ગિરા ગુર્જરી’: લેખકઃ લાલજી મૂળજી ગોહિલ; પ્રકાશક: પોતે. પ્રથમ આવૃત્તિ, ૧૯૯૪, મૂલ્ય રૂ. ૮, પૃ. ૬૪

શ્રી લાલજીભાઈ મૂ. ગોહિલ રચિત ૬૪ પૃષ્ઠની આ નાનકડી પુસ્તિકામાં, ગુજરાતી ભાષાના લેખનમાં કલાત્મકતા કઈ રીતે લાવવી અને ભાષાશુદ્ધિ કઈ રીતે જાળવવી તેનું સુંદર માર્ગદર્શન પૂરું પાડેલ છે. તો માત્ર ચાર લેખો પણ ગાગરમાં સાગર ભરી દીધો છે. ગુજરાતી ગદ્યલેખનમાં વિષદતા, ચોક્સાઈ, સચોટતા, વિષયાનુવર્તી ભાષા, સ્વાભાવિકતા, કરકસર અને પ્રવાહિતા જેવા ગુણોનું આરોપણ કઈ રીતે કરવું તેની સદૃષ્ટાન્ત ચર્ચા કરી છે. અલબત્ત, લેખક પોતે કબૂલે છે તેમ, આ લેખની પ્રેરણા તેમને સ૨ આર્થર ક્વિલ૨ના ‘Art of Writing’ માંથી મળી છે. છતાં, ઉદાહરણો / દૃષ્ટાંતોમાં મૌલિકતા જોવા મળે છે. ઉપરાંત ક. મા. મુનશી, વિજયરાય વૈદ્ય, કિ. ધ. મશરૂવાળા, નરસિંહરાવ, આનંદશંકર, વિશ્વનાથ ભટ્ટ, મેઘાણી જેવા ગુજરાતી ભાષાના મૂર્ધન્ય વિદ્વાનોની કૃતિઓમાંથી અવતરણો મૂકી લેખ વધુ સમૃદ્ધ અને સચોટ બનાવ્યો છે. તેમાં લેખકના વિશાળ સાહિત્ય વાચન અને સાહિત્યરુચિનો પણ ખ્યાલ મળે છે.

‘કવિતા સુંદરી’વાળા લેખમાં કવિતાની વિભાવના સ્પષ્ટ કરી છે. કાવ્યનો આત્મા સ્પષ્ટ કરવા ટૂંકાં ટૂંકાં વાક્યો પણ કેવી સચોટતા લાવે છે! ‘‘બુદ્ધિ બોલે કે જ્ઞાન સરજાય, હૃદય બોલે કે કાવ્ય સરજાય”, ‘‘જ્ઞાન પુરુષ છે, કવિતા સ્ત્રી છે.’’ એ સાથે લેખકે ઉમાશંકર, સુંદરમ, બોટાદકર, મેઘાણી વગેરેમાંથી સ-રસ કાવ્યપંક્તિઓ આપી કવિતાનો આત્મા, કવિતાનો દેહ શી રીતે બંધાય છે તે પણ સ્પષ્ટ કર્યું છે.

છેલ્લા બે લેખો શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નવોદિત લેખકોએ ખાસ કાળજીથી વાંચવા જેવા છે. ગાંધીજીએ ભલે કહ્યું હોય કે ‘‘હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.” આમ છતાં, ગુજરાતમાં જોડણી વિશે જેટલી અરાજકતા પ્રવર્તે છે તેટલી કદાચ ભાગ્યે જ કોઈ ભાષામાં હશે. અહીં લેખક કહે છે તેમ, ‘જે સૂચનો આપ્યાં છે તે બધાં જોડણીકોષના નિયમોને અનુસરીને પણ અભ્યાસુને વધારે સ૨લ થાય એ દૃષ્ટિએ નવા ક્રમે ગોઠવીને આપ્યા છે.” આશા રાખીએ કે ગુજરાતનાં ‘લેખકો’ આ નિયમોને પચાવશે. એ જ રીતે અનુસ્વાર વિશે તારવેલા કેટલાક નિયમો પણ ઉપયોગી થાય તેવા છે. ‘સુંદરમ્’નું ‘અનુસ્વાર અષ્ટક’ તો જાણીતું છે જ. પરંતુ એ બધાંને સમજવું મુશ્કેલ છે. અહીં તો લેખકે ભરપૂર દૃષ્ટાંતો આપી, વાક્યમાં પ્રયોગો કરી બતાવી અનુસ્વાર વિશે ગુજરાતીઓને સજાગ બનાવ્યા છે.

પૂનામાં બેઠા બેઠા ‘ગિરા ગુર્જરી’ની સેવા ક૨નારા શ્રી લાલજીભાઈનો આ પ્રયત્ન ત્યારે જ સાર્થક ગણાય કે જો ગુજરાતીઓ ભાષાશુદ્ધિ પ્રત્યે વળે.

– પ્રા. ડૉ. જનકભાઈ જી. દવે

Total Views: 132

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.