછળ રાખી દીધું હતું. ભૌતિકતા સભર જીવન સામાન્ય માણસની આશા, આકાંક્ષાઓનું કેન્દ્ર-બિંદુ બની ગયું હતું. આવા સમયે સ્વામી વિવેકાનંદે 30-32 વર્ષની વયે પશ્ચિમની ધરતી પર જઈને વિશ્વને આધ્યાત્મિકતાનો સંદશ આપવાનું એક સાહસિક કાર્ય કર્યું હતું. તે મહાપુરુષે એશિયાની આધ્યાત્મિક શક્તિનો વિશ્વને પરિચય કરાવ્યો હતો. પહેલી વાર વિશ્વને જાણ થઈ કે એશિયાની પોતાની ધરતીની એક અલગ ચિંતનધારા છે, ત્યાંના સંસ્કાર અલગ છે અને વિશ્વને આપવા માટે તેની પાસે ઘણુંય છે. આ વાત વિશ્વાસપૂર્વક કહેવાનું સાહસ સ્વામી વિવેકાનંદે કર્યું હતું.

ગઈ કાલે અહીં હું Asian Summit માં હતો. આજે અહીં હું South East-Asia Summit માં છું. અને એક વાત અહીં જણાઈ આવી, તે હતી- One Asia નો વિચાર.

પરંતુ આજે જે અવાજ ગૂંજી રહ્યો છે, તેમાં આર્થિક વ્યવસ્થા છે, રાજનૈતિક વ્યવસ્થા છે, સરકારોના મન-મેળાપની વ્યવસ્થાનું ચિંતન છે, પણ ઘણા ઓછા લોકોને ખબર હશે કે ‘એક એશિયા’(One Asia)ની સંકલ્પના આધ્યાત્મિક ભૂમિ ઉપર સહુથી પહેલાં સ્વામી વિવેકાનંદે વહેતી કરી હતી. હું એક પુરાણી ઘટના આપની સમક્ષ રજૂ કરવા ઇચ્છું છું.

સ્વામી વિવેકાનંદજીએ પૂર્વ, એશિયા અને પશ્ચિમમાં પ્રવચનો કર્યાં હતા. વિદ્વાનો અને દાર્શનિકો જેવા કે – જાપાનના ઓકાકુરા અને કેરિયો, રવીન્દ્રનાથ ટાગોર, મહર્ષિ અરવિંદ, આનંદકુમાર સ્વામી અને વિનય સરકારે સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા મેળવી હતી. ઓકાકુરાએ સ્વામી વિવેકાનંદજીને જાપાનનું આમંત્રણ આપ્યું અને રૂપિયા 300/- નો ચેક પણ મોકલ્યો. તેમણે 1લી ફેબ્રુઆરી, 1902ના રોજ કોલકાતા આવીને સ્વામી વિવેકાનંદની સાથે મુલાકાત કરી અને બન્ને બોધગયા ગયા. ઓકાકુરા એશિયાની એકતાના પ્રતીક હતા. તેઓ પોતાના પુસ્તક ‘Ideals of the East’, જેનું સંપાદન સ્વામી વિવેકાનંદની મુખ્ય પાશ્ચાત્ય શિષ્યા ભગિની નિવેદિતાએ કર્યું છે. તેમાં તેઓ લખે છે- ‘એશિયા એક છે.’ એશિયાની એકતાની ધારણા સ્પષ્ટપણે સ્વામી વિવેકાનંદે કરી છે. પોતાના બીજા પુસ્તકનો પ્રારંભ ઓકાકુરાએ ‘એશિયાનાં ભાઈઓ અને બહેનો’ લખીને કર્યો, જે સ્વામી વિવેકાનંદજી દ્વારા સર્વધર્મ પરિષદમાં આપેલાં વ્યાખ્યાનોનો પ્રતિધ્વનિ હતો.

હું આ એટલા માટે કહી રહ્યો હતો કે તે સમયે આ પ્રકારના જે દાર્શનિકો હતા, તેઓ વિવેકાનંદજીથી પ્રભાવિત હતા. તે લોકોએ વિવેકાનંદજી પાસેથી “Asia is One’- ‘એશિયા એક છે’ નો મંત્ર મેળવ્યો હતો. આજે 100 વર્ષ પછી આર્થિક, રાજનૈતિક કારણોથી ‘એક એશિયા’ની ચર્ચા થઈ રહી છે. પણ તે સમયે આધ્યાત્મિક એકતાના આધાર પર વિવેકાનંદજી એ જોઈ શકતા હતા કે આ એ જ ભૂમિ છે, જે વિશ્વને મુશ્કેલીઓમાંથી બહાર લાવી શકે છે. આજે જગત જે બે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે, તે સમસ્યાઓનું સમાધાન એશિયાની ધરતીમાંથી જ મળી શકે તેમ છે. એટલે આજે વિશ્વ Climate Change અને Globel Warming ની વાત કહી રહ્યું છે. આજે વિશ્વ કરી રહ્યું છે આતંકવાદ (Terrorism) ની ચર્ચા. આ જ ધરતી છે, જ્યાંથી ભગવાન બુદ્ધનો સંદેશ મળ્યો, આ જ ધરતી છે. જ્યાં હિન્દુત્વનો સંદેશ મળ્યો અને આ જ ભૂમિ પરથી વાતો આગળ ઊઠીને આવી ગઈ છે, જ્યાં આગળ કહેવામાં આવ્યું હતું- एकं सद् विप्रा बहुधा वदन्ति (સત્ય એક છે, પણ જ્ઞાનીઓ તેને અનેક પ્રકારે કહે છે.) આ જે મૂળ મંત્ર છે, તે બધાને એક સમાન રાખવાની, જોડવાની શક્તિ આપે છે. આતંકવાદમાં પવિત્ર જીવનની કલ્પના જ નથી, જ્યારે ભારતમાં દરેક સત્યનો સ્વીકાર કરવામાં આવે છે. જ્યારે દરેક સત્યનો સ્વીકાર કરવામાં આવે છે, ત્યારે સંઘર્ષ માટે અવકાશ જ નથી રહેતો. જ્યાં સંઘર્ષ માટે અવકાશ જ નથી, ત્યાં આતંકવાદના માર્ગે જવાને કોઈ કારણ નથી રહેતું.

આજે વિશ્વ વૈશ્ર્વિક તાપમાનની ચર્ચા કરે છે. અમે તે લોકો છીએ, જેમણે છોડમાં પરમાત્માને જોયા હતા. અમે જેટલી પણ ઈશ્વરની કલ્પના કરી છે, તે દરેક કલ્પનાની સાથે કોઈને કોઈ પ્રાકૃતિક જીવન જોડાયેલું રહ્યું છે. કોઈને કોઈ વૃક્ષની સાથે તેમણે સાધના કરી છે, કોઈને કોઈ પશુ-પક્ષીનું તેમણે પાલન કર્યું છે. આ સ્વાભાવિક સંદેશ અમારી પરંપરામાં રહ્યો છે. અમે પ્રકૃતિના શોષણ કરવાના પક્ષકાર નથી રહ્યા. અમે પ્રકૃતિની સાથે મૈત્રીપૂર્ણ જીવન વિતાવવાનું શિક્ષણ લઈને ચાલવાવાળા લોકો છીએ. આ જ સંસ્કૃતિ છે, જે વૈશ્ર્વિક તાપમાન-ગ્લોબલ વોર્મિંગથી મનુષ્ય જાતિને બચાવી શકે છે. મને લાગે છે કે સ્વામી વિવેકાનંદજીએ આપણને જે માર્ગ બતાવ્યો છે, જો આપણે તેના પર ચાલીએ, તો આપણને આપણી અંદર કોઈ નવા વિવેકાનંદને સ્થાપિત કરવાની જરૂર રહેતી નથી. તેમણે કહેલી એક વાતને સ્વીકારીને પણ જો આપણે ચાલી શકીએ, તો હું સમજું છું કે આવનારી શતાબ્દીઓ સુધી માનવજાતિની સેવા કરવા માટે કંઈકને કંઈક યોગદાન કરી શકીએ છીએ.

આજે મને અહીં યોગના એક પુસ્તકનું લોકાર્પણ કરવાની તક મળી છે. અમારી સરકારની સાથે જ શ્રીમાન શાહૂએ અહીંની ભાષામાં યોગના એક પુસ્તકની રચના કરી છે. તેઓ પોતે સરકારી અધિકારી છે, પરંતુ યોગ પ્રત્યે તેમનું સમર્પણ છે. મને તેમના આ પુસ્તકનું લોકાર્પણ કરતાં આનંદ થયો. આજે વિશ્વ યોગ પ્રત્યે આકર્ષિત થયું છે. પ્રત્યેક વ્યક્તિ તણાવમુક્ત જીવનનો માર્ગ શોધી રહી છે. લાગે છે કે એનું પ્રવેશદ્વાર યોગથી ખૂલે છે, એટલે કોઈપણ આ દરવાજામાં નજર કરવાનો પ્રયત્ન કરે છે.

સંયુક્ત રાષ્ટ્રે આંતરરાષ્ટ્રિય યોગ દિવસ તરીકે 21મી જૂનનો સ્વીકાર કર્યો. દુનિયાના 177 દેશોએ તેને સમર્થન આપ્યું અને દુનિયાના બધા જ દેશોએ 21 જૂને યોગ દિવસ મનાવ્યો. મનુષ્યજાતિ પોતાના માનસિક સમાધાનનો રસ્તો શોધી રહી છે, સંપૂર્ણ સ્વાસ્થ્ય સુરક્ષા (Holistic health care)ની તરફ આગળ વધી રહી છે. ત્યારે તેને લાગ્યું કે યોગ એ એક એવી સરળ વિદ્યા છે, તેને જો આપણે દિવસના અડધો-પોણો કલાક પણ કરી લઈએ તો આપણે આપણાં મન, બુદ્ધિ, શરીરને એક દિશામાં ચલાવી શકીએ છીએ. શું આજે આપણા માટે આ એક પડકાર નથી કે આપણે દુનિયાને સમજાવીએ કે યોગ શું છે? આપણી સમક્ષ પડકાર આ છે કે સમગ્ર વિશ્વ પારંગત યોગશિક્ષકોની માગણી કરી રહ્યું છે. આપણે માટે સૌથી મોટો પડકાર છે કે આપણે યોગ્ય યોગ-શિક્ષક કેવી રીતે આપીએ, જેથી કરીને આ વિદ્યા સાચી રીતે આગામી પેઢીઓ સુધી પહોંચે, સાચે જ લોકો આનો લાભ મેળવે. તેનો જે પણ ઉદ્દેશ્ય હોય, તેનો ઉપયોગ કરવામાં લાભ મળી શકે. એટલા માટે વધુમાં વધુ આધુનિક ભાષામાં આપણે યોગનો પ્રચાર-પ્રસાર કરીએ, વધુમાં વધુ આધુનિક ભાષામાં પ્રતિપાદિત કરીએ, પોતે જ યોગના જીવનને જીવીને દુનિયાની સમક્ષ રજૂ કરીએ અને જેને આ વિષયમાં રુચિ હોય એવા વધુને વધુ યોગના શિક્ષક તૈયાર કરીએ. તેઓ ભલેને વ્યવસાય ન કરે. દિવસમાં આપણે પચાસ કામ કરીએ છીએ, એક કલાક યોગ શીખવા જે કોઈ આવે, આપણે શીખવીશું.

જો આપણે આ બધું એશિયાના વાયુમંડળમાં લાવી શકીએ, તો વિશ્વની જે અપેક્ષા છે, તે અપેક્ષાને પૂરી કરવા માટે ઉત્તમ યોગ-શિક્ષક આપણે દુનિયાને આપી શકીએ.

હું સ્વામી સુપ્રિયાનંદજીનો ઘણો જ આભારી છું કે આજે મને આ પવિત્ર જગ્યાએ આવવાની તક મળી, વિવેકાનંદજીની પ્રતિમાનું લોકાર્પણ કરવાની તક મળી. મને વિશ્વાસ છે કે આ ધરતી ઉપર આવનાર વિશ્વના બધા લોકોને અહીંથી કોઈ પ્રેરણા મળતી રહેશે. આ શુભેચ્છાઓ સાથે આપ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ.

અનુ. સુરમ્ય યશસ્વી મહેતા

Total Views: 327

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.