अहं निर्विकल्पो निराकाररूपो
विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणाम् ।
न चासङ्गतं नैव मुक्तिर्न मेयः
चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ॥
(નિર્વાણષટ્‌કમ્‌-શ્રીશંકરાચાર્ય)

એવું કહેવાય છે કે ભગવાન શંકરાચાર્ય પોતાના ગુરુજી પાસે અભ્યાસ માટે જાય છે, ત્યારે ગુરુજી પૂછે છે કે તું કોણ છે? ત્યારે ઉપરોક્ત શ્લોક શંકરાચાર્ય બોલે છે, જે આત્માના સ્વરૂપ પર પ્રકાશ પાડે છે.

જો કે, આત્માનું સ્વરૂપ કે લક્ષણો કહેવાં સરળ નથી, કારણ કે આત્મા દુનિયાની કોઈ ચીજ જેવો નથી કે કહી શકીએ કે આત્મા આવો છે. આત્મા ઈશ્વરનું જ રૂપ છે, જે માયા અને જગતની હદથી દૂર છે.

આત્માના સ્વરૂપનું વર્ણન કરવું ખૂબ અઘરું છે. જેમ કે, આંધળા માણસને દૂધ આપ્યું તો તે કહે દૂધ કેવું હોય? તો જવાબ મળ્યો કે ધોળું હોય. તો આંધળો કહે ધોળું એટલે કેવું? જવાબ મળ્યો કે ધોળું બગલા જેવું. આંધળો કહે અરે! એવું વાંકુંચૂકં ગળામાંથી કેમ નીચે ઉતરે? મતલબ કે અંધને ન સમજાયું, તેમ અજ્ઞાનીને પણ સમજાવાનું અઘરું પડે. તે માટે સાધના-ભક્તિ, કર્મ, યોગ કે જ્ઞાન દ્વારા અજ્ઞાન ટાળવું પડે. અજ્ઞાન ટળી જાય તો અંત:કરણમાં જ આત્માનું સ્વરૂપ સમજાય જાય. 

હવે જ્યાં સુધી સાધના પૂર્ણ નથી થઈ, ત્યાં સુધી આત્માને સમજાવવા અન્ય પ્રયુક્તિઓ અજમાવવામાં આવે છે. જેમ કે, રામકૃષ્ણ પરમહંસ કહેતા કે એક વાર કન્યાને તેડવા તેના મિત્રો સાથે વરરાજા જાય છે. કન્યાની સખીઓ કન્યાને પૂછે છે કે આમાં તારો વર કયો? તે જમાનાની સ્ત્રીઓ પતિનું નામ નહોતી લેતી, કારણ કે એવી માન્યતા હતી કે ‘નામ તેનો નાશ થાય.’ હવે વરની ઓળખ મેળવવા શું કરવું? તેની સખીએ એક ઉકેલ શોધી કાઢ્યો. તેણે એક એક કરીને બધા મિત્રોને બતાવીને પૂછ્યું કે આ તારો વર છે? દરેક વખતે કન્યા ના પાડતી હતી કે ના તે નહીં, પણ જ્યારે તેના વરને બતાવીને પૂછ્યું કે આ છોકરો? તો તરત જ કન્યા ચુપ થઈ ગઈ. તેથી તેની સખીઓ સમજી ગઈ કે કન્યાનો વર કોણ છે.

આમ, આ નહીં! આ નહીં!તેમ કહીને આત્માનું સ્વરૂપ જાણવા અને ઓળખવા પ્રયત્ન થાય છે. જેમ કે, આત્મા શરીર નથી, ઇન્દ્રિયો નથી, જગત નથી, પર્વત, નદી, આકાશ કોઈના જેવો નથી. આમ, નકાર દ્વારા સમજાવવા પ્રયત્ન થાય છે. પણ આત્માનું સ્વરૂપ સમજવું અઘરું તો છે જ. કારણ કે આત્મા પરમાત્મા જેવો જ છે. અને પરમાત્મા એક અને અદ્વિતીય છે, તે કોઈના જેવો નથી. કોઈ તેના જેવું નથી.

છતાં તેનું સ્વરૂપ સમજાવવા અમુક લક્ષણો છે. જેમ કે, આત્મા આનંદ સ્વરૂપ છે. પણ તે આનંદ તે દુન્યવી સુખમાંથી પ્રાપ્ત થતો નથી. કોઈ બાહ્ય ચીજવસ્તુઓથી આનંદ થાય તે આત્મા નથી, પરંતુ કોઈ કારણ વિના જ આનંદ થાય તે આત્માનંદ છે. કારણ કે તે આત્મા આનંદ સ્વરૂપ છે. તેનો મૂળ સ્વભાવ જ આનંદ છે.

‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.

Total Views: 208

One Comment

  1. રસેન્દ્ર અધ્વર્યુ March 4, 2023 at 11:02 am - Reply

    ખુબ સુંદર.

    ટાયપો સમજાય જાય નહીં ‘સમજાઈ’ જાય.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.